થાઇલૅન્ડ : છોકરાઓએ કહ્યું, 'મરજીવા દેખાયા ત્યારે લાગ્યું કે આ ચમત્કાર છે'

ઉગારી લેવામાં આવેલા છોકરાઓ Image copyright EPA
ફોટો લાઈન ઉગારી લેવામાં આવેલા છોકરાઓ હવે પછી મીડિયા સાથે વાત કરશે નહીં

થાઇલૅન્ડમાં પૂરગ્રસ્ત ગુફામાંથી ઉગારવામાં આવેલા 12 છોકરાઓએ તેમની આપવીતી વિશે જાહેરમાં સૌપ્રથમવાર વાત કરી હતી અને મરજીવાઓએ તેમને શોધી કાઢ્યા એ ક્ષણને ચમત્કાર ગણાવી હતી.

છોકરાઓના આ જૂથના અંગ્રેજી બોલી શકતા એકમાત્ર સભ્ય 14 વર્ષના અદુલ સામ-ઓને પત્રકારોને જણાવ્યું હતું કે બ્રિટિશ મરજીવાઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે તે માત્ર "હેલ્લો" કહી શક્યો હતો.

એક ફૂટબોલ ટીમના આ છોકરાઓ થામ લુઆંગ ગુફામાં બે સપ્તાહથી વધુ સમય સુધી ફસાયેલા રહ્યા હતા.

બુધવારે સવારે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ તેમના ઘરે જવા રવાના થયા હતા.

ચિઆંગ રાય ખાતેની પત્રકાર પરિષદમાં આ છોકરાઓ તેમની ફૂટબોલ કિટ સાથે આવ્યા હતા.

તેમને બચાવવામાં મદદરૂપ થયેલા થાઈ નેવી સીલ્સના સભ્યો પણ તેમની સાથે હતા.


"પાણી સ્વચ્છ હતું, પણ ખાવાનું ન હતું."

Image copyright AFP

ગુફામાંના પથ્થરો પરના પાણીના સહારે પોતે કઈ રીતે જીવતા રહ્યા તેની વાત કરતાં એક છોકરાએ કહ્યું હતું, "પાણી સ્વચ્છ હતું, પણ ખાવાનું ન હતું."

કેટલાક છોકરાઓએ જણાવ્યું હતું કે તેઓ એ અનુભવમાંથી ઘણા પાઠ ભણશે.

એક છોકરાએ "વધારે સાવધ રહેવાનું અને જીવનનો મહત્તમ આનંદ માણવાનું" વચન આપ્યું હતું.

એક અન્ય છોકરાએ કહ્યું હતું, "આ અનુભવે અમે વધારે ધૈર્યવાન અને મજબૂત બનવાનું શીખવ્યું છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ચિઆંગ રાયના પ્રાંતિય ગવર્નર પ્રચોન પ્રત્સુકાને જણાવ્યું હતું કે ઉગારી લેવાયેલા છોકરાઓનો આ એકમાત્ર સત્તાવાર મીડિયા ઇન્ટરવ્યૂ હશે. તેઓ આ પછી સંવાદદાતાઓ સાથે વાત કરશે નહીં.

મીડિયાના સવાલોની છોકરાઓના મન પર માઠી અસર ન થાય એ સુનિશ્ચિત કરવા પત્રકારોએ સુપરત કરેલા સવાલોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને એક બાળ મનોચિકિત્સકે તેની ચકાસણી કરી હતી.

થાઇલૅન્ડમાં ખરાબ સમયનો સામનો કરી ચૂકેલા પુરુષો માટેની પરંપરા અનુસાર આ છોકરાઓને થોડા સમય માટે બૌદ્ધ સાધુઓ તરીકે દીક્ષા આપવાની યોજના પણ છે.


કેવી રીતે ફસાયા હતા ગુફામાં?

Image copyright AFP
ફોટો લાઈન છોકરાઓ તેમની ફૂટબોલ કિટ સાથે પત્રકાર પરિષદમાં આવ્યા હતા

આ છોકરાઓ તેમના પ્રશિક્ષક સાથે પર્યટન દરમિયાન ચિઆંગ રાય જિલ્લામાંની થામ લુઆંગ ગુફામાં 23 જૂને પ્રવેશ્યા હતા.

ગુફામાં તેઓ એક કલાક જ રહેવાના હતા, પણ અચાનક ભારે વરસાદને કારણે ગુફાની બહાર જવાનો માર્ગ બંધ થઈ જતાં તેઓ ફસાઈ ગયા હતા.

પોતાનાં બાળકો ગૂમ થયાનું વાલીઓએ અધિકારીઓને તત્કાળ જણાવ્યું હતું અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

નવ દિવસની કામગીરી પછી બે બ્રિટિશ મરજીવાઓએ છોકરાઓને શોધી કાઢ્યા હતા અને ભારે જહેમત બાદ બધાને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


કોણ છે આ છોકરાઓ અને તેમના કોચ?

Image copyright AFP/ROYAL THAI NAVY

13 વર્ષના કૅપ્ટન દુગાનપેટ પ્રૉમ્ટેપને તેની ટીમના સભ્યો અત્યંત પ્રેરણાદાયક અને આદરપાત્ર ગણાવી રહ્યા છે.

છોકરાઓનું ગ્રૂપ ગુફામાં ફસાયું ત્યારે 17 વર્ષના પીરાપટ સોમ્પિયાંગજયનો જન્મદિવસ હતો.

જન્મદિવસની ઊજવણી માટે છોકરાઓ જે નાસ્તો સાથે લાવ્યા હતા તેને કારણે તેમને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ મળી હોવાનું માનવામાં આવે છે.

આ ગ્રૂપ મળી આવ્યું ત્યારે 25 વર્ષના આસિસ્ટંટ કોચ એકાપોલ ચંટાવોંગ ખરાબ હાલતમાં હતા કારણ કે તેમણે કશું ખાવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના ભાગનું ખાવાનું તેમણે બાળકોને આપી દીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ