મલેરિયાની નવી દવા જેના એક ડોઝથી બીમારી દૂર થશે

પ્રતિકાત્મક તસ્વીર Image copyright Science Photo Library

મલેરિયામાંથી સાજા થયેલા દર્દીના લીવરમાં તેના જંતુના અંશ ક્યાંક રહી જતા હોય છે. તેને કારણે વારંવાર મલેરિયા થવાનું જોખમ તોળાયેલું રહેતું હોય છે.

આ રીતે દર વર્ષે મલેરિયાથી બીમાર થતા દર્દીઓની સંખ્યા 85 લાખ છે પણ તેનો અસરકારક ઇલાજ હવે શોધી કાઢવામાં આવ્યો છે.

'પ્લાઝમોડિયમ વિવોક્સ' નામના આ મલેરિયાની ઇલાજની એક ખાસ દવાને હાલમાં અમેરિકામાં મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા 60 વર્ષથી આ સંબંધે ચાલી રહેલા પ્રયાસો બાદ વિજ્ઞાનીઓને હવે સફળતા મળી છે.

આ દવાનું નામ ટેફ્નોક્વાઇન છે અને હવે દુનિયાભરના ઔષધ નિયામકો એ દવાની અસરકારકતાના દાવાની તપાસ કરી રહ્યા છે, જેથી મલેરિયાના દર્દીઓને તેના વડે સાજા કરી શકાય.


વારંવાર થતો મલેરિયા

Image copyright Getty Images

પ્લાઝમોડિયમ વિવોક્સ મલેરિયા સબ-સહારન આફ્રિકા બહારના પ્રદેશોમાં લોકોને થતો સર્વસામાન્ય મલેરિયા છે.

આ મલેરિયા ખતરનાક હોવાનું કારણ એ છે કે તેનો દર્દી એકવાર સાજો થઈ જાય પછી પણ આ બીમારી બીજી અને ત્રીજીવાર ઉથલો મારે તેવી શક્યતા હોય છે.

આ મલેરિયાથી સૌથી વધારે જોખમ બાળકો પર હોય છે. વારંવાર થતી આ બીમારીને કારણે બાળકો અશક્ત થઈ જાય છે.

આ મલેરિયાના દર્દીઓ તેના વધારે ફેલાવામાં કારણભૂત બની શકે છે કારણ કે કોઈ મચ્છર એ વ્યક્તિને કરડ્યા બાદ બીજી વ્યક્તિને કરડે ત્યારે બીજી વ્યક્તિને પણ તેનો ચેપ લાગી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્લાઝમોડિયમ વિવોક્સ મલેરિયા સામેની જંગ આસાન ન હોવાનું કારણ આ છે.

જોકે, હવે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(એફડીએ)એ આ પ્રકારના મલેરિયાને હરાવવામાં સક્ષમ દવાને મંજૂરી આપી દીધી છે.

આ દવા દર્દીના લીવરમાં રહી ગયેલા પ્લોઝમોડિયમ વિવોક્સના અંશને ખતમ કરી નાખે છે. તેથી એ બીમારી ઉથલો મારતી નથી.

તરત ફાયદો થાય એટલા માટે આ દવાને અન્ય દવાઓની સાથે પણ લઈ શકાય છે.


ઉપલબ્ધ દવાઓ કેમ અસરકારક નથી?

Image copyright CDC

પ્લાઝમોડિયમ વિવોક્સ મલેરિયાના ઇલાજ માટે પ્રાઇમાકીન નામની દવા હાલ ઉપલબ્ધ છે.

પ્રાઇમાકીન દર્દીએ સતત 14 દિવસ સુધી લેવી પડે છે, જ્યારે ટેક્નોક્વાઇનના એક જ ડોઝથી દર્દીને પ્લાઝમોડિયમ વિવોક્સ મલેરિયાથી છૂટકારો મળે છે.

થોડા દિવસ પ્રાઇમાકીનનું સેવન કર્યા બાદ દર્દીઓને સારું લાગે છે. તેથી તેઓ તેનો કોર્સ પૂરો કરતા નથી. પરિણામે તેમને મલેરિયા ફરી થવાનું જોખમ રહે છે.


આડઅસર સામે સાવચેતી જરૂરી

એફડીએના જણાવ્યા મુજબ, ટેક્નોક્વાઇન અસરકારક છે અને તે અમેરિકાના લોકોને આપી શકાય છે.

આ દવાની આડઅસર બાબતે પણ એફડીએએ ચેતવણી આપી છે.

દાખલા તરીકે, જે લોકો એન્ઝાઇમની સમસ્યાનો સામનો કરતા હોય તેમને આ દવા લેવાથી લોહીની કમી થઈ શકે છે. તેથી એવા લોકોએ આ દવા લેવી ન જોઈએ.

માનસિક બીમારીથી પીડાતા લોકો પર પણ દવાની ખરાબ અસર થઈ શકે છે.

ઑક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રિક પ્રાઈસે બીબીસીને કહ્યું હતું, "ટેક્નોક્વાઇનના એક જ ડોઝથી બીમારીથી છૂટકારો મળી જાય એ એક મોટી સિદ્ધિ હશે.

"મલેરિયાના ઇલાજના સંદર્ભમાં છેલ્લા 60 વર્ષમાં આપણને આવી સફળતા મળી નથી."

આ દવાની નિર્માતા કંપનીના અધિકારી ડો. હોલ બેરને કહ્યું હતું, "પ્લાઝમોડિયમ વિવોક્સ મલેરિયા જેવી ગંભીર બીમારીના દર્દીઓ માટે આ દવા એક વરદાન જેવી છે.

"પ્લોઝમોડિયમ વિવોક્સ મલેરિયાને જડમૂળથી નાબૂદ કરવામાં આ દવા મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. છેલ્લાં 60 વર્ષમાં આ પ્રકારની આ સૌપ્રથમ દવા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ