થાઇલૅન્ડ : ગુફામાં ફસાયેલા 12 બાળકો અને કોચ સહિત તમામને બહાર કઢાયાં

બાળકો Image copyright Blue Label Diving
ફોટો લાઈન ગુફાની અંદર બાળકોને બચાવવા ગયેલો ડાઇવર

ઉત્તર થાઇલૅન્ડની થેમ લુઆંગ ગુફામાં ફસાયેલા 12 બાળકો અને એક કોચ તમામને બહાર કાઢી લેવાયા છે. થાઈ નેવી સીલે આ માહિતી આપી છે.

રવિવારે 13 લોકોને બચાવવા માટે શરૂ કરાયેલું રેસ્ક્યૂ ઑપરેશન ત્રણ દિવસ સુધી ચાલ્યું છે.

રવિવાર અને સોમવારે ચારચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

જ્યારે આજે એટલે કે મંગળવારે બાકી રહેલા બાળકો અને તેમના કોચને બહાર કાઢવામાં સફળતા મળી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

થાઇલૅન્ડના સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે આજે બાકી રહેલા બાળકો અને કોચને બહાર કાઢવા માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ એક લાંબા અને જોખમભરા અભિયાનનો સુખદ અંત આવ્યો છે.

12 ફૂટબૉલ ખેલાડી તેમના કોચ સાથે 23 જૂનના રોજ આ ગુફામાં ગયા હતા અને ત્યાં જ ફસાઈ ગયા હતા.

અંધારી અને ખુબ જ સાંકડા રસ્તાવાળી તથા પાણીથી ભરેલી ગુફામાંથી બાળકોને બહાર કાઢવાના આ અભિયાન પર દુનિયાભરની નજર હતી.


બાળકોને કેવી રીતે ગુફામાંથી બહાર કઢાયાં?

રવિવારે ચાર અને સોમવારે પણ ચાર બાળકોને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

એટલે કે બંને દિવસોમાં કુલ આઠ બાળકોને બહાર કઢાયાં છે.

પરંતુ આ સમગ્ર ઑપરેશન કેવી રીતે ચાલ્યું તે નીચેના વીડિયો પરથી જોઈ શકાય છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
આ રીતે કરાયું ગુફામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ ઑપરેશન

કેવી હાલતમાં છે બહાર નીકળેલા બાળકો?

Image copyright Getty Images
ફોટો લાઈન બહાર કાઢવામાં આવેલા બાળકોની સ્થિતિ સારી છે

બીજી તરફ ગુફામાંથી બહાર કાઢવામાં આવેલા બાળકોની શારીરિક અને માનસિક સ્થિતિ સારી છે.

આ જાણકારી થાઇલૅન્ડના એક સ્વાસ્થ્ય અધિકારીએ આપી છે.

સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગના સ્થાયી સચિવ જીસેદા ચોકદેમ્રોંગસુકે કહ્યું, "તમામ આઠ બાળકોનું સ્વાસ્થ્ય સારું છે. તેમને કોઈ પ્રકારની બીમારી નથી. બધાની માનસિક સ્થિતિ પણ સારી છે."

આ તમામ બાળકોના એક્સ-રે ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને તે ટેસ્ટ નોર્મલ આવ્યા છે.

જોકે, બે બાળકોના ફેફસાંમા ચેપની આશંકા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

તેમને ઓછામાં ઓછા સાત દિવસ સુધી ડૉક્ટર્સની નજર હેઠળ રાખવામાં આવશે.


કેમ પડકારજનક છે રેસ્ક્યૂ ઑપરેશન?

અત્યંત પડકારજનક આ અભિયાનને થાઇલૅન્ડના અને વિદેશી મરજીવાઓએ પાર પાડ્યું હતું.

દોરડાંને સહારે આ મરજીવા પાણીમાં તરીને, ગુફાની અંદર ચાલીને બાળકો સુધી પહોંચ્યા હતા.

આ મરજીવા એ બાળકોને બચાવવા પહોંચ્યા હતા કે જેમને ખબર જ નહોતી કે ગુફાના પાણીમાંથી કઈ રીતે બહાર નીકળાય.

બહાર કાઢવામાં આવી રહેલાં દરેક બાળક સાથે બે મરજીવા જોડાયા હતા. તેઓ પોતાની સાથે એર સપ્લાય લઈને પહોંચ્યા હતા.

આ ઑપરેશન એટલા માટે પડકારજનક છે કારણે કે ગુફામાં અનેક જગ્યાએ પાણી ભરેલું છે, હજી પણ પાણીનું સ્તર વધી રહ્યું છે.

ઉપરાંત ગુફામાં અનેક જગ્યા સાંકળી હોવાથી ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. ગુફાની અંદર જ અનેક જગ્યાએ ઉપર ચઢવું પડે છે.

વિશ્વભરની મીડિયા સંસ્થાઓ અભિયાનને કવર કરી રહી છે.

Image copyright AFP
ફોટો લાઈન વિદેશની મીડિયા સંસ્થાઓ બચાવ અભિયાનને કવર કરી રહી છે

ગુફાની આગળના આવેલા ચેક પૉઇન્ટ પર બાળકોના પરિવારજનો રાહ જોઈ રહ્યા છે.

અહીંથી માતાપિતાને કોઈ સમાચાર મળે તેની રાહ જોઈ રહ્યા છે.

Image copyright Reuters
ફોટો લાઈન ગુફાની આગળ આવેલો ચેક પૉઇન્ટ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ