દૃષ્ટિકોણઃ પાકિસ્તાનમાં ચૂંટણી કેટલી સ્વતંત્ર અને નિષ્પક્ષ?

ચૂંટણી પ્રચાર કરી રહેલી મહિલાઓ Image copyright EPA

પાકિસ્તાનમાં 25 જુલાઈએ ચૂંટણી થવાની છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારે તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તેવું પાકિસ્તાનના ઇતિહાસમાં બીજીવાર બન્યું છે, પણ ચૂંટણીમાં તેની ખુશીને બદલે વિવાદ સર્જાયો છે.

ગત સપ્તાહમાં અખબારોમાં કેટલીક ધ્યાનાકર્ષક હેડલાઈન્સ જોવા મળી હતી.

'ધ ગાર્ડિયન' અખબારે એવી હેડલાઈન પ્રકાશિત કરી હતી કે 'ધરપકડ અને ધમકીને કારણે પાકિસ્તાનની ચૂંટણીમાં ગડબડનો ડર.'

'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ'એ લખ્યું હતું કે 'પાકિસ્તાનની ચૂંટણી પર લશ્કરના દખલગીરીનો પ્રભાવ.'

નિષ્પક્ષ ચૂંટણીના પાકિસ્તાનના દાવા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે. સરકારના દાવાને અનેક વિશ્લેષકો, પત્રકારો અને પાકિસ્તાનનું પ્રભાવશાળી માનવાધિકાર પંચ (એચઆરસીપી) ખોટા ગણાવી રહ્યા છે.

એચઆરસીપીએ ચૂંટણીમાં ગડબડના જબરદસ્ત, આક્રમક અને ખુલ્લેઆમ પ્રયાસોનો ઉલ્લેખ કર્યો છે.

શું તમે આ વાંચ્યું?

પાકિસ્તાનના મોખરાના એક વિચારક મંડળ પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ લૅજિસ્લેટિવ ડેવલપમેન્ટ એન્ડ ટ્રાન્સપરન્સી (પીઆઈએલડીએટી)એ પણ ચૂંટણી પહેલાંની પ્રક્રિયાને 'અયોગ્ય' ગણાવી છે.

જોકે, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનના તહરિક-એ-ઇન્સાફ પક્ષના ટેકેદારો સહિતના અન્ય એવો દાવો કરી રહ્યા છે કે આ ચૂંટણીમાં શંકા કરવા જેવું ખાસ કંઈ નથી.

જાણકારો માને છે કે પાકિસ્તાની લશ્કરની દખલગીરીથી તહરિક-એ-ઇન્સાફ પક્ષને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે.


લશ્કરની દખલગીરીનો ઇતિહાસ

Image copyright Getty Images
ફોટો લાઈન લશ્કરની દખલગીરીથી ઇમરાન ખાનના તહરિક-એ-ઇન્સાફ પક્ષને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા હોવાનું જાણકારો માને છે

પાકિસ્તાનના ઇતિહાસ વિશે થોડું જાણતા લોકો પણ સમજી શકે છે કે ચૂંટણીમાં લશ્કરની દખલગીરી બાબતે સવાલ શા માટે ઉઠી રહ્યા છે.

પાકિસ્તાનની આઝાદી પછી અત્યાર સુધીના સમય પૈકીના અડધોઅડધ સમય સુધી લશ્કરે પાકિસ્તાન પર સીધું શાસન કર્યું છે.

લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના કાર્યકાળમાં સલામતી તથા વિદેશી બાબતોમાં લશ્કર દખલગીરી કરતું હોવાનું પણ માનવામાં આવે છે.

1990ના દાયકામાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ને લશ્કરે એકમેકની સામે એટલે ભીડવ્યાં હતાં કે બેમાંથી કોઈની સરકાર તેનો કાર્યકાળ પૂરો કરી ન શકે.


'સ્વતંત્ર અને નિષ્પક્ષ' ચૂંટણી એટલે શું?

Image copyright PPP/TWITTER

આ સવાલનો જવાબ મેળવવા માટે તેની સમજ મેળવવી જરૂરી છે. પોલિટિકલ સાયન્ટિસ્ટ જોર્ગન એકક્લિટ અને પાલે સ્વેન્સન સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીને બે અલગ-અલગ બાબત ગણે છે.

તેમના જણાવ્યા મુજબ, સ્વતંત્ર ચૂંટણી એટલે કોઈના દબાણ વિના ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર, જ્યારે નિષ્પક્ષતાનો વિચાર કાયદાકીય ભેદભાવરહિત પ્રક્રિયા સાથે જોડાયેલો છે.

એ છે પોલીસ, લશ્કર અને અદાલતનો ઉમેદવાર સાથેનો નિષ્પક્ષ વ્યવહાર.

તેની સાથે એ પણ સુનિશ્ચિત કરવું પડે કે કોઈ ખાસ પક્ષ કે સામાજિક જૂથને વિશેષ સુવિધાઓ ન મળે.

મીડિયા સુધી સ્વતંત્ર અને સમાન પહોંચને પણ સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણીનો એક મહત્ત્વનો હિસ્સો ગણવામાં આવે છે.


સમાન તક બાબતે સવાલ

Image copyright EPA
ફોટો લાઈન ભ્રષ્ટાચારના કેસ સંબંધે કોર્ટે નવાઝ શરીફને ચૂંટણી લડવા અયોગ્ય ઠરાવ્યા છે

ચૂંટણી લડવા મેદાનમાં ઊતરેલા વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓને ચૂંટણી લડવા માટે મળેલી સમાન તક બાબતે પણ સવાલ થઈ રહ્યા છે.

સત્તાધારી પીએમએલ-એને તેના વિરુદ્ધ ઝૂંબેશ ચલાવવાનો આક્ષેપ લશ્કર પર કર્યો છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એનના નેતા નવાઝ શરીફને પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે ભ્રષ્ટાચારના મામલામાં 2017ના જુલાઈમાં વડા પ્રધાનપદ માટે અયોગ્ય ઠરાવ્યા હતા.

તેના થોડા સમય પછી આદેશ આપ્યો હતો કે નવાઝ શરીફ કોઈ રાજકીય પક્ષના પ્રમુખ પણ નહીં બની શકે.

નવાઝ શરીફ અને તેમનાં દીકરી મરિયમની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી.

એ ઉપરાંત પીએમએલ-એનના ત્રણ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. એ સંબંધી આદેશ 22 જુલાઈએ આપવામાં આવ્યો હતો.

આ મામલો નવાઝ શરીફ પરના ભ્રષ્ટાચારના આરોપ સાથે ખાસ જોડાયેલો નથી, પણ ભ્રષ્ટાચાર સંબંધી કાયદા તથા અન્ય બંધારણીય જોગવાઈઓના અસમાન ઉપયોગનો છે.


ચરમપંથી પક્ષોને મળી તક

Image copyright AFP

આ ચૂંટણીમાં કેટલાક રાજકીય પક્ષો પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે ત્યારે ચરમપંથી પક્ષોને ચૂંટણી લડવાની તક મળી છે, ખાસ કરીને તહરિક-એ-લબ્બૈક પાકિસ્તાન(ટીએલપી)ને.

2011માં પંજાબ પ્રાંતના ગવર્નરના હત્યારા મુમતાઝ કાદરીના ટેકામાં ટીએલપીની રચના કરવામાં આવી હતી.

આ પક્ષના એક સભ્યે વર્તમાન વર્ષની શરૂઆતમાં એક પ્રધાનની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે.

એવી જ રીતે ધ મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) નામનો નવો રાજકીય પક્ષ ચરમપંથી સંગઠન લશ્કર-એ-તૈયબાનો રાજકીય ચહેરો છે અને લશ્કર-એ-તૈયબા માથે મુંબઈ પર આતંકવાદી હુમલો કરવાનો આરોપ છે.

આ દરમ્યાન શિયાવિરોધી અહલે સુન્નત વલ જમાત (એએસડબલ્યુજે) પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

એ ઉપરાંત પીએમએલ-એનના ભૂતપૂર્વ સભ્યો પર પક્ષ બદલવાનું કે અપક્ષ ચૂંટણી લડવાનું દબાણ સલામતી અધિકારીઓ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ છે.

ખાસ કરીને 'ડૉન' અખબારના વિતરણમાં વિક્ષેપ પાડવામાં આવ્યો છે અને પત્રકારો પર પણ દબાણ લાવવામાં આવ્યું છે.


ચિંતાજનક સમાચાર

Image copyright Getty Images

નિષ્પક્ષતાના અભાવ છતાં ઘણા નિષ્ણાતોને ખાતરી છે કે મતદાનની દિવસે હેરાફેરીની શક્યતા નથી. તેનું કારણ ચૂંટણી પંચે ચૂંટણી અધિનિયમ-2017 હેઠળ લીધેલાં પગલાં છે.

દાખલા તરીકે, મહત્ત્વનાં તમામ ફોર્મ્સ પર પોલિંગ એજન્ટ્સના હસ્તાક્ષર હોવા જરૂરી છે. તેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિ એજન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

જોકે, તાજેતરના સમાચારોએ આ સંબંધે ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.

ચૂંટણીના દિવસે સલામતીને ધ્યાનમાં રાખીને 3.71 લાખ લશ્કરી જવાનોને દેશભરમાં અલગ-અલગ ઠેકાણે તહેનાત કરવામાં આવશે.

ચૂંટણી સંબંધી કાયદાનું ઉલ્લંઘન કરતી કોઈ પણ વ્યક્તિ સામે ઘટનાસ્થળે જ કાર્યવાહી હાથ ધરવાની સત્તા આ જવાનો પાસે હશે.

પાકિસ્તાની લશ્કરની નિષ્પક્ષતા સંબંધી શંકાને ધ્યાનમાં લેતાં આ સમાચાર ચિંતાજનક છે.

આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં એવું લાગે છે કે મતદારો તેમની મરજીથી મતદાન કરી શકશે?

મતદાન માટે કોણ ઘરની બહાર નીકળે છે અને એ ક્યા આધારે મતદાનનો નિર્ણય કરે છે તેના પર પણ આ ચૂંટણીનો મોટો આધાર હશે.

તમામ સર્વેક્ષણ જણાવે છે કે ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. કોણ જીતશે એ તો આગામી દિવસોમાં જ જાણવા મળશે.

(આ લેખિકાના અંગત વિચાર છે. લેખિકા ન્યૂ યોર્કમાં અલ્બેની સ્ટેટ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનાં આસિસ્ટંટ પ્રોફેસર છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ