દવાની સાથે પેટમાં જશે આ કૅમેરો પછી શું થશે?

સંશોધકોએ બનાવેલી મેજિક પિલનો ફોટોગ્રાફ
ફોટો લાઈન આ છે નવી મેજિક પિલ

વિજ્ઞાને આજે એટલી પ્રગતિ કરી છે કે લગભગ એકેય બીમારીની સારવાર તેની પહોંચની બહાર નથી.

તબીબી વિજ્ઞાને સંશોધન મારફત જીવલેણ બીમારીઓ પર પણ અંકુશ મેળવી લીધો છે.

આપણા નાના આંતરડાની કેટલીક બીમારીઓ તેની પકડમાં આવતી નહોતી. કારણ કે એન્ડોસ્કોપી મારફત મોટા આંતરડાં કે પેટ સુધી જ પહોંચી શકાય છે.


જાદુઈ દવા

નાના આંતરડાની કેટલીક બીમારીઓ સુધી પહોંચવાનું પહેલાં મુશ્કેલ હતું, પણ હવે એ બધી બીમારીઓ ભાળ એક કૅમેરા મારફત મેળવી શકાશે.

ડૉક્ટર્સે વાયરલેસ ટેક્નોલૉજી વડે એક નવી મૅજિક પિલ તૈયાર કરી છે.

એ જાદુઈ ગોળીમાં એક માઇક્રો કૅમેરા ફિટ કરેલો હોય છે, જે દવાની સાથે પેટમાં જઈને નાના આંતરડાની આંતરિક હાલત કેવી છે તે જણાવે છે.

શું તમે આ વાંચ્યું?

આ માઇક્રો કૅમેરા નાના આંતરડાના ફોટોગ્રાફ્સ ક્લિક કરવા ઉપરાંત તેનો વીડિયો પણ બનાવી લે છે.

આ કૅમરામાંથી ચમકતાં સફેદ કિરણો નીકળે છે, જે આંતરડાના અંદરના ભાગને પ્રકાશિત કરે છે. એ પ્રકાશમાં આ માઇક્રો કૅમરા નાના આંતરડાની હાલત બહારના સ્ક્રીન પર દેખાડે છે.


આ દવા ઓગળતી નથી

જે ગોળીમાં આ કૅમરા ફિટ કરવામાં આવેલો હોય છે એ ગોળી એવી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવે છે, જે ભોજન પચાવવા માટે નીકળતાં રસાયણોને લીધે ઓગળતી નથી.

તપાસનાં સમયે દર્દીના પેટ પર એક બેલ્ટ બાંધવામાં આવે છે. એ બેલ્ટમાં રેડિયો સેન્સર અને ડેટા રેકોર્ડર લગાવેલાં હોય છે.

દર્દી ગોળી ગળે કે તરત બેલ્ટ પર દરેક સેકન્ડે બે ઇમેજ જોવા મળે છે. વીડિયો ઑપ્શન ઑન હોય તો લાઈવ ફીડ પણ જોઈ શકાય છે.

દર્દીના પાચનતંત્રમાંથી આ ગોળી 10થી 48 કલાકમાં બહાર નીકળે છે. 48 કલાક પછી દર્દીને ફરી હોસ્પિટલમાં લાવવામાં આવે છે.

હોસ્પિટલમાં ફોટો અને વીડિયોની મદદથી કમ્પ્યૂટર પર નાના આંતરડામાં રહેલી ખામીની તપાસ કરવામાં આવે છે, કોઈ બીમારી છે કે નહીં તેનું નિદાન કરવામાં આવે છે.

નાના આંતરડામાં થતા કેન્સરનું નિદાન પણ કેપ્સ્યુલવાળા આ કેમરાની મદદથી કરી શકાશે.

(ખાસ નોંધઃ આ સ્ટોરી મૂળ અંગ્રેજી સ્ટોરીનો અક્ષરસઃ અનુવાદ નથી. વાચકોની સરળતા માટે કેટલીક વાતો તેમાં જોડવામાં આવી છે. બીબીસી ફ્યૂચર પર મૂળ અંગ્રેજી સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ