પાકિસ્તાની સેના ચૂંટણીમાં ઇમરાન ખાનની મદદ કરે છે?

હામિદ હારુન
ઇમેજ કૅપ્શન,

બીબીસી હાર્ડટૉક દરમિયાન હામિદ હારુન

પાકિસ્તાનમાં આવતા અઠવાડિયે ચૂંટણી થવાની છે, પરંતુ એ પહેલાં બીબીસીના એક ઇન્ટરવ્યૂને કારણે રાજનીતિમાં હલચલ મચી ગઈ છે.

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉનના મુખ્ય કાર્યકારી અધિકારી હામિદ હારુને બીબીસીના કાર્યક્રમ 'હાર્ડટૉક'માં આરોપ મૂક્યો છે કે પાકિસ્તાની સેના ત્યાંની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહી છે.

તેમણે એવું પણ કહ્યું છે કે સેના વ્યક્તિગત રીતે પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈનું સમર્થન કરી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, ઇન્ટરવ્યૂ બાદ ઘણાં લોકોએ હામિદ હારુનના આ નિવેદનની આલોચના કરી છે અને આરોપ મૂક્યો કે તેમનું અખબાર પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પક્ષ તરફ કૂણું વલણ અપનાવે છે.

ડૉન એ અખબારમાં સામેલ છે જે 25 જુલાઈના રોજ થનારી ચૂંટણી પહેલાં સેન્સરશિપનો સામનો કરી રહ્યું છે.

ચૂંટણી પહેલાંની હિંસા અને રાજનૈતિક વિવાદોએ તેને મહત્ત્વનું બનાવી દીધું છે.

પ્રેસની સ્વતંત્રતા પર 'હુમલો'

ઇમેજ સ્રોત, AFP

સોમવારે પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યૂમાં ડૉન અખબારના સીઈઓ હામિદ હારુને આરોપ મૂક્યો કે પાકિસ્તાનની સેનાએ પ્રેસની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે જે પહેલાં ક્યારેય નથી બન્યું.

તેમણે હાર્ડટૉકના હૉસ્ટ સ્ટીફન સ્કરલના એક સવાલના જવાબમાં કહ્યું કે સેના તેમના મનપસંદ ઉમેદવાર માટે કામ કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આવાં આરોપ ત્યાંના અન્ય રાજકીય દળો ઘણાં સમયથી લગાવતા આવ્યા છે.

વર્ષ 1947માં આઝાદી મળ્યા બાદ પાકિસ્તાનની રાજનીતિમાં સેનાનો પ્રભાવ રહ્યો છે એટલા માટે જ દેશમાં અમૂક સમય માટે સેનાનું શાસન રહ્યું હતું. જોકે, સેનાએ હામિદ હારુનના આરોપોને નકારી કાઢ્યા છે.

સેનાનો ઇન્કાર

ઇમેજ સ્રોત, EPA

સેનાએ એ વાત નકારી કાઢી છે કે આગામી ચૂંટણીઓમાં તેમનો કોઈપણ પ્રકારે હસ્તક્ષેપ છે. પરંતુ હામિદે કહ્યું, "પરંતુ મને લાગે છે કે એક નેતાને પાકિસ્તાનની સેના મદદ કરી રહી છે જે ચૂંટણી જીત્યા બાદ સેનાના કહેવા પર કામ કરશે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમનો ઇશારો ઇમરાન ખાન તરફ તો નથી તો તેમણે કહ્યું, "સમય-સમય પર ઇમરાન ખાન અને સેના વચ્ચે નજીકતા જોવા મળી છે અને સમય-સમય પર તેમની પાર્ટીના નેતાઓના નામ પણ સામે આવ્યા છે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પાસે આ અંગે કોઈ પુરાવો છે તો તેમણે કહ્યું, "આવું માનવ અધિકારો માટે કામ કરતાં સંગઠનો અને રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યાં છે."

ઇસ્લામાબાદથી એમ. ઇલિયાસનું વિશ્લેષણ

ઇમેજ સ્રોત, AFP

પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ ઊભું થવું મુશ્કેલ છે. હાલના સમયમાં દેશના બધા જ સંસ્થાનો પર સેનાનો પ્રભાવ જોઈ શકાય છે.

આલોચકોનું કહેવું છે કે સેના મીડિયા અને બીજા વ્યાપારિક સંગઠનોને પોતાના હિસાબે ચલાવી રહી છે.

તેમનું કહેવું છે કે સાર્વજનિક જાહેરાત અને સત્તાવાર રેકર્ડ વિના આવું થઈ રહ્યું છે. એટલા માટે જો કોઈ પુરાવા શોધવાનો પ્રયાસ કરે તો પણ ન મળે.

જ્યારે કોઈ અજાણી વ્યક્તિ કેબલ સર્વિસ ઑપરેટરને ફોન કરીને જણાવે કે તે આઈએસઆઈના કર્નલ કે બ્રિગેડિયર છે અને કોઈ ખાસ ચેનલને વધું મહત્ત્વ આપવાનું કહે તો તમે શું કરશો?

હાલમાં જ પાકિસ્તાનના મોટા કેબલ ઑપરેટર નયાટેલે ડૉન ન્યૂઝ ચેનલને તેમની યાદીમાં 9 નંબરથી હટાવીને 28 નંબર પર મૂકી દીધી હતી.

શરૂઆતમાં લાગ્યું કે ચેનલને બ્લૉક કરી દેવામાં આવી છે પરંતુ થોડા દિવસો બાદ માલૂમ પડ્યું કે તે નંબર 28 પર આવે છે.

ચેનલ નંબર બદલાવવાનો મતલબ છે કે દર્શકોની સંખ્યાને પ્રભાવિત કરવી અને આવું કરવાથી દર્શકોની સંખ્યા ઘટશે અને જાહેરાતની આવક ઘટશે.

ડૉન સમય-સમય પર સેનાની આલોચના કરતું આવ્યું છે. જોકે, ઘણાં લોકોનું કહેવું છે કે હામીદ હારુન પાસે સેના વિરુદ્ધ મજબૂત પુરાવા હોવા જોઈએ.

બીજી તરફ આપેલા ઇન્ટરવ્યૂમાં હામિદે કહ્યું હતું કે દેશમાં ઘણી જગ્યાઓએ ડૉનને બ્લૉક કરી દેવામાં આવ્યું હતું અને પત્રકારોને નિયંત્રણમાં લખવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.