થાઇલૅન્ડ: ગુફાની અંદર ગુમ થયેલા કિશોરો 9 દિવસ બાદ જીવતા મળ્યા

કેટલાંક ગુમ થયેલા બાળકો સાથે કોચની તસવીર Image copyright FACEBOOK/EKATOL
ફોટો લાઈન ફેસબુક પર જોવા મળતી એક તસવીરમાં કોચ ગુમ થયેલા કેટલાક બાળકો સાથે જોવા મળે છે

23 જૂનના રોજ થાઇલૅન્ડની લુઆંગ ગુફાઓમાં ગુમ થયેલા 12 કિશોર ફૂટબૉલરો અને તેમના કોચ જીવતા મળી આવ્યા છે.

આ અંગે માહિતી આપતા સ્થાનિક ગવર્નરે નારોંગસક ઓસોટ્ટનાકોર્ને કહ્યું કે તમામ 13 લોકો સુરક્ષિત છે.

ઉપરાંત તેમણે કહ્યું કે થાઈ નેવી અને ઍરફોર્સ દ્વારા શરૂ કરાયેલા શોધ અભિયાનમાં આ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

જે કિશોરો ગુમ થયા હતા તેઓ 23 જૂનના રોજ આ ગુફાઓ તરફ ગયા હતા.

જે બાદ તેઓ આ ગુફામાં ફસાઈ ગયા હતા. ગુફામાં વધતા પાણીના સ્તર અને કાદવને કારણે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ગવર્નરના કહેવા પ્રમાણે હાલ ગુફામાંથી સતત પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું, "ડૉક્ટર્સ અને નર્સોને તેમના હૅલ્થ ચેક અપ અને સ્થિતિને સંભાળવા માટે ગુફામાં મોકલવામાં આવી રહ્યા છે."

"જો ડૉક્ટર તેમનું સ્વાસ્થ્ય સારું જણાવાશે તો તેમને ગુફામાંથી બહાર કાઢી સ્કૂલે લઈ જવામાં આવશે."


9 દિવસ ચાલ્યું અભિયાન

ગુમ થયેલા આ 13 લોકોને શોધવા માટે આશરે 1000થી પણ વધારે લોકો શોધ અભિયાનમાં જોડાયા હતા.

જેમાં ચીન, મ્યાનમાર, લાઓસ, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીમ પણ આ લોકોને શોધવા માટે કામે લાગી હતી.

થામ લોંગથી બીબીસી સંવાદદાતા જોનાથન હેડ જણાવે છે કે 12 કિશોરો ગુમ થયા બાદ આખા દેશની તેના પર નજર હતી કે તેઓ જીવતા મળી આવશે કે કેમ.

હજી સુધી તેમને ગુફામાંથી કાઢી શકાયા નથી. થાઇલૅન્ડની સરકારે પણ આ લોકોને બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા.

ફૂટબૉલ કોચ સાથે ફરવા ગયેલા આ કિશોરો ગુફામાં ગુમ થઈ ગયા હતા.


ગ્રૂપમાં કોણ લોકો હતા?

Image copyright EPA

જે 12 કિશોર ગુમ થયા હતા તેઓ મૂ પા ફૂટબૉલ ટીમના સભ્યો હતા.

તેમના આસિસ્ટન્ટ કોચ એક્કાપોલ જેનથાવૉંગ ઘણી વખત તેમને પ્રવાસ પર લાવ્યા છે.

તેઓ બે વર્ષ પહેલાં પણ તેમને આ જ ગુફામાં લઈને આવ્યા હતા, જ્યાં હાલ તેઓ ગુમ થયા હતા.

આ ટીમના સૌથી યુવાન સભ્યનું નામ છે ચેનીન. ચેનીનની ઉંમર 11 વર્ષ છે અને તેમણે 7 વર્ષની ઉંમરે ફૂટબૉલ રમવાનું શરૂ કર્યું હતું.

13 વર્ષીય ડુઆંગપેટ નામના કિશોર ટીમના કેપ્ટન છે અને તેઓ ટીમ માટે પ્રેરક સાબિત થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ