વિશાળ હિમશિલાથી ગ્રીનલૅન્ડના ગામમાં ભયનું વાતાવરણ

હિમશિલા ગ્રીનલૅન્ડ Image copyright Reuters

વિશાળ હિમશિલા પાણીના પ્રવાહમાં ઘસડાઈને પશ્ચિમ ગ્રીનલૅન્ડના ગામની નજીક આવી ગઈ છે.

કદાચ આ હિમશિલા તૂટે અને આસપાસના ઘરો પર અસર થવાની શક્યતાને ધ્યાને રાખીને નજીકના વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે, ઇનારસૂટ ગામના કિનારાના વિસ્તારમાં આવેલા ઘરો પર આ હિમશિલાને કારણે વિશેષ જોખમ તોળાઈ રહ્યું છે.

સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે તેમને આટલી વિશાળ હિમશિલા અગાઉ ક્યારેય જોઈ નથી.

ગયા ઉનાળામાં ઉત્તર-પશ્ચિમ ગ્રીનલૅન્ડમાં ભૂકંપના કારણે દરિયાઈ મોજાની ઝપેટમાં ઘરો આવી ગયા હતા, જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

Image copyright Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

ડેનિશ ન્યૂઝ એજન્સી 'રિત્ઝાઓ'ના કહેવા પ્રમાણે ઇનારસૂટ ગામમાં આ હિમશિલાની નજીક રહેતા 169 સ્થાનિકોનું સ્થળાંતર કરાયું છે.

આ ગામના કાઉન્સિલ સભ્ય સુસૅન એલિસને સ્થાનિક અખબાર 'સર્મિત્સિયાક'ને જણાવ્યું હતું કે, "તેમાં દેખાતાં ગાબડાં અને તિરાડો અમને ડરાવે છે, તે ગમે ત્યારે તૂટી શકે છે."

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ગામનું પાવર સ્ટેશન અને ફ્યૂઅલ ટૅન્ક કિનારાથી નજીક જ છે.

કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ક્લાઇમૅટ ચેન્જના કારણે આ પ્રકારની હિમશિલાની ઘટનાઓ વધી રહી છે.

જૂન માસમાં ન્યૂ યૉર્ક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વીડિયો ક્લિપ જાહેર કરી હતી, જેમાં પૂર્વ ગ્રીનલૅન્ડમાં હિમશિલા તૂટતી દેખાય છે.


આંકડાઓમાં ગ્રીનલૅન્ડની હિમશિલા

Image copyright Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

બરફનો કુલ વિસ્તાર : 17.99 લાખ ચોરસ કિલોમિટર

બરફના જથ્થાનું કુલ પ્રમાણ : 29.9 લાખ ક્યુબિક કિલોમિટર

સરેરાશ જાડાઈ : 1,673 મીટર

સૌથી જાડો બરફ : 3,488 મીટર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો