‘મારે પ્રેગ્નન્ટ થવું છે પણ જન્મ લેનારા બાળકને રાખીશ નહીં’

પ્રતિકાત્મક રેખાંકન Image copyright Rebecca Hendin

દસથી વધુ વર્ષથી- 21 વર્ષની હતી ત્યારથી- હું ગર્ભવતી થવાનું અને બાળકને જન્મ આપવાનું સપનું સેવી રહી છું, પણ જન્મનારા બાળકને હું રાખવા માગતી નથી અને એવી મમ્મી બનવાની મારી કોઈ ઇચ્છા નથી.

(લેખિકા પોતાનું નામ જાહેર કરવા ઇચ્છતા નથી)

મેં સરોગેટ માતા બનવાનો નિર્ણય કર્યો છે કારણ કે જન્મનારા બાળકને સાથે રાખ્યા સિવાય ગર્ભવતી થવાનો અનુભવ હું કરવા ઇચ્છું છું.

મારા દેહમાં માનવબાળ આકાર લઈ રહ્યું છે અને તેના વિકાસ માટે હું તેનું પોષણ કરી રહી છું એ બાબત મારા માટે એક અનુભવ હશે.

મારા દેહમાં કેવા ફેરફાર થાય છે, મારા પેટની ચામડી કઈ રીતે ખેંચાય છે અને ગર્ભમાં બાળક કઈ રીતે હલનચલન કરે છે તેની અનુભૂતિ હું કરવા ઇચ્છું છું.

જીવનના બીજા દાયકામાં મેં સરોગેટ બનવા વિશે વિચારવાનું શરૂ કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

મેં સરોગસી વિશે એક ફિલ્મ જોઈ હતી અને સરોગસીનો વિચાર મારા મનમાં રોપ્યો હતો.

એ પછી મેં તેના વિશે ઑનલાઇન માહિતી મેળવવી શરૂ કરી હતી અને હું શું કરવા ઇચ્છું છું તે સમજાયું હતું.

હજુ હમણાં સુધી મારો એક પુરુષ સાથે લાંબા સમયથી સંબંધ હતો.

મારા અને મારા ભૂતપૂર્વ પ્રેમીના વિચાર એકસરખા છે. અમે બન્ને બાળકો નથી ઇચ્છતાં પણ સરોગસી વિશે તેના વિચાર સ્પષ્ટ ન હતા.

પ્રૅગ્નન્સીમાં આરોગ્યસંબંધી અનેક જોખમોનો સામનો કરવો પડે છે ત્યારે તેને એ સમજાતું ન હતું કે હું શા માટે પ્રૅગ્નન્ટ થવા ઇચ્છું છું અને તે પણ એ બાળક માટે જે મારું નહીં હોય.


પોતાનું બાળક શા માટે નહીં?

Image copyright Rebecca Hendin

તમે વિચારતા હશો કે મારું પોતાનું બાળક શા માટે નથી ઇચ્છતી?

તેનો જવાબ આ રહ્યોઃ બાળકના ઉછેરની જવાબદારી તોતિંગ હોય છે અને એ પ્રકારની પ્રતિબદ્ધતા માટે કારકિર્દીની દૃષ્ટિએ કે માનસિક રીતે તૈયાર નથી.

હું એ માટે ક્યારેય તૈયાર થઈશ કે કેમ એ પણ નથી જાણતી.

હું બે નોકરી કરું છું. દિવસના ભાગમાં એક ઇવેન્ટ્સ કંપનીમાં કામ કરું છું અને બાકીના સમયમાં એક ક્રિએટિવ પ્રોજેક્ટ પર કામ કરું છું. તેમાં મારો મોટાભાગનો સમય જાય છે.

મારા પર જે પ્રકારનું કામનું ભારણ છે તેને ધ્યાનમાં લેતાં બાળકના ઉછેર માટે સમય ફાળવવાનું મુશ્કેલ બની રહે.

પ્રૅગ્નન્ટ થવા માટે પણ સંઘર્ષ તો કરવો જ પડે, પણ સરોગસીમાં એક નિશ્ચિત સમયમર્યાદા હોય તે હું જાણું છું.

મને મૅટરનિટી લીવ મળશે અને એ પછી હું કામ પર પાછી ફરી શકીશ.

બીજી તરફ મારું પોતાનું બાળક હોય તો એ જિંદગીભરનું કમિટમેન્ટ બની જાય.

પ્રૅગ્નન્સીનાં નકારાત્મક પાસાંઓ વિશે હું બધું જાણું છું. શારીરિક તકલીફોની વાત કરું તો પીઠનો દુખાવો, થાક, જાતજાતની વસ્તુઓ ખાવાની ઇચ્છા, નાની-મોટી તકલીફો અને એવું બધું.

બાળકને જન્મ આપવો એ બગીચામાં આંટો મારવા જેટલું સરળ નથી એ પણ હું જાણું છું, પણ પીડા અને મુશ્કેલી તો આ અનુભવનો અનિવાર્ય હિસ્સો હોય છે.

કેટલીક સગર્ભા મહિલાઓને મૉર્નિંગ સિકનેસની તકલીફ પણ થતી હોય છે. તેમ છતાં હું આ બધાની અનુભૂતિ કરવા ઈચ્છું છું.


લાગણી બંધાશે તો શું થશે?

Image copyright Rebecca Hendin

હા. એ વાતની મને જરૂર ચિંતા છે કે જે બાળકને મેં મારા ગર્ભમાં નવ મહિના ઉછેર્યું છે તેની સાથે લાગણી બંધાઈ જશે તો શું થશે?

બાળક ગર્ભમાં હોય ત્યારે તેની મમ્મીનો અવાજ સૌથી પ્રથમ સાંભળતું હોય છે.

તેથી મા-બાળક વચ્ચેના સંબંધની શરૂઆત તેના જન્મ પહેલાંથી થતી હોય છે.

મારી સરોગસી ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીની હોય એવું ઇચ્છવાનું આંશિક કારણ એ પણ છે.

મારાં સ્ત્રીબીજને બદલે અમે મૂળ માતાના ગર્ભાંકુરનો ઉપયોગ કરીશું.

મને આશા છે કે ગર્ભમાંના બાળક સાથે મારો લાગણીનો સંબંધ બંધાઈ જશે તો પણ જન્મ પછી તેને તેની મૂળ માતાને આપી દેવાનું સરળ બનશે, કારણ કે એ શારીરિક રીતે મારું નથી એ હું જાણતી હોઈશ.

અત્યારે મારી વય ત્રીસ વર્ષથી થોડીક મોટી છે અને સંખ્યાબંધ લોકો આ વયે બાળકો પેદા કરવા બાબતે વિચારતા હોય છે.

મારી એક ગાઢ સખી પ્રૅગ્નન્સીના અનુભવમાંથી થોડા સમય પહેલાં જ પસાર થઈ છે.

પ્રૅગ્નન્સીના સમયગાળામાં તેના જીવનમાં આવેલા ચડાવઉતાર નિહાળીને પ્રૅગ્નન્સીનો અનુભવ લેવાની મારી ઇચ્છા બળવતર બની છે.

મારો એક બીજો ગાઢ દોસ્ત ગે છે અને કમિટેડ રિલેશનશીપમાં છે.

એ બાળકનો પિતા બનવા એકદમ તૈયાર નથી પણ મેં તેને કહ્યું છે કે તે પિતા બનવા માનસિક રીતે એકદમ તૈયાર થઈ જાય અને તેને સરોગેટની જરૂર હોય ત્યારે હું તેને જરૂર મદદ કરીશ.

બીજા કોઈ માટે પ્રૅગ્નન્ટ થવા તૈયાર હોય તેવી યુવતિ હું એકલી નથી. બ્રિટન અને વેલ્સમાં સરોગસીનું પ્રમાણ વધી રહ્યું છે.

હું સંપૂર્ણપણે પરગજુ નથી. આ વાત આદાનપ્રદાનની છે, પણ હું પૈસા માટે સરોગેટ બનવાની નથી અને એવું કરવું આમ પણ ગેરકાયદે છે.

હું સરોગેટ બનીશ તો મને થોડી નાણાકીય સલામતી મળશે, કારણ કે હું જેમના સંતાનને જન્મ આપવાની છું એ પૅરન્ટ્સને તેમની સરોગેટની પ્રૅગ્નન્સી દરમિયાન સારસંભાળનો ખર્ચ ચૂકવવાની છૂટ હોય છે.

હું પૈસા મેળવવા માટે સરોગેટ નથી બનવાની એ નક્કી છે. મારા માટે 'પેમેન્ટ'નો અર્થ મારા ઉદરમાં એક બાળકના વિકાસ અને તેને જન્મ આપવાનો અનુભવ હશે.

સરોગેટ બનવાની ઇચ્છા બાબતે મેં સોશિયલ મીડિયા કે અન્ય વેબસાઇટ્સ પર કોઈ પોસ્ટ મૂકી નથી, કારણ કે હું મારી પરિચિત વ્યક્તિ કે દંપતિ માટે સરોગેટ બનવા ઇચ્છું છું.

મેં સરોગસી સંબંધી વિવિધ વેબસાઇટ્સ પર જઈને આ આખી પ્રક્રિયા કેવી હોય છે તેના વિશે જાણકારી મેળવી છે.


બાળકને જન્મ આપવાની અદમ્ય ચ્છા

Image copyright Rebecca Hendin

બાળકને જન્મ આપવાની મારી મહેચ્છાને હું અંકુશમાં રાખી શકું તેમ નથી. હું તેના માટે તલપાપડ છું. મારા માટે એ માત્ર શારીરિક બાબત છે.

આ લાગણીને કયું નામ આપવું એ હું જાણતી નથી. મને લાગે છે કે એ આપણા અસ્તિત્વ સાથે વણાયેલી હોય છે.

થોડા મહિના પહેલાં સુધી હું ડિપ્રેશન માટે સારવાર, દવાઓ લઈ રહી હતી.

સગર્ભા મહિલાઓ માટે દવાઓ લેવાનું જોખમી હોવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી એ હું જાણું છું.

હું વ્યક્તિગત રીતે માનતી હતી કે જ્યાં સુધી જાતને સારું ન લાગે ત્યાં સુધી હું રાહ જોઈશ અને સરોગેટ બનવું કે નહીં તેનો નિર્ણય લેતા પહેલાં દવાઓ લઈશ નહીં.

હવે મને સારું લાગે છે ત્યારે સરોગસી મારા માટે વાસ્તવિક વિકલ્પ છે.

મારા માનસિક આરોગ્ય બાબતે ભાવિ બાળકના માતા-પિતા સાથે દેખીતી રીતે ચર્ચા કરવી પડશે.

સરોગસી બાબતે મેં હજુ સુધી મારા ડોક્ટર સાથે વાત કરી નથી, પણ મારી પ્રૅગ્નન્સીના સંપૂર્ણ સમયગાળા દરમ્યાન હું તેમની સાથે વાત કરતી રહીશ.

મેં સરોગસી બાબતે જે લોકો સાથે વાત કરી છે તેમાં મારા ગાઢ દોસ્તોને બાદ કરતાં બાકીના ભાગ્યે જ કોઈએ મોકળાશથી મારા વિચારને ટેકો આપ્યો છે.

કેટલાક દોસ્તોએ મને એવો સવાલ પણ કર્યો હતો કે "કોઈ અન્યના સંતાનને જન્મ આપવા માટે તું તારા શરીરને શા માટે પાયમાલ કરવા ઇચ્છે છે?"

મારે પ્રૅગ્નન્ટ શા માટે થવું છે મારા મમ્મીને સમજાતું નથી. મારી મમ્મી ચિંતિત છે. તેને લાગે છે કે હું ભૂલ કરી રહી છું.

આખરે તો આ મારો પોતાનો નિર્ણય છે. પ્રૅગ્નન્સીમાંથી હું શું ઇચ્છું છુ તેની મને બરાબર ખબર છે.

મારું પેટ મોટું થાય, મારા ગર્ભાશયમાં બાળક વિકસે તેનો હું અનુભવ કરવા ઇચ્છું છું.

એ પછી મારે કોઈ બાળક જોઈતું જ નથી. મારી ઇચ્છામાં કંઈ ખરેખર ખોટું છે?

(આશિતા નાગેશ સાથેની વાતચીતને આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ