અફઘાનિસ્તાન : શીખો ઉપર સ્યુસાઇડ એટૅકમાં 19નાં મૃત્યુ, ISએ લીધી જવાબદારી

અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટની તસવીર Image copyright EPA

અફઘાનિસ્તાનનાં પૂર્વી શહેર જલાલાબાદમાં એક આત્મઘાતી બૉમ્બ હુમલામાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે.

મૃતકોમાંથી મોટાભાગનાં લઘુમતી શીખ સમુદાયનાં છે.

એક અધિકારીનું કહેવું છે કે આ લોકો રાષ્ટ્રપતિ અશરફ ઘનીને મળવા એક ગાડીમાં જઈ રહ્યા હતા તે વખતે એમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જોકે, તેના માટેના કોઈ પુરાવા આપ્યા નથી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને વખોડી કાઢી છે.


મોદીએ ઘટનાને વખોડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાને વખોડી કાઢ્યો છે. ટ્વિટર પર મોદીએ લખ્યું:

"ગઈકાલે અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાને અમે વખોડીએ છીએ. તે અફઘાનિસ્તાની બહુરંગી સંસ્કૃતિ પર પ્રહાર છે.

"સદગતના પરિવારજનો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થઈ જાય, તે માટે પ્રાર્થના.

"શોકના આ સમયે અમે અફઘાનિસ્તાનની સરકારની સાથે છીએ અને તેમને જરૂરી તમામ મદદ કરવા તૈયાર છીએ."

અફઘાનિસ્તાનમાં ભારતની ઍમ્બેસીએ આ હુમલાને 'કાયરતાપૂર્ણ' ગણાવીને વખોડી કાઢ્યો છે.


શીખનેતાનું મૃત્યુ

Image copyright EPA

રાષ્ટ્રપતિ ઘની નંગનહાર પ્રાંતમાં બે દિવસની મુલાકાતે આવ્યા હતાં. થોડા સમય પહેલાં જ એમણે જલાલાબાદની મુલાકાત લીધી હતી.

મૃતકોમાં સ્થાનિક શીખ નેતા અવતાર સિંઘ ખાલસાનો પણ સમાવેશ થાય છે.

અવતાર સિંઘ ખાલસા એક માત્ર શીખ ઉમેદવાર હતા જે ઑક્ટોબરમાં યોજાનારી સંસદીય ચૂંટણી લડવાના હતા.


અફઘાન હિંદુ-શીખ

Image copyright REUTERS

કાબુલમાં હાજર બીબીસી સંવાદદાતા સઈદ અનવરના જણાવ્યા અનુસાર, અવતાર સિંઘ ખાલસાને હિંદુ અને શીખ સમુદાયનાં પ્રતિનિધિ તરીકે જોવામાં આવતા હતા.

મહત્ત્વપૂર્ણ છે કે અફઘાનિસ્તાનનાં અલગઅલગ પ્રદેશોમાં હજારો શીખો વસેલા છે.

પણ, છેલ્લાં 20 વર્ષોમાં અહીં વધેલી અસુરક્ષાને કારણે ઘણા હિંદુ અને શીખ લોકો અહીંથી ભારતમાં હિજરત કરી ગયા છે.


લઘુમતીની હિજરત

Image copyright EPA

આમાનાં મોટાભાગના કાં તો ભારત આવ્યા છે કાં યુરોપના દેશોમાં આશ્રય લીધો છે.

દેશનાં બાકીનાં ભાગોની સરખામણીએ જલાલાબાદમાં ઘણા હિંદુ અને શીખ કુટુંબો વસે છે.

અહીં મહત્ત્વપૂર્ણ છે કે અફઘાનિસ્તાનમાં મુસ્લિમોની બહુમતી છે અને હિંદુ-શીખ અહીં લઘુમતીમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો