જૉગિંગ કરવા નીકળી અને યુવતી અમેરિકાની જેલમાં પહોંચી ગઈ

સેડેલા રોમન.

ઇમેજ સ્રોત, AFP/Family Handout

ઇમેજ કૅપ્શન,

સેડેલા રોમન.

ફ્રાંસની એક યુવતી કૅનેડાના તટ પર જૉગિંગ કરવા નીકળી અને અજાણતાં જ સરહદ પાર કર્યા બાદ એમને અમેરિકન પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલાં અટકાયત કેન્દ્રમાં બે અઠવાડિયા પસાર કરવાં પડ્યાં.

19 વર્ષની સેડેલા રોમન પોતાની માતાને મળવા માટે બ્રિટિશ કોલંબિયા ગઈ હતી.

21મી મેની સાંજે તે દરિયા કિનારે જૉગિંગ માટે નીકળી હતી. આ બીચ કૅનેડા અને અમેરિકાની સરહદને જોડે છે.

સેડેલા રોમને કૅનેડાના મિડીયાને જણાવ્યું કે તે થોડા સમય માટે ગંદા લાગતા રસ્તા પર જતી રહી હતી.

પાછા વળતાં તેણે દરિયાનાં મોજાંની એક તસવીર પણ લીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ દરમ્યાન બીચ પર ફરજ બજાવતા અમેરિકન બૉર્ડર પોલીસના બે કર્મચારીઓ ત્યાં આવ્યા.

તેમણે સેડેલાની પૂછપરછ કરી અને વૉશિંગ્ટનનાં બ્લેન વિસ્તારમાં આવી જવાને કારણે એમની ધરપકડ કરી લીધી હતી.

સેડેલાએ રેડિયો-કૅનેડાને જણાવ્યું, "પોલીસે મને કહ્યું કે મેં ગેરકાયદેસર રીતે આ સીમા પાર કરી છે, જ્યારે મેં એમને કહ્યું કે મેં જાણી જોઈને આવું કર્યું નથી."

અચાનક જ લાગ્યું આ તો ગંભીર મુદ્દો છે

ઇમેજ સ્રોત, mihtiander/Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતિકાત્મક તસવીર

ફ્રાંસની નાગરિક સેડેલાને લાગ્યું કે તેમને માત્ર ચેતવણી આપી છોડી મૂકવામાં આવશે અથવા દંડ કરવામાં આવશે.

સેડેલા જણાવે છે, "મને ખબર નહોતી કે આ માટે મને તેઓ જેલમાં નાખી દેશે."

અમેરિકન પોલીસ ઑફિસર સેડેલાને 220 કિમીથી પણ વધુ દૂર દક્ષિણમાં આવેલા ટેકોમા નૉર્થવેસ્ટ અટકાયતગૃહ લઈ ગયા.

પ્રવાસીઓ માટે બનાવેલું આ અટકાયતગૃહ વૉશિંગ્ટન રાજ્યમાં ખાનગી ધોરણે ચલાવવામાં આવે છે.

સેડેલાને પરિસ્થિતિની ગંભીરતા ત્યારે સમજાઈ જ્યારે તેમને ખબર પડી કે તેમની ઓળખ સાબિત કરવા માટે એમની પાસે કોઈ ઓળખપત્ર નથી.

જૉગિંગ કરવા નીકળી હોવાથી તેની પાસે માત્ર એક જોડી કપડાં જ હતાં જે તેમણે પહેર્યાં હતાં.

સેડેલાએ કૅનેડાની સમાચાર ચૅનલ સીબીસીને જણાવ્યું, "પોલીસે મારા આખા શરીરની તલાશી લીધી. ત્યારે મને સમજણ પડી કે મુદ્દો ગંભીર છે. મેં થોડું થોડું રડવાનું પણ શરૂ કરી દીધું હતું."

એમણે કહ્યું કે તેને જ્યાં લઈ ગયા તે અટકાયતગૃહના રૂમમાં 100 લોકો પહેલાંથી જ હાજર હતા.

સેડેલાએ ફ્રાંસની સમાચાર સંસ્થા એફપીને જણાવ્યું, ''અમને હંમેશાં ઓરડામાં પૂરી રાખવામાં આવતા. આંગણામાં કાંટાળા તાર પડેલા હતા. ત્યાં કૂતરા પણ રહેતા હતા.''

"અમે એકબીજાની મદદ કરવાનો પ્રયાસ કરતાં હતા. ત્યાં આફ્રિકા અને બીજા ઘણા દેશના લોકો બંધક હતા."

"આ લોકોની પણ સરહદ પાર કરવાના પ્રયાસો બદલ ધરપકડ કરવામાં આવી હતી."

"આ લોકોને જોઈને અને એમને મળીને મારા અનુભવને એક નવો જ દૃષ્ટિકોણ મળ્યો."

આ રીતે ખુલ્યો મુક્તીનો રસ્તો

સેડેલાને પોતાની માતા ક્રિસ્ટિયન ફર્નેનો સંપર્ક કરવાની મંજૂરી મળી ત્યારબાદ તેમના માતા એમનો પાસપોર્ટ અને વર્ક પરમિટ લઈ વૉશિંગ્ટન અટકાયતગૃહમાં પહોંચ્યાં હતાં.

જોકે, જ્યાં સુધી કૅનેડાના ઇમિગ્રેશન અધિકારીઓએ સેડેલાને પરત ફરવાની મંજૂરી અંગે પુષ્ટિ ના કરી ત્યાં સુધી અમેરિકી અધિકારી તેમને છોડવા માટે રાજી નહોતા.

બન્ને દેશો અંતે રાજી થયા અને સેડેલા 15 દિવસ પછી કૅનેડા પરત આવી શકી.

અમેરિકી ઇમિગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટ દ્વારા મળેલા કાયદેસર દસ્તાવેજોના આધારે સીબીસી ચૅનલે સેડેલાની ધરપકડ અને ત્યારબાદ 6 જૂનના રોજ એમના કૅનેડા પરત જવાના અંગેની પુષ્ટિ કરી છે.

બન્ને દેશોની સરહદ પર હાજર ઇમિગ્રેશન અધિકારીઓએ આ બાબત અંગત છે એમ કહી પ્રતિક્રિયા આપી ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો