પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બ્લાસ્ટ્સ : 128નાં મૃત્યુ, 120થી વધુ ઘાયલ

વિસ્ફોટની તસવીર

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બે બૉમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 128 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 122થી વધુ લોકો ઘાયલ થયા છે.

ક્વેટાના માસ્તુંગમાં થયેલા વિસ્ફોટમાં ઉમેદવારનું મૃત્યુ થયું હતું, જ્યારે બાનુ શહેરમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે 24 અન્ય ઘાયલ થયા છે.

પાકિસ્તાની તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

ઇમેજ સ્રોત, Getty Images

આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનની એકાઉન્ટિબિલિટી કોર્ટે નવાઝ શરીફને દસ વર્ષ તેમના પુત્રીને સાત વર્ષ તથા તેમના જમાઈને એક વર્ષની સજા ફટકારી હતી.

નવાઝ શરીફ શુક્રવારે લંડનથી વતન પરત ફર્યા તે પહેલાં ચૂંટણી રેલીઓમાં આ વિસ્ફોટ થયા હતા.

પાકિસ્તાનમાં 25મી તારીખે ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં વધુ હિંસા થાય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

8-10 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ

બલૂચિસ્તાનના આરોગ્ય પ્રધાન ફૈઝ કાકરે બીબીસી સંવાદદાતા ખ્વાજા નૂર નાસિર સાથે વાતચીતમાં કહ્યું હતું કે વિસ્ફોટોમાં બલૂચિસ્તાન અવામી પાર્ટીના નેતા નવાબજાદા સિરાઝ રઈસાનીનું મૃત્યુ થયું છે.

તેઓ માસ્તુંગ પીબી-35 બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા.

સિરાજના ભાઈ તથા પૂર્વ સેનેટર લાશીશારી રઈસાનીએ પણ બીબીસી સાથે વાતચીતમાં ભાઈના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

સિરાજના અન્ય એક ભાઈ નવાઝ અસલમ રઈસાની બલૂચિસ્તાનના પૂર્વ મુખ્ય મંત્રી છે.

ઇમેજ સ્રોત, EPA

માસ્તુંગ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ખાન ખાન લશહરીએ બીબીસી ઉર્દૂના સંવાદદાતા મોહમ્મદ કાઝિમ સાથે વાતચીતમાં કહ્યું હતું કે ક્વેટાથી લગભગ 35 કિલોમીટરદૂર ક્વેટી તેહસાાના હાઈવે ખાતે એક ચૂંટણી રેલીમાં વિસ્ફોટ થયો હતો.

પ્રાથમિક તારણ પ્રમાણે, આઠથી દસ કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ થયો હતો. તેની સાથે બૉલ બેરિંગ મૂકવામાં આવ્યા હતા, જેના કારણે ભારે નુકસાન થયું હતું.

આ પહેલાં વર્ષ 2011માં પણ સિરાજ પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેઓ બચી ગયા હતા, પરંતુ તેમના પુત્રનું મૃત્યુ થયું હતું.

અનપેક્ષિત હિંસા

બીબીસી ઇસ્લામાબાદના એમ ઇલિયાસ ખાન દ્વારા વિશ્લેષણ

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હિંસાગ્રસ્ત સંબંધિત વિસ્તારમાંથી ઉગ્રવાદને નાબુદ કરી દેવાયો છે, ત્યારે આ હુમલા અનપેક્ષિત છે.

2013ની ચૂંટણી પહેલાં ઉગ્રવાદીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેનાં કારણે આ પ્રાંતમાં ચૂંટણી પ્રચાર નરમ રહ્યો હતો.

એ સમયે જે પક્ષો અને જૂથો નિશાન પર હતા, તેમની ઉપર જ ફરી નિશાન સાધવામાં આવ્યું હોય તેમ જણાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

આ હુમલાઓ બાદ વિવાદાસ્પદ ચૂંટણી દરમિયાન તણાવ વકરે તેવી શક્યતા છે.

ભ્રષ્ટાચાર-વિરોધી કોર્ટ દ્વારા પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને સજા ફટકારવામાં આવી છે. એવા સમયે આ વિસ્ફટો વધુ ગંભીર બની જાય છે.

પાકિસ્તાનની ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

- પાકિસ્તાન સંસદની 342 બેઠકો પર ચૂંટણી યોજાશે

- આ વખતે નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ, પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઇસ્લામ તથા બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે મુખ્ય મુકાબલો છે.

- પાકિસ્તાનના ઇતિહાસમાં માત્ર બીજી વખત એવું બનશે કે સરકારે તેનો નિર્ધારિત કાર્યકાળ પૂર્ણ કર્યો હોય.

- નિષ્ણાતોના કહેવા પ્રમાણે, શક્તિશાળી સૈન્ય શાસનની ટીકા કરનારા રાજકીય કાર્યકરો, પત્રકારો તથા વિવેચકોની સામે કાર્યવાહી થઈ રહી છે.

- સેનાના કહેવા પ્રમાણે, 'મુક્ત અને ન્યાયી' રીતે ચૂંટણી યોજી શકાય તે માટે સુરક્ષાબળોના 3,71,000 સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો