વિરોધ પ્રદર્શન વચ્ચે સ્કૉટલૅન્ડમાં ટ્રમ્પ રમ્યા ગોલ્ફ

ડોના્ડ ટ્રમ્પ Image copyright Getty Images

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની બ્રિટન મુલાકાત દરમ્યાન વિરોધ પ્રદર્શન ચાલુ છે ત્યારે તેઓ સ્કૉટલૅન્ડના ઐરશાયર ખાતેના તેમના રિસોર્ટ ખાતે ગોલ્ફ રમ્યા હતા.

બે દિવસની 'વર્કિંગ ટ્રિપ' બાદ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે સાંજે સ્કૉટલૅન્ડ આવી પહોંચ્યા હતા.

સ્કૉટિશ માતાના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા તેમની ટર્નબેરી હોટેલ ખાતે વીકેન્ડ પસાર કરવાનાં છે.

સોમવારે હૅલિનસ્કી ખાતે ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શિખર મંત્રણા યોજાશે.

એડિનબર્ગસ્થિત સ્કૉટિશ સંસદ ખાતે શનિવારે 'રાષ્ટ્રીય વિરોધ પ્રદર્શન' યોજાવાનું છે.

સલામતીની વ્યાપક વ્યવસ્થા

Image copyright PA
ફોટો લાઈન ટર્નબેરીના ગોલ્ફ કોર્સની ચારે તરફ પોલીસ સ્નાઇપર્સ ગોઠવવા આવ્યા છે

ટ્રમ્પની સ્કૉટલૅન્ડની મુલાકાત વેળાએ સલામતીની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું, "અમે રક્ષણ, લોકોની સલામતી અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શિત કરવાના લોકોના અધિકાર વચ્ચે સંતુલન જાળવી રાખવા ઇચ્છીએ છીએ."

ટ્રમ્પ ટર્નબેરી આવી પહોંચ્યા એ પહેલાં ગોલ્ફ કોર્સની ચારે તરફ ઉભા કરવામાં આવેલા કામચલાઉ માંચડા પર પોલીસ સ્નાઇપર્સ ગોઠવવામાં આવ્યા હતા.

એ ઉપરાંત સંખ્યાબંધ અધિકારીઓ મેદાન તથા તેની આજુબાજુના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.

ટ્રમ્પ તેમના ગોલ્ફ રિસોર્ટમાં પ્રવેશ્યા પછી ગ્રીનપીસ નામના પર્યાવરણ સંરક્ષક જૂથના એક પેરાગ્લાઇડર નજીકમાં ઉડતા જોવા મળ્યા હતા.

તેમની સાથેના બલૂનમાં ટ્રમ્પનો વિરોધ કરતું એક બેનર જોવા મળ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

એડિનબર્ગમાં'પ્રતિકાર મહોત્સવ'

Image copyright PA
ફોટો લાઈન ટ્રમ્પના આગમન પછી ટર્નબેરી નજીક એક પેરાગ્લાઇડરે આ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો

એડિનબર્ગમાં શનિવારે મોડેથી હજ્જારો લોકો 'પ્રતિકાર મહોત્સવ' ઊજવવા માટે એકઠા થશે એવી ધારણા છે.

આ અગાઉ શુક્રવારે લંડનમાં પણ ડોનલ્ડ ટ્રમ્પ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મે અને ક્વીન એલિઝાબેથને શુક્રવારે મળ્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પ શુક્રવારે પ્લેન મારફત પ્રેસ્ટવિક પહોંચ્યા હતા.


'વ્યાપાર કરાર શક્ય'

Image copyright EPA
ફોટો લાઈન ચેકર્સ ખાતે શુક્રવારે મંત્રણા બાદ મીડિયાને સંબોધી રહેલા ટ્રમ્પ અને થેરેસા મે

ટ્રમ્પે શુક્રવારે ચેકર્સ ખાતે જણાવ્યું હતું કે અમેરિકા અને બ્રિટન વચ્ચે વ્યાપાર કરાર 'નિશ્ચિત રીતે થઈ શકે છે.'

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેના બ્રેક્સિટ પ્લાનની ઝાટકણી કાઢતી કૉમેન્ટ્સ બહાર આવ્યાના કલાકોમાં જ ડોનલ્ડ ટ્રમ્પે આ નિવેદન કર્યું હતું.

ચેકર્સ ખાતે થેરેસા મે સાથે મંત્રણા કર્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું, યુરોપિયન યુનિયન (ઈયુ) છોડ્યા પછી બ્રિટન ભલે ગમે તે કરે, મને તેમાં કોઈ વાંધો નથી. બ્રેક્સિટ બન્ને દેશો માટે 'તક' છે.

થેરેસા મેએ જણાવ્યું હતું કે તેમણે 'મહત્ત્વાકાંક્ષી' વ્યાપાર કરારની યોજના વિશે ચર્ચા કરી હતી.

દરમ્યાન, વિરોધ પ્રદર્શનકર્તાઓએ ટ્રમ્પને નાનકડા બાળક ગણાવતું બલૂન લંડનમાં ઉડાડ્યું હતું.

ટ્રમ્પ સામે પાર્લામેન્ટ સ્ક્વૅરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આમ કરવામાં આવ્યું હતું. સમગ્ર બ્રિટનમાં શુક્રવારે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

'સન' દૈનિકમાં પ્રકાશિત થયેલા ઇન્ટર્વ્યૂ બાબતે થેરેસા મેએ કોઈ કૉમેન્ટ કરી ન હતી, પરંતુ શુક્રવારની મંત્રણા પહેલાં તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ સાથે તેઓ 'ખાસ સંબંધ', વિદેશ નીતિ, સંભવિત વ્યાપાર કરાર અને સંરક્ષણ તથા સલામતીના મુદ્દે ચર્ચા કરશે.


'અભૂતપૂર્વ મજબૂત સંબંધ સ્થપાયો'

Image copyright PA
ફોટો લાઈન ટ્રમ્પ શુક્રવારે ક્વિન ઍલિઝાબેથને મળ્યા હતા

ટ્રમ્પે ચેકર્સ ખાતે જણાવ્યું હતું કે તેમણે થેરેસા મે સાથે આતંકવાદવિરોધી બાબતો વિશે ચર્ચા કરી હતી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે બ્લેક ટાઈ ડિનર વખતે તેમણે અને થેરેસા મેએ દોઢ કલાક વાતો કરી હતી.

બ્લેનહેઇમ પેલેસ ખાતે શુક્રવારે યોજાયેલા ડિનરમાં ટ્રમ્પે તેમનાં પત્ની મેલેનિયા સાથે હાજરી આપી હતી.

ટ્રમ્પે કહ્યું હતું, "ગઈ કાલે રાતે અમારી વચ્ચે અભૂતપૂર્વ મજબૂત સંબંધ સ્થપાયો હતો."

શુક્રવારે સવારે રોયલ મિલિટરી એકેડમી સેન્ડહર્સ્ટની મુલાકાત લીધા બાદ ડોનલ્ડ ટ્રમ્પ હેલિકૉપ્ટર મારફત ચેકર્સ આવી પહોંચ્યા હતા.

દરમ્યાન, થેરેસા મેના પતિ ફિલિપ મે સાથે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ લંડનની રોયલ હૉસ્પિટલ ચેલ્સી ખાતે બોલ્સની રમત રમ્યાં હતાં. તેઓ ચેલ્સી પેન્શનર્સ અને સ્થાનિક બાળકોને પણ મળ્યાં હતાં.


ટ્રમ્પનો ન્ટર્વ્યૂ

ફોટો લાઈન ગ્લાસગોના જ્યોર્જ સ્ક્વેરમાં શુક્રવારે યોજાયેલી રેલીમાં આવેલી વિરોધ પ્રદર્શનકર્તાઓ

'સન' અખબારે ટ્રમ્પનો ઇન્ટર્વ્યૂ પ્રકાશિત કર્યો હોવાના સમાચાર ગુરુવારના ડિનર વખતે બહાર આવ્યા હતા.

લાંબા સમયથી બ્રેક્સિટના ટેકેદાર રહેલા ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બ્રેક્સિટ સોદો કઈ રીતે કરવો એ વિશેની તેમની સલાહને થેરેસા મે અનુસર્યાં નથી. "મેં એ કામ ઘણું અલગ રીતે પાર પાડ્યું હોત."

બ્રેક્સિટના મુદ્દે થેરેસા મે સાથે અસહમત હોવાથી બ્રિટનના વિદેશ પ્રધાનપદેથી બોરિસ જોનસને ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું.

ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે બોરિસ જોનસન "સારા વડાપ્રધાન બની શકે છે."

ગયા વર્ષે લંડનમાં થયેલા આતંકવાદી હુમલા વખતે લંડનના મેયર સાદિક ખાને કરેલી કામગીરીની ટીકાનો ડોનાલ્ડ ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો.

વાટ હાઉસની સ્પષ્ટતા

Image copyright EPA
ફોટો લાઈન ટર્નબેરી અને સ્કોટિશ સંસદ બન્નેમાં ટ્રમ્પ બેબી બલૂન પર પ્રતિબંધ મૂકાયો છે, પણ એડિનબર્ગમાં એ જોવા મળશે

ડોનલ્ડ ટ્રમ્પનો આ ઇન્ટર્વ્યૂ પ્રકાશિત થયા પછી વાઇટ હાઉસનાં પ્રવક્તા સારાહ સેન્ડર્સે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને થેરેસા મેનું વ્યક્તિત્વ પસંદ છે અને તેઓ તેમનો બહુ આદર કરે છે.

'સન' માટે ડોનલ્ડ ટ્રમ્પનો ઇન્ટર્વ્યૂ પત્રકાર ટોમ ન્યૂટન ડ્યુને કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ 'સંવેદનશીલ' જણાતા હતા અને 'ટ્રમ્પ બેબી' બલૂન વિશે જાણતા હતા.

ટોમ ન્યૂટન ડ્યુને કહ્યું હતું, "ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ટીકાથી ચકિત થઈ ગયા છે. તેઓ ટ્રમ્પ બેબી બલૂન વિશે બધું જાણતા હતા. મને લાગે છે કે તેનાથી તેમને દુઃખ થયું છે."

ટ્રમ્પની મુલાકાતના બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સલામતી માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ