વાઇબ્રન્ટ ગુજરાત 2019 : મુકેશ અંબાણીએ શા માટે કહ્યું કે ભારતીયોનો ડેટા ભારતમાં રહેવો જોઈએ?
- ટીમ બીબીસી ગુજરાતી
- નવી દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images
ફાઇલ તસવીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મંચ પરથી સૂચન કર્યું હતું કે ભારતીયોનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ.
આ વાતનો અપ્રત્યક્ષ ઉલ્લેખ કરતાં અમેરિકાના બિઝનેસ ડેલિગેશનના વડાએ કહ્યું હતું, "આપણે 'વિકાસના સામૂહિક પ્રયાસ' માટે એકઠા થયા છીએ."
ફેસબુક, ગૂગલ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અમેરિકાના છે.
ત્યારે બીબીસી રિસર્ચ ટીમે થોડા સમય દ્વારા કરેલા અભ્યાસના આધારે જાણો કે તમે કેવા પ્રકારની માહિતી સોશિયલ મીડિયા કંપનીઓ સાથે શેર કરો છો.
અંબાણીએ પ્રાસંગિક ભાષણમાં અંબાણીએ કહ્યું હતું કે તેમને 'ગુજરાતી હોવાનો ગર્વ' છે.
શુક્રવારથી ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2019ની શરૂઆત થઈ હતી.
'ભારતમાં રહે ડેટા'
ઇમેજ સ્રોત, AFP
ફાઇલ તસવીર
મુકેશ અંબાણીએ કહ્યું, "વિશ્વ તમને કરી દેખાડનાર નેતા તરીકે જોઈ રહ્યું છે, ત્યારે તમને એક સૂચન કરું છું."
"ગાંધીજીએ પોલિટિકલ કૉલોનાઇઝેશન સામે ચળવળ હાથ ધરી હતી, આજે આપણે સામૂહિક રીતે 'ડેટા કૉલોનાઇઝેશન' સામે ચળવળ હાથ ધરવાની જરૂર છે."
"આજના યુગમાં ડેટા એ નવું 'ઑઈલ' અને 'સંપત્તિ' છે. ભારતીયોનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ."
"આ ડેટાનું સંચાલન ભારતીય કંપનીઓ દ્વારા થવું જોઈએ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા નહીં."
"હાલમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આકાર લઈ રહી છે, જેના પાયામા ડેટા છે."
"આ દોડમાં સફળ થવા માટે ભારતનો ડેટા ભારતમાં પરત લાવવો રહ્યો. તેની ઉપર ભારતીયોનું નિયંત્રણ હોવું જોઈએ અને તેની માલિકી ભારતીયો પાસે હોવી જોઈએ."
"બીજા શબ્દોમાં કહીએ તો દરેક ભારતીયની 'સંપદા' ભારત પાસે પરત."
આપને આ પણ વાચવું ગમશે
પ્રાઇવસી પોલિસી વાચી?
ઇમેજ સ્રોત, iStock
'ફોન ટ્રેક કરવો, ફોનના મેસેજ ફંફોળવા અને ફોનના યૂઝરની જાણકારી કેટલીક થર્ડ પાર્ટી કંપનીઓને આપવી.'
તમે જ્યારે કોઈ પણ નવી ઍપ અથવા વેબસાઇટનો ઉપયોગ શરૂ કરો છો, ત્યારે મોટાભાગે આ ત્રણ પરવાનગી હોય છે જે તમે ઍપ બનાવનાર કોઈ પણ કંપનીને જાણ્યે કે અજાણ્યે આપી દો છે.
પરંતુ શું આ આટલા પૂરતું જ મર્યાદિત છે? ઉપયોગ કરવા માટેની જે શરતો કંપનીએ શરૂઆતમાં વાંચવા માટે આપી હોય છે, શું તેની શબ્દાવલી સમજવી સરળ હોય છે?
બીબીસીની રિસર્ચ ટીમે ખૂબજ લોકપ્રિય 15 ઍપ્સ અને વેબસાઇટ્સની પ્રાઇવસી પૉલિસી વાંચ્યા બાદ એ જાણ્યું કે ઍપ બનાવનાર કંપનીઓની ગોપનીયતાની નીતિઓ અને વપરાશની શરતો વપરાશકર્તાને આપે છે.
તેને સમજવા માટે ઓછામાં ઓછું યુનિવર્સિટી સ્તરનું શિક્ષણ હોવું અનિવાર્ય છે.
મોટાભાગે આવા દસ્તાવેજ તૈયાર કરતી વખતે કંપનીઓ ખૂબ જ જટિલ શબ્દો અને ગોળગોળ વાક્યોનો ઉપયોગ કરે છે.
જોકે, આ દસ્તાવેજો શાંતિથી વાંચો તો કેટલીક આશ્ચર્યજનક વાસ્તવિકતાઓ જાણવા મળે છે.
1. લોકેશન ટ્રૅકિંગ
ઇમેજ સ્રોત, Getty Images
તમારા મોબાઇલનું લોકેશન ક્યાંનું છે તે હંમેશા ટ્રૅક કરવામાં આવે છે. ભલે તમે તેની અનુમતિ ન આપી હોય.
કેટલીક ઍપ વરાશકર્તા પાસેથી લેખિત અનુમતિ માગે છે કે, શું તેમના મોબાઇલનું ટ્રૅકિંગ કરી શકાય?
પરંતુ યૂઝર અનુમતિ ન આપે તો પણ મોબાઇલ કંપનીઓને તમારા મોબાઇલના લોકેશનની જાણકારી હોય છે.
ફેસબુક અને ટ્વિટર જેવી જાણીતી ઍપ પણ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસની મદદથી આવું કરતી હોય છે.
2. સહયોગી કંપનીઓને ડેટા આપવો
ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક ઍપ એવી હોય છે કે જે તમારી એકઠી થયેલી સૂચનાઓને પોતાના પ્રતિદ્વંદ્વી અને સહયોગી કંપનીઓને વેચે છે.
આ ઍપ બનાવનાર કંપનીઓનો એવો તર્ક હોય છે કે તેઓ વધુ સારી ઉપભોક્તા સેવા અને 'ચોક્કસ લોકો' સુધી પોતાની જાહેરાતો પહોંચાડવા માટે આવું કરતી હોય છે.
ટિન્ડર જેવી ડેટિંગ ઍપ જે પોતાના ઉપભોક્તાઓ પાસેથી સૂચનાઓ મેળવે છે તેને ઓકે-ક્યૂપિડ, પ્લૅન્ટી ઑફ ફિશ અને મેચ ડૉટ કૉમ જેવી અન્ય ડેટિંગ ઍપ્સ સાથે શેર કરે છે.
3. થર્ડ પાર્ટી પર નિયંત્રણ
ઇમેજ સ્રોત, Getty Images
એમેઝોન લખે છે કે તે તમારા ડેટા થર્ડ ઍપ્સ સાથે શેર કરી શકે છે.
એમેઝોને સ્પષ્ટ લખ્યું છે કે યૂઝર સાવધાનીપૂર્વક તેમની ગુપ્તતાની નીતિઓને વાંચે. ફોન નિર્માતા કંપની ઍપલ પણ આ પ્રમાણે અનુસરે છે.
તાજેતરમાં જ અમલમાં આવેલા યુરોપિયન યુનિયનના જનરલ ડેટા રેગ્યુલેશનમાં પણ એવુ કહેવાયું નથી કે કંપનીઓ પોતાનું થર્ડ પાર્ટી લિસ્ટ જાહેર કરે.
કાયદાના ઘણા જાણકારોનું માનવું છે કે કંપનીઓનું આ પ્રકારે થર્ડ પાર્ટી કંપનીને ડેટા આપવું વલણ જોખમી સાબિત થઈ શકે છે.
4.ટિન્ડર દ્વારાડેટા શૅરિંગ
ઘરે બેઠા આ રીતે ભરી શકાય છે ઇન્કમટૅક્સ રિટર્ન
ઘણી વાર 'ડેટા શેર' કરવાનો અર્થ કોઈ પણ યૂઝરનું નામ, ઉંમર અને તેમનું લોકેશન શૅર કરવા પૂરતો સીમિત નથી હોતો.
જોકે, ડેટિન્ગ ઍપ ટિન્ડર કાયદેસર એવું કહે છે કે તે કોઈ અન્ય બારીક માહિતીઓ પણ એકઠી કરી શકે છે.
જેમ કે યૂઝરે ફોન ઉપયોગ કરતા સમયે ક્યા ઍન્ગલથી ફોન પકડી રાખ્યો હતો અને ઍપ ઉપયોગ કરતા સમયે ફોનની મૂવમેન્ટ કેવી હતી.
કંપની પાસે આનો કોઈ ઉત્તર નથી કે આ પ્રકારની માહિતી તેમને શું ઉપયોગમાં આવે છે.
5. ફેસબુક સર્ચ
ઇમેજ સ્રોત, Getty Images
ફેસબુક પોતાના યૂઝર્સને તેમણે સર્ચ કરેલી માહિતી ડિલીટ કરવાનો વિકલ્પ આપે છે.
પરંતુ આ માહિતી ડિલીટ કર્યા બાદ પણ ફેસબુક પોતાની પાસે છ મહિના સુધી આ રેકોર્ડ સાચવી રાખે છે કે ઉપયોગકર્તાએ પાછલા દિવસોમાં શું શું સર્ચ કર્યું હતું.
6.ઑફલાઇન ટ્રેકિંગ
જો તમારા ફોનમાં ફેસબુકની ઍપ છે અને તમે તેમાં લોગ-ઇન કર્યું છે અથવા તો અકાઉન્ટ નથી બનાવ્યું તો પણ ફેસબુક તમારો ફોન ટ્રૅક કરી શકે છે.
ફેસબુકની ડેટા પૉલિસી અનુસાર, કંપની યૂઝરની ગતિવિધિઓ પર બિઝનેસ ટૂલની મદદથી નજર રાખે છે.
જેમ કે, યૂઝર પાસે ક્યો ફોન છે, તેમણે કઈ વેબસાઇટ જોઈ, કઈ જાહેરાતો જોઈ અને શું શું ખરીદી કરી છે.
7. પ્રાઇવેટ મૅસેજ
જો તમને એવું લાગતું હોય કે પ્રાઇવેટ મૅસેજ તમારા પૂરતો મર્યાદિત છે, તો તમારે આ વિશે ફેર વિચાર કરવો જોઈએ.
પોતાની પ્રાઇવસી પૉલિસી અનુસાર, લિંક્ડઇન કથિત રીતે ઑટોમૅટિક સ્કેનિંગ ટેકનૉલૉજીની મદદથી યૂઝરના ખાનગી મૅસેજ વાંચી શકે છે.
ટ્વિટર તમારા મૅસેજનો એક ડેટાબૅઝ પોતાની પાસે રાખે છે.
કંપનીઓનો દાવો છે કે તેઓ આ ડેટાબૅઝની મદદથી યૂઝરે ક્યારે અને કોની સાથે સંવાદ કર્યો તે જાણવાનો પ્રયાસ કરે છે. પરંતુ એવું કહેવાય છે કે તેઓ પ્રાઇવેટ મૅસેજનું કન્ટેન્ટ વાંચતા નથી.
8. વાંરવાર બદલાવ
ઇમેજ સ્રોત, Getty Images
ઍપલનું કહેવું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સને ઍપલની પ્રાઇવસી પૉલિસી પોતાના વાલીઓ સાથે બેસીને વાંચવી જોઈએ અને તેને બારીકાઈથી સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
બીબીસીની રિસર્ચ ટીમે જાણ્યું કે એક પુખ્ત વ્યક્તિ જો એકવાર બેસીને ઍપલની આખી પ્રાઇવસી પૉલિસી વાંચે તો, તેને વાંચતા સરેરાશ 40 મિનિટ થશે.
શું કોઈ તરૂણ મોબાઇલ યૂઝરને 'પ્રાઇવસી પૉલિસી' વંચાવવા માટે આટલો સમય રોકી શકાશે? જોકે. અન્ય સમસ્યાઓ પણ છે.
એમેઝોન કહે છે કે યૂઝર્સે તેમની પૉલિસી ચેક કરતા રહેવું જોઈએ કેમ કે તેમનો બિઝનેસ બદલાતો રહે છે.
જોકે, ગૂગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓનો દાવો છે કે તે પોતાની લેખિત નીતિઓને યૂઝર્સ માટે અતિ સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
પરંતુ ઑનલાઇન માધ્યમો પર યૂઝર્સની સુરક્ષા, ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે કામ કરી રહેલી સંસ્થાઓ હાલમાં કંપનીઓના પ્રયાસને પૂરતા નથી માનતી.
રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું :
ઇમેજ સ્રોત, Getty Images
અનિલ અંબાણી (જમણે)ને આ વખતે વાઇબ્રન્ટમાં આમંત્રણ નહીં.
- ગૌતમભાઈ અદાણીની જેમ હું પણ દરેક વાઇબ્રન્ટમાં હાજર રહ્યો છું. તેઓ ગુજરાતના સપૂત છે અને દેશના દૂરંદેશી ધરાવે છે.
- ગુજરાત એ રિલાયન્સમની 'જન્મભૂમિ અને કર્મભૂમિ' છે. રિલાયન્સ 'ઇન્ડિયા ફર્સ્ટ અને ઇન્ડિયામાં ગુજરાત ફર્સ્ટ'ની નીતિ ધરાવે છે.
- ગુજરાતમાં અમે રૂ. ત્રણ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેના દ્વારા પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે દસ લાખ રોજગારનું સર્જન કર્યું છે.
- આગામી દાયકામાં રોકાણ અને રોજગારીને બમણાં કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.
- મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને છ કરોડ ગુજરાતીઓને કહેવા માગીશ કે તમારું સપનું છે.
- આપણે ગુજરાતને વિશ્વનો સૌથી સમૃદ્ધ બનાવવાનો છે, આપણે આ કરી શકીએ છીએ અને કરી શકીશું.
- આ માટે ગુજરાતી યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક્તાને વિક્સાવવાની જરૂર છે.
- જિયો અને રિલાયન્સ કૉમર્સનું ઑનલાઇન પ્લેટફોર્મ ગુજરાતથી શરૂ કરીશું.
- જિયો ગુજરાતમાં 5જી માટે સજ્જ છે.
(આ અહેવાલ માટે બીબીસી રિસર્ચ ટીમના લેખનો આધાર લેવામાં આવ્યો હતો. હિંદીમાં મૂળ લેખને વાચવા માટે અહીં ક્લિક કરો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો