થાઈલેન્ડ: ગુફામાંથી બાળકોને જીવિત બહાર કાઢવાનો પડકાર

ગુફામાં ફસાયેલા બાળકોની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ગુફામાં ફસાયેલા બાળકોની પરિવારજનો સાથે ટેબલેટ મારફતે સંપર્ક કરાવવામાં આવ્યો હતો

થાઈલેન્ડમાં એક ગુફામાં નવ દિવસથી ગુમ થઈ ગયેલા 12 છોકરા અને તેમના ફૂટબૉલ કોચને શોધી કાઢવામાં આવ્યા છે.

ચિયાંગ રાઈ સ્થિત ટૅમ લૂંગ ગુફામાં હાથ ધરાયેલા શોધ અભિયાનની માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે તમામ લોકો સુરક્ષિત છે.

હવે આ બધાને સુરક્ષિત રીતે ગુફામાંથી બહાર કાઢવા એ એક મોટો પડકાર છે.

ગુફામાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને કીચડને કારણે તેમના સુધી પહોંચવાનું મુશ્કેલ બની રહ્યું છે.

Image copyright FACEBOOK/EKATOL
ફોટો લાઈન ફેસબુક પર જોવા મળતી એક તસવીરમાં કોચ ગુમ થયેલા કેટલાક બાળકો સાથે જોવા મળે છે

જ્યારે બ્રિટિશ મરજીવા ગુફામાં ફસાયેલાં બાળકો પાસે પહોંચ્યા તો બાળકોનો સૌથી પહેલો પ્રશ્ન હતો કે 'અમે બહાર ક્યારે નીકળીશું?'

મરજીવાઓએ તેમને કહ્યું કે આજે નહીં. બાળકોએ પૂછ્યું હતું કે, આજે કયો દિવસ છે.

ત્યારે મરજીવાઓએ તેમને કહ્યું હતું કે, સોમવાર છે અને તમે અહીં છેલ્લાં દસ દિવસથી છો. તમે ખૂબ જ મજબૂત છો.

મરજીવાઓ બાળકો સુધી પહોંચ્યા એ વીડિયો થાઈલેન્ડ નેવી સીલે જાહેર કર્યો છે.

ગુફામાં ખોવાઈ ગયેલા 12 છોકરાઓ અને તેમના કોચને કારણે સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ હતું.

આ તમામ સુરક્ષિત હોવાની વાત તેમના પરિવારો માટે ખુશીના સમાચાર છે.

શું તમે આ વાંચ્યું?

ચિયાંગ રાઈના રાજ્યપાલ નારોંગ્સક ઓસોટાનકોર્ને કહ્યું કે, શોધ અભિયાનમાં શામેલ થયેલા નૌકાદળના એક વિશેષ દળે આ બાળકોને શોધ્યાં.

તેમના જીવતા હોવાની જાણ થઈ ત્યારે ગુફાની બહાર હાજર પોતાના બાળકની રાહ જોઈ રહેલાં માએ કહ્યું, "આજનો દિવસ સૌથી સારો દિવસ છે. હું મારા દીકરાની રાહ જોઈ રહી છું. મને લાગતું હતું કે, તેના જીવતા હોવાની શક્યતા 50 ટકા જ છે. હવે હું ખૂબ જ ખુશ છું. જ્યારે એ બહાર આવશે ત્યારે હું સૌથી પહેલા એને ખૂબ વહાલ કરીશ. હું સૌનો આભાર માનું છું."

બચાવદળના કર્મચારીઓના જણાવ્યા અનુસાર ગુફામાં ફસાયેલાં બાળકો અને તેમના કોચે જમીન નીચે તેઓ પૂરના પાણીથી બચી શકાય તેવી કોઈ જગ્યા શોધી લીધી હતી.

બેંગકોકમાં હાજર બીબીસીના સંવાદદાતા જોનાથન હેડે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

આ ઘટનાની ચર્ચા સમગ્ર થાઈલેન્ડમાં થઈ રહી હતી અને સમગ્ર દેશમાં આ બાળકો અને તેમના કોચને બચાવવા માટે પ્રાર્થનાઓ થઈ રહી હતી.

સતત વધી રહેલા પાણી અને કીચડને કારણે શોધ અભિયાનમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી.

બચાવદળમાં શામેલ બેલ્જિયમના મરજીવા બેન રેમેનેંટ્સે ત્યાં સ્થિતિ કેટલી ખરાબ છે, એનો ચિતાર બાળકો મળ્યાં એ પહેલા બીબીસીને આપ્યો હતો.

તેમણે કહ્યું, "એ લોકો ખૂબ જ અંદર છે અને ત્યાં માત્ર તરીને જ જઈ શકાય તેમ છે. આ ગુફાઓ ભુલભુલામણી જેવી છે, જે ઘણા કિલોમિટર સુધી ફેલાયેલી છે.”

“અહીં તાપમાન 21 ડિગ્રી સેન્ટિગ્રેડ છે અને ખૂબ જ ચીકાશ છે. મને પહેલા દિવસે ખૂબ જ નિરાશા થઈ કારણ કે અંધારાને કારણે અમને કશું જ દેખાતું નહોતું."

Image copyright EPA
ફોટો લાઈન આ ગુફાઓમાં પાણી ભરાઈ ગયું હતું

હવે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના બનાવવામાં આવી રહી છે.

પત્રકારોને ચિયાંગ રાયના રાજ્યપાલે વિગતો આપતા કહ્યું, "અમે હવે તેમને ભોજન પહોંચાડીશું, પરંતુ અમને ખબર નથી કે એ ખાઈ શકશે કે નહીં. કારણ કે તેમણે દસ દિવસથી કશું જ ખાધું નથી.”

“એ ભોજનને પચાવી શકે છે કે નહીં એ અમારે જોવાનું છે. હજી અમારે ઘણું કરવાનું છે. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢીને સામાન્ય સ્થિતિમાં લઈ આવવાના છે, જેથી એ સ્કૂલે જઈ શકે."

ગ્રૂપમાં કોણ લોકો હતા?

Image copyright EPA

જે 12 કિશોર ગુમ થયા હતા તેઓ મૂ પા ફૂટબૉલ ટીમના સભ્યો હતા.

તેમના આસિસ્ટન્ટ કોચ એક્કાપોલ જેનથાવૉંગ ઘણી વખત તેમને પ્રવાસ પર લાવ્યા છે.

તેઓ બે વર્ષ પહેલાં પણ તેમને આ જ ગુફામાં લઈને આવ્યા હતા, જ્યાં હાલ તેઓ ગુમ થયા હતા.

આ ટીમના સૌથી યુવાન સભ્યનું નામ છે ચેનીન. ચેનીનની ઉંમર 11 વર્ષ છે અને તેમણે 7 વર્ષની ઉંમરે ફૂટબૉલ રમવાનું શરૂ કર્યું હતું.

13 વર્ષીય ડુઆંગપેટ નામના કિશોર ટીમના કેપ્ટન છે અને તેઓ ટીમ માટે પ્રેરક સાબિત થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ