હેલિકૉપ્ટર દ્વારા જેલમાંથી ભાગ્યો કેદી, ફ્રાન્સભરમાં અપાયું એલર્ટ

જેલમાંથી ભાગેલા રેડોઈન ફેઈડનો 2010માં ઝડપવામાં આવેલો ફોટોગ્રાફ Image copyright IBO/SIPA/REX/SHUTTERSTOCK
ફોટો લાઈન જેલમાંથી ભાગેલા રેડોઈન ફેઈડનો 2010માં ઝડપવામાં આવેલો ફોટોગ્રાફ

પેરિસ વિસ્તારની એક જેલમાંથી એક કુખ્યાત ગેંગસ્ટર હેલિકૉપ્ટર મારફત ભાગી છૂટ્યો હોવાનું ફ્રાન્સના સત્તાવાળાઓએ જણાવ્યું છે.

રેડોઈને ફેઈડ નામના એ ગુંડા સરદારને જેલમાંથી ભાગવામાં તેના સંખ્યાબંધ સશસ્ત્ર સાથીઓએ મદદ કરી હતી.

હેલિકૉપ્ટરને જેલમાં ઉતારવામાં આવ્યું, ત્યારે ત્રણ હથિયારધારીઓએ જેલના પ્રવેશદ્વાર પરના ચોકિયાતોનું ધ્યાન અન્યત્ર દોરી રાખ્યું હતું.

એ પછી રેડોઈન ફેઈડને લઈને રવાના થયેલું હેલિકૉપ્ટર નજીકના ગોનાસ્સે વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને મળી આવ્યું હતું.

લૂંટના એક નિષ્ફળ પ્રયાસ બદલ 46 વર્ષના રેડોઈન ફેઈડને 25 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી. લૂંટના એ પ્રયાસમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું.

આપને આ પણ વાંચવું ગમશે

બીજી વખત ભાગ્યો

Image copyright AFP
ફોટો લાઈન પેરિસ બહાર આવેલી આ જેલમાંથી રેડોઈન ફેઈડ નાસી છૂટ્યો હતો

રેડોઈનને ઝડપી લેવા ફ્રેન્ચ પોલીસે ત્રણ હજાર પોલીસમેનને ઝડપી લેવા કામે લગાડ્યા છે.

રેડોઈન ફેઈડ આ બીજી વખત જેલમાંથી નાસી છૂટ્યો છે. 2013માં જેલના ચાર ચોકિયાતનો માનવકવચ તરીકે ઉપયોગ કરીને અને સંખ્યાબંધ દરવાજાઓને વિસ્ફોટકો વડે ફૂંકી મારીને રેડોઈન ફેઈડ નાસી છૂટ્યો હતો.

પેરિસના ગુનાખોરીગ્રસ્ત ઉપનગરોમાં પોતે કઈ રીતે મોટો થયો હતો અને ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો એ વિશે રેડોઈન ફેઈડે 2009માં એક પુસ્તક લખ્યું હતું.

ગુનાખોરી છોડી દીધી હોવાનો દાવો તેણે કર્યો હતો, પણ એક વર્ષ પછી રેડોઈન ફેઈડ એક નિષ્ફળ લૂંટમાં સંડોવાયો હતો.

એ ગુના બદલ તેને સેઈન-એટ-માર્ને પ્રદેશની જેલમાં ગોંધવામાં આવ્યો હતો.

પાલટની શોધ

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન ગોનાસ્સે વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને મળી આવેલું હેલિકોપ્ટર

ફ્રેન્ચ ન્યૂઝ વેબસાઇટ યુરોપ-વનના અહેવાલ મુજબ, સલામતીની વ્યવસ્થા ન ધરાવતા જેલના આંગણામાંથી કોઈને ઈજા પહોંચાડ્યા વિના રેડોઈન ફેઈડ અને તેના સાથીઓ નાસી ગયા હતા.

સમાચાર સંસ્થા રોઇટર્સે સલામતી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે હેલિકૉપ્ટર મારફત નાસી જતાં પહેલાં બંદુકધારીઓએ મુલાકાતીઓના ઓરડામાંથી કેદીને ઉઠાવ્યો હતો.

હેલિકૉપ્ટરના પાઇલટને બાનમાં લેવાયા હતા, જેને બાદમાં છોડી મૂકાયા હતા. પાઇલટ આઘાતમાં હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ સ્થાનિક ફ્લાઇંગ ક્લબમાં ઇન્સ્ટ્રક્ટર છે. તેઓ એક વિદ્યાર્થીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

આંતરિક સલામતી મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું, "ભાગેડુઓને શોધી કાઢવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે."


હૉલિવુડની ફિલ્મોથી પ્રભાવિત

Image copyright AFP

1972માં જન્મેલા રેડોઈન ફેઈડનું બાળપણ તથા યુવાની પેરિસના કુખ્યાત વિસ્તારમાં વીત્યાં હતાં અને ત્યાંથી એ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો.

1990ના દાયકામાં પેરિસમાં સશસ્ત્ર લૂંટ કરતી અને ખંડણી ઉઘરાવતી એક ટોળકીનો એ સરદાર હતો.

રેડોઈન ફેઈડે અગાઉ જણાવ્યું હતું કે તેની જીવનશૈલી પર અલ પચીનોની 'સ્કારફેસ' સહિતની હૉલિવુડને ક્રાઇમ ફિલ્મોનો પ્રભાવ છે.

રીઢો ગુનેગાર

Image copyright AFP
ફોટો લાઈન 2013માં જેલમાંથી ભાગી છૂટેલા રેડોઈન ફેઈડને ઈન્ટરપોલે મોસ્ટ-વોન્ટેડ ગુનેગાર જાહેર કર્યો હતો

2001માં સશસ્ત્ર લૂંટ બદલ તેને 30 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી.

ફ્રેંચ પોલીસ માને છે કે 2010ની જે લૂંટમાં એક મહિલા પોલીસનું મોત થયું હતું તેનું કાવતરું રેડોઈન ફેઈડે ઘડ્યું હતું, પણ તેને લૂંટ બદલ સજા કરવામાં આવી હતી.

અગાઉની સજા સંબંધે પેરોલની શરતોનો ભંગ કરવા બદલ રેડોઈન ફેઈડને 2011માં ફરી જેલમાં ગોંધવામાં આવ્યો હતો.

ચાર ચોકિયાતોને બાન પકડીને ઉત્તર ફ્રાંસની સેક્યુડિન જેલમાંથી 2013માં ભાગી છૂટેલા રેડોઈન ફેઈડને છ સપ્તાહ પછી ફરી પકડી પાડવામાં આવ્યો હતો.

એ ગુના બદલ તેને ગયા વર્ષે દસ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ