એમેઝોનના જંગલમાં રહેતા વિશ્વના સૌથી એકલા માણસની કહાણી

  • વિક્કી બૅકર
  • બીબીસી ન્યૂઝ
ઇમેજ કૅપ્શન,

એક મિનિટનો વીડિયો આ માણસના અસ્તિત્ત્વનો દુર્લભ પુરાવો છે.

'દુનિયાના સૌથી એકલા માણસ' તરીકે ઓળખાતા આદિવાસી પ્રજાતિના આ માણસનો દુર્લભ વીડિયો સામે આવ્યો છે.

આશરે 50 વર્ષ જેટલી વય ધરાવતો આ માણસ તેમની પ્રજાતિના અંતિમ થોડા લોકોની હત્યા થઈ ગયા બાદ બ્રાઝિલના એમેઝોનમાં 22 વર્ષથી રહે છે.

થોડા અંતરેથી રેકર્ડ કરેલો આ વીડિયો બ્રાઝિલની સરકારની એજન્સી 'ફુનાઈ'એ જાહેર કર્યો છે, જેમાં એક પુરુષ કુહાડીથી ઝાડ કાપતો દેખાય છે.

આ વીડિયો વિશ્વમાં શૅર થઈ રહ્યો છે પણ આ વીડિયોમાં જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે જાણવા જેવું છે.

તેનો વીડિયો કેમ રેકર્ડ કરાયો?

1996થી 'ફુનાઈ' દ્વારા આ માણસનું દૂરથી નિરીક્ષણ કરાતું હતું. ઉત્તર-પશ્ચિમ રૉન્ડોનિયાના જે ભૂમિ વિસ્તારમાં ફરે છે, એ વિસ્તારની જમીનો પરના પ્રતિબંધ રિન્યુ કરવા માટે એ જીવિત છે એ સિદ્ધ કરવું જરૂરી હતું.

4 હજાર હૅક્ટર જેટલો વિસ્તાર ખાનગી ખેતરો અને જમીનોથી ઘેરાયેલો છે પણ આ વિસ્તારમાં પ્રવેશવાની કોઈને પરવાનગી નથી.

બ્રાઝિલના બંધારણ પ્રમાણે, સ્થાનિક લોકોને જમીન રાખવાનો અધિકાર છે.

સર્વાઇવલ ઇન્ટરનેશનલ નામની આદિવાસી લોકોના હિત માટે કામ કરતી સંસ્થાના સંશોધન ઍન્ડ ઍડવોકસી ડિરેક્ટર ફિયોના વૉટ્સન કહે છે, "એ માણસ જીવિત છે એવું તેમને વારંવાર સાબિત કરતા રહેવું પડે છે."

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ વીડિયો જાહેર કરવા પાછળનો રાજકીય હેતુ પણ છે."

"કૉંગ્રેસમાં કૃષિઉદ્યોગનું વર્ચસ્વ છે, ફુનાઈના બજેટમાં ઘટાડો કરાયો છે. તે સ્વદેશી અધિકારો પર હુમલો કરવા સમાન છે."

ફુનાઈના દાવાઓને ભૂતકાળમાં ખેડૂતોએ પડકાર્યા હતા.

આ માણસ વિશે કઈ બાબતો પ્રચલિત છે?

ઇમેજ કૅપ્શન,

'માલોકા' તરીકે ઓળખાતી ઘાસની ઝૂંપડી, જે આદિવાસી પ્રજાતીના આ માણસે બનાવી હતી.

તેઓ ઘણા સંશોધન રિપોર્ટ અને પ્રેસ આર્ટિકલનો વિષય બન્યા છે.

યુએસ પત્રકાર મૉન્ટે રીલે તેમના પર 'ધ લાસ્ટ ઑફ ધ ટ્રાઇબ : ધ એપિક ક્વેસ્ટ ટુ સેવ લૉન મૅન ઇન ધ એમેઝોન' નામનું પુસ્તક પણ લખાયું છે.

આ માણસને અનકૉન્ટેક્ટૅડ તરીકે વર્ગીકૃત કરાયો છે. એનો અર્થ એવો છે કે અત્યાર સુધી આ માણસ સાથે તેમની પ્રજાતિ સિવાયની કોઈ પણ વ્યક્તિએ વાત કરી નથી.

1995માં ખેડૂતો દ્વારા 6 લોકો પર હુમલો કરાયો હતો, એ પૈકી આ એકમાત્ર જીવિત બચ્યો હોવાનું માનવામાં આવે છે.

આ આદિવાસી પ્રજાતીને કોઈ જ નામ આપવામાં આવ્યું નથી અને તેઓ કઈ ભાષા બોલે છે એ વિશે પણ ખબર નથી.

વર્ષો સુધી બ્રાઝિલનું મીડિયા તેમને 'ધ હૉલ ઇન્ડિયન' તરીકે ઓળખતું હતું.

તેઓ છુપાવા માટે અથવા પ્રાણીઓનો શિકાર કરવા માટે ગાઢ જંગલમાં એકલા રહે છે.

ભૂતકાળમાં તેમને જાતે બનાવેલી ઘાસની ઝૂંપડી અને હાથથી બનાવેલાં ઓજારો મળી આવ્યાં હતાં, જેમાં બાણ અને મશાલ પણ સામેલ હતાં.

આ વીડિયો દુર્લભ કેમ છે?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધી આ માણસનો ફક્ત એક ઝાંખો ફોટો જ મળ્યો છે.

ફુનાઈ સાથે નિરીક્ષણ કરતાં એક ફિલ્મમેકરે આ ફોટો પાડ્યો હતો અને 1998ની બ્રાઝિલિયન ડૉક્યુમૅન્ટરીમાં દેખાડવામાં આવ્યો હતો.

કર્મશીલોનું કહે છે કે આ માણસનું સ્વાસ્થ્ય સારું છે એ જોઈને અમને આનંદની સાથે આશ્ચર્ય થઈ રહ્યું છે.

ફુનાઈના પ્રાદેશિક કૉ-ઑર્ડિનટર આલ્ટાયર અલ્જીયરે ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે, "તેની સ્થિતિ સારી છે, તે શિકાર કરે છે અને કેટલાક છોડની જાળવણી પણ કરે છે."

આ એજન્સીની એકાંતમાં રહેતા સમૂહો સાથે સંપર્ક કરવાનું ટાળવાની નીતિ છે.

તેઓનું કહેવું છે કે આ માણસ નથી ઇચ્છતો કે કોઈ તેમની સાથે સંપર્ક કરે. ભૂતકાળમાં તેમણે લોકો પર બાણથી હુમલો પણ કર્યો હતો.

આ વિસ્તારની મુલાકાત લઈ ચૂકેલા ફિયોના વૉટ્સને કહ્યું, "આ માણસ એવા હિંસક અનુભવોમાંથી પસાર થયો છે કે આ દુનિયા તેને સૌથી ખતરનાક જગ્યા લાગે છે."

આ વીડિયો જુગુપ્સા પ્રેરક હોઈ શકે પણ વૉટ્સન તેને સુરક્ષા આપવા પર ભાર મૂકે છે.

તેઓ કહે છે, "અમને ઘણા વીડિયો માટે ઑફર આવી છે પણ તેને પબ્લીશ કરવા માટે તે વીડિયો સાચા છે કે નહીં એ જાણવું આવશ્યક છે."

આ માણસના જીવને ખતરો કેમ છે?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

1970 થી 1980 દરમિયાન આ આદિવાસી પ્રજાતિના મોટા ભાગના લોકોને ત્યાં પાસે કરાયેલા રોડના બાંધકામ બાદ વેપાર માટે વધતી જમીનની માગના કારણે મારી નાંખવામાં આવ્યા હતા.

આજે ખેડૂતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોને આ જમીન જોઈએ છે.

તેમને બંદૂકધારી ખાનગી પશુપાલકોનો સામનો કરવો પડી શકે છે.

2009માં ફુનાઈ મોનિટર્સના હંગામી કૅમ્પને હથિયારધારી ગ્રૂપે લૂંટી લીધા હતા. બંદૂકની બે કાર્ટિજ ડરાવવા માટે પાછળ છોડી ગયા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

YouTube પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સર્વાઇવલ ઇન્ટરનૅશનલ પ્રમાણે બ્રાઝિલના એમેઝોનના વરસાદી જંગલોમા સંપર્ક ન થયો હોય એવી આદિવાસી પ્રજાતીઓ સૌથી વધારે છે.

વિશ્વના કોઈ જ જંગલોમાં આટલી સંખ્યામાં આ પ્રકારની પ્રજાતિઓ નથી.

આદિવાસી પ્રજાતિઓની રોગપ્રતિકારકતા ઓછી હોય છે અને એ કારણથી બહારના વિશ્વ સાથે સંપર્કમાં આવવાથી તેમને ફ્લૂ કે ઓરી થવાની શક્યતા રહેલી છે.

વૉટ્સન આ માણસ વિશે કહે છે કે, "આપણે એના વિશે કંઈ જ જાણવાની જરૂર નથી."

"આપણે જે ગુમાવી રહ્યાં છીએ તે માનવીય વૈવિધ્યતાનું એ માણસ પ્રતીક છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો