થાઇલેન્ડ: ગુફામાંથી ચાર બાળકો બચાવાયાં અન્યોએ રાહ જોવી પડશે

ગુફાની બહાર રાહ જોઈ રહેલા લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

થાઇલૅન્ડમાં છેલ્લા બે સપ્તાહથી ગુફામાં ફસાયેલા 12 બાળકો અને તેમના ફૂટબૉલ કોચને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, જેમાં ચાર બાળકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે.

રવિવારે આ બચાવ કાર્યને વરસાદને કારણે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

બાકીના બાળકો તથા કોચને બહાર કાઢવાની કામગીરી સોમવારથી ફરી શરૂ કરવામાં આવશે.

ગુફાની અંદર ગયેલા ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરે 'નબળા અને અશક્ત બાળકો'ને પહેલાં બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો.

નજીની હૉસ્પિટલ ગુફાના સ્થળથી એક કલાકના અંતરે છે. તેમને હૅલિકૉપ્ટરમાં ત્યાં લઈ જવાયા હતા.

અધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે દસ વાગ્યે બચાવ ટુકડીએ ગુફામાં પ્રવેશ કર્યો હતો.

અન્ય સ્ટાફને ત્યાંથી સ્થળાંતર કરી દેવાયો હતો અને માત્ર ડાઇવર્સ ટીમ તથા ડૉકટર્સની ટીમ અને સુરક્ષા દળોને જ ત્યાં રહેવા દેવાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ મીડિયા ડાઇવર્સ પર ઓવારી ગયું છે અને તેમની પ્રશંસા કરી રહ્યું છે.

ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું, 'ગુફામાં ફસાયેલા બાળકો અને કોચને સલામત બહાર કાઢવામાં અમેરિકા થાઇલૅન્ડ'ની સરકાર સાથે મળી કામ કરી રહ્યું છે.'

અત્રે નોંધવું રહ્યું કે 23 જૂને આ બાળકો તેમના કોચ સાથે આ ગુફામાં ગયા હતા અને તેમાં ફસાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન એક ડાઇવરનું મૃત્યુ થયું હતું.

18 ડાઇવર્સની બચાવટીમ

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી એએફપીએ બચાવ કામગીરી કરી રહેલાં દળના હવાલાથી લખ્યું છે કે એક-એક કરીને તમામ બાળકોને બહાર કાઢવામાં બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગી શકે છે.

આપને આ પણ વાંચવું ગમશે

બચાવ કામગીરી હાથ ધરતાં પહેલા ફસાયેલા બાળકો અને તેમના વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.

થાઇલૅન્ડમાં ઉપસ્થિત બીબીસી સંવાદદાતાઓ પાસેથી મળતી માહિતી

ઇમેજ સ્રોત, Getty Images

  • અધિકારીઓના આદેશ બાદ ગુફાના પ્રવેશદ્વારની આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવાયો હતો.
  • ગુફાના પ્રવેશદ્વાર પાસે એક નાનકડાં બજાર જેટલી ભીડ થઈ ગઈ હતી, એમાંથી ઘણા લોકો સ્વેચ્છાએ બચાવ કાર્યમાં મદદ કરવા જોડાયા હતા.
  • મીડિયાકર્મીઓને પણ પ્રવેશદ્વારથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ભીડ થવાના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થતો હતો.
  • બચાવ કામગીરીમાં જોડાયેલા થાઇલૅન્ડ નેવીના કર્મચારીએ કહેવું છે કે ગુફામાંથી પાણીનું સ્તર ઘણું ઓછું થયું છે. હજારો લીટર પાણી ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યું છે.

રૅસ્ક્યુ ટીમ સામે પડકારો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

ગુફા પાસે જ એક સ્કૂલમાં બાળકોની સલામતી માટે પ્રાર્થના કરતા બાળકો. ગુફામાં ફસાયેલા 13માંથી 6 બાળકો આ શાળામાં જ અભ્યાસ કરતા હતા.

બીબીસી સંવાદદાતા જૉનથન હેડ કહે છે કે બચાવકર્મીઓએ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

પાણીની અંદર બાળકો પાસે મરજીવા (ડાઇવર્સ)નાં સાધનો સાથે તરવાની અપેક્ષા રાખવી વધુ પડતી છે, ગુફામાં ફસાયેલા ઘણાં બાળકો માટે આ નવી બાબત હશે.

ઉપરાંત તેઓ તરવાનું જાણતા નથી. ઉપરાંત હાઇપોથર્મિયાનું જોખમ પણ રહેલું છે. બચાવકર્મીઓનું કહેવું છે કે ગુફાની અંદર પાણી બહુ ઠંડું છે.

બહાર આવવા માટે બાળકોએ થોડાંક કલાકો સુધી પાણીની અંદર તરવું પડશે, જેમાં તેમના અંગોને હાનિકારક અસર થવાની શક્યતા છે.

આ ઉપરાંત ગુફામાં રહેતાં ચામાચીડિયાં સહિતના જીવોના કરડવાથી અને ગુફાનાં પાણીથી ઇન્ફૅક્શન પણ થઈ શકે છે.

અધિકારીઓનું કહેવું છે કે તમામ 13 લોકોને બહાર કાઢવામાં ત્રણ દિવસ લાગી શકે છે, શરૂઆતમાં એવું અનુમાન મૂકવામાં આવ્યું હતું કે બાળકોને બહાર કાઢવામાં ચાર મહિના પણ લાગી શકે છે.

શનિવારના વરસાદ બાદ ચિંતા વધી

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે વરસાદ પડ્યા બાદ ચિંતા વધી ગઈ હતી, હવે વરસાદના કારણે ગુફામાં ફરીથી પાણી ભરાઈ જવાની આશંકા છે.

ચિયાંગ રાઈ પ્રાંતના ગવર્નર અને આ બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહેલાં નારોંગ્સાકે શનિવારે કહ્યું કે બાળકોની તબિયત હવે સારી છે. આગામી દિવસો સુધી વરસાદ પડવાની શક્યતા નહિવત્ છે.

ગુફામાંથી અત્યાર પાણી કાઢી લેવાયું હોવાથી આ સમય બાળકોને બહાર કાઢવા માટે યોગ્ય હોવાનું પણ જણાવ્યું હતું.

ગુફામાં ફસાયેલા બાળકો જેમણે શોધી કાઢ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ગુફામાં ફસાયેલા બાળકો અને તેમના કોચે નવ દિવસ બાદ પહેલી વખત બહારનો અવાજ સાંભળ્યો હતો. ગુફાની બહારથી બ્રિટિશ નાગરિક જૉન વોલેન્થને પૂછ્યું હતું, 'તમે કેટલા લોકો છો?'

ગુફાની અંદરથી એનો જવાબ આવ્યો હતો,... 'થર્ટિન'

આ જવાબથી એક બાબત નિશ્ચિત થઈ ગઈ હતી કે ગુફામાં ફસાયેલા બાળકો અને તેમના કોચનું ઠેકાણું મળી ગયું છે.

દુર્ગમ-ડરામણી ગુફા કેવી છે?

ઉપરોક્ત ગ્રાફ પરથી તમે સમજી શકો છો કે બાળકોને આ ગુફામાંથી બહાર કાઢવા કેટલું કપરું કામ છે. આ નાનકડી જગ્યામાં 13 લોકો ફસાયેલા છે.

આ ગુફા પ્રવેશદ્વારથી બે કિલોમિટર લાંબી અને 800 મીટરથી એક કિલોમીટર જેટલી ઊંડી છે. સમસ્યા એ છે કે આ ગુફા ઘણા વિસ્તારોથી સંપૂર્ણપણે સંપર્કવિહોણી છે.

અહીંયા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે એટલે રાહત ટુકડીઓને આ બાળકોને શોધવામાં નવ દિવસો નીકળી ગયા.

ઇમેજ સ્રોત, Max Yuttapong Kumsamut

બચાવદળો એ બાબત પર ખાસ નજર રાખી રહ્યા છે કે ગુફામાં વધારે પાણી ના ભરાઈ જાય.

ગુફાનાં કેટલાક ભાગ તો એટલા સાંકડા છે કે રાહતદળોને આ બાળકોને બહાર કાઢવા માટે આકરી તાલીમ આપવી પડશે.

મોટી સમસ્યા એ છે કે અહીં ફસાયેલાં બાળકો તરવામાં નિષ્ણાત નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો