થાઇલૅન્ડ : ગુફા અભિયાનના મહત્ત્વના સવાલ અને જવાબ

થાઇલૅન્ડ Image copyright Reuters

17 દિવસ ગુફામાં રહ્યાં બાદ તમામ થાઈ બાળકો અને તેમના કોચને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

થાઇલૅન્ડના તથા અન્ય દેશોમાંથી આવેલા મરજીવાઓ (ડાઇવર)ની ટુકડીએ ખૂબજ મુશ્કેલ અને ખતરનાક બચાવ કાર્ય હાથ ધરીને બાળકોને ટૅમ લૂંગ ગુફામાથી બહાર કાઢ્યા, જેની નવી વિગતો હજુ પણ બહાર આવી રહી છે.

બીબીસીના સંવાદદાતા જોનાથન હેડે બાળકો, બચાવ કામગીરી અને હવે આગળ શું થશે એ અંગેના કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.


બાળકો ગુફામાં આટલા ઊંડે સુધી કેવી રીતે ગયા?

Image copyright FACEBOOK/EKATOL

જ્યાં સુધી આપણે તેમના આસિસ્ટન્ટ કોચ એક્કાપોલ ચેંતાવોંગ પાસેથી માહિતી મેળવીએ નહીં, ત્યાં સુધી આ વિશે ચોક્કસપણે જાણી ના શકીએ.

શનિવારે તેમનું મેચ રમવાનું આયોજન હતું, જે રદ્દ થયું. મુખ્ય કોચ નોપારત કેંથાવોંગના જણાવ્યા મુજબ, તેમણે મેચના બદલે તાલીમ સેશનનું આયોજન કર્યુ હતુ.

બાળકો ઉત્સાહિત સાઇક્લિસ્ટ હતા, તેથી તેમણે ફેસબુકનાં ગ્રૂપ ચેટની મદદથી તેમના વાલીઓ અને હેડ કોચ સાથે વાત કરી હતી. કોચ એક્કેએ સૂચન કર્યું હતું કે તેઓ ફૂટબૉલના મેદાન પર સાઇક્લિંગ કરે.

ગુફા તરફ જવાનું કોઈ પણ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું ન હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

શનિવારે ફીરપટ્ટ 'નાઇટ' સોમપીંગેજાઈનો 16મો જન્મદિવસ હતો. સ્થાનિક દુકાનદારના કહેવા મુજબ બાળકોએ તેની ઊજવણી માટે મંગવાયેલી ખાણીપીણીની ચીજો પાછળ 700 બાહટ ( 22 યુએસ ડોલર)થી વધુ ખર્ચ કર્યો હતો, જે આ વિસ્તારમાં ખુબજ મોટી રકમ મનાય છે.

કોચ નોપે જણાવ્યું કે બાળકો સાથે પ્રેમભાવથી જોડાયેલા હોવાના કારણે તેમણે આસિસ્ટન્ટ કોચ એક્કેને તેમની સાથે ગુફામાં જવાનું જણાવ્યું હતું.

આ ગુફા સ્થાનિક વિસ્તારમાં ખૂબ જ જાણીતી છે અને આ મુલાકાત પહેલા પણ બાળકોએ તેની મુલાકાત લીધી હતી.

સૌથી ચોક્કસ અનુમાન એ છે કે બાળકો ખૂબ ઊંડે સુધી ગયા, આગળ વધતાં પુરના કારણે ફસાયા અને તેના કારણે જ વધુ ઊંડે જવા માટે મજબૂર થયાં.


શા માટે બાળકોને અલગ રખાયા?

Image copyright THAI GOVERNMENT PUBLIC RELATIONS DEPARTMENT

સત્તાવાર એવી માહિતી અપાઈ છે કે બાળકો ખૂબ જ નાદુરસ્ત છે અને તેમને ચેપ લાગવાની સંભાવના છે.

તેઓ હવે થાઇલૅન્ડની 'કિંમતી વ્યક્તિઓ' છે. તેમને જીવિત બહાર લઈ આવવા માટે અથાગ પ્રયાસ કરાયો છે. થાઈ પ્રશાસન કોઈ પણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતુ.

કદાચ થાઈ પ્રશાસન એવુ નથી ઇચ્છતું કે બાળકો તેમના વાલીઓને ઉત્સુકવશ થઈને મળે અને તેમને ભેટે.

જો કે પશ્વિમી પરંપરાની જેમ થાઈ લોકોમાં ભેટવાનું ખાસ ચલણ નથી.

વાલીઓને બારીમાંથી બાળકોને જોવાની પરવાનગી અપાઈ છે અને જ્યારે કોઈ રૂમમાં જાય, ત્યારે માસ્ક અને હાથના મોજા પહેરાવાની સૂચના આપવામાં આવી છે.

વાલીઓ ગરીબ અને સીમાંત સમુદાયના છે, અને તેમને પ્રશાસન દ્વ્રારા જ સૂચવવામાં આવે છે કે તેમણે શું કરવું તેઓ પ્રશાસન દ્વ્રારા જે મુશ્કેલી વેઠીને તેમના બાળકોને બહાર કઢાયાં છે તેનો પાડ માને છે, એટલે જ કદાચ પ્રશાસનની કોઈ વાતનો વિરોધ નથી કરતા.


કોચ સામે શિક્ષાત્મક પગલાં લેવાશે?

Image copyright EPA

આ તબક્કે ખાસ એવુ જણાતું નથી. વાલીઓના કહેવા મુજબ તેમણે કોચને માફ કરી દીધાં છે.

વાલીઓના મતે તેઓ કોચના આભારી છે કે ગુફાની વિષમ પરિસ્થિતિઓમાં પણ તેમણે બાળકોનું મનોબળ મક્કમ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બાળકોનું મનોબળ જાળવવામાં તેમણે મેડિટેશન (ધ્યાન)ની મદદ લીધી હતી, કોચ એક્કે 12 વર્ષના તેમના સાધુજીવનમાં મેડિટેશન શીખ્યાં હતાં.

કોચ નોપે જણાવ્યું કે, એક્કેને થોડા સમયમાં જવા માટે કહેવાશે અને ફરીથી સાધુ તરીકે જીવન વિતાવવાનું સૂચવાશે.

થાઈ લોકો સામાન્ય રીતે આવું કરતાં હોય છે. પોતાની જાતને આધ્યાત્મિક રીતે સશક્ત બનાવવા માટે અને પોતાની જાતને શુદ્ધ કરવા માટે આ પ્રકારનું તપ કરતા હોય છે.

આ પ્રકારના પગલા થાઈ સમાજમાં તર્કબદ્ધ ગણાય છે, જેના લીધે કોચ થોડા સમય બાદ ફરીથી સામાન્ય જીવન વિતાવી શકશે.

થાઇલૅન્ડમાં 'દોષારોપણ' કરવાની પરંપરા નથી. જ્યાં પરિસ્થિતિ ઘાતક હોવાની સંભાવનાઓ હોય, ત્યારે લોકો આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે, એ નક્કી કરવાના પ્રયાસો ઘટી જતા હોય છે.


કઈ રીતે ટકી શક્યા?

Image copyright Getty Images

ગુફામાં ફસાયેલા બાળકોનો પતો લાગ્યો તેના નવ દિવસ પહેલાંથી તેઓ ફસાયેલાં હતાં.

નાઇટના જન્મદિનની ઊજવણી કરવા માટે લાવેલા ભોજનમાંથી કદાચ તેમની પાસે થોડું ભોજન વધ્યું હતું.

તેઓ ધૈર્યવાન ફૂટબૉલ ખેલાડીઓ હતાં, ખૂબ જ તંદુરસ્ત હતા અને જે પ્રકારની તાલીમ અપાઈ હતી તેના દ્વ્રારા એક મજબૂત ટીમ બનીને ટકી શક્યા હતા.

જેના કારણે તેમને કાળજીપૂર્વક પોતાનો ખોરાક લેવાથી મદદ મળી હતી. તેમણે એકબીજાને ખૂબ સહયોગ આપ્યો, કદાચ ગીતો ગાઈને સહયોગ આપ્યો.

નેવી ડાઇવર્સના મતે, કોચ એક્કેએ તેમને ધ્યાન કરતા શીખવાડ્યું અને પોતાના કરતાં વધુ ભોજન આપ્યું.

જમીનના પ્રદૂષિત પાણીને પીવાના બદલે કોચે બાળકોને ગુફાના પથ્થરોમાંથી ટપકતું પાણી પીવાનું પણ સૂચવ્યું હતું.


આટલો સમય અંધકારમાં તેઓ ક્યા હતા?

Image copyright THAI NAVY SEAL

મોટાભાગનો સમય તેમણે ટૉર્ચના આછા પ્રકાશમાં વિતાવ્યો હતો, જે લાંબુ ચાલે તેવી સ્થિતિમાં ન હતી. કદાચ ગુફામાં ફસાયાના પહેલાં નવ દિવસ તેમણે અંધકારમાં વિતાવ્યા જ હશે.

એકવખત તેમની શોધખોળ થઈ ગયા બાદ તેમની સાથે થાઈ આર્મીના એક ડૉક્ટર, ત્રણ મરજીવા ટૉર્ચ સાથે રહ્યા હતા.

એમ છતાં તેઓ મોટાભાગે અંધારામાં જ હતા અને જ્યારે તેમને ગુફાની બહાર કઢાયા, ત્યારે તેમને સનગ્લાસ પહેરાવાયા હતા.


શું બાળકોને બેહોશ કરવામાં આવ્યા હતા?

આ મુદ્દે થાઈ પ્રશાસન સ્પષ્ટપણે કશું નથી કહી રહ્યું. પ્રાઇમ મિનિસ્ટર પ્રયુચ ચાન-ઓચાએ જણાવ્યું કે, હા થોડા ઘણા અંશે કરાયા હતા.

પરંતુ બીબીસીએ બચાવ કામગીરી સાથે જોડાયેલા ઘણા લોકો સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે બાળકોને બેહોશ કરાયાં હતાં અને તેઓ અર્ધ જાગૃત અવસ્થામાં હતાં.

આ પાછળ એવો તર્ક હતો કે, મરજીવાના સાધનો પહેરીને બાળકો પાણીમાં ગભરાઈ ન જાય.

એવું મનાઈ રહ્યું છે કે જેમણે બચાવ કામગીરીની આગેવાની લીધી હતી, તે બે બ્રિટિશ મરજીવા જોનાથન, રિચાર્ડ સ્ટેન્ટને ઓસ્ટ્રેલિયાના કેવ ડાઇવર અને એનેસ્થૅટિસ્ટ પાસેથી બાળકોને તૈયાર કરવા મદદ કરી લીધી હતી.

અર્ધજાગૃત અવસ્થામાં બાળકોને તકનિકી રીતે પડકારજનક ખૂબ જ સાંકડી જગ્યાઓમાંથી, ઊંડી ડૂબકીઓ લગાવીને બહાર કેવી રીતે લાવ્યા તેની અમને ખબર નથી.

કેટલીક વાર તેમને મરજીવાની પીઠ પર રાખવામાં આવેલા, કેટલક સમય માટે સ્ટ્રેચર પર રાખીને અને બાદમાં દોરડાની મદદથી ગુફાની છત પરથી ખેંચવામાં આવ્યા હશે.

સમગ્ર બચાવકાર્ય જટિલ, અલગ પ્રકારનું અને ખૂબજ બહાદુરી ભર્યું હતું. આ પ્રકારનો પ્રયાસ પહેલાં ક્યારેય થયો ન હતો.

આ અભિયાનમાં સામેલ કેટલાક લોકોએ કહ્યું કે બાળકોને લઈ આવનારા મુખ્ય મરજીવાઓ ખરેખર મહાન વ્યક્તિઓ છે.


બચાવકાર્યનો ખર્ચ કોણે ભોગવ્યો?

Image copyright BLUE LABEL DIVING

મોટાભાગનો તમામ ખર્ચ થાઈ સરકારે ભોગવ્યો છે. અન્ય દેશો દ્વ્રારા સામાન્ય યોગદાન અપાયું હતું.

જેમ કે યુએસના 30 વ્યક્તિઓ જોડાયા તેનો ખર્ચ સ્થાનિક પ્રશાસને શાખના કારણે ભોગવી લીધો, કેટલાક થાઈ બિઝનેસ દ્વારા ભોજન અને ટ્રાન્સપૉર્ટ ખર્ચ ભોગવી લેવામાં આવ્યો હતો.

બેંગકોક એરવેઝ દ્વારા કેટલાક મરજીવાઓની વિમાનની ટિકિટ આપવામાં આવી હતી.


શું થાઇલૅન્ડે પોતાની જાતે જ બધું કર્યું?

Image copyright FACEBOOK/THAI NAVY SEALS

ના, ગુફામાં ડાઇવિંગ કરવાની કામગીરી વિશેષ આવડત માંગી લે છે અને ગુફામાં તરી શકે તેવા નિષ્ણાત મરજીવા પણ ખૂબજ ઓછા છે.

થાઇલૅન્ડ આ બાબતમાં નસીબદાર હતું કે ગુફાના જાણકાર વેર્ન અનસ્વોર્થે અગાઉ આ થામ લુઆંગ ગુફા પરિસરની સંપૂર્ણ મુલાકાત લીધી હતી અને તે નજીક જ રહેતા હતા.

થાઈ નેવીના મરજીવાઓ જેઓ શરૂઆતમાં ગુફામાં ઊતર્યા હતા તેમને સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો.

Image copyright Getty Images

કારણ કે તેમનો અનુભવ અને ઉપકરણો બન્ને સમુદ્રમાં ડૂબકી લગાવી શકાય એવા હતા. જે ખૂબ જ અલગ છે, તેઓ સતત વધી રહેલા ગુફાના પૂરના પાણીમાં તરી રહ્યા હતા અને બાળકોને શોધવું કઠીન જણાતું હતું.

જ્યારે વિવિધ દેશોના મરજીવાઓ પહોંચ્યા ત્યારે થાઇ પ્રશાસને તેમને શોધખોળ કરવાની પરવાનગી આપી. પહેલાં ઉપકરણો ગોઠવાયા અને બાદમાં જટિલ શોધ અભિયાન હાથ ધરાયું હતું.

આ અભિયાનમાં અનેક લોકો જોડાયા હતા. મદદરૂપ થઈ શકે એ માટે દોરડા બાંધવામાં આવ્યા હતા.

જેનો શ્રેય થાઇલૅન્ડને જાય છે જેમણે બધું સારી રીતે પાર પાડ્યું અને વિદેશી સહયોગને નકાર્યો પણ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ