ઈરાન : એક ડૉલરના બદલે આપવા પડે છે 90 હજાર રિયાલ

ઈરાની રિયાલ Image copyright Getty Images

ભારતીય મુદ્રા રૂપિયાની હાલત એવી ક્યારેય થઈ નથી, જેવી અત્યારે છે. એક ડૉલરના બદલે 69 રૂપિયા આપવા પડે છે. જે દેશોની મુદ્રા રૂપિયો છે, તે દરેકની હાલત ખરાબ છે.

પાકિસ્તાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને નેપાળના રૂપિયાની હાલત પણ કંઈ ઠીક નથી. જોકે, અમેરિકી ડૉલરની તંદુરસ્તીની ઝપેટમાં માત્ર રૂપિયો જ નથી.

તેમાં ઈરાનની મુદ્રા રિયાલ તો સૌથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

ઈરાન હાલ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. રાજધાની તેહરાનમાં લોકો પોતાની દુકાનો બંધ કરી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઈરાનની મુદ્રા રિયાલ અમેરિકાના ડૉલરની સામે અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

ઈરાનના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ હસન રુહાનીએ જો કોઈ નિર્ણાયક પગલું ન ઉઠાવ્યું તો સ્થિતિ અનિયંત્રિત બની જશે.


એક ડૉલરનો મતલબ 90 હજાર ઈરાની રિયાલ

Image copyright Getty Images

ઈરાનના બ્લૅક માર્કેટમાં લોકો 90 હજાર રિયાલ આપી એક અમેરિકી ડૉલર ખરીદી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ 110 ટકાની વૃદ્ધિ છે.

જો ઔપચારિક રૂપે જોવામાં આવે તો એક ડૉલરના બદલે આશરે 43 હજાર રિયાલ આપવા પડી રહ્યા છે.

આઠ મેના રોજ જ્યારે અમેરિકાએ ઈરાન સાથે પરમાણુ કરાર તોડવાની ઘોષણા કરી, ત્યારથી ઈરાની મુદ્રા રિયાલની કિંમતમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે.

ઈરાન પર ફરી અમેરિકાના પ્રતિબંધોનો ખતરો છે. આ ખતરાના ડરથી ઈરાનની અર્થવ્યવસ્થા અને બજારમાં જાણે ભૂકંપ આવી ગયો છે.

ઈરાનની નિકાસ અને આયાત પર ખરાબ પ્રભાવ પડવાના છે. અલ જઝીરાના રિપોર્ટ પ્રમાણે આ અઠવાડિયે તેહરાનના સેન્ટ્રલ માર્કેટમાં દુકાનદારોએ ઘણા પ્રદર્શન કર્યા.

આ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું છે કે સંકટના સમયે ઈરાની શાંતિ અને એકતા જાળવી રાખે.

ઈરાનના સર્વોચ્ચ નેતા અયતોલ્લાહ અલી ખમેનઈએ પણ કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ગંભીર સંકટનો સામનો કરી રહી છે. તેમણે સરકારને કહ્યું છે કે જે લોકો ઈરાનની અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાનું કામ કરી રહ્યા છે, સરકાર તેમને કડક જવાબ આપે.

Image copyright Getty Images

એટલાન્ટિક કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે, ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ માર્કેટ વિરુદ્ધ જઈને એક ડૉલરની સામે 42 હજાર રિયાલના એકીકૃત એક્સચેન્જ ભાવ નક્કી કરવાનો પ્રયાસ કર્યો.

આ સાથે જ 100 મહત્ત્વના મની એક્સચેન્જર્સની ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે આ મની એક્સચેન્જર્સ અલગ અલગ રેટ પર રિયાલના બદલે ડૉલર આપી રહ્યા હતા.

જોકે, સરકારના આ પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થયા છે.

એટલાન્ટિક કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે, મની ચેન્જર્સે આધિકારિક રેટ પર ડૉલર વેચવાનું બંધ કરી દીધું છે.

જ્યારે મની એક્સચેન્જર્સને એક ડૉલર માટે 42 હજાર રિયાલ લેવા પર મજબૂર કરવામાં આવ્યા તો તેમણે કહેવાનું શરૂ કરી દીધું કે તેમની પાસે ડૉલર નથી.

બીજી તરફ સરકાર આધિકારિક રૂપે બજારની માગની સરખામણીએ ખૂબ ઓછા ડૉલરની આપૂર્તિ કરી રહી છે.


ઓછા વ્યાજ દર

Image copyright Getty Images

સેન્ટ્રલ બૅન્ક ઑફ ઈરાન તરફથી 15 ટકાથી ઓછા વ્યાજ દર રાખવાના કારણે પણ નીતિગત સ્તરે નિષ્ફળતા મળી છે.

હાલના વર્ષોમાં ઈરાની બૅન્કોએ 25 ટકા વ્યાજ દરની રજૂઆત કરી હતી જેથી જે લોકો પોતાની મુદ્રા ડૉલરમાં રાખવા માગતા હતા, તેમનો સામનો કરી શકાય.

કહેવામાં આવે છે કે ઓછા વ્યાજદરોના કારણે લોકોએ વેપાર માટે ડૉલરની જ પસંદગી કરી છે.

જોકે, મામલો માત્ર એટલો જ નથી. વિશેષજ્ઞોનું માનવું છે કે એક જે સૌથી મોટું કારણ છે તે એ છે કે સેન્ટ્રલ બૅન્ક પાસે વિદેશી મુદ્રા ખૂબ ઓછી છે અને ઈરાની પર્યટકોમાં ડૉલરની માગમાં કોઈ ખામી આવી રહી નથી.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ડૉલર સામે રૂપિયો નબળો, આપને શું અસર થશે?

એટલાન્ટિક કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે, ઈરાન તેલ અને ગેસની નિકાસથી વાર્ષિક આશરે 50 અબજ ડૉલરનું રાજસ્વ મેળવી રહ્યું છે.

તેમાંથી સાત અબજ ડૉલર તેલની રાષ્ટ્રીય કંપનીઓ પાસે જતા રહે છે કે જેથી કરીને તેઓ ગેસ અને તેલની શોધ ચાલુ રાખી શકે.

આ સાથે જ આ રકમનો ઉપયોગ તેઓ ઉપકરણો અને નવીનીકરણ માટે પણ કરે છે.

આ સિવાય આશરે 9 અબજ ડૉલર ઈરાની પર્યટકોને ફાળવવામાં આવે છે. એક અનુમાનના આધારે, દાણચોરીમાં 12થી 20 અબજ ડૉલરની રકમ જતી રહે છે.

તેનો મતલબ છે દર વર્ષે તેલ અને ગેસની નિકાસમાંથી આવતા 50 હજાર ડૉલરમાંથી 28થી 36 હજાર ડૉલર દેશમાંથી બહાર જતા રહે છે.


અમેરિકાના ગુસ્સાનો કોઈ જવાબ નથી

Image copyright Getty Images

આ બધાની વચ્ચે આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાએ આઠ મેના રોજ પરમાણુ કરાર રદ કર્યા તો તેની મનોવૈજ્ઞાનિક અસર દેશી અને વિદેશી રોકાણકારો પર પડી.

લોકોએ પોતાની પૂંજી ઈરાનથી પરત લઈને દુબઈ અને ઇસ્તાંબુલમાં રોકવાનું શરૂ કરી દીધું. રોકાણકારોના મનમાં ઈરાનની અર્થવ્યવસ્થામાં અસ્થિરતાનો ડર ખરાબ રીતે બેસી ગયો છે.

ઈરાનના પહેલા ઉપરાષ્ટ્રપતિ ઈશાક જહાંગીરીને સુધારવાદી નેતા માનવામાં આવે છે.

તેમણે કહ્યું કે ઈરાને સીધી અમેરિકા સાથે વાત કરવી જોઈએ. ઈશાકે કહ્યું છે કે ઈરાન ગંભીર 'ઇકૉનૉમિક વૉર'માં જઈ રહ્યું છે અને તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે.

તેમણે કહ્યું છે કે ઈરાનને આ સંકટમાંથી ચીન અને રશિયા પણ બહાર કાઢી શકતા નથી.

તેમનું કહેવું છે કે અમેરિકા જ આ સંકટમાંથી ઈરાનને બહાર કાઢી શકે છે.

અરમાન અખબારે લખ્યું છે કે ઈરાન માટે આગામી દિવસો વધારે મુશ્કેલીભર્યા હશે. આ અખબારે સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પૂર્વ રાજદૂત અલી ખુર્રમના નિવેદનને છાપ્યું છે.

તેમાં તેમણે કહ્યું છે, "જે રીતે અમેરિકાએ ઇરાકમાં સદ્દામ હુસૈનની સરકારને ઉખાડી ફેંકી હતી એવી જ યોજના ઈરાન માટે પણ અમેરિકાએ બનાવી છે."

"અમેરિકાએ ઇરાકમાં આ કામ ત્રણ સ્તરમાં કર્યું હતું અને ઈરાનમાં પણ એ જ રીતે કરશે. પહેલા પ્રતિબંધ લગાવશે, પછી તેલ અને ગેસની આયાતને સંપૂર્ણપણે બાધિત કરશે અને અંતે સૈન્ય કાર્યવાહી કરશે."


આખરે વિકલ્પ શું છે?

Image copyright Getty Images

ઈરાનની અંદર જ અવાજ ઉઠી રહ્યો છે કે હસન રુહાની કડક પગલાં લે.

ઈરાનના જાણીતા અર્થશાસ્ત્રી સઈદ લાયલાઝે અલ જઝીરાને કહ્યું છે, "સરકાર વિદેશ જતા ઈરાનીઓને ડૉલર ખરીદવા માટે સબસિડી આપે છે. આ સબસિડીને તાત્કાલિક ધોરણે ખતમ કરી દેવી જોઈએ. સરકારની નીતિ પ્રમાણે, વિદેશ જતા દરેક ઈરાની બજારની કિંમત કરતા અડધા ભાવે 1000 ડૉલર ખરીદી શકે છે."

સઈદે કહ્યું, "દર વર્ષે એક કરોડથી એક કરોડ 20 લાખ જેટલા ઈરાની વિદેશ જાય છે અને તેઓ 15 અબજ ડૉલરથી 20 અબજ ડૉલર સુધી ખર્ચ કરે છે."

"સબસિડીના કારણે ડૉલરની માગ ક્યારેય ઘટતી નથી. હું એ નથી કહી રહ્યો કે સરકાર ઈરાનીઓના વિદેશ પ્રવાસને મર્યાદિત કરી દે પણ સરકાર સબસિડી આપવાનું તો બંધ કરી જ શકે છે. અમને ખબર નથી કે સરકાર તેના પર કોઈ નિર્ણય કેમ લઈ રહી નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ