ઘણા લોકો મોટા થઈને પોતાની માતૃભાષા કેમ ભૂલી જાય છે?

આપણે બોલી અને ભાષા કેવી રીતે ગુમાવતા હોઈએ છીએ તેના કારણો અને પરિબળોનું સાયન્સ સંકુલ છે Image copyright Rauluminate

લંડનમાં હું મારા રસોડામાં બેઠી છું અને મારા ભાઈએ મોકલેલા એસએમએસને ઉકેલવાની કોશિશ કરી રહી છું. તે જર્મનીમાં અમારા વતનના ગામમાં રહે છે.

અમે એકબીજા સાથે જર્મનીમાં વાતચીત કરીએ છીએ, જેમાં બહુ વિચિત્ર શબ્દો હોય છે પણ આ શબ્દ મારા ધ્યાનમાં ક્યારેય આવ્યો નહોતો - fremdschämen. તેનો અર્થ શું થતો હશે - સ્ટ્રેન્જર અશેમ્ડ (અજાણ્યાની શરમ)?

ભાઈને તેનો અર્થ પૂછવામાં મને સંકોચ થયો.

છેવટે મેં મારી રીતે અર્થ શોધી કાઢ્યો, પણ મને બહુ ખરાબ લાગ્યું કે વર્ષો સુધી વિદેશમાં રહેવાના કારણે હું મારી માતૃભાષા આ રીતે ભૂલવા લાગી છું.

લાંબો સમયથી વતનથી દૂર રહેલા લોકોને ખ્યાલ હોય છે કે સ્થાનિક બોલી ભૂલાવા લાગે છે.

સમજી શકાય તેવી આ પ્રોસેસ લાગે છેઃ તમે જેટલો સમય વતનથી દૂર રહો એટલી બોલી ભુલાતી જાય. પણ વાત એટલી સરળ નથી.

આપણે બોલી અને ભાષા કેવી રીતે ગુમાવતા હોઈએ છીએ તેના કારણો અને પરિબળોનું સાયન્સ સંકુલ છે અને ધારણાથી વિપરિત છે.

તમે કેટલો સમય વતનથી દૂર રહ્યા તેનાથી કોઈ ફરક પડતો નથી.


Image copyright PeopleImages

વતનથી બહાર લોકો સાથે જ બહાર તમે વધારે હળોમળો તેનાથી પણ તમારી બોલી બગડી શકે છે.

ઇમોશનલ ટ્રોમા જેવાં કારણો તેના માટે સૌથી વધારે જવાબદાર હોય છે.

માત્ર વતન બહાર જનારાને જ આવી અસર થાય છે તેવું નથી. બીજી ભાષામાં વ્યવહાર વધારનારી કોઈ પણ વ્યક્તિ સાથે આવું થઈ શકે છે.

એસેક્સ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્રી મોનિકા શ્મીડ કહે છે, "તમે બીજી ભાષા શીખવાની શરૂઆત કરો, તે સાથે જ બે સિસ્ટમ્સ એક બીજા સાથે સ્પર્ધા કરવા લાગે છે,"

તમે આ વાંચ્યું કે નહીં?

‘માનવતા બચાવવી હોય તો માતૃભાષા પણ બચાવવી પડશે’

ગુજરાતી ભાષાની આ ખૂબીઓ આપ જાણો છો?

માતૃભાષા આપણે કઈ રીતે ભૂલી રહ્યા છીએ તે દિશામાં સંશોધન વધી રહ્યું છે અને તે ફિલ્ડમાં અગ્રણી સંશોધકોમાં શ્મીડનો સમાવેશ થાય છે.

બાળકોમાં આ સમજાવી શકાય તેવું છે, કેમ કે તેમના મગજ વધારે ફ્લેક્સિબલ અને નવું સ્વીકારવા તૈયાર હોય છે.

12 વર્ષની ઉંમર સુધીમાં ભાષા બદલાઈ જાય તો તેની અસર થાય છે.

એવું પણ જોવા મળ્યું છે કે 9 વર્ષની ઉંમરે બાળકને તેના જન્મના દેશથી અલગ કરી દેવામાં આવે તો તે પોતાની માતૃભાષા તદ્દન ભૂલી જાય છે.

મોટી ઉંમરે પછી માતૃભાષા ભૂલી જવી લગભગ મુશ્કેલ હોય છે, સિવાય કે બહુ વિપરિત સંજોગો સર્જાય.

દાખલા તરીકે શ્મીડે યુદ્ધ વખતે જર્મન છોડીને યુકે અને યુએસમાં આશરો લેનારા અને હવે વૃદ્ધત્વે પહોંચેલા જર્મનોનો અભ્યાસ કર્યો હતો.


Image copyright shapecharge
ફોટો લાઈન વૃદ્ધ લોકો જે તણાવગ્રસ્ત માહોલમાંથી પસાર થાય ત્યારે ભાષા ભૂલી જવાની શક્યતા છે.

તેઓ કેટલો સમય વિદેશમાં રહ્યા તેના કારણે તેમની ભાષાની સ્કીલ પર અસર નહોતી થઈ પરંતુ નાઝીવાદને કારણે વેઠવી પડેલી યાતનાની પીડાને કારણે તેમને અસર થઈ હતી.

જર્મનીમાં યહુદીઓનો હત્યાકાંડ ચાલ્યો તે પહેલાંના સમયમાં દેશ છોડી ગયેલા લોકો, તેઓ વઘુ લાંબો સમય વિદેશમાં રહ્યા હોવા છતાં, વધારે સારી રીતે જર્મન બોલી શકતા હતા.

તેની સામે 1938માં યહુદીઓની કત્લેઆમ ચાલી તે પછી જર્મનીથી ભાગેલા યહુદીઓ માટે જર્મન બોલવું મુશ્કેલ થવા લાગ્યું હતું.

શ્મીડ કહે છે, "આ સ્થિતિ તેમને અનુભવેલી માનસિક યાતનાને કારણે હતી,"

બચપણથી તેઓ જર્મન બોલતા હતા, ઘરમાં અને કુટુંબમાં પણ જર્મની બોલાતી હતી પરંતુ તેમના માટે એ ભાષા હવે યાતનાની યાદ સાથે જોડાયેલી ભાષા હતી.

આવા એક વસાહતી કહે છે, "જર્મનીએ મને દગો દીધો હોય તેમ મને લાગે છે. અમેરિકા મારો દેશ છે અને ઇંગ્લિશ મારી ભાષા છે."


ભાષામાં પરિવર્તન

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
બદેશી ભાષા બોલનારા માત્ર ત્રણ લોકો જ વિશ્વમાં બચ્યા છે.

આવી રીતે ભાષા તદ્દન ભૂલાઈ જાય તેવું અપવાદરૂપે જ થાય છે. મોટાભાગના વસાહતીઓમાં પોતાની મૂળ ભાષા યાદ રહી જાય છે.

તે ભાષા કેટલી સારી રીતે યાદ રહે તે માટે વ્યક્તિની ટેલેન્ટ સહિતનાં પરિબળો જવાબદાર હોય છે.

ભાષાની બાબતમાં હોંશિયાર લોકો કાયમ માટે ભાષાને જાળવી રાખે છે, ભલે ગમે તેટલો લાંબો સમય તેઓ વતનથી દૂર રહ્યા હોય.

જોકે, આપણે આપણા મગજમાં જુદી જુદી ભાષાને કઈ રીતે જોડીએ છીએ તેના આધારે પણ માતૃભાષાની પ્રવાહિતા જળવાઈ રહે છે.

શ્મીડ કહે છે, "તમે એકથી વધારે ભાષા જાણતા થાવ ત્યારે તમારે મનમાં એવાં નિયંત્રણ કેન્દ્રો તૈયાર કરવા પડે છે, જે તમને એકથી બીજી ભાષા પર લઈ જાય."

તેઓ ઉદાહરણ આપતા કહે છે કે પોતાની સામે વસ્તુ પડી હોય ત્યારે તેમના નામ માટે તેમનું મગજ અંગ્રેજી અને જર્મન બંને ભાષામાંથી કોઈ એક ભાષાને પસંદ કરશે.

(શ્મીડ જર્મન છે.) ડેસ્ક (Desk) અને જર્મન શબ્દ શ્રાઇબટિસ (Schreibtisch)માંથી એકની પસંદગી મગજ કરશે.

પોતાની ભાષા બોલનારા લોકો સાથે હળવા મળવાથી કોઈ ફાયદો થાય થતો નથી, કેમ કે બંને લોકો બંને ભાષા જાણતા હોવાથી કોઈ એક ભાષામાં વાતચીત ચાલતી નથી.

લંડનમાં દુનિયાની સૌથી વધુ ભાષાઓ બોલાય છે. ત્યાં ભાષાની આવી ખીચડી જોવી સ્વાભાવિક છે.

તેમાંથી એક નવી શહેરી બોલી તૈયાર થાય છે. લંડનમાં 300 જેટલી ભાષા બોલાય છે અને 20 ટકા લંડનવાસીઓ અંગ્રેજી સિવાયની ભાષા બોલે છે.

ઉત્તર લંડનના પાર્કમાં રવિવારે તમે આંટો મારો તો તેમાં પોલીશથી માંડીને કોરિયન સુધીની એક ડઝન ભાષા સાંભળવા મળે.

તે બધાની ભાષામાં અંગ્રેજીનું સારું એવું મિશ્રણ થઈ ગયેલું હોય છે.

પિકનિક માટે બ્લેન્કેટ પાથરીને બેઠેલા બે પ્રેમીઓ ઇટાલિયનમાં વાતો કરતા હતા. અચાનક તેમાંથી એક બોલી ઊઠે છે: "I forgot to close la finestra!"

એક તરફ ત્રણ આરબ મહિલાઓ ભેગી મળીને નાસ્તો કરી રહી છે.

એક નાનો છોકરો દોડીને આવે છે અને જોરથી કહે છેઃ "Abdullah is being rude to me!"

તેની મમ્મી અંગ્રેજીમાં શરૂઆત કરે છે "Listen..." અને તે પછી અરબીમાં બોલે છે.

ભાષાઓ બદલવી એટલે ભાષાઓ ભૂલી જવું એવું નથી.

શ્મીડ કહે છે કે લાંબા ગાળે આ રીતે બંને ભાષા એક સાથે બોલવાના કારણે મગજ માટે કોઈ એક ભાષા પર સ્થિર થવું મુશ્કેલ બને છે.

તમારું મગજ તમને એક ભાષા પર લાંબો સમય રહેવા જ દેતું નથી.


સતત બોલો

Image copyright Jeff Greenberg

સાઉથેમ્પટન યુનિવર્સિટીના ભાષાશાસ્ત્રી લૌરા ડોમિંગીઝે લાંબો સમયથી માઇગ્રેશન કરીને આવેલા બે જૂથોનો અભ્યાસ કર્યો ત્યારે તેમને પણ આવું જોવા મળ્યું હતું.

તેમણે યુકેમાં વસતા સ્પેનિયાર્ડ્સ અને યુએસમાં વસતા ક્યુબન્સનો અભ્યાસ કર્યો હતો.

સ્પેનિયાર્ડ્સ યુકેમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા હતા અને મોટા ભાગે અંગ્રેજી બોલતા હતા.

ક્યુબન્સ બધા જ મિયામી શહેરમાં વસ્યા હતા, જ્યાં મોટા પ્રમાણમાં લેટિન અમેરિકન વસતિ છે. તે લોકો સ્પેનિશ જ બોલાતા હતા.

યુકેમાં વસતા સ્પેનિયાર્ડ્સ હંમેશા કહેતા કે અરે મને શબ્દ ભૂલાઈ ગયો.

એમ ડોમિંગીઝ કહે છે "જોબ માટે જે ભાષા શીખી હોય તેમાં મને શબ્દ યાદ કરવામાં મુશ્કેલી પડે છે એવો જવાબ પણ લોકો આપતા હોય છે."

તેઓ પોતે પણ સ્પેનિયાર્ડ છે અને તેઓ જોબ માટે વર્ષોથી વિદેશમાં છે. આ મુશ્કેલીનો તેમને જાત અનુભવ છે.

તેઓ કહે છે: "જો મારે આ વાતચીત સ્પેનિશમાં કોઈ સ્પેનિશ વ્યક્તિ સાથે જ કરવાની હોત તો મને નથી લાગતું કે હું કરી શકી હોત."


Image copyright Barcroft Media

જોકે, તેમણે પોતાના અભ્યાસમાં જોડાયેલા લોકોનો વધારે અભ્યાસ કર્યો ત્યારે તેમને એક ધ્યાન ખેંચતો વિરોધાભાસ દેખાયો.

અલગ પડી ગયેલા સ્પેનિયાર્ડ્સ પોતાની ભાષાનું ગ્રામર બરાબર જાળવી શક્યા હતા, પરંતુ ક્યુબન્સ જે સતત સ્પેનિશ બોલતા હતા, તેઓ કેટલાક દેશી શબ્દો અને બોલવાની રીતે ભૂલી ચૂક્યા હતા.

તેનું મુખ્ય કારણ અંગ્રેજીની અસર નહોતી પરંતુ મિયામીમાં અનેક પ્રકારની સ્પેનિશ બોલાતી હતી તેના કારણે આવું થયું હતું. ક્યુબન લોકો કોલંબિયન કે મેક્સિકનની બોલી વધારે બોલવા લાગ્યા હતા.

ડોમિંગીઝ અમેરિકામાં રહ્યા ત્યારે તેમના મિત્રોમાં મેક્સિકન વધારે હતા.

તેઓ વર્ષો પછી સ્પેન પાછા ફર્યા ત્યારે જૂના મિત્રો કહેવા લાગ્યા કે તમે હવે મેક્સિકનની જેમ બોલો છો.

આપણી ભાષાને કે બોલીને મળતી આવતી અન્ય ભાષા કે બોલીની અસર વધારે થતી હોય છે એવી તેમની થિયરી છે.

તેઓ માને છે કે આ રીતે આપણે બીજી ભાષા અને બોલીને સ્વીકારીએ છીએ તે સારી બાબત છે. નવું શોધવાની આપણા મનુષ્યોની ક્ષમતાનો તે પુરાવો છે.

તેઓ કહે છે, "ભાષા ભૂલાતી જાય તે ખરાબ બાબત નથી. આ એક સહજ પ્રક્રીયા છે. નવા માહોલમાં અનુકૂળ થાય તે રીતે આ લોકોએ પોતાનું ગ્રામર બદલ્યું છે."

એ વાત ખાસ યાદ કરાવવાની કે ભાષાશાસ્ત્રીઓની વ્યાખ્યા પ્રમાણે કોઈ વ્યક્તિની માતૃભાષા કદી ટેરિબલ (ઢંગધડા વિનાની) હોતી નથી.

માતૃભાષા ભૂલાતી જતી હોય તેને ગમે ત્યારે અટકાવીને શકાય છે. વતનમાં એકવાર આંટો મારીએ એટલે બધું ફરી યાદ આવી જાય.

આજે પણ આપણામાંના ઘણા માટે માતૃભાષા સાથેનો લગાવ પોતાની ઓળખ સાથે જોડાયેલો હોય છે, જૂની યાદો સાથે તે જોડાયેલી રહે છે.

તેના કારણે જ મારા ભાઈએ મને લખેલો શબ્દ અજાણ્યો લાગ્યો ત્યારે તેનો અર્થ શોધી કાઢવા માટે હું લાગી પડી હતી.

મને હાશ થઈ કે હું બહુ ઝડપથી તે શબ્દનો અર્થ શોધી શકી હતી. Fremdschämen એ જર્મન બોલીના શબ્દનો અર્થ થાય છે બહુ ચીડ ચડે એવું કરનારી વ્યક્તિને જોઇને તેના માટે ચીતરી ચડવી.

આ બહુ પ્રચલિત શબ્દ હતો અને વર્ષો સુધી સાંભળ્યો હતો, પણ મગજમાંથી એમ જ નીકળી ગયો હતો.

20 વર્ષ વિદેશમાં રહ્યા પછી આ બાબતની નવાઈ લાગવી જોઈએ નહીં.

આમ છતાં મને થોડું દુઃખ થયું કે મારો ભાઇ જે શબ્દ વાપરતો હોય તે સમજવામાં મને થોડી વાર લાગે.

કશુંક ગુમાવ્યાની લાગણી થઈ. જાણે થોડું અંતર પડી ગયું. આ શબ્દ માટે બીજો જર્મન શબ્દ પણ છે, પણ લાગે છે તે યાદ કરવામાં મને થોડો વધુ સમય લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ