ભારત સાથેનો '2+2 ડાયલૉગ' યુએસએ મુલતવી રાખ્યો

ભારત યુએસ Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ભારત અને યુએસ વચ્ચે જુલાઈના પ્રથમ સપ્તાહમાં યોજાનાર '2+2 ડાયલૉગ' યુએસ દ્વારા મુલતવી રાખવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું હતુ કે, યુએસ સેક્રેટરી પોમ્પીઓએ વિદેશમંત્રી સુષમા સ્વરાજને કહ્યુ હતુ કે યુએસ ભારત સાથેનો 2+2 ડાયલૉગ અનિવાર્ય કારણોસર મુલતવી કરે છે.

જો કે રવીશ કુમારના આ ટ્વીટ બાદ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ હતી.


'બીજી વખત 2+2 ડાયલૉગ મુલતવી કરાયો'

ઉલ્લેખનીય છે કે, ભારત તથા યુએસ વચ્ચે આગામી 6ઠ્ઠી જુલાઈએ '2+2 ડાયલૉગ'નું આયોજન થનાર હતું, જેમાં બન્ને દેશોના સુરક્ષા સંબંધોને મજબૂત કરવા અંગે તથા વૈશ્વિક વ્યૂહરચના અંગે ચર્ચા થવાની શક્યતા હતી.

આ સિવાયના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થનાર હતી.

આ કાર્યક્રમમાં ભારત તરફથી વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સિતારામન તથા યુએ તરફથી સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પીઓ તથા સેક્રેટરી ઑફ ડિફેન્સ જેમ્સ મેટીસ ભાગ લેવાના હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પહેલી વખત નથી બન્યું કે, ભારત અને યુએસ વચ્ચેનો 2+2 ડાયલૉગ મુલતવી કરાયો હોય. અગાઉ 18 એપ્રિલ 2018ના રોજ આ ડાયલૉગનું આયોજન થનાર હતું. એ વખતે પણ 2+2 ડાયલૉગ મુલતવી રહ્યો હતો.

બન્ને દેશો વચ્ચે 2+2 ડાયલૉગ કરવાનો નિર્ણય 25-26 જૂન 2017ના રોજ વડા પ્રધાન મોદીની વૉશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયન લેવાયો હતો.


બગડેલા સંબંધોના કારણે કાર્યક્રમ મુલતવી કરાયો?

Image copyright Getty Images

ભારતના વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ કાર્યક્રમ અંગે સંમતિ સધાઈ હોવા છતાં આ કાર્યક્રમ કેમ મુલતવી થઈ રહ્યો છે? આ પ્રશ્ન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર દ્વારા ટ્વીટ કરાયા બાદ ચર્ચાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ કાર્યક્રમ યુએસ દ્વારા રદ કરવામાં આવ્યો છે ત્યારે ભારત અને યુએસ વચ્ચેના સંબંધો પહેલાં જેટલા સારા નથી.

ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવા મુદ્દે તાજેતરમાં જ યુએસ અને ભારત વચ્ચેના સંબંધો વણસ્યા હતા. યુએસની નારાજગી છતાં ભારતે ઈરાન સાથેની પોતાની નીતિ યથાવત રાખી હતી.

આ સાથે રશિયા પાસે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની તૈયારી ભારતે દર્શાવી છે.

નિષ્ણાંતોનું માનવું છે કે 2+2 ડાયલૉગમાં રશિયા તથા ઈરાન આ બન્ને મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની શક્યતા હતી. ઈરાન અને રશિયા મુદ્દે યુએસ-ભારતના સંબંધો બગડ્યા છે, જેના કારણે જ યુએસએ આ ડાયલૉગ મુલતવી રાખ્યો હોવાનું શક્ય છે.

ઉલ્લેખનીય છે કે, રવીશ કુમારે ટ્વીટમાં એવું પણ જણાવ્યુ છે કે, યુએસ સેક્રેટરીએ આગામી દિવસોમાં આ ડાયલૉગ ક્યારે યોજવો તેની નવી તારીખો નક્કી કરવાની તૈયારી દર્શાવી હતી. હવે 2+2 ડાયલૉગ ભારતમાં યોજવો કે યુએસમાં એ અંગે પણ નિર્ણય લેવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ