'મહિલાઓ માટે વિશ્વભરમાં ભારત સૌથી ખતરનાક દેશ'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં થાય છે. આ તારણ મંગળવારે થોમસન રોયટર્સ ફાઉન્ડેશને જાહેર કરેલા ગ્લોબલ ઍક્સ્પર્ટ્સ સરવેમાં બહાર આવી.

આ સરવેમાં એવું પણ બહાર આવ્યું કે મહિલાઓને નોકરાણી બનાવવામાં ભારત સૌથી આગળ પડતો દેશ છે.

આ સરવે થોમસન રોયટર્સ ફાઉન્ડેશન તરફથી મહિલાઓના મુદ્દે કામ કરતી 550 મહિલા નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો હતો.

સરવેમાં બહાર આવ્યું કે ભારત મહિલા સુરક્ષા મામલે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન અને સીરિયાથી પણ પાછળ છે.

'વડા પ્રધાન યોગનો વીડિયો બનાવવામાં મશગૂલ'

મહિલાઓ માટે સૌથી વધુ ખતરનાક દેશ ભારત છે. બીજા નંબરે અફઘાનિસ્તાન અને સીરિયા છે. ત્યારબાદ સોમાલિયા અને સાઉદી અરબનો નંબર આવે છે.

સમાચાર એજન્સી રોયટર્સ મુજબ ભારતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ સરવે અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિપોર્ટ શેર કરતા ટ્વીટ કર્યું, "આપણા વડા પ્રધાન યોગનો વીડિયો બનાવવામાં વ્યસ્ત છે, જ્યારે બીજી તરફ મહિલાઓ વિરુદ્ધ હિંસા અને બળાત્કારના મામલે ભારતની સ્થિતિ અફઘાનિસ્તાન, સીરિયા અને સાઉદી અરબથી વધુ ખરાબ છે. આપણા માટે આ શરમની વાત છે."

ઇમેજ સ્રોત, RAHUL-TWITTER

મહિલાઓ માટે ખતરનાક દેશોની યાદીમાં અમેરિકા 10મા સ્થાને છે. પાકિસ્તાન આ લિસ્ટમાં નવમા ક્રમે છે.

વર્ષ 2011માં થોમસન રોયટર્સ ફાઉન્ડેશને આવો જ એક સરવે કરાવ્યો હતો જેમાં અફઘાનિસ્તાન, કોંગો, પાકિસ્તાન, ભારત અને સોમાલિયાને મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ બતાવવામાં આવ્યા હતા. પરંતુ આ લિસ્ટમાં ભારત પ્રથમ સ્થાને નહોતું.

નિષ્ણાંતોના મતે ભારતમાં મહિલાઓ માટે ખતરનાક હોવું એ જણાવે છે કે તેમની સુરક્ષા માટે પૂરતા પ્રયત્નો કરવામાં નથી આવ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

કર્ણાટક સરકારના અધિકારી મંજુનાથ ગંગાધર જણાવે છે, "દેશમાં મહિલાઓ સાથે બળાત્કાર, જાતીય હિંસા, બાળ હત્યા એવું દર્શાવે છે કે ભારત મહિલાઓની ઉપેક્ષા કરી રહ્યું છે."

તેમણે ઉમેર્યું, "દુનિયામાં સૌથી ઝડપી વિકસી રહેલા અર્થતંત્ર અને અવકાશમાં પણ હાજરી નોંધાવી ચૂકેલા દેશ માટે આ બાબત શરમજનક છે."

9 વર્ષમાં મહિલાઓ સાથે 83 ટકા હિંસા વધી

ઇમેજ સ્રોત, Getty Images

નિર્ભયા ગેંગરેપ બાદ એક વખત એવું પ્રતીત થવા લાગ્યું હતું કે ભારતમાં મહિલાઓની સુરક્ષાને દેશમાં પ્રાથમિકતા રૂપે જોવામાં આવતી હતી, પરંતુ સરવેમાં તેનું ઊલટું પરિણામ જોવા મળે છે.

સરકારી આંકડા જણાવે છે કે વર્ષ 2007 થી 2016 વચ્ચે મહિલાઓ સાથે કરવામાં આવતા હિંસાના મામલાઓમાં 83 ટકાનો વધારો થયો છે.

આ દરમિયાન દર ચાર કલાકમાં એક મહિલા બળાત્કારનો ભોગ બની રહી છે.

મહિલાઓની તસ્કરીના મામલાઓમાં ભારત, લીબિયા અને મ્યાનમારનું નામ સૌથી ઉપર છે અને તેની અંદાજિત વાર્ષિક સંપત્તિ 1 હજાર 25 અબજ રૂપિયા (150 બિલિયન ડૉલર) છે.

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષોથી યુદ્ધના ભય હેઠળ જીવતું અફઘાનિસ્તાન, સોમાલિયા અને સીરિયા મહિલાઓ માટે ખરાબ સ્વાસ્થ્ય સેવાઓ અને યુદ્ધ સંબંધિત હિંસામાં સૌથી મોખરે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે પાંચમાં નંબરે રહેલા સાઉદી અરબમાં હાલના દિવસોમાં સુધારો તો થયો છે પરંતુ તે પૂરતું નથી.

અમેરિકા દસમાં સ્થાન પર આવ્યું તેની પાછળનું કારણ #MeToo કેમ્પેઇન હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ સરવેમાં ભાગ લેનાર સહાયતા કર્મીઓ, સ્વાસ્થ્ય કર્મચારીઓ, શિક્ષા ક્ષેત્રના નિષ્ણાંતો, એનજીઓના કર્મચારીઓ, પૉલીસ મેકર્સ અને સામાજિક મામલાઓના જાણકારો સામેલ હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો