જાપાન: અતિભારે વરસાદથી પૂર, લૅન્ડસ્લાઇડમાં 141 લોકોનાં મૃત્યુ

જાપાનમાં પૂર Image copyright Getty Images

જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે કમસેકમ 141 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 45 લાખથી વધુ લોકોને અસર પહોંચી હોવાનું જાપાનની સરકારે જણાવ્યું છે.

જાપાનમાં છેલ્લા ત્રણ દાયકામાં પડેલો આ સૌથી વધુ વરસાદ છે. આ પહેલાં વર્ષ 1982માં જાપાનમાં ભયાનક વરસાદ પડ્યો હતો જેમાં 300 લોકો મૃત્યુ પામ્યા હતા.

મોટાભાગનાં મૃત્યુ હિરોશિમા પ્રદેશમાં થયાં છે. હિરોશિમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજારો ઘરોને નુકસાન થયું છે.

સત્તાધીશોના કહેવા પ્રમાણે, દાયકાઓમાં પહેલી વખત આવો વરસાદ પડ્યો છે, જેના કારણે અકલ્પનીય સ્થિતિ ઊભી થઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે બીજા 30 લાખ લોકોને આમ કરવાની સલાહ આપવામાં આવી છે.

હજારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઇટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે.

કેટલાક જીવતા દટાયા

Image copyright PA
ફોટો લાઈન વરસાદે હિરોશીમામાં વ્યાપક વિનાશ વેર્યો છે

જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે મૃતકો પૈકીના કેટલાક તો ભેખડો હેઠળ જીવતા દટાઈ ગયા હતા.

વડા પ્રધાન શિન્ઝો એબેના કહેવા પ્રમાણે, કર્મચારીઓ 'સમય સાથે સ્પર્ધા'માં છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વધુ વરસાદ પડી શકે છે, જેનાં કારણે સ્થિતિ વધુ વકરે તેવી આશંકા છે.

ઉપરાંત વરસાદ અને ભારે પવનની સ્થિતિ 'હજુ શરૂ જ થઈ હોવાથી' નદી કિનારાના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ પેસી ગયો છે.

વધુ વરસાદની આગાહી

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
જાપાનમાં અતિભારે વરસાદને કારણે 140થી વધુ લોકોનાં મોત

આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

હિરોશિમાથી આશરે 300 કિલોમીટર દૂર આવેલા ક્યોટોમાં પણ મુશળધાર વર્ષા થઈ હતી.

Image copyright AFP
ફોટો લાઈન અધિકારીઓના કહેવા પ્રમાણે ઘણા વિસ્તારોમાં પાણી ઓસર્યાં છે

ક્યોટોના રહેવાસી મનાબુ તાકેશિતાએ જાપાન ટાઇમ્સની વેબસાઇટને કહ્યું હતું, "નદીની આજુબાજુ રહેતા તમામ લોકો ભયભીત હશે, કારણ કે વાવાઝોડાંની સિઝન હજુ તો શરૂ જ થઈ છે."

Image copyright AFP
ફોટો લાઈન પોલીસ અને સૈન્ય જવાનો સહિત હજારો લોકો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ