સ્વિસ ખેલાડીના માતાપિતાએ ભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશ છે એવું કહ્યું હતું?

એમ્બર Image copyright ANDRESR

સ્વિટ્ઝરલૅન્ડની ટોચની સ્ક્વૉશ ખેલાડીના માતાપિતા, "ભારતને મહિલાઓ માટે અસુરક્ષિત" ગણતા હોવાથી ચેન્નાઈ ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર સ્ક્વૉશ ચૅમ્પીયનશીપમાં ભાગ લેવાના નથી, એવા સામાચાર પ્રકાશિત થયા હતા.

જોકે, બીબીસી તમિલ સાથેની ઍક્સક્લુઝીવ વાતચીતમાં મહિલા ખેલાડીએ ભારતીય મીડિયાનો દાવો નકારી કાઢ્યો હતો.

સ્વિટ્ઝરલૅન્ડની ટોચની સ્ક્વૉશ ખેલાડી એમ્બ્રે એલિન્ક્સ ચેન્નાઈ ખાતે આયોજિત 13મી વર્લ્ડ સ્ક્વૉશ ચૅમ્પીયનશીપમાં ભાગ નથી લઈ રહી.

બે દિવસ પહેલાં ઘણાં અખબારો અને ઑનલાઇન મીડિયાએ સ્વિટ્ઝરલૅન્ડના સ્ક્વૉશ કોચ પાસ્કલ ભુરિનને ટાંકીને અહેવાલ પ્રકાશિત કર્યા હતા.

જે મુજબ, "અમારા દેશની પ્રથમ ક્રમાંક ધરાવતી ખેલાડી એમ્બ્રે એલિન્ક્સ ભાગ લેવા માટે ઉત્સુક હતી પણ તે ભાગ ન લઈ શકી.

" તેમનાં માતા ભારતને મહિલાઓ માટે અસુરક્ષિત માને છે અને તેઓ કોઈ જોખમ લેવા માગતા નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

એક વખત સમાચાર વાઇરલ થયા બાદ બીબીસી તમિલના રિપોર્ટર સ્વિટ્ઝરલૅન્ડ સ્ક્વૉશ ટીમના કોચ પાસ્કલ ભુરિન સાથે ચેન્નાઈમાં વાત કરી, જ્યાં હાલમાં આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે.

પાસ્કલ સ્વીકારે છે કે જે કંઈ અહેવાલ પ્રકાશિત થયા છે એવું તેઓ બોલ્યા હતા પણ તેમને એવો ખ્યાલ નહોતો કે આ વાતના આટલા મોટા સમાચાર બની જશે.

પાસ્કલના નિવેદન બાદ બીબીસી તમિલ દ્વારા ચૅમ્પિયનશીપમાં સ્વિસ સ્ક્વૉશ ખેલાડીના ભાગ ન લેવા અંગે અહેવાલ પ્રકાશિત કરાયો હતો.


બીબીસી સાથેનો ઍક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ

ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનું કારણ જાણવા માટે બીબીસીની ટીમ દ્વારા સ્વિસ સ્ક્વૉશ ખેલાડી એમ્બ્રે એલિન્ક્સનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરાઈ રહ્યો હતો.

ત્યારબાદ એમ્બ્રે એલિન્ક્સ અને તેમના પિતાએ બીબીસીને ઍક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ આપ્યું હતું.

ભારતીય મીડિયાના અહેવાલોમાં કરાયેલા દાવા તેમણે નકારી કાઢ્યા હતા.

એમ્બ્રેના પિતા ઇગોર કહે છે, "એમ્બ્રે એલિન્ક્સના વિરૂદ્ધ જે અફવાઓ ભારતીય મીડિયા અને સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે તેનાથી મારી દીકરીના ભવિષ્યને જોખમ છે. જેના માટે અમે ચિંતિત છીએ."

તેઓ કહે છે, "કેટલાક મીડિયાએ એવી અફવા ફેલાવી છે કે ચેન્નાઈની ચૅમ્પિયનશીપમાં એમ્બ્રેના ભાગ ન લેવા પાછળ સુરક્ષાના કારણો છે. આ સાચું નથી."

"વાલી તરીકે એમ્બ્રેને ચેન્નાઈ ન મોકલવાનો નિર્ણય કર્યો એનાં બે કારણો છે."

"પહેલું કારણ એમ્બ્રે માર્ચ મહિનામાં 16 વર્ષની થઈ જશે. આ વર્ષે તે અન્ડર 17 યૂરોપિયન ટીમ માટે રમી હતી અને આગામી બન્ને વર્ષે તે વર્લ્ડ જુનિયર માટે રમશે."

"ગયા વર્ષે ચૅમ્પિયનશીપના અંતે તે બહું થાકી ગઈ હતી એટલે અમે તેને શારીરિક શ્રમ ન પડે એવું ઇચ્છતા હતાં."

તેમણે આગળ કહ્યું, "બીજું અમે એવું વિચાર્યું કે પરિવાર સાથે ફરવા જવાની આ સારી તક છે."

"અત્યારે અમે એક સરસ સ્ક્વૉશ દેશ ઇજિપ્તમાં છીએ. અમે ખુશ છીએ કે એમ્બ્રે અમારી સાથે છે."

ઇગોર કહે છે, "અફવાઓ ફેલાવાનું બંધ કરો. અમને ભારતમાં મહિલા સુરક્ષા અંગે કોઈ ચિંતા નથી."

"ભવિષ્યમાં ટુર્નામેન્ટમાં કે અન્ય કોઈ કારણથી પણ ભારત આવવાનું અમને ગમશે."


સ્વિસ સ્ક્વૉશ શું કહે છે

Image copyright INSTAGRAM

સ્વિસ સ્ક્વૉશેના સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, "સ્વિસ ખેલાડી એમ્બ્રે એલિન્ક્સના આ ચૅમ્પિયનશીપમાં ભાગ ન લેવા અંગે અલગ-અલગ મીડિયા અને સોશિયલ મીડિયા પર ખોટા અહેવાલો ફરતા થયા છે."

"એમાં એવું કહેવાયું છે કે એમ્બ્રેના માતાપિતાએ તેમને ભારત આવવાની પરવાનગી ન આપી કેમ કે મીડિયાના અહેવાલ પ્રમાણે ભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશ છે."

તેમને એવું પણ નોંધ્યું છે કે આ અહેવાલ ખોટા છે.

"એ સાચું છે કે તેના માતાપિતા એમ્બ્રેને મોકલવા નથી માગતા અને એ પાછળ તેમના અંગત કારણો હતાં."

"જેને ચૅમ્પિયનશીપના આયોજક દેશ સાથે કોઈ લેવાદેવા નથી."

"સ્વિસ સ્ક્વૉશ હંમેશાં ચૅમ્પિયનશીપનું આયોજન કરતાં પહેલાં દેશની સુરક્ષા અને રાજકીય સ્થિતિની તપાસ કરે છે."

"ઇન્ડિયન સ્ક્વૉશ ઍસોસિયેશનના પ્રૉફેશનલ ઑર્ગેનાઇઝેશન દ્વારા સ્પર્ધકોની સુરક્ષા માટે તકેદારી રાખવામાં આવે છે."

"આ અંગે ક્યારેય પ્રશ્નો ઉદ્ભવ્યા નથી. એટલે જ સ્વિસ સ્ક્વૉશે ભારતમાં ડેલિગેશન મોકલવાનો નિર્ણય કર્યો હતો."

આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્પર્ધકને ટુર્નામેન્ટમાં મોકલવાનો નિર્ણય માત્ર સ્પર્ધકની ઇચ્છા પર આધારિત નથી, તેમના પરિવારનો મત અને અન્ય પરિબળો પણ જવાબદાર હોય છે.

સ્વિસ સ્ક્વૉશે ભારતીય મીડિયાને વિનંતી કરી છે કે આ ખોટા અહેવાલોને નકારે અને એમ્બ્રેને સોશિયલ મીડિયા પર ટ્રોલ ન કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ