ગુજરાત : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ગુજરાતના ખેડૂતોનો વિરોધ

ખેડૂતોની તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેલા અનુસાર મોદી સરકારના મહત્ત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

નેશનલ હાઈસ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ(એનએચએસઆરસીએલ)ના અધિકારીઓ વલસાડ જિલ્લાના એન્ડેરકોટા ગામમાં પ્રોજેક્ટ માટેની જમીનના સંપાદનની માપણી માટે આવી પહોંચ્યા હતા.

દરમિયાન કેટલાંક ખેડૂતોએ તેમને માપણી નહોતી કરવા દીધી. સ્થિતિ વણસી જતા અધિકારીઓએ પોલીસને જાણ કરતા પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો.

અત્રે નોંધવું રહ્યું કે વલસાડ જિલ્લાના જ એક અન્ય ભાટિયા ગામમાં પણ ખેડૂતોએ અધિકારીઓને પ્રોજેક્ટ માટેની જમીન માપણી કરવા દીધી નહોતી.

એન્ડેરગોટા ગામના 25થી વધુ ખેડૂતોની જમીન પ્રોજેક્ટ માટે સંપાદન થવાની છે.

આથી જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ અધિકારીઓને કામગીરી નહોતી કરવા દીધી.

ભૂતકાળમાં મહારાષ્ટ્રના ખેડૂતો પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જમીનના સંપાદનનો વિરોધ નોંધવી ચૂક્યા છે.

આપને આ પણ વાંચવું ગમશે


જમીનનું વળતર ન ચૂકવનાર મેયર, કમિશનરની મિલકત જપ્ત

Image copyright Getty Images

'સંદેશ'ના અહેવાલ અનુસાર, વડોદરાના પ્રતાપનગર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે મહાનગર પાલિકાએ સંપાદન કરેલી જમીનનું પૂરેપુરું વળતર જમીન માલિકને નહીં ચુકવાતા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજે મહાનગર પાલિકાના કમિશનર અને શહેરના મેયરની જંગમ મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

આદેશ મુજબ, આ પદાધિકારીઓ અને સત્તાધીશોની ખુરશીઓ, ગાડીઓ અને ફર્નિચર સહિતની રૂ. 1,15,58991ની જંગમ મિલકત જપ્ત કરવામાં આવશે.

અહેવાલ અનુસાર, મહાનગર પાલિકાની વિરુદ્ધમાં મિલકત જપ્તીઓ હુકમ થયો હોય એવી આ પ્રથમ કાનૂની મેટર છે.

ભૂતકાળમાં વ્યક્તિએ વળતર મામલે ફરિયાદ રહેતા કોર્ટમાં અરજી કરી હતી. જજે 24મી માર્ચ, 2017ના વળતર ચૂકવાવ આદેશ કર્યો હતો.

પરંતુ તેમ છતાં તેનું પાલન ન કરવામાં આવતા મહાનગર પાલિકાની મિલકત જપ્ત કરવાનો હુકમ આપ્યો છે.


ક્લાઇમેટ ચેન્જને કારણે 60 કરોડ ભારતીયોને અસર

Image copyright Getty Images

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર, ક્લાઇમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન)ને કારણે 2050 સુધીમાં 60 કરોડ ભારતીયોનું જીવન ધોરણ કથળશે.

વિશ્વ બૅન્કે દક્ષિણ એશિયા માટે તૈયાર કરેલાં ખાસ અહેવાલમાં આ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વર્ષ 2050 સુધીમાં 60 કરોડ એટલે કે હાલની અડધી વસતી જેટલા લોકો જળવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાનો સામનો કરશે.

અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે દેશની જીડીપી 2.8 ટકા હિસ્સો આ સમસ્યા પાછળ ખર્ચાશે.

ઉપરાંત તેમાં આગામી ત્રણ દાયકામાં દેશના સરેરાશ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરાઈ છે.

જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસર મધ્યભારતમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


અમદાવાદ : યુવતીના અપહરણ બાદ દુષ્કર્મની ઘટનામાં ત્રણની ધરપકડ

'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર, અમદાવાદમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

ઉપરાંત પોલીસે યુવતી સાથે જે કારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તે સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી છે.


શું છે બનાવ?

અહેવાલ અનુસાર, અમદાવાદ શહેરમાં યુવકોએ યુવતીને સોશિયલ મીડિયામાં બ્લેક મેઇલિંગ કરીને દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

પીડિતા અને એક આરોપી બન્ને પ્રેમ સંબંધમાં હતાં, પરંતુ બન્ને વચ્ચે લગ્નને મામલે તકરાર ચાલી રહી હતી.

આ પીડિતાના પ્રેમીના મિત્રો પાસે બન્નેના કથિતરૂપે અંગત પળોની ક્લિપ આવી જતા તેમણે યુવતીને બ્લેક મેઇલ કરી હતી અને પચાસ હજાર રૂપિયાની માગણી કરી હતી.

યુવકોએ પહેલા યુવતીને અપહરણ કરી તેને કથિતરૂપે નિર્વસ્ત્ર કરીને તસવીરો લીધી હતી.

ત્યાર બાદ બ્લેક મેઇલિંગ શરૂ કર્યાનું ચર્ચાય છે. વધુમાં એક દિવસ કથિતરૂપે કેફી પદાર્થ આપીને તેનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પીડિત યુવતીનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું છે અને આ મામલે એક અન્ય યુવતીની પણ અટકાયત કરવામાં આવી છે.

સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ