ટ્રમ્પે કહ્યું પુતિન સાથેની મુલાકાત એક સારી શરૂઆત

ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન
ઇમેજ કૅપ્શન,

ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફિનલૅન્ડમાં મુલાકાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે ફિનલૅન્ડમાં થઈ હતી.

બંને દેશના વડાઓ ફિનલૅન્ડની રાજધાની હેલસિંકીમાં મળ્યા હતા.

ટ્રમ્પે કહ્યું છે કે પુતિન સાથેની તેમની મુલાકાત એક સારી શરૂઆત છે.

બે કલાકની બંધ બારણે બેઠક બાદ બંને નેતાઓ તેમના સિનિયર ઍડવાઇઝર સાથે લંચ લેવા ગયા હતા.

પુતિને કહ્યું હતું કે વિશ્વના અનેક દેશોના મુશ્કેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવાનો આ સમય હતો.

વાતચીત શરૂ થતાં પહેલાં બન્ને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.

ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ફૂટબૉલ વર્લ્ડ કપના સફળ આયોજન માટે અભિનંદન આપ્યાં હતાં.

ટ્રમ્પે કહ્યું, "હું તમને ખરેખર સુંદર વર્લ્ડ કપ ફૂટબૉલ, અત્યારસુધીના સર્વશ્રેષ્ઠ આયોજનમાંના એક, માટે અભિનંદન આપું છું."

મુલાકાત પહેલાં આરોપો

ઇમેજ કૅપ્શન,

મુલાકાત પહેલાં બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા

આ વાતચીત પહેલાં ગયા શુક્રવારે અમેરિકાએ રશિયાના 12 જાસૂસી અધિકારીઓ પર હૅકિંગના આરોપો લગાવ્યા હતા.

તેમના પર 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના પ્રચાર અભિયાનમાં સાઇબર હુમલા કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજી તરફ ટ્રમ્પે શિખર સંમેલન પહેલાં ટ્વિટર પર લખ્યું હતું કે તેમના દેશના રશિયા સાથે સંબંધો પહેલાં આટલા ક્યારેય ખરાબ રહ્યા ન હતા.

તેમણે આ માટે અમેરિકાના નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા.

ઍજૅન્ડા વિનાની મુલાકાત

ઇમેજ કૅપ્શન,

આ મુલાકાતનો કોઈ ઍજૅન્ડા નક્કી કરાયો ન હતો

અમેરિકાના રાષ્ટ્રપતિએ એક ટ્વીટમાં તેમના પહેલાંના નેતાઓની બેવકૂફી અને 2016ની ચૂંટણીમાં રશિયાની કથિત દખલ અંગેની તપાસની નિંદા કરી હતી.

ટ્રમ્પ પર પુતિન સાથેની વાતચીતમાં હૅકિંગનો મામલો ઉઠાવવાનું દબાણ છે.

જોકે, આ વાતચીત માટે કોઈ ઍજૅન્ડા નક્કી કરવામાં આવ્યો નથી.

જે બાદ અમેરિકાના અનેક નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું હતું કે પુતિન સાથેની શિખર વાર્તા રદ્દ કરે.

ટ્રમ્પે કહ્યું હતું કે તેમની વાતચીતમાં વેપાર, સેના અને ચીન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો