નવાઝ અને મરિયમ શરીફ લાહોર પહોંચ્યાં, ધરપકડ થઈ

નવાઝ શરીફ અને તેમનાં પુત્રી મરિયમ નવાઝનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, @MARYAMNSHARIF

ઇમેજ કૅપ્શન,

નવાઝ શરીફ અને તેમનાં પુત્રી મરિયમ નવાઝ

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને પુત્રી મરિયમ શુક્રવારે લાહોર ઍરપૉર્ટ ખાતે લૅન્ડ કર્યું હતું, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટના અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાન મીડિયામાં અટકળો હતી કે ઇસ્લામાબાદમાં શરીફનું વિમાન ઉતરશે, જોકે વિમાને લાહોરમાં લૅન્ડ કર્યું હતું.

પાકિસ્તાન પહોંચતા પહેલાં અબુધાબીના ઍરપૉર્ટ પર બીબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમના સેંકડો કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.

નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના કાર્યકરો ઍરપૉર્ટ સુધી પહોંચી ન શકે તે માટે મોટાપાયે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.

આ મહિનાના શરૂઆતમાં પાકિસ્તાનની એકાઉન્ટિબિલિટી કોર્ટે નવાઝ શરીફને દસ વર્ષ તેમના પુત્રીને સાત વર્ષ તથા તેમના જમાઈને એક વર્ષની સજા ફટકારી હતી.

પાકિસ્તાનમાં 25મી તારીખે ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં વધુ હિંસા થાય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

આ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાન એક નિર્ણાયક વળાંક પર ઊભું છે અને મારાથી થતું હતું એ હું કરી ચૂક્યો છું.

બંનેની ધરપકડ

ઇમેજ સ્રોત, Reuters

એ બન્ને શુક્રવારે મોડી સાંજે લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર પહોંચ્યાં હતાં.

તપાસ એજન્સી નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યુરો (નેબ) દ્વારા નવાઝ શરીફ તથા તેમની પુત્રી મરિયમ વિરુદ્ધ ધરપકડનું વૉરંટ કાઢવામાં આવ્યું હતું.

જેના આધારે બંને લાહોર ઍરપૉર્ટ પર ઉતર્યાં કે બ્યૂરોના અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

બીબીસી સંવાદદાતા તાહિર ઇમરાનના કહેવા પ્રમાણે, "ધરપકડ બાદ નવાઝ શરીફે ગાડીમાં જવાનો ઇન્કાર કર્યો હતો, જેનાં પગલે નવાઝ અને તેમના પુત્રીને હેલિકૉપ્ટરમાં લઈ જવાયાં હતાં.

"તેમને ક્યાં લઈ જવાયાં તે મોડીરાત સુધી સ્પષ્ટ થયું ન હતું.

"જોકે, એ સ્પષ્ટ છે કે તેમને લાહોરની બહાર લઈ જવામાં આવશે, જેથી કરીને ત્યાં રસ્તા ઉપર ઉતરેલાં હજારો કાર્યકરોથી તેમને દૂર રાખી શકાય."

પ્લેન તેના નિર્ધારિત સમય કરતાં લગભગ ત્રણ કલાક મોડું પહોંચ્યું હતું.

નવાઝના પત્ની કુલસુમને કૅન્સર છે અને લંડનમાં તેમની સારવાર ચાલી રહી હોવાથી નવાઝ તથા તેમના પુત્રી મરિયમ લંડનમાં હતાં.

ઇમેજ સ્રોત, KHAIR MUHAMMAD KHAIR

મરિયમ નવાઝે ટ્વીટ કર્યું હતું, "નવાઝ શરીફને ખબર છે કે તેમને 10 વર્ષની સજા કરવામાં આવી છે અને તેમને જેલમાં લઈ જવામાં આવશે, પણ તેઓ આ બધું પાકિસ્તાનની જનતા માટે કરી રહ્યા છે.

"તેઓ કહી રહ્યા છે કે આ કુરબાની તમારી ભાવિ પેઢીઓ માટે અને પાકિસ્તાનના ભવિષ્ય માટે આપી રહ્યો છું."

પાકિસ્તાનની જનતાને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ એકમેકની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે અને દેશનું નસીબ બદલાવે.

મરિયમ નવાઝે એમ પણ કહ્યું હતું, "આવી તક વારંવાર નહીં મળે."

બીબીસીના તાહિર ઇમરાનના જણાવ્યા મુજબ, નવાઝ શરીફ અને મરિયમ નવાઝને પાકિસ્તાન લાવી રહેલા વિમાને અબૂધાબીમાં લૅન્ડિંગ કર્યું, ત્યારે ચારે તરફ સલામતીનો સજ્જડ બંદોબસ્ત હતો.

નવાઝ શરીફ અને તેમનાં પુત્રી મરિયમ નવાઝ લંડનના હીથ્રો ઍરપૉર્ટથી પાકિસ્તાન જવા માટે શુક્રવારે સવારે રવાના થયા હતા.

એ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને ફોટોગ્રાફ્સ લેવાની મનાઈ કરવામાં આવી હતી.

બે હેલિકૉપ્ટર્સ તૈયાર

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યું હતું કે એક હેલિકૉપ્ટર લાહોર અને એક હેલિકૉપ્ટર ઇસ્લામાબાદ ઍરપૉર્ટ પર ઉપલબ્ધ હશે. જોકે, સરકારે આ વિશે કોઈ ઔપચારિક નિવેદન બહાર પાડ્યું ન હતું.

નવાઝ શરીફ અને મરિયમ નવાઝને ધરપકડ પછી અદાલત સામે રજૂ કરવાં જરૂરી છે, કારણ કે અદાલતના આદેશ વિના જેલ વહીવટીતંત્ર તેમને કેદમાં રાખી શકશે નહીં.

નવાઝ શરીફ અને મરિયમ નવાઝ મોડી સાંજે લાહોર પહોંચ્યા ત્યાં સુધીમાં અદાલત બંધ થઈ ગઈ હતી એટલે શનિવારે તેમને રજૂ કરવામાં આવશે.

નવાઝ શરીફના કેસની સુનાવણી જેલમાં જ કરવાની દરખાસ્ત વિશે પણ વિચારણા ચાલી રહી છે.

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, નેબના પંજાબના ડિરેક્ટરે નેબના અધ્યક્ષને નવાઝ શરીફની ધરપકડ સંબંધે એક પત્ર લખ્યો હતો.

ધરપકડ બાદ નવાઝ શરીફને લાહોરથી રાવલપીંડીની જેલમાં લઈ જવા માટે તેમણે હેલિકૉપ્ટરની માગણી પત્રમાં કરી હતી. માગ મુજબ હેલિકૉપ્ટર્સ તેમને ફાળવવામાં આવ્યા છે.

પાકિસ્તાન આવતાં પહેલાં

ઇમેજ સ્રોત, @MARYAMNSHARIF

ઇમેજ કૅપ્શન,

પોતાનાં બાળકોને અલવિદા કરી રહેલાં મરિયમ નવાઝ

ઇસ્લામાબાદની એક અદાલતે નવાઝ શરીફ દસ વર્ષની તથા મરિયમ નવાઝને સાત વર્ષની સજા ગયા શુક્રવારે ફરમાવી હતી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ)એ નવાઝ અને મરિયમના સ્વાગત માટે લાહોર પહોંચવા તેના કાર્યકર્તાઓને જણાવ્યું હતું. પરંતુ સુરક્ષાબળોએ તેમને ઍરપૉર્ટ સુધી પહોંચતા અટકાવ્યા હતા.

મરિયમ નવાઝે લંડનથી પાકિસ્તાન આવવા નીકળતા પહેલાં તેમનાં બાળકો સાથેની વિદાયનો એક ફોટોગ્રાફ ટ્વીટ કર્યો હતો.

એ ફોટોગ્રાફ સાથે મરિયમે લખ્યું હતું, "મેં બાળકોને કહ્યું છે કે જુલમ સામે જંગ લડતા રહેજો, પણ બાળકો તો બાળકો હોય છે. કોઈને અલવિદા કહેવાનું મોટા લોકો માટે પણ મુશ્કેલ હોય છે."

મરિયમ નવાઝે તેમના પુત્ર જુનૈદની ધરપકડ વિશે ટ્વીટ કરતાં લખ્યું હતું કે લંડનમાં પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફના કાર્યકરો મળે ત્યારે દરેક વખત ગાળો આપતા હતા.

આવી હરકતથી કોઈ પણ નારાજ થઈ શકે છે.

લાહોરમાં કેવી છે તૈયારી?

ઇમેજ કૅપ્શન,

લાહોરમાં વહીવટીતંત્રે સંખ્યાબંધ કન્ટેનર્સ મંગાવી રાખ્યાં છે

લાહોરમાં વહીવટીતંત્રે કન્ટેનર્સ દ્વારા બેરિકેડિંગ કર્યું હતું. મંગાવ્યાં હતા.

પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)એ દાવો કર્યો છે કે તેના કાર્યકરોને ઍરપૉર્ટ જતાં અટકાવવા માટે કન્ટેનર્સ મંગાવવામાં આવ્યાં છે.

જોકે, વહીવટીતંત્રએ એવું જણાવ્યું હતું કે મુખ્ય ઇમારતોની સલામતી માટે કન્ટેનર્સ મંગાવવામાં આવ્યાં છે.

નવાઝ શરીફે પાકિસ્તાન પાછા ફરવાની જાહેરાત પત્રકાર પરિષદમાં કરતાં જણાવ્યું હતું કે તેમને સજા કરવાનો નિર્ણય અદાલતમાં નહીં, પણ બીજે ક્યાંક લેવામાં આવ્યો હતો.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમને જેલમાં મોકલવામાં આવે કે ફાંસી આપવામાં આવે, પણ તેઓ હવે અટકશે નહીં.

નવાઝ શરીફના પાકિસ્તાન પરત આવવાના પ્રવાસ પહેલાં પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે નવાઝ શરીફની વાપસી પહેલાં તેમના રાજકીય પક્ષના સેંકડો કાર્યકરોની ધરપકડ ચૂંટણીમાં ગડબડ કરવાનો પ્રયાસ છે.

શું છે પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ)નો ઇરાદો?

ઇમેજ સ્રોત, PMLN

પોતાના પક્ષના કાર્યકરોની ધરપકડ સંબંધે શાહબાઝ શરીફે પોલીસ અને વહીવટીતંત્રને જણાવ્યું હતું કે તેમણે અત્યાચાર ન કરવો જોઈએ.

તેમણે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ફરી સત્તા પર આવશે તો તેમને અદાલતમાં લઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો