દૃષ્ટિકોણ : અવકાશમાં ભારતીયોને મોકલવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું

  • પલ્લવ બાગલા
  • વિજ્ઞાન સંબંધિત બાબતોના જાણકાર
ઇસરો પરીક્ષણ

ઇમેજ સ્રોત, ISRO/BBC

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો)ને તેમના માનવ મિશનની દિશામાં એક મોટી સફળતા મળી છે.

ઈસરોએ 'ક્રૂ એસ્કેપ સિસ્ટમ'નું સફળ પરિક્ષણ કર્યું છે, જેને અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા માટે મોટું પગલું ગણવામાં આવે છે.

અંતરિક્ષ યાત્રા અટકી પડે એ સ્થિતિમાં અંતરિક્ષ યાત્રીઓને ત્યાંથી કાઢવામાં 'ક્રૂ એસ્કેપ સિસ્ટમ' મદદરૂપ થતી હોય છે.

અમેરિકા, રશિયા અને ચીન આ ત્રણ દેશો પાસે જ અગાઉથી આ પ્રકારની સુવિધા છે.

ગુરુવારે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પાંચ કલાક સુધી ચાલેલી ઊલટી ગણતરી બાદ ડમી ક્રૂ મૉડ્યૂલ સાથે 12.6 ટન વજનની 'ક્રૂ સ્કેપ સિસ્ટમ'નું સવારે સાત વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું.

આ પરીક્ષણ 259 સેન્કડમાં સફળ રીતે પૂર્ણ થયું હતું.

આ દરમિયાન ક્રૂ મૉડ્યૂલ સાથે 'ક્રૂ એસ્કેપ સિસ્ટમ' ઉપર તરફ ઊડી અને પછી શ્રીહરિકોટાથી 2.9 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં પૅરાશૂટની મદદથી ઉતારી દેવાઈ હતી.

ઈસરોનું આ પરિક્ષણ કેટલું મોટું અને મહત્ત્વનું છે? ભારતીય અંતરિક્ષ કાર્યક્રમને એનાથી શું ફાયદો થયો અને માનવ મિશનની દિશામાં તેને મોટી સફળતા કેમ ગણવામાં આવે છે?

વાંચો પલ્લવ બાગલાનો દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Alamy

ભારત પોતાની ધરતી અને પોતાના રૉકેટની મદદથી કોઈ ભારતીયને અંતરિક્ષમાં મોકલવા ઇચ્છે છે.

ઈસરોએ 'ક્રૂ મૉડ્યૂલની એસ્કેપ સિસ્ટમ'નું સફળ પરીક્ષણ કર્યું છે, જે આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું છે, કારણકે તેના સફળ પરીક્ષણ વગર ભારતીયોને અંતરિક્ષ યાત્રાએ મોકલી શકાય નહીં.

અંતરિક્ષમાં યાત્રીઓ મોકલવા માટે આ પરીક્ષણ મહત્ત્વપૂર્ણ પગલું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ક્રૂ એસ્કેપ સિસ્ટમ શું છે?

ઇમેજ સ્રોત, ISRO/BBC

કોઈ અંતરિક્ષ યાત્રીને સ્પેસમાં મોકલતી વખતે જ્યારે રૉકેટ લૉન્ચ પૅડથી છોડવામાં આવે, ત્યારે ક્રૂ પર સૌથી વધુ જોખમ તોળાતું હોય છે.

લૉન્ચ પૅડ પર હોય એ દરમિયાન જો રૉકેટ ફાટી જાય અથવા રૉકેટમાં આગ લાગે અથવા બીજી કોઈ ગડબડ થાય તો એ સમયે યાત્રીઓને કેવી રીતે બચાવી શકાય.

એ માટે એક ટેસ્ટ હોય છે, જેને ભારતે પહેલા પ્રયત્નમાં જ પાસ કરી લીધી છે.

હજુ હ્યુમન સ્પેસ ફ્લાઇટ સરકાર તરફથી સંપૂર્ણ ક્લિયરન્સ નથી મળ્યું અને આ કાર્યક્રમ હવે સુક્ષ્મ ટેકનિક વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

ઇસરો કરી રહ્યું છે અનેક પરીક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં 2007માં સેટેલાઇટ રી-ઍન્ટ્રી પરીક્ષણ થયું હતું, 2014માં જ્યારે જિયોસિન્ક્રૉનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (જીએસએલવી) માર્ક-3નું પરીક્ષણ થયું, ત્યારે ભારતે 'ડમી ક્રૂ મૉડ્યૂલ'નું પરીક્ષણ કર્યું હતું.

તેની સાથે અંતરિક્ષ યાત્રીઓના સ્પેસ સૂટનું પણ પરીક્ષણ થયું હતું.

ઘણાં બધાં પરીક્ષણો એક સાથે ચાલે છે. નાનાં પગલાં ઉઠાવીને સૂક્ષ્મ ટેકનિકમાં વિકાસ કરવા અંગે ઈસરો કામ કરી રહ્યું છે.

સરકાર તરફથી અંતરિક્ષયાત્રીઓને મોકલવાની પરવાનગી મળે તો સરળ રીતે અને જલ્દીથી આ કામ શરૂ કરી શકે એ માટે ઈસરો આ કામગીરી પર ધ્યાન આપી રહ્યું છે.

લો અર્થ ઑરબિટમાં થશે પહેલી ટેસ્ટ

ઇમેજ સ્રોત, NASA

જ્યારે ભારત પહેલી વખત અંતરિક્ષમાં યાત્રીઓને મોકલશે ત્યારે તેમને ધરતીથી ઓછા અંતરની કક્ષા (લો અર્થ ઑરબિટ)માં મોકલાશે, જેથી સફળતાપૂર્વક તેમને પાછા લાવી શકાય.

જે સામાન્ય ઉપગ્રહના રોબોટિક મિશનથી અલગ હશે.

અહીં મોકલેલા અંતરિક્ષ યાત્રીઓને કોઈ પણ હાલતમાં સુરક્ષિત પાછા લાવવા માટે મજબૂત અને વધારે ગુણવત્તા ધરાવતી ટેકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે. ભારત એ દિશામાં પગલાં લઈ રહ્યું છે.

હ્યૂમન સ્પેસ ફ્લાઇટ

ઇમેજ સ્રોત, NASA

અત્યાર સુધી "હ્યુમન સ્પેસ ફ્લાઇટ" કરનાર માત્ર ત્રણ જ દેશ છે રશિયા, અમેરિકા અને ચીન. આ ત્રણ દેશો અંતરીક્ષમાં યાત્રીઓને મોકલવા અને પાછા લાવવા માટે આત્મનિર્ભર છે.

જો ભારત અંતરિક્ષમાં યાત્રી મોકલવામાં સફળ થાય તો અંતરિક્ષમાં લોકોને મોકલતો ચોથો દેશ બની જશે.

અંતરિક્ષ ક્ષેત્રે ઈસરો સતત હરણફાળ ભરી રહ્યું છે અને "ક્રૂ મૉડ્યૂલ સ્કેપ સિસ્ટમ"ની ટેસ્ટ "હ્યુમન સ્પેસ ફ્લાઇટ" માટે મહત્ત્વનું છે.

(પલ્લવ બાગલા સાથે બીબીસી સંવાદદાતા આદર્શ રાઠૌરે વાતચીત કરી)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો