પાકિસ્તાનની ચૂંટણીમાં આ વખતે 'કાશ્મીરનો મુદ્દો' કેમ ગાયબ છે?

  • બીબીસી મોનિટરિંગ
  • બીબીસી ગુજરાતી માટે
પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં 25 જુલાઈએ સંસદીય ચૂંટણી યોજાવાની છે અને તેનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ ગરમાટો વધી રહ્યો છે.

રાજકીય પક્ષો મતદારો સમક્ષ દાવા કરી રહ્યા છે અને તેમને વચનો આપી રહ્યા છે.

મુસ્લિમ લીગ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) જેવા મુખ્ય રાજકીય પક્ષો આ વખતે આર્થિક વિકાસ, રોજગાર, સસ્તી આરોગ્ય સેવાઓ, પાણીની સમસ્યાનું નિવારણ તથા વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતોની વાત કરી રહ્યા છે.

જોકે, આ રાજકીય પક્ષો અગાઉ જે મુદ્દાઓ પર ચૂંટણી લડતા હતા એ મુદ્દાઓ તેમની ચૂંટણી સભાઓ કે ચૂંટણીઢંઢેરાઓમાં સાંભળવા-વાંચવા મળતા નથી. કાશ્મીર આવા જ મુદ્દાઓમાનું એક છે.

રાજકીય પક્ષો પાકિસ્તાની સૈન્યની વિચારધારાથી હટીને કોઈ વાત કરતા નથી. તેઓ ચીન સાથે પોતાના સંબંધ વધુ મજબૂત કરવાની અને સિંધુ નદીના પાણીની સમસ્યા વિશે જ વાત કરી રહ્યા છે.

કાશ્મીર મુદ્દો

ઇમેજ સ્રોત, PTI WEBSITE

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પક્ષના ચૂંટણીઢંઢેરાનું મુખપૃષ્ઠ

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન ગત ચૂંટણી સુધી 'કાશ્મીર વિવાદ' વિશે ખુલીને વાત કરતા હતા, પણ આ વખતે તેમના પક્ષના ચૂંટણીઢંઢેરામાંથી આ મુદ્દો ગાયબ છે.

તેમણે આ વખતની ચૂંટણી માટે 'ધ રોડ ટુ ન્યૂ પાકિસ્તાન' શિર્ષક હેઠળ પક્ષનો ચૂંટણીઢંઢેરો પાંચમી જુલાઈએ બહાર પાડ્યો હતો.

બલુચિસ્તાનનો મુદ્દો પણ પાકિસ્તાનના રાજકારણનો હિસ્સો બની રહ્યો છે.

બલુચિસ્તાન અલગતાવાદી વિદ્રોહીઓનું ઘર બની રહ્યું છે, જ્યાં પાકિસ્તાનનાં સલામતી દળો પર માનવાધિકારના ઉલ્લંઘનના આક્ષેપો થતા રહ્યા છે.

આ મુદ્દો પણ મુસ્લિમ લીગના ચૂંટણીઢંઢેરામાંથી ગાયબ છે. મુસ્લિમ લીગ જાન્યુઆરી સુધી અહીંની ગઠબંધન સરકારનો હિસ્સો હતી.

2013ની ચૂંટણીમાં મુસ્લિમ લીગના ચૂંટણીઢંઢેરામાં બલુચિસ્તાનના અધિકારોની પુન:સ્થાપનાની વાત કહેવામાં આવી હતી.

પાકિસ્તાનના અખબાર 'ડોન'ના જણાવ્યા મુજબ, "બલુચિસ્તાન વિશેનું મૌન લોકતાંત્રિક વિચાર ધરાવતા લોકો અને બુદ્ધિજીવીઓ માટે ચિંતાનો વિષય છે."

જોકે, પીપીપીએ તેના આ વર્ષના ચૂંટણીઢંઢેરામાં જણાવ્યું છે કે બલુચિસ્તાનમાં 'નાજુક પરિસ્થિતિ છે' અને 'એક નવી પહેલની તત્કાળ જરૂર છે.'

અફઘાનીસ્તાનનો મુદ્દો

ઇમેજ સ્રોત, PML-N WEBSITE

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના ચૂંટણીઢંઢેરાનું મુખપૃષ્ઠ

અફઘાનીસ્તાનની શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાન ખુદને હંમેશા મોટો સહાયક ગણાવતું રહ્યું છે. અફઘાન તાલિબાનને વાતચીત માટે રાજી કરવા અમેરિકા પણ પાકિસ્તાનને ઘણીવાર જણાવી ચૂક્યું છે.

અમેરિકાના એક વિશેષ દૂતે ગયા સપ્તાહે ઇસ્લામાબાદ અને કાબુલની મુલાકાત લીધી હતી.

એ પછી તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને અફઘાનીસ્તાનમાં શાંતિ પ્રક્રિયાને આગળ ધપાવવામાં 'મદદ કરવાની' જરૂર છે.

પાકિસ્તાને અફઘાનીસ્તાન માટે પોતાના દરવાજા ઉઘાડ્યા પણ હતા અને લગભગ 14 લાખ શરણાર્થીઓને આશ્રય આપ્યો હતો.

પાકિસ્તાનના રાષ્ટ્રીય રાજકારણમાં શરણાર્થીઓનો મુદ્દો લાંબા સમય સુધી સામેલ રહ્યો હતો. એ વિશે રાજકીય પક્ષો ખુલ્લીને વાત કરતા હતા, પણ આ વખતની ચૂંટણીમાં એ મુદ્દો સંપૂર્ણપણે ગાયબ છે.

અમેરિકા સાથેનો સંબંધ

ઇમેજ સ્રોત, PPP WEBSITE

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચૂંટણીઢંઢેરાનું મુખપૃષ્ઠ

1947માં પાકિસ્તાનની રચના બાદ અમેરિકા એવો પહેલો દેશ હતો, જે પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક રીતે જોડાયેલો હતો.

જોકે, પાછલા કેટલાક દાયકાઓમાં અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં ઘણા ચડ-ઉતર જોવા મળ્યા છે.

બન્ને દેશો વચ્ચેનું અંતર વધારવામાં તથા ઘટાડવામાં આતંકવાદ અને અફઘાનીસ્તાનના મુદ્દા મુખ્ય કારણ બન્યા છે.

એ સંજોગોમાં પીટીઆઈ ચીન સાથેના સંબંધ વિશે તો વાત કરે છે, પણ અમેરિકા બાબતે તમામ પક્ષો ચૂપ છે.

લગભગ તમામ પક્ષોએ ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર પૂરો કરવાની વાત જરૂર કરી છે.

(બીબીસી મોનિટરિંગ દુનિયાભરના ટીવી, રેડિયો, વેબ અને પ્રિન્ટ માધ્યમોમાં પ્રકાશિત થતા સમાચારોનું રિપોર્ટિંગ તથા વિશ્લેષણ કરે છે. આપ બીબીસી મોનિટરિંગના સમાચાર ટ્વિટર તથા ફેસબૂક પર પણ વાંચી શકો છો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો