રશિયાના પૂર્વ જાસૂસને અપાયું હતું એ જ ઝેરનો બ્રિટનમાં ફરીથી ઉપયોગ

ચાર્લી અને ડૉન સ્ટ્રગસની તસવીર Image copyright Getty Images

બ્રિટનમાં એક દંપતીને ઝેર આપવાની ઘટના સામે આવી છે. ચાર્લી રાઉલી (ઉંમર 45 વર્ષ) અને ડૉન સ્ટ્રગસ (ઉંમર 44 વર્ષ) નામના પતિ-પત્ની વિલ્ટશર સ્થિત પોતાના ઘરમાં બેહોશ મળ્યા હતા. જે બાદ તેમને હૉસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં.

બ્રિટિશ પોલીસનું કહેવું છે કે ગંભીર રૂપે બીમાર બે વ્યક્તિમાં એ પ્રકારનું જ 'નર્વ એજન્ટ' ઝેર મળી આવ્યું છે કે જે પૂર્વ રશિયન જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેમનાં પુત્રીની હત્યાના પ્રયાસમાં વપરાયું હતું.

પોલીસ પ્રવક્તા નિલ બાસુએ જણાવ્યું કે રસાયણિક હથિયારોના જાણકારોએ આ મામલે 'નર્વ એજન્ટ નોવિચોક'ના ઉપયોગની પુષ્ટી કરી છે.

પોલીસનું કહેવું છે કે આ પ્રકારનાં લક્ષણ હજુ સુધી અન્ય કોઈ વ્યક્તિમાં નથી જોવા મળ્યા, સંભવતઃ બંને ઝેર ભળેલી વસ્તુના સંસર્ગમાં આવ્યા હશે.

જોકે, તેઓ કઈ વસ્તુના સંસર્ગમાં આવ્યાં હતાં, તે હજુ સ્પષ્ટ થયું નથી.

પોલીસને હજુ સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા કે જેથી એવું કહી શકાય કે પીડિતોને જાણી જોઈને નિશાન બનાવાયા છે.


શું છે આ ઝેર?

Image copyright PA

ઇગ્લૅન્ડના મુખ્ય ચિકિત્સા અધિકારી સૅલી ડૅવિસે આ અંગે વાત કરતાં કહ્યું, ''હું લોકોને ફરીથી એ વાતનો વિશ્વાસ અપાવવા માગું છું કે સામાન્ય જનતા આની ઝપેટમાં આવે એવું જોખમ નહિવત્ છે.''

બીબીસી સંવાદદાતા ગૉર્ડન કૉરૉરાએ આ મામલે જણાવ્યું છે કે એક થિયરી એવી પણ છે કે પીડિતો એ બચેલા 'નોવિચોક' ઝેરની ઝપેટમાં આવી ગયા છે કે જેનો ઉપયોગ રશિયાના પૂર્વ જાસૂસ અને તેમનાં પુત્રી પર કરાયેલા હુમલામાં કરાયો હતો.

નોવિચોકને રશિયન ભાષામાં 'નવાગંતૂક' કહેવામાં આવે છે. આ એ નર્વ એજન્ટ્સનો સમૂહ છે કે જેને સોવિયત રાષ્ટ્રએ 1970થી 1980 વચ્ચે ગુપ્ત રીતે વિકસાવ્યા હતા.

આમાં ઉપયોગ થનારું એક રસાયણ એ-230 છે. જે કથિત રીતે વિએક્સ નર્વ એજન્ટ કરતાં પાંચથી આઠ ગણું વધુ ઝેરીલું હોય છે.

તેના ઉપયોગ થકી કોઈ પણ વ્યક્તિને ગણતરીની મિનિટોમાં મારી શકાય છે.

આ રસાયણના કેટલાય પ્રકાર ગણાવાઈ રહ્યાં છે. રશિયન સેનાએ તેને કથિત રૂપે રસાયણિક હથિયારના રૂપે મંજૂરી પણ આપેલી છે.

આમાથી કેટલાક નર્વ એજન્ટ પ્રવાહી પદાર્થમાં હોય છે. જ્યારે કેટલાક ઘન પદાર્થ પણ હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ