કિટ્ટી મેરિયનઃ હીરોઇનમાંથી બની 'ત્રાસવાદી'

કિટ્ટી મેરિયન

લંડન મ્યુઝિયમના આર્કાઇવ્ઝમાં સંશોધન કરી રહેલી એક સ્ટુડન્ટને એક મતાધિકારનું આંદોલન કરનારી મહિલા (suffragette) બોમ્બરના અપ્રગટ સંસ્મરણો વાંચવા મળ્યા ત્યારે તે વિચારે ચડી કે શું આંદોલનના ઇતિહાસને સેનિટાઇઝ કરી નખાયો છે.

નારી આંદોલનકારો સ્ત્રીઓને મતાધિકાર અપાવી શક્યા હતા, પણ તેમાંના કેટલાક ત્રાસવાદીઓ હતા તેવું આ આંદોલનકારી નારીએ તેના સંસ્મરણોમાં લખ્યું હતું.

ફર્ન રિડલ બોમ્બને તરત જ ઓળખી ગયા હતા. 15 સપ્ટેમ્બર 2017ના રોજ પશ્ચિમ લંડનના પાર્સન્સ ગ્રીન અંડરગ્રાઉન્ડ સ્ટેશને થયેલા વિસ્ફોટ પછી ડઝનથી વધુ તપાસ બેસાડાઈ હતી.

એક જ વર્ષમાં આ પાંચમો વિસ્ફોટ હતો અને રિડલ માહિતી મેળવવા આકળા બન્યા હતા.

તેમણે રિયલ ટાઇમ અપડેટ જાણવા માટે સોશિયલ મીડિયામાં ખાંખાખોળા શરૂ કર્યા. તેમને એક વ્હાઇટ પ્લાસ્ટિકની ડોલ સળગતી દેખાઈ.

ટ્રેનમાં જે બૉમ્બ ફાટ્યો હતો તેને પ્લાસ્ટિકની ગ્રોસરી બેગમાં ભરીને ડોલમાં છુપાવીને રખાયો હતો.


ફોટો લાઈન ફર્ન રિડલ

રિડલ આ તસવીર જોઈને વિચારે ચડી ગયા. તેમણે વિચાર્યું, "એ જ છે suffragette બૉમ્બ. કેમિસ્ટ અને હાર્ડવેર સ્ટોરમાંથી ખરીદેલી વસ્તુઓથી તમે ઘરે જ બનાવી શકો તેવો બૉમ્બ.

"આવા જ બૉમ્બનો ઉપયોગ કરીને નારી આંદોલનકારીઓએ દેશમાં આતંક ફેલાવીને પોતાના તરફ ધ્યાન દોર્યું હતું."

રિડલને મતાધિકાર આંદોલનકારી નારીઓમાં રસ પડ્યો તેને પાંચેક વર્ષ થઈ ગયા હતા.

તેઓ ઇતિહાસ વિષયમાં પીએચ.ડી. કરી રહ્યાં હતાં ત્યારે તેમનું ધ્યાન તે તરફ દોરાયું હતું. જોકે પહેલાં તેમને એમ જ લાગ્યું હતું કે આની સાથે તેને કંઈ લેવાદેવા નથી.

તેઓ કહે છે, "મને લાગ્યું કે મારા માટે આ ટ્રેપ છે. હું એક યુવાન મહિલા ઇતિહાસકાર છું એટલે મારે મહિલાઓ વિશે લખવું જોઈએ, suffrage વિશે લખવું જોઈએ એવા ટ્રેપમાં જાણે મને લેવાઈ હતી.

"તેમને વધારે રસ વિક્ટોરિયન મ્યુઝિક હોલ્સમાં હતો. તેમાં બધા વર્ગના લોકો આવતા હતા અને તે મનોરંજનનું એક લોકતાંત્રિક અને પરવડે તેવું માધ્યમ હતું.

"તે જમાનાનું એ ઇન્ટરનેટ હતું."

રિડલ કહે છે, "આજે સોશિયલ મીડિયામાં મીમ્સ આવે છે, તે રીતે તે વખતે મ્યુઝિક હોલમાં જ ગીત લખાતું હતું અને ભજવાતું હતું.

"19મી અને 20મી સદીના ઇતિહાસકારોએ સંયમિત વર્ણન કર્યું છે, તેનાથી વિપરિત તે એક ધમાલીયું અને ઉત્સાહી વાતાવરણ હતું. ખાસ કરીને મહિલાઓ માટે.

"મને તેમાં રસ પડી ગયો અને તેનો અભ્યાસ કરવાનો ઉત્સાહ જાગ્યો હતો."

આપને આ પણ વાંચવું ગમશે

Image copyright Alamy

પરંતુ લંડન મ્યુઝિયમના આર્કવાઇવ્ઝમાં આર્કાઇવિસ્ટ બેવરલી કૂકની મદદથી અચાનક મળી આવેલી આ માહિતી સાથે શોધની દિશા તદ્દન બદલાઈ ગઈ.

રિડલ કહે છે, "બેવરલીએ મને જણાવ્યું કે આ કોઈ મ્યુઝિક હોલ આર્ટિસ્ટની અપ્રગટ આત્મકથા છે. કોઈએ ભાગ્યે જ તે વાંચી છે. તે પોતે નારી મતાધિકાર માટે લડનારી (suffragette) પણ હતી. કદાચ તમને આમાં રસ પડે તો.'

"તે વખતે મોટા ભાગના લોકોમાં હોય તેવી એક છાપ આંદોલનકારીઓ વિશે મારા મનમાં હતી.

"બારીઓ તોડી નખાતી હતી, દોરડાથી બાંધીને લઈ જવાતી હતી, પરાણે ભોજન અપાતું હતું, તે વખતના પોસ્ટર્સ અને માર્ચિંગ એ બધું હું જાણતી હતી. મને હતું કે તે મહિલાઓ વિશે હું બધું જ જાણું છું."

રિડલે મનોમન નક્કી કર્યું કે તે મ્યુઝિક હોલ વિશેનું લખાણ વાંચશે અને આંદોલન વિશેની વાતોને છોડી દેશે. તેમને હાથે લખેલા કાગળોના બે ફોલ્ડર્સ આપી દેવાયા.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
શું આપ જાણો છો કે વરસાદ કેવી રીતે આવે છે?

રિડલ કહે છે, "પાંચેક પાના વાંચ્યા અને તેમાંથી એક અવાજ ગુંજવા લાગ્યો. તે એક એવી suffragette વિશે વાંચી રહી હતી, જેણે આગજની અને હુમલાનું ખુલ્લીને વર્ણન કર્યું હતું.

"બીજા કાગળોમાંથી એવો પણ ખ્યાલ આવ્યો કે તે એક બૉમ્બર પણ હતી. બીજા શબ્દોમાં કહીએ તો તે એક 'ટેરરિસ્ટ' હતી."

રિડલ ઉમેરે છે, "એ પાનાઓમાં કિટ્ટી એક પ્રભાવશાળી વક્તા તરીકે પ્રગટ થઈ રહી હતી.

"મેં ક્યારેય ના સાંભળી હોય તેવી હિંસક ઘટનાઓ વિશે તે મને જણાવી રહી હતી. પછી મેં મારા મિત્રો અને સગાઓ સાથે અને હું જાણતી હતી તે અભ્યાસુઓ સાથે પણ વાત કરી. તે લોકોએ ક્યારેય આવી કોઈ વાત સાંભળી નહોતી.

"આપણા ઇતિહાસનો આ એક એવો હિસ્સો હતો, જેના તરફ ઇતિહાસકારોએ નજર નાખી જ નહોતી અને અહીં મારી સામે પ્રાઇમરી સોર્સ હતો. એક એવી મહિલાની વાત, જે ઇતિહાસના પુસ્તકોમાં ક્યારેય જોવા મળી નહોતી."

તે આ ક્ષણને 'દ' વિન્સી કોડ મોમેન્ટ' ગણાવે છે.

Image copyright Alamy

આર્કાઇવ બંધ થવાનો સમય થયો ત્યાં સુધી રિડલ ત્યાં જ બેઠા રહ્યા અને કિટ્ટી મેરિયનની સ્ટોરી એક બેઠકે જ વાંચી કાઢી.

કેથેરિના મારિયા શેફર 15 વર્ષની ઉંમરે લંડન આવી હતી. જર્મનીમાં પોતાના ઘરે ત્રાસથી કંટાળીને તેઓ ભાગી આવીહતી.

બચપણમાં જ તેમના માતા મૃત્યુ પામી અને ક્રૂર પિતાના હાથે તેનો ઉછેર થતો હતો.

કેથરિનાએ પાળેલું પપ્પી તેના તરફ લાગણી બતાવવા લાગ્યું, ત્યારે પિતાએ તેને જ મારી નાખ્યું.

કેથેરિના પૂર્વ લંડનમાં તેની માસી, મામા અને પિતરાઇઓ સાથે રહેતી હતી અને ઝડપથી અંગ્રેજી શીખી લીધું હતું. કોઈક રીતે તેનો પરિચય મ્યુઝિક હોલના ધબકતા માહોલ સાથે થયો અને તેને લાગ્યું કે જીવનમાં કશુંક કરવા જેવું છે.

તેમણે પોતાનું નામ બદલીને કિટ્ટી મેરિયન કરી નાખ્યું અને અભિનેત્રી તથા ડાન્સર તરીકે પોતાની કૅરિયર શરૂ કરી.

રિડલ કહે છે, "કિટ્ટી આ નવી દુનિયાથી ચકિત થઈ ગઈ હતી.

"વિક્ટોરિયન લંડનમાં મ્યુઝિક હોલ એક થનગનતા અને કૉસ્મોપોલિટન માહોલનું સ્થાન હતું.

"અહીં આવતી મહિલાઓ વ્યવસાયીઓ હતી, આર્થિક રીતે સદ્ધર હતી અને આંતરજાતીય લગ્નો સામાન્ય હતાં. "

રિડલ ઉમેરે છે,"કિટ્ટીના મિત્રોનું વર્તુળ વૈવિધ્યભર્યું હતું. તેમાં ચીની ડિપ્લોમેટનો દીકરો હતો, જેણે કિટ્ટીને પ્રથમવાર સિગરેટ પીવરાવી હતી.

"મજબૂત, સેક્સુઅલી મુક્ત મહિલાઓ સાથે તેમની મજબૂત દોસ્તી થવા લાગી. મેં ઇતિહાસમાં વાંચેલા પાત્રોથી આ જુદા જ પ્રકારની મુક્ત મહિલાઓ હતી."

મેરિયન પહેલેથી જ સ્ત્રીપુરુષ સમાનતા કે નારીને મતાધિકારમાં માનતી નહોતી, પણ રિડલ કહે છે તેમ એક ઘટનાએ મેરિયનના વિચારો બદલી નાખ્યા.

મ્યુઝિક હોલના એજન્ટે તેમના પર શારીરિક બળજબરી કરી અને તેના કારણે મેરિયનને આંચકો લાગ્યો હતો.

મ્યુઝિકની ઇન્ડસ્ટ્રીમાં શક્તિશાળી પુરુષો હતા તેની વચ્ચે કૅરિયર કેવી રીતે બનશે તેના વિશે તે વિચારે ચડી ગઈ.

તેણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે કઈ રીતે આ ઘટનાથી તેનું સમગ્ર અસ્તિત્વ બળવો પોકારી ઉઠ્યું હતું.

રિડલ કહે છે, "ભાગ્યે જ કોઈ મહિલા પોતાના પર થયેલી શારીરિક બળજબરીને ભૂલી શકે.

"કોઈ એમ વિચારે કે પોતાને મન થાય ત્યારે સ્પર્શે, કિસ કરે કે મહિલાને પકડી લે તે ક્ષણ નારી ક્યારેય ના ભૂલી શકે."

અભિનેત્રી તરીકે તેણે સતત પ્રવાસ કરવો પડતો હતો. મેરિયન જોયું કે આવા અનુભવો બીજી યુવતીઓને પણ થતા હતા.

રિડલ માને છે, "પોતાના વ્યવસાયમાં સ્ત્રીને સલામતી મળવી જોઈએ અને પોતાનું શરીર સોંપી દીધા સિવાય પોતે સ્વતંત્ર રહી શકવી જોઈએ એ વિચારના કારણે કિટ્ટી suffragette મૂવમેન્ટ તરફ આકર્ષાઈ."

મેરિયન એક્ટ્રેસ ફ્રેન્ચાઇઝ લીગમાં જોડાઈ, જે ઘણીવાર pro-suffragette નાટકો રજૂ કરતી હતી.

ત્યારબાદ તે પેન્કહર્સ્ટ વિમેન્સ સોશિયલ ઍન્ડ પોલિટિકલ યુનિયનમાં જોડાઈ હતી.


તે પછી કિટ્ટી પ્રદર્શન અને ધરણામાં ભાગ લેવા લાગી અને આગળ જતા નાગરિક અસહકારના ઉગ્ર કાર્યક્રમોમાં પણ ભાગ લેવા લાગી હતી.

તેણે ન્યૂકેસલની પોસ્ટ ઓફિસની બારીને ઇંટ મારીને તોડી નાખી તે પછી તેને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

જેલમાં રહેલી બીજી આંદોલનકારી મહિલાઓની જેમ તેણે પણ ભૂખ હડતાળ કરી હતી.

જેલના સત્તાવાળાઓ આ મહિલાઓને બળજબરીથી તેમના મોઢામાં ટ્યુબ નાખીને જમવાનું આપતાં હતાં.

મેરિયને તેના વિરોધમાં ગેસ લેમ્પ તોડી નાખ્યો હતો અને એક વાર પોતાની કોટડીમાં રહેલી સાદડીને સળગાવી દીધી હતી.

તે પછી આગજનીના મામલામાં તે વારંવાર જેલમાં ગઈ હતી.

13 જૂન 1913ની રાત્રે તે અને અન્ય આંદોલનકારી મહિલાએ રેસકોર્સ ગ્રાન્ડસ્ટેન્ડે આગ લગાવી દીધી હતી.


એપ્સમ ડર્બી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન કિંગ જ્યોર્જ પંચમના અશ્વે એક મહિલા એમિલી ડેવિડસનને કચડી નાખી તેમાં તેનું મોત થયું હતું.

તેના વિરોધમાં ગ્રાન્ડ સ્ટેન્ડને જ આગ ચાંપી દેવાઈ હતી. બીજા દિવસે તે બંનેને પકડી લેવાઈ હતી.

આ વખતે દિવસમાં તેને પરાણે 232 વાર ખાવાનું અપાયું હતું. કિટ્ટીની કથાથી રિડલ ચકિત થઈ ગયાં હતાં.

આ એક એવી મહિલા હતી જેનું નામ જાણીતું થયું નહોતું, પણ તે ખરેખર મતાધિકાર મૂવમૅન્ટમાં આગળ પડતો ભાગ ભજવી રહી હતી.

રિડલે તે પછી દિવસો સુધી, મહિનાઓ સુધી અને આખરે વર્ષો સુધી આના પર કામ કર્યું. વિશાળ જથ્થામાં રહેલા આર્કાઇવ્ઝ દસ્તાવેજો તેઓ ચકાસતા રહ્યા.

ડાયરી, પત્રો, પોલીસ રેકર્ડ્સ, પ્રગટ થયેલા સંસ્મરણો અને અખબારી અહેવાલોના આધારે રિડલે મેરિયનની જીવનકથાના તાંતણા મેળવ્યા.

આ મહિલા આંદોલનકારીઓ માત્ર બારીઓના કાચ તોડવા કે આગ લગાવવાનું જ માત્ર કામ નહોતી કરતી.

આ મહિલાઓએ ફોસ્ફરસની નાની શીશીઓ પોસ્ટમાં મોકલતી હતી.

પોસ્ટમેન તેને ખોલવા જાય, ત્યારે તૂટી જાય તો ખરાબ રીતે દાઝી જતા હતા. આ મહિલાઓ બૉમ્બ પણ ગોઠવતી હતી.

રિડલ કહે છે, "સન 1913ની શરૂઆત સુધીમાં મતાધિકાર આંદોલનકારીઓ ખૂબ સંગઠિત થઈ ગઈ હતી. આજની જેમ તે વખતે તરત જ બૉમ્બ ફાટતા નહોતા. પહેલાં તેની વાટ સળગે અને ધૂમાડો પણ નીકળે.

તેના કારણે લોકોને નાસી જવાનો સમય મળી જતો હતો. આવા બૉમ્બ મોટા ફૂટબૉલમાં મૂકીને જાહેર જગ્યાએ મૂકાતા હતા."

મતાધિકાર આંદોલનકારીઓની નેતા એમેલીન પેન્કહર્સ્ટે પોસ્ટરો છાપીને તેમાં લખ્યું હતું કે આ લડાઇ "સતત ચાલનારી અને સરકાર સામેની વિધ્વંસક ગેરિલા લડાઇ છે".

આંદોલનકારી નારીઓ અને પોલીસ બંને તેને ત્રાસવાદનો સમયગાળો ગણાવે છે, જ્યારે અખબારોમાં પણ "Suffragette Terrorism" એવું લખાતું હતું.

રિડલ કહે છે, "આજે આપણે જેને ત્રાસવાદ તરીકે ઓળખીએ છીએ તેના જેવું જ આ હતું તેમાં કોઈ શંકા નથી."

કિટ્ટીએ આગજની વિશે ખુલ્લીને લખ્યું છે, પણ બૉમ્બ હુમલા બાબતમાં ખુલ્લીને લખ્યું નથી.

તેણે પોતે જ્યાં આગ લગાવી હતી તેના ક્લિપિંગ્સ સાચવી રાખ્યા હતા. ક્લિપિંગ્સમાં કેટલાક રિપોર્ટ એવા પણ છે, જેમાં બૉમ્બ વિસ્ફોટનો ઉલ્લેખ હોય.

જોકે તેમાં બૉમ્બ હુમલો કરનારની ઓળખ અપાઈ નહોતી. રિડલ માને છે કે કિટ્ટી જ આ બૉમ્બ વિસ્ફોટ પાછળ હતી.

એક આંદોલનકારીએ અન્યને લખેલા પત્રોમાં પણ કેટલાક રહસ્યો છતા થઈ જતા હતા.

રિડલ ઉમેરે છે કે એવા અણસાર પણ મળે છે કે પાછળના વર્ષોમાં આંદોલનકારી મહિલાઓએ સંપીને પોતાના પ્રગટ થયેલા સંસ્મરણોમાં હિંસાના બનાવોને કાઢી નાખ્યા હતા.

રિડલે જાહેરમાં કિટ્ટી મેરિયનના હિંસક વર્ણનની વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે મતાધિકાર આંદોલન વિશે લખનારા ઇતિહાસકારો તરફથી વિરોધ થવા લાગ્યો હતો.

રિડલ કહે છે, "એક ઇતિહાસકારે પત્ર લખ્યો કે મારું સંશોધન શરમજનક છે અને મારે તેમાં આગળ વધવું જોઈએ નહીં.

"કૅરિયરની શરૂઆત કરનાર મારા જેવી સ્ટુડન્ટ માટે તે બહુ ડરામણી ધમકી હતી.

"અન્ય ઇતિહાસકારો ડિફેન્સિવ હતા અને કહેતા હતા કે suffragette આંદોલનની યાદોને ભૂંસાઈ નથી.

હું તેમને પૂછવા માગું છું કે શું તમે suffragette બૉમ્બર્સ વિશે સાંભળ્યું છે? તમે ક્યારેય તેમને ટેરરિસ્ટ કહેતા સાંભળ્યું છે?"

રિડલ કહે છે કે 1914માં પ્રથમ વિશ્વ યુદ્ધ થયું તે પછી જ આંદોલનકારી મહિલાઓની ઉગ્રતા ઓછી થઈ હતી.

તેના એક વર્ષ પહેલાં જ છેલ્લીવાર કિટ્ટી મેરિયનની ધરપકડ કરાઈ હતી. રેસકોર્સના ગ્રાન્ડસ્ટેન્ડને આગ લગાવવાની શંકાના આધારે તેમની ધરપકડ થઈ હતી.

કિટ્ટીને ત્રણ વર્ષની કેદની સજા થઈ હતી. કેટલાય મહિના સુધી તે જેલમાં રહી હતી.


Image copyright Getty Images

બાદમાં તેને હોસ્પિટલ મોકલી દેવાઈ હતી, કેમ કે સતત ભૂખ હડતાળને કારણે તેની હાલત બહુ ખરાબ થઈ હતી અને જેલમાં જ તેનું મોત થઈ જાય તેવો ડર હતો.

આવી રીતે ઘણી મહિલાઓને હોસ્પિટલ મોકલાઇ હતી અને બાદમાં તબિયત સારી થઈ તેમને ફરી જેલમાં મોકલી દેવાઇ હતી.

પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ એટલે બ્રિટિશ સરકારને મોકો મળી ગયો અને સરકારે આ આંદોલનની સૌથી ખતરનાક મહિલા પર જર્મનીની જાસૂસ હોવાનો આરોપ મૂકી દેવાયો એમ રિડલ કહે છે.

જોકે મેરિયનના કેટલાક વફાદાર મિત્રો પણ હતા. કેટલીક હાઈ પ્રોફાઇલ આંદોલનકારી મહિલાઓએ તેને મદદ કરી અને તે હોસ્પિટલમાંથી જેલમાં જાય તેના બદલે અમેરિકા જતી રહે તે માટે મદદ કરી હતી.

ન્યૂ યોર્કમાં પહોંચ્યા પછી કિટ્ટીમાં ફરી સામાજિક ન્યાય માટે લડવાની તમન્ના જાગી હતી.

કિટ્ટી મેરિયને માર્ગારેટ સેંગર સાથે મિત્રતા કરી હતી અને તેમની સાથે અમેરિકન બર્થ કન્ટ્રોલ મૂવમેન્ડમાં જોડાઈ હતી. બાદમાં તે આંદોલન 'પ્લાન્ડ પેરેન્ડહૂડ' તરીકે જાણીતું થયું હતું.

રિડલ કહે છે, "આ એક એવી મહિલા છે, જે બે મોટા આંદોલનો સાથે જોડાયેલી હતી અને છતાં આપણે તેનું નામ પણ જાણતા નથી."

પીએચ.ડી. માટે રિડલે કરેલા આ સંશોધનના આધારે બાદમાં તેમણે પુસ્તક પણ પ્રગટ કર્યું, જેનું નામ છે 'ડૅથ ઇન ટેન મિનિટ્સ.'

આ પુસ્તકના આધારે મેરિયન અને તેની સખીઓ વિશેની નાટકની સિરીઝ પણ તૈયાર થઈ છે.

આંદોલનમાં કિટ્ટી અને તેની સખીઓનું આ ગ્રૂપ પોતાને 'ધ યંગ હૉટ બ્લડ્સ' એવી રીતે ઓળખાવતું હતું. રિડલ આ ગ્રૂપ પર બૉમ્બ એટેક કર્યાનો આક્ષેપ મૂકી રહ્યા છે.

જોકે રિડલ સ્પષ્ટતા કરે છે કે તેઓ આંદોલનકારીઓની પ્રતિષ્ઠા ખરડવા માગતા નથી.

"હું તો આ મહિલાઓ વિશે જાણીને આભી થઈ ગઈ છું.

"પરંતુ આ મહિલાઓ સમગ્ર રીતે શું હતી તે બાબતની આપણે અવગણના કરવી જોઈએ નહીં.

"પેલી જૂની અને જાણીતી કહેવત છે કે - એક માટે ત્રાસવાદી તે બીજા માટે ફ્રિડમ ફાઇટર છે. અહીં પણ એવી જ વાત છે."

રિડલે પોતાના ઘરમાં કિટ્ટી મેરિયનની તસવીર લગાવીને રાખી છે.

રિડલ ઉમેરે છે, "કિટ્ટી પોતાની કથા કહેવા માગતી હતી અને મને ગૌરવ છે કે હું આખરે તેની કથા જગતને જણાવી શકી છું.

"આપણી મુક્તિ માટે આ બધી મહિલાઓએ કેવો સંઘર્ષ કર્યો હતો અને કેવી મુશ્કેલી સહન કરી હતી તે સૌએ જાણવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો