એ મૉડલની કહાણી જેણે પોતાનું અપહરણ કરનારને જ પ્રેમમાં પાડી દીધો

  • સારાહ બેલ
  • વિક્ટોરિયા ડર્બીશાયર પ્રોગ્રામ
ઇમેજ કૅપ્શન,

બ્રિટિશ મૉડલ ક્લોઈ એલિંગ

મૉડલ ક્લોઈ એલિંગ ગયા વર્ષે ઇટાલીમાં છ દિવસ માટે બંધક બનાવવામાં આવ્યાં હતાં, પણ તેઓ બ્રિટન પાછાં ફર્યાં ત્યારે તેમની વીતક કથા લોકોને શંકાસ્પદ જણાઈ હતી.

ક્લોઈ અપહરણકર્તાના કબજામાંથી કેવી રીતે ભાગી નીકળ્યાં હતાં અને તેમની વીતક કથા વિશે શંકા વ્યક્ત કરતા લોકોનો સામનો તેઓ કઈ રીતે કરે છે તેની વાત રસપ્રદ છે.

એ વિશે ક્લોઈએ વિક્ટોરિયા ડર્બીશાયર સાથે વાત કરી હતી.

ખાનાવાળા કબાટ સાથે સાંકળ વડે બે દિવસ બાંધી રાખવામાં આવ્યાં પછી ક્લોઈ તેમને બંધક બનાવનાર વ્યક્તિ સાથે શયન કરવા તૈયાર થયાં હતાં.

20 વર્ષનાં ક્લોઈ એલિંગે કહ્યું હતું, "અમે એકમેકની સાથે વધારે વાતચીત કરતા થયાં તેમ અમારી વચ્ચેનો સંબંધ ગાઢ થતો રહ્યો હતો."

"હું તેને ગમવા લાગી છું એ મને સમજાયું પછી હું જાણી ગઈ હતી કે એ બાબતનો ઉપયોગ મારા લાભાર્થે કરવાનો છે."

દક્ષિણ લંડનના રહેવાસી ક્લોઈના જણાવ્યા મુજબ, 30 વર્ષના લુકાઝ હેર્બા તેમને ફોટોશૂટની લાલચ આપીને ગયા જુલાઈમાં મિલાન લઈ ગયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, બાદમાં ક્લોઈને કૅટામાઇનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેમનાં વસ્ત્રો ઉતારી લેવામાં આવ્યાં હતાં અને હાથકડી પહેરાવીને એક મોટી બેગમાં બંધ કરી દેવામાં આવ્યાં હતાં.

એ પછી તેમને એક કારમાં આશરે 193 કિલોમીટર દૂર આવેલા એક અંતરિયાળ ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યાં હતાં.

ક્લોઈના જણાવ્યા મુજબ, હેર્બાએ તેમને કહ્યું હતું કે તેઓ ત્રણ લાખ યુરો નહીં આપે તો તેમને સેક્સ ગુલામ તરીકે વેચી મારવામાં આવશે.

ક્લોઈએ કહ્યું હતું, "એ ભયાનક હતું. મને લાગ્યું હતું કે એ કહી રહ્યો છે તે બધું સાચું છે અને એ વિશે મને જરાય શંકા ન હતી, કારણ કે એ મારા તમામ સવાલના જવાબ વિગતવાર આપતો હતો."

"હું તમને ચુંબન કરી શકું?"

ઇમેજ કૅપ્શન,

ક્લોઈને ઇન્જેક્શન આપીને બેગમાં પૂરી દેવાયાં હતાં

અપહરણકર્તાએ કલોઈને એવું પણ પૂછ્યું હતું કે એ તેમને ચુંબન કરી શકે? તેમની વચ્ચે સંબંધ બંધાઈ શકે?

ક્લોઈએ કહ્યું હતું, "તેના સવાલમાં મને તેની ચુંગાલમાંથી મુક્તિની તક દેખાઈ હતી.

"આપણી વચ્ચે ભવિષ્યમાં સંબંધ બંધાઈ શકે છે એવું મેં તેને કહ્યું ત્યારે તે ઉત્સાહમાં આવી ગયો હતો."

"એ તેનાં સપનાં જોવા લાગ્યો હતો અને હંમેશાં એ વિશે વાતો કરતો હતો."

"એ નિહાળીને મને થયું હતું કે મારે તેના પ્રેમમાં હોવાનો ઢોંગ કરવાનું ચાલુ રાખવું જોઈએ."

ખંડણીના નાણાં મળશે નહીં એવું ભાન થયું ત્યારે હેર્બાએ ક્લોઈને મુક્ત કર્યાં હતાં અને તેમને મિલાનસ્થિત બ્રિટિશ એલચી કચેરીએ મૂકી ગયો હતો.

તેઓ એલચી કચેરી ખુલવાની રાહ જોતા હતાં ત્યારે તેમને હસતાં-ગમ્મત કરતાં એક વ્યક્તિએ નિહાળ્યા હતા.

ક્લોઈએ કહ્યું હતું, "આ વાત વિચિત્ર લાગશે, પણ જે વ્યક્તિ તમારા પ્રત્યે કૂણી લાગણી ધરાવતી થઈ હોય અને તેના આધારે તમને મુક્ત કરવા તૈયાર થઈ હોય તો તેની સાથે ખરાબ વર્તન શા માટે કરવું જોઈએ?

"તેને મારા પ્રેમમાં પાડવા માટે મારે જે કરવું જોઈએ એ બધું જ મારે કરવું પડ્યું હતું."

કોણ છે અપહરણકર્તા?

ઇમેજ કૅપ્શન,

અપહરણકર્તા લુકાઝ હેર્બા

અપહરણકર્તા હેર્બા પૉલેન્ડનો નાગરિક છે અને મિલાનની એક કોર્ટે તેને જૂનમાં 16 વર્ષ અને 9 મહિનાની સજા કરી હતી.

હેર્બાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે એ અગાઉ ક્લોઈને મળ્યો હતો અને તેના પ્રેમમાં પડી ગયો હતો.

હેર્બાએ દાવો કર્યો હતો કે તે વધારે પબ્લિસિટી મળે તેવું કોઈ કૌભાંડ કરીને ક્લોઈની કારકિર્દી આગળ વધારવા ઇચ્છતો હતો.

ક્લોઈએ કહ્યું હતું, "હેર્બાએ આવું શા માટે કર્યું એ હું હજુ પણ સમજી શકી નથી."

"પૈસા માટે તેણે મને બંધક નહીં બનાવી હોય. બે વર્ષ પહેલાં તેણે મને ફેસબૂક પર પણ એડ કરી હતી."

"એ મારો લાંબા સમયથી પીછો કરતો હશે. તેથી એ મારી પાછળ એકદમ ઘેલો પણ થયો હશે."

ઘરઆંગણે ટીકા અને શંકા

ક્લોઈ બ્રિટન પાછા ફર્યાં પછી તેમણે તેમના ઘરની બહાર કેટલાક ટીવી રિપોર્ટર્સ સાથે વાત કરી હતી.

એ વખતે તેઓ ખુશ જણાતાં હતાં તેની અને તેમણે પહેરેલાં વસ્ત્રોની કેટલાક લોકોએ ટીકા કરી હતી.

ક્લોઈના જણાવ્યા મુજબ, તેમને એવું લાગેલું કે તેઓ ઘરે પાછાં ક્યારેય નહીં આવે, પણ તેઓ ઘરે પાછાં ફર્યાં એટલે ખુશ હતાં.

તેઓ પ્લેનમાં ચડ્યાં ત્યારે તેમણે શોર્ટ્સ અને ટોપ પહેર્યાં હતાં. એ જ વસ્ત્રો પત્રકારો સાથે તેમણે વાત કરી ત્યારે પહેર્યાં હતાં.

ક્લોઈએ ચોખવટ કરી હતી, "મારું વર્તન સ્વાભાવિક હતું. મેં રિપોર્ટર્સ સાથે વાત કરી હતી, કારણ કે મેં એવું ધારેલું કે વાત કરીશ તો તેઓ ચાલ્યા જશે, પણ એવું થયું ન હતું."

"લોકો એવું ઇચ્છે છે કે હું સતત રડતી રહું, મારી જાતને ઓરડામાં બંધ કરી દઉં અને કેમેરાનો સામનો ન કરું."

"હું એવું કરી શકી હોત પણ મેં વિચારેલું કે એમ કરવાથી મને આઘાતની કળ વળવામાં કોઈ મદદ નહીં મળે."

"મેં એ વિશે વાત કરીને લોકોની સાથે હળીભળીને એ ઘટનાને ભૂલીને આગળ વધવાનું પસંદ કર્યું હતું."

ક્લોઈ એકદમ લાગણીવિહિન દેખાતાં હોવાની ટીકા પણ કરવામાં આવી હતી.

આ સંબંધે પોતાના બચાવમાં ક્લોઈએ કહ્યું હતું, "તમને મુક્ત કરવામાં આવશે કે કેમ એ તમે જાણતા જ ન હો એ સ્થિતિની અભિવ્યક્તિ મુશ્કેલ હોય છે અને મને એ બાબતે વિચારવું ગમતું નથી."

"તેથી હું એ હકીકતને વળગી રહી છું, જેથી હું હેર્બાના કબજામાં હતી ત્યારે શું અનુભવતી હતી એ મારે વિચારવું ન પડે."

ક્લોઈએ તેમની સાથે બનેલી આ ઘટના બાબતે એક પુસ્તક પણ લખ્યું છે.

ક્લોઈના જણાવ્યા મુજબ, હેર્બાને સજા કરવામાં આવી હોવા છતાં લોકો તેમના વિશે શંકા રાખે છે એ બાબત હાસ્યાસ્પદ છે.

લોકોનું બ્રેઇનવૉશિંગ કરવા માટે તેમણે મીડિયાને જવાબદાર ઠરાવ્યું હતું અને જણાવ્યું હતું કે તેમની સૌથી વધુ નિંદા મહિલાઓ કરે છે.

ક્લોઈએ કહ્યું હતું, "કોઈ વ્યક્તિ વિવાદાસ્પદ છે એવું જાણ્યા પછી તેઓ એ વ્યક્તિ વિશે વધારેને વધારે ખણખોદ કરે છે અને એ વ્યક્તિને લોકો વધુ ધિક્કારતા થાય તેવું કરે છે."

"આ પીડાકારક છે, કારણ કે મારી સાથે આવું ખરાબ વર્તન થશે અને મારા જ દેશમાં લોકો મારો ભરોસો નહીં કરે એવી આશા મેં રાખી ન હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો