ગૂગલને શા માટે ફટકારવામાં આવ્યો ઇતિહાસનો સૌથી મોટો દંડ?

પ્રતિકાત્મક તસ્વીર Image copyright Getty Images/GOOGLE

યુરોપિયન યુનિયન(ઈયૂ)એ ગૂગલને 4.3 અબજ યુરો એટલે કે લગભગ 344 અબજ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અમેરિકન કંપની ગૂગલે તેની મોબાઇલ ડિવાઇસ વ્યૂહરચના હેઠળ ગૂગલ સર્ચ એન્જિનને ખોટી રીતે વધારે શક્તિશાળી બનાવ્યું હોવાના આક્ષેપની તપાસના અનુસંધાને આ દંડ ફટકારવામાં આવ્યો છે.

કોઈ પણ કંપનીને ફટકારવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. જોકે, ગૂગલ આ આદેશને પડકારી શકે છે.

ઈયુનાં કૉમ્પિટિશન કમિશનર માર્ગરેટ વેસ્ટેજરે 'શૉપિંગ કમ્પેરિઝન સર્વિસ'ના મામલમાં ગૂગલને અગાઉ પણ 2.4 અબજ યુરોનો દંડ ફટકાર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ગૂગલે તે આદેશ વિરુદ્ધ અપીલ કરી હતી, જેની સુનાવણી હજુ ચાલી રહી છે.

એ ઉપરાંત ગૂગલ સામે ઍડસેન્સ (ઍડવર્ટાઇઝમેન્ટ પ્લૅસમેન્ટ)ના સંબંધી તપાસ ચાલી રહી છે.

આ સંબંધે ગૂગલ પર એવો આરોપ છે કે કંપનીએ તેની શક્તિનો ખોટી રીતે ઉપયોગ કરીને સર્ચ રિઝલ્ટ્સમાં તેની સર્વિસિસનો વધારે પ્રચાર કર્યો હતો.


માર્કેટ લીડર

Image copyright Getty Images

ફેરસર્ચની એક ફરિયાદને પગલે ઈયૂએ એપ્રિલ, 2015માં પહેલીવાર ઍન્ડ્રોઇડની તપાસ શરૂ કરી હતી.

ફેરસર્ચ એક બિઝનેસ સમૂહ છે અને તેના સભ્યોમાં માઇક્રોસૉફ્ટ, નોકિયા તથા ઑરેકલનો સમાવેશ થાય છે.

રિસર્ચ કંપની સ્ટેટકાઉન્ટરના જણાવ્યા મુજબ, એ વખતે યુરોપના હૅન્ડસેટ માર્કેટમાં ઍન્ડ્રોઇડનો હિસ્સો 64 ટકા હતો, જે હવે વધીને 74 ટકા થઈ ગયો છે.


ગૂગલ પરના આરોપ

Image copyright EUROPEAN COMMISSION
ફોટો લાઈન ઈયુનાં કોમ્પિટિશન કમિશનર માર્ગરેટ વેસ્ટેજર

• માર્ગરેટ વેસ્ટેજરના આરોપ મુજબ, ગૂગલે ત્રણ ગેરકાયદે રીત અપનાવી હતી.

• નવા હૅન્ડસેટ પ્લેસ્ટોર (એપસ્ટોર)માં પહોંચે એ પહેલાં ગૂગલ સર્ચ એન્જિનને ડિફોલ્ટ તરીકે સેટ કરવા તથા ક્રોમ બ્રાઉઝરના પ્રી-ઇન્સ્ટૉલેશનની જરૂરને અનિવાર્ય બનાવવા કંપનીએ એન્ડ્રોઈડ હેન્ડસેટ તથા ટેબ્લેટ ઉત્પાદકોને દબાણ કર્યું હતું.

• ઍન્ડ્રોઇડના ઓપન સોર્સ કોડ પર આધારિત પ્રતિસ્પર્ધી ઑપરેટિંગ સિસ્ટમવાળા મોબાઇલ ફોન વેચતા મોબાઇલ ઉત્પાદકોને અટકાવ્યા હતા.

• ગૂગલ સર્ચને એકમાત્ર પ્રી-ઇન્સ્ટોલ્ડ વિકલ્પ બનાવવા માટે મોબાઇલ ઉત્પાદકો તથા મોબાઇલ નેટવર્ક્સને નાણાકીય પ્રલોભન આપ્યું હતું.

આ આરોપોના જવાબમાં ગૂગલે મોબાઇલ ઉત્પાદકો પાસે કોઈ પણ એપ પ્રીલોડ કરાવ્યાના આરોપનો ઇનકાર કર્યો હતો.

ગૂગલે એવો દાવો પણ કર્યો હતો કે ગૂગલ સર્ચ તથા પ્લેસ્ટોર એકસાથે આપવાની તેની સેવાને મફત ઉપલબ્ધ કરાવવાનું કંપનીએ શક્ય બનાવ્યું હતું.


ગૂગલ પાસેથી કમિશનર હવે શું ઇચ્છે છે?

Image copyright Getty Images

કૉમ્પિટિશન કમિશનરે જણાવ્યું હતું કે મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ ઝડપભેર વધી રહ્યો હતો ત્યારે ગૂગલે આ કર્યું હતું.

ગૂગલ એ સુનિશ્ચિત કરવા ઇચ્છતી હતી કે જે સફળતા તેને કૉમ્પ્યુટર ડૅસ્કટૉપ પર જાહેરાત આધારિત સર્ચ સેવામાં મળી છે તેવી જ સફળતા તેને મોબાઇલ પર પણ મળે.

કૉમ્પિટિશન કમિશનરે ઉમેર્યું હતું કે તેઓ સમયનું ચક્ર પાછું તો ફેરવી ન શકે, પણ દંડની આટલી મોટી રકમ ઍન્ડ્રોઈડ ડિવાઈસ વડે સમગ્ર યુરોપમાં 2011માં કંપનીને થયેલી કમાણી પર આધારિત છે.

ગૂગલે ઉપરોક્ત ત્રણેય કાર્યોને અટકાવીને લક્ષ્યાંક બાબતે સમાન પ્રકારના કોઈ પણ ઉપાય અપનાવવાનું ટાળવું જોઈએ, એવું પણ તેમણે જણાવ્યું હતું.


ગૂગલ પાસે શું છે વિકલ્પ?

Image copyright YANDEX

કંપનીના વૈશ્વિક મામલાઓની પ્રમુખે 2016માં એક બ્લૉગમાં લખ્યું હતું, "કૉમ્પિટિશન કમિશનના આ દૃષ્ટિકોણનો અર્થ નાવિન્યમાં ઘટાડો, ઓછા વિકલ્પો, ઓછી સ્પર્ધા અને વધારે કિંમત એવો થશે."

તેમણે જણાવ્યું હતું કે ગમે તે હોય, પણ એપલ અને ગૂગલની પ્રતિસ્પર્ધી આઈઓએસ ઑપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાઓને એક વિકલ્પ આપે છે.

ગૂગલ વિરુદ્ધ રશિયામાં પણ સ્થાનિક કૉમ્પિટિશન કમિશનરે આવી જ ફરિયાદ નોંધેલી છે.

હવે રશિયાના ઍન્ડ્રોઈડ યુઝર્સને ક્રોમ બ્રાઉઝરનો પહેલી વખત ઉપયોગ કર્યા બાદ ગૂગલ, યાનડેક્સ અને મેઇલ.આરયુ એ ત્રણમાંથી કોઈ પણ એકની પસંદગીનો વિકલ્પ આપવામાં આવે છે.

જોકે, એક કાયદા નિષ્ણાતના જણાવ્યા મુજબ, આ વિવાદના નિરાકરણમાં લાંબો સમય લાગશે.

લંડનસ્થિત કોર્ટના વકીલ સુઝેન રબે બીબીસીને કહ્યું હતું, "પોતાના કાયદાકીય અધિકારો બાબતે બહુ દ્રઢ હોવાનું ગૂગલે પહેલાં પણ દર્શાવ્યું છે."

"આપણે ઈયુ કમિશનના ઇન્ટેલ વિરુદ્ધના કિસ્સામાં જોયું છે તેમ ગૂગલ ઈયુની કોર્ટના આ નિર્ણયની સામે અપીલ કરી શકે છે. આવા કેસ મહિનાઓ સુધી નહીં, વર્ષો સુધી ચાલતા હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ