શું ન્યાયાધીશ પ્રજ્ઞાચક્ષુ હોય? મળો પાક.ના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ન્યાયમૂર્તિને

  • ફરાન રફી
  • બીબીસી રિપોર્ટર
યુસુફ સલીમ

ઇમેજ સ્રોત, FARAN RAFI

ઇમેજ કૅપ્શન,

યુસુફ સલીમ

ન્યાયની દેવીની આંખ પર પટ્ટી બાંધેલી હોય છે, જેથી કોઈની પણ પક્ષ સાથે ભેદભાવ ન થાય. પરંતુ તમે કોઈ ન્યાયાધીશ વિશે જાણ્યું છે કે જે ખરેખર જોયા વિના જ ન્યાય કરતા હોય.

કોઈ ન્યાયાધીશ પ્રજ્ઞાચક્ષુ હોય એવું ક્યારેય સાંભળ્યું છે? લાહોર શહેરના યુસુફ સલીમ પાકિસ્તાનના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ન્યાયમૂર્તિ બનવા જઈ રહ્યા છે. તેમની જજ બનવાની આ સફર પણ તેમની આ સિદ્ધિ જેટલી રસપ્રદ છે.

પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવનારા યુસુફ સલીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યાર બાદ તેમણે બે વર્ષ સુધી વકીલ તરીકે પણ પ્રૅક્ટિસ કરી. ન્યાયમૂર્તિ બનવાના તમામ માપદંડ પૂરા કર્યા.

વળી જજ બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં મોખરે રહ્યા. પણ ઇન્ટરવ્યૂમાં તે નિષ્ફળ રહ્યા કેમ કે તેમને એવું કહેવાયું કે તેઓ જજ નહીં બની શકે.

આ માટે તેમને એવું કારણ આપવામાં આવ્યું કે તેઓ અંધ છે એટલે માટે તેઓ જજ ન બની શકે. આમ જજ બનવા સામે મોટો અવરોધ ઊભો થયો.

25 વર્ષીય યુસુફ એક ભાગ્યે જ જોવા મળતી જનીન સંબંધી ક્ષતિ છે જેને 'રેટિનિટિસ પિગમેન્ટોસા' (પીઆર) કહેવાય છે.

આ બીમારીના કારણે બાળપણમાં જ તેમની દૃષ્ટિ 30-40 ટકા જ હતી. સમય જતાં તે વધુ ઘટવા લાગી અને હવે તેમનામાં માત્ર પ્રકાશ અનુભવી શકે તેટલી જ દૃષ્ટિ ક્ષમતા છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ

દરમિયાન પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ 'સૂઓ મોટો' નોંધ લીધી. આથી તેમનો કેસ જજના ઉમેદવાર પસંદ કરતી સિલેક્શન કમિટીએ મંજૂર કર્યો અને યુસુફ સલીમની જજ માટે પસંદગી થઈ.

આમ હવે તેઓ પાકિસ્તાનના પહેલા પ્રજ્ઞાચક્ષુ જજ બનવા જઈ રહ્યા છે.

શું તમે આ વાંચ્યું?

હું તેમને તેમના લાહોર સ્થિત ઘરે મળ્યો. રૂમમાં તેઓ દાખલ થતાં જ હું તેમને રસ્તો શોધવા અને બેસવા માટે મદદ કરવાની કોશિશ કરી.

પરંતુ હું મદદ કરું તે પહેલાં તો તેમણે જાતે જ રસ્તો શોધીને મારી બાજુમાં આવીને બેસી ગયા.

તેમણે જજ બનવા માટે કેટલો સંઘર્ષ કર્યો તેની અને જજ બનવાની પ્રેરણા વિશે વાતચીત કરી.

ઇમેજ સ્રોત, FARAN RAFI

યુસુફ સલીમે કહ્યું, "સ્કૂલકક્ષાના ભણતર બાદ કાયદાના અભ્યાસમાં મારી રુચિ વધવા લાગી. એ સમયે પાકિસ્તાનમાં ન્યાયતંત્રને પુનઃસ્થાપિત કરવા મામલે વકીલોનું આંદોલન ચાલી રહ્યું હતું."

"સમગ્ર ઝુંબેશમાં મને વકીલોની ભૂમિકા ઘણી આકર્ષિત કરી ગઈ."

તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં ચાલેલી ઝુંબેશોમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા નામી વ્યક્તિઓ વિશે વાંચીને તેમને ઘણી પ્રેરણા મળી.

તેમણે આ વ્યક્તિઓમાં મોહમ્મદ અલી ઝીણા અને ડૉ. મુહમ્મદ ઇકબાલના નામનો ઉલ્લેખ કર્યો. આ બન્ને પ્રખ્યાત વ્યક્તિઓએ કાયદાનો અભ્યાસ કર્યો હતો.

તેમણે ઉમેર્યું, "મને વકીલાત કરવી ગમે છે, આથી મેં તેનો અભ્યાસ કર્યો. પણ મને લાગતું હતું કે મારે જજ બનવું જોઈએ."

"કેમ કે જજ હોવાથી હું કાયદા મુજબ નિર્ણયો લઈ શકીશ અને લોકોને ન્યાય આપી શકીશ."

પાકિસ્તાનમાં ન્યાય મળવામાં વિલંબ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક

તેમનું માનવું છે કે પાકિસ્તાનમાં લોકોને ન્યાય મળવામાં ઘણો વિલંબ થાય છે.

યુસુફ કહે છે, "કેટલાક લોકોનું આખુ જીવન વીતી જાય છે, પણ તેમને ન્યાય નથી મળતો."

"આ મામલે તેમણે કેસોની સંખ્યા સામે જજની સંખ્યાનો રેશિયો અને ન્યાયમાં વિલંબ કરવા માટેની યુક્તિઓ સંબંધિત કારણોને જવાબદાર ગણાવ્યા."

એક પ્રજ્ઞાચક્ષુ તરીકે તેમના સંઘર્ષ વિશે તેમણે કહ્યું,"તમે અંધ હોવા છતાં ઘણું કરી શકો છો, પણ તમે બધું જ કરી શકો છો તેવું લોકોને સમજાવવું મુશ્કેલ હોય છે."

આ વાત કહેતા તેમણે કહ્યું કે કઈ રીતે લોકો તેમને બિનજરૂરી મદદ કરવાની કોશિશ કરે છે.

લોકો પૂછતા પણ નથી કે તેમને જરૂર છે કે નહીં. શરૂઆતમાં મેં પણ તેમને મળતી વખતે આવી જ ભૂલ કરી હતી.

ઇમેજ સ્રોત, FARAN RAFI

તેમનું કહેવું છે કે દિવ્યાંગ લોકો સાથે પણ સામાન્ય લોકોની જેમ જ વ્યવહાર કરવો જોઈએ. સમાજે આવા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

તેઓ કહે છે,"એક દિવ્યાંગ વ્યક્તિ તરીકે તમારે દરરોજ તમારી જાતને પુરવાર કરવાની હોય છે. તમારે પુરવાર કરવાનું હોય છે કે તમે પણ સામાન્ય લોકોની જેમ જ બધું કરી શકો છો. મારા માટે આ બાબત સૌથી વધુ પડકારજનક છે."

તેમના અનુભવ વિશે જણાવતા યુસુફે કહ્યું, "ઘણી વાર દિવ્યાંગ લોકો વિશે શિક્ષિત લોકો પણ ગેરસમજ ધરાવતા હોય છે."

તેમણે આ અંગે એક ઘટના યાદ કરતા કહ્યું કે એક વખત એક વ્યક્તિએ તેમના મિત્રને યુસુફ માટે 'ઇન્ટરપ્રિટર' બનવા કહ્યું કેમ કે તેમને એમ કે યુસુફ અંધ હોવાની સાથે સાથે બોલી અને સાંભળી પણ નથી શકતા.

"સમાજમાં આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે દિવ્યાંગ લોકો સાથે સંવાદ કરવા નથી માગતા."

"આપણે જાણવા જ નથી ઇચ્છતા કે તેઓ કઈ રીતે કામ કરે છે અને અન્ય લોકોના તેમની સાથેના વ્યવહાર વિશે તેમની શું અપેક્ષા છે."

કેવી રીતે યુસુફ સલીમે એજ્યુકેશન મેળવ્યુ?

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે મેં યુસુફ સલીમને તેમની કામ કરવાની શૈલી વિશે પૂછ્યું કેમ કે કાયદાનું શિક્ષણ મેળવવા માટે ઘણો બધો અભ્યાસ કરવો પડે છે.

તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું, "ટેકનૉલૉજી ઘણી આધુનિક છે. સોફ્ટવૅરની મદદથી કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કોઈ પણ પુસ્તક કે લેખ વાંચી શકે છે."

તેમણે તેમના કમ્પ્યૂટર પર મારી સામે કામ શરૂ કર્યું. કમ્પ્યૂટરે તેમની સાથે રોબૉટિક અવાજમાં ઘણી વાત કરી.

યુસુફે તેમના કીબૉર્ડ પર કેટલાક બટન દબાવ્યા, ત્યારે તેમનું કમ્પ્યૂટર તેને વાંચીને સંભળાવા લાગ્યું.

આ રીતે તેમણે કૉલેજ અને પ્રોફેશનલ શિક્ષણ પૂરું કર્યું. તેમણે આવી જ રીતે જજ બનવાની સ્પર્ધાત્મક પરીક્ષા પણ પાસ કરી.

પાકિસ્તાનમાં પ્રજ્ઞાચક્ષુ લોકો માટે સંસાધનોની કેવી સમસ્યા છે તે વિશે પણ યુસુફે વાતચીત કરી.

વિશ્વભરમાં પુસ્તકો ઇલેક્ટ્રૉનિક સ્વરૂપમાં ઉપલબ્ધ છે, પણ પાકિસ્તાનમાં આવી સુવિધા નથી.

તેમણે આ સમસ્યા વિશે જણાવતા કહ્યું, "અહીં પાકિસ્તાનમાં મારે વાંચતા પહેલાં બધું જ સ્કૅન કરવું પડે છે."

તેમના મતે આ સમસ્યા તેઓ જજ તરીકે કામ શરૂ કરશે ત્યારે મોટો પડકાર સર્જશે.

"કેમ કે કોર્ટના એક પણ દસ્તાવેજ ઇલેક્ટ્રૉનિક સ્વરૂપમાં ઉપલબ્ધ નથી."

જજના શપથ લેવા માટે ઉત્સુક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ

તમામ મુશ્કેલીઓ છતાં યુસુફ તેમના ભાવિ માટે આશાવાદી છે અને જજના શપથ લેવા માટે ઉત્સુક છે.

તેમના માટે આ અસાધારણ બાબાત નથી કેમ કે તેઓ એક ખૂબ જ સફળ-શિક્ષિત પરિવારમાં ઉછર્યા છે.

તેમના બે મોટા બહેન છે. તે બન્ને પણ પ્રજ્ઞાચક્ષુ છે અને હાલમાં શિક્ષણના ક્ષેત્રમાં પીએચડી કરી રહ્યાં છે.

તેમના અન્ય એક બહેન સાઇમા સલીમ પાકિસ્તાનની સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરનારાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ હતાં.

તેમણે જીનીવા અને ન્યૂ યોર્કમાં પાકિસ્તાનનાં યુએનના મિશનમાં પાંચ વર્ષ સુધી ફરજ બજાવી હતી.

હાલ તેઓ પાકિસ્તાનના વડા પ્રધાનની કચેરીમાં ફરજ બજાવી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો