પાક.માં ચૂંટણી પહેલાં હુમલો : 128નાં મોત, 150થી વધુ ઘાયલ

બ્લાસ્ટ બાદ લોકો

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાનના બલુચિસ્તાનના માસ્તુંગ જિલ્લામાં એક ચૂંટણી રેલીમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 128 લોકોનાં મોત થયાં છે.

આ બૉમ્બ બ્લાસ્ટમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે.

બલુચિસ્તાન પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી ફૈઝ કાકરે બીબીસી સંવાદદાતા ખ્વાઝા નૂર નાસિરને જણાવ્યું કે આ બ્લાસ્ટમાં બલુચિસ્તાન અવામી પાર્ટીના નેતા નવાબઝાદા સિરાઝ રઈસાનીનું પણ મોત થયું છે.

સિરાઝના ભાઈ અને પૂર્વ સેનેટર લાશીશારી રઈસાનીએ પણ બીબીસી સાથેની વાતચીતમાં તેમના ભાઈના મોતની પુષ્ટિ કરી છે.

માસ્તુંગ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ખાન ખાન લશહરી બીબીસી ઉર્દૂના સંવાદદાતા મોહમ્મદ કાઝિમને જણાવ્યું કે આ બ્લાસ્ટ ક્વેટાથી 35 કિલોમીટર દૂર ક્વેટી તેહસાન હાઈવે પર થયો હતો.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટમાં 8થી 10 કિલોગ્રામ જેટલી વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત બૉલ-બેરિંગનો પણ ઉપયોગ કરાયો હતો, જેના કારણે આ બ્લાસ્ટ ખૂબ જ ઘાતક સાબિત થયો હતો.

કોણ છે મૃત્યુ પામનાર સિરાઝ રઈસાની?

ઇમેજ કૅપ્શન,

ક્વેટાની પાસે થયેલા બ્લાસ્ટમાં સિરાઝ રઈસાનીનું પણ મૃત્યુ થયું છે

સિરાઝ રઈસાની બલુચિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી નવાબ અસલમ રઈસાનીના ભાઈ હતા.

આ વિસ્તારમાં તેઓ તેમના ભાઈની વિરુદ્ધ જ ચૂંટણી લડી રહ્યા હતા.

તેમના ભાઈ અસલમ સ્વતંત્ર ઉમેદવાર તરીકે પીબી-35(માસ્તુંગ)થી ચૂંટણી લડી રહ્યા છે.

આ વિસ્તારમાં સિરાઝ પર 2011માં પણ જીવલેણ હુમલો થયો હતો પરંતુ ત્યારે તેઓ આ હુમલામાં બચી ગયા હતા.

જોકે, 2011માં થયેલા એ બ્લાસ્ટમાં તેમના યુવાન પુત્રનું મોત નિપજ્યું હતું.

સૌથી મોટો હુમલો

ઇમેજ સ્રોત, KHAIR MUHAMMAD KHAIR

આ બ્લાસ્ટ કેટલો મોટો હશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં થયેલા હુમલાઓમાં આ સૌથી મોટો હુમલો છે.

2014માં પેશાવરની સ્કૂલમાં થયેલા હુમલા બાદનો આ સૌથી ઘાતક હુમલો છે.

પેશાવરની સ્કૂલમાં પાકિસ્તાની તાલિબાનોએ કરેલા હુમલામાં 141 લોકોનાં મોત થયાં હતાં અને 132 બાળકો ઘાયલ થયાં હતાં.

વર્ષ 2013માં અલ-અઝહર રોડ પર થયેલા હુમલામાં 106 લોકો માર્યા ગયા હતા અને 165થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આત્મઘાતી હુમલાના સંદર્ભમાં બલુચિસ્તાન પ્રાંતનો 2013 બાદનો આ મોટો હુમલો છે.

ISISએ પોતાના ન્યૂઝ આઉટલેટ પર આ હુમલો કરાવ્યાનો દાવો કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો