ભાવનગરના રાજાએ આપેલો આ સાંઢ બ્રાઝિલમાં શા માટે ખાસ છે?

કૃષ્ણ સાંઢ
ફોટો લાઈન કૃષ્ણ સાંઢ

ગુજરાતના ગીર પ્રદેશની ગાયો તેના દૂધની ગુણવત્તા માટે જાણીતી છે. લેટિન અમેરિકન દેશ બ્રાઝિલના ખેડૂત કૅસ્લૉ ગાર્સિયા સીડ વર્ષ 1960માં ગુજરાતની ગીર ગાયોને બ્રાઝિલ લાવ્યા હતા. સાથે જ તેઓ એક સાંઢને પણ લાવ્યા હતા જેનો બ્રાઝિલની દૂધ ઉત્પાદકતામાં મહત્ત્વનો ફાળો છે.

કૃષ્ણ નામના આ સાંઢની માલિકી ભાવનગરના રાજા વીરભદ્રસિંહ ધરાવતા હતા. જ્યારે કૅસ્લૉના સાથી લ્ડેફૉન્સો ડૉસ સૅન્ટૉસ ભારત આવ્યા હતા ત્યારે તેમણે કૃષ્ણની તસવીર ખેંચી હતી.

જ્યારે તેમણે આ તસવીર કૅસ્લૉને મોકલી કે તરત જ કૅસ્લૉએ આ સાંઢ ખરીદવાનો નિર્ણય કરી લીધો.

સૅન્ટૉસ કહે છે, "જ્યારે કૅસ્લૉએ આ સાંઢની તસવીર જોઈ અને તેમણે મને ટેલિગ્રામ કર્યો કે આ સાંઢને તાત્કાલિક અહીં લેતો આવ."

આ અંગે કૅસ્લોના પૌત્રએ બીબીસીને જણાવ્યું, "મારા દાદાએ ગીર ઓલાદના આ સાંઢ કૃષ્ણને જોયો અને તેમને એ પસંદ પડી ગયો. આ સાંઢ ભાવનગરના રાજાની માલિકીનો હતો."

બ્રાઝિલની ગાયોના ગીર બળદો સાથેના સંવર્ધનથી નવી ક્રાંતિ આવી હતી. હાલમાં બ્રાઝિલના દૂધ ઉત્પાદનમાં 80 ટકા ફાળો ગીર પ્રજાતિની ગાયોનો છે.

કૅસ્લૉના પૌત્ર ગિલ્યારમીએ જણાવ્યું કે કૃષ્ણને બ્રાઝિલ લાવવાનું પગલું ખૂબ જ સારું સાબિત થયું. ગીર સાંઢ સાથે સંવર્ધનથી બ્રાઝિલની સ્થાનિક ગાયોની દૂધ ઉત્પાદક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો.

ગીર ગાયોનો ઉછેર બ્રાઝિલમાં મોટો બિઝનેસ છે. મિનાસ જેરઇસના ફાર્મમાં આ જાતિની બારસો ગાયો છે.

શ્રેષ્ઠ ગાયની કિંમત આશરે નવ કરોડ રૂપિયા છે અને તે દૈનિક 60 લિટર દૂધ આપી શકે છે. કેટલીક ગાયો લગભગ 20 વર્ષ સુધી દુધ ઉત્પાદન માટે સક્ષમ છે.

શું તમે આ વાંચ્યું?

ગિલ્યારમી ઉમેરે છે કે બ્રાઝિલની 80 ટકા ગીર ગાયોમાં કૃષ્ણનું ડીએનએ છે.

ગિલ્યારમી કહે છે, "જ્યારે મારા દાદા ગીર ગાયોને ગુજરાતથી અહીં લાવ્યા હતા તેના થોડા સમયબાદ ભાવનગરના મહારાજા પોતે અહીં આવ્યા હતા. અને તેમણે જોયું હતું કે આ ગાયોની સંભાળ કેવી રીતે લેવામાં આવે છે."

પોતાની બાયૉગ્રાફીમાં કૅસ્લૉએ કૃષ્ણને ભારતથી બ્રાઝિલ લાવવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.

ભાવનગરના રાજા સાથે કૃષ્ણ અને અન્ય ગીર ગાયોની ખરીદીના એક વર્ષ બાદ શીપ દ્વારા તેમને બ્રાઝિલ લઈ આવવામાં આવ્યા.

Image copyright Getty Images

બ્રાઝિલમાં કૅસ્લૉ દ્વારા સારી દેખરેખને કારણે કૃષ્ણ ખૂબ જ તાજોમાજો થઈ ગયો. પરંતુ એક વર્ષ બાદ તેનું મૃત્યુ થયું.

કૅસ્લૉને આ સાંઢ એટલો પસંદ હતો કે તેમણે તેન મૃત શરીરને જાળવી રાખવાનો નિર્ણય કર્યો.

કૃષ્ણના મોત અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે કૃષ્ણા અને અન્ય એક બળદ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને હાર્ટ ઍટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.

કૃષ્ણના મૃત્યુ પહેલાં તે તેનો વંશ બ્રાઝિલમાં છોડીને ગયો હતો.

બ્રાઝિલની કૃષિ યુનિવર્સિટીના બાયૉલૉજિસ્ટ માર્કોસ ડા સિલ્વાના મત મુજબ પાછલા બે દાયકામાં બ્રાઝિલનું દૂધ ઉત્પાદન ચાર ગણું થઈ ગયું છે.

કુલ ઉત્પાદનનું 80 ટકા દૂધ ગિરોલાન્ડો ગાયોનું છે, જે ગીર ગાયની વર્ણસંકર પ્રજાતિ છે.

ગીર પ્રજાતિના સાંઢ અને ગાયોના સંવર્ધનથી છેલ્લા 20 વર્ષમાં બ્રાઝિલના ડેરી ઉત્પાદનમાં ચાર ગણો વધારો નોંધાયો છે.

આ પરિસ્થિતિ જોતા ભારતનાં કેટલાક રાજ્યો બ્રાઝિલથી ગીર ગાય અને સાંઢ આયાત કરવાનું વિચારી રહ્યા છે.

ગિલ્યારમીનું કહેવું છે કે ભારતમાં બ્રાઝિલિયન ગીર ગાયોના નિકાસ અને સંવર્ધન બાદ નવી પ્રજાતિનો જન્મ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો