જ્યારે યુગાન્ડામાંથી ઈદી અમીનને કારણે ગુજરાતીઓને રાતોરાત ભાગવું પડ્યું

યુગાન્ડાથી હિજરત કરીને બ્રિટન પહોંચેલા ગુજરાતીઓની તસવીર Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવાન્ડામાં 200 ગાયોનું દાન આપ્યા બાદયુગાન્ડા ગયા હતા કે જ્યાંથી ક્યારેક ગુજરાતીઓને પહેરેલાં કપડે દેશ છોડી હિજરત કરી જવી પડી હતી.

'યુગાન્ડાના પૈસાને દોહી' લેવાનો આરોપ લગાવતા સૈન્ય સરમુખત્યાર ઈદી અમિને 1972માં 50 હજારથી વધુ એશિયનોને દેશમાંથી હાકી કાઢ્યા હતા. આમાંના મોટાભાગના લોકો ગુજરાતી હતા.

વાત 1971ની છે. 25 જાન્યુઆરીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિ ઍપોલો મિલ્ટન ઑબોટેને પદભ્રષ્ટ કરીને સૈન્ય સરમુખત્યાર ઈદી અમિને દેશના શાસનની ધુરા પોતાની હાથમાં લઈ લીધી હતી.

'કલ્ચર ઑફ ધ સૅપલ્કર' નામના પુસ્તકમાં યુગાન્ડામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા મદનજિતસિંઘ લખે છે કે ઑબોટેના શાસનના અંતને યુગાન્ડામાં રહેતા એશિયન સમુદાયોએ વધાવી લીધો હતો.

મોટાભાગના એશિયનો વેપાર સાથે સંકળાયેલા હતા અને ઑબોટેની ડાબેરી નીતિઓ તેમને અનુકૂળ નહોતી આવતી.

એમને આશા હતી કે નવા શાસનમાં એમના વેપાર-ધંધાનો વિસ્તાર થશે. જોકે, એમને એ જાણ નહોતી એમની આશાથી સાવ વિરુદ્ધ દિશાનું ભવિષ્ય એમની રાહ જોઈ રહ્યું છે.


ગુજરાતીઓ પર આરોપ

સત્તાના સૂત્રો સંભાળતા જ અમીને આદેશ આપી દીધા કે દેશમાં એશિયન સમુદાયના જેટલા પણ લોકો રહે છે, તેમણે વસ્તીગણતરીમાં ફરજીયાત નામ નોંધાવવું પડશે.

એશિયનોમાં સૌથી વધુ ભારતીયો હતા અને ભારતીયોમાં પણ સૌથી વધુ સંખ્યા ગુજરાતીઓની હતી.

એશિયન સમુદાય ઈદીના આ પગલા પાછળનું કારણ સમજે એ પહેલાં જ યુગાન્ડાનું નાગરિકત્વ મેળવવા માટે કરાયેલી 12 હજાર અરજીઓ ફગાવી દેવાઈ.

તમે આ વાંચ્યું કે નહીં?

ઑબોટે બ્રિટિશ સરકાર સાથે કરેલી સમજૂતી અનુસાર આ 12 હજાર એશિયન સમુદાયના લોકોને બ્રિટન અને યુગાન્ડાનું બેવડું નાગરિકત્વ મળવાનું હતું.

ઈદીએ આરોપ લગાવ્યો કે એશિયન સમુદાય લાંચ, ભ્રષ્ટાચાર, હવાલા કૌભાંડ, કર ચોરી, દાણચોરી, દગાખોરીમાં લિપ્ત છે અને તેમને અનુકૂળ પડે એવું નાગરિકત્વ મેળવવું છે.


અલ્લાહનો આદેશ

ઈદી અમીનની તસવીર Image copyright Getty Images

ઈદી અમીને રાષ્ટ્ર સમક્ષ જાહેરાત કરી તેઓ કોઈ કાળે યુગાન્ડાને 'ભારતની કોલોની' બનવા નહીં દે.

મદનજિતસિંઘ લખે છે, 'ઈદી અમીને દાવો કર્યો તેમને સપનામાં અલ્લાહનો સંદેશ મળ્યો છે. અલ્લાહે એશિયનોને યુગાન્ડામાંથી હાકી કાઢવા આદેશ આપ્યો છે.'

'યુગાન્ડા : અ નૅશન ઇન ટ્રાન્ઝિશન પોસ્ટ-કૉલોનિયલ ઍનાલિસીસ' નામના પુસ્તકમાં ગૉડફ્રૅ મ્વાકિકાગીલે લખે છે, 'ઑબોટેના પદભ્રષ્ટ થવાની સાથે જ યુગાન્ડાએ પોતાના ઇતિહાસના સૌથી હિંસક કાળમાં પ્રવેશ કર્યો.'

'એ અરાજકતાના દિવસો હતા. આઠ વર્ષ સુધી ટકેલું એ શાસન આતંકનું શાસન હતું અને એ બાદ યુગાન્ડા ક્યારેય પહેલાં જેવું ના થઈ શક્યું.'


90 દિવસની મુદત

યુગાન્ડાથી હિજરત કરીને બ્રિટન પહોંચેલા ભારતીયોની તસવીર Image copyright Getty Images

'અલ્લાહનો આદેશ' અનુસરી ઇદી અમિને એશિયન સમુદાયને યુગાન્ડાને 90 દિવસમાં જ છોડીને જતા રહેવા આદેશ આપ્યો.

એ વખતે દેશનો 90 ટકા વ્યવસાય એશિયન લોકોના હાથમાં હતો અને દેશનો 90 ટકા કર પણ તેઓ જ ચૂકવતા હતા.

એ વખતે ભરત માણેક 11 વર્ષના હતા. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, ''અમારે રાતોરાત દેશ છોડી દેવો પડ્યો હતો."

"ઍરપૉર્ટ સુધી પહોંચતા અમને 18 ચેકપોસ્ટ પાર કરવી પડી હતી. દરેક ચેકપોસ્ટે બંદૂકધારી ઊભા હતા."

"એક દિવસમાં 18-18 વખત આવી રીતે બંદૂકધારીઓને જોવા મારા માટે બહુ બિહામણું હતું.''

''9 ઑક્ટોબરે અમે લંડન પહોંચ્યા અને વક્રતા જુઓ, એ યુગાન્ડાનો આઝાદી દિન હતો.''


'મિસિસિપી મસાલા'ની વાત

'મિસ્સિસ્સિપ્પી મસાલા'ની તસવીર Image copyright Mira Nair

મિરા નાયરની ફિલ્મ 'મિસિસિપી મસાલા' યુગાન્ડામાંથી હાકી કઢાયેલા ભારતીયોની કહાણી છે.

રાતોરાતો દેશવિહોણા થઈ ગયેલા ભારતીયોને કેવી સ્થિતિમાં યુગાન્ડા છોડવું પડ્યું એ વાત ફિલ્મમાં આવરી લેવાઈ છે.

ફિલ્મમાં એક સ્ત્રી પાત્રનાં ગળામાંથી બંદૂકનાં નાળચે સોનાની ચેઇન લૂંટી લેવામાં આવે છે.

હિજરત કરી રહેલા ભારતીય સમુદાયને હેરાન કરવાના અહેવાલોને આધાર બનાવીને મિરા નાયરે એ સીન તૈયાર કર્યો હતો.


સ્થાનિકો પ્રત્યે ઓરમાયું વલણ

યુગાન્ડાના બાળકોની તસવીર Image copyright Getty Images

ઈદીના શાસનમાં એશિયનો પ્રત્યે સ્થાનિક લોકોનો આક્રોશ આગ બનીને ભભૂક્યો હતો.

એ આક્રોશનું કારણ હતું સ્થાનિક લોકો પ્રત્યે એશિયન સમુદાયનું વલણ.

આ અંગે વાત કરતા વરિષ્ઠ પત્રકાર વિપુલ કલ્યાણી બીબીસી ગુજરાતીને જણાવે છે, ''યુગાન્ડામાં રહેતો ગુજરાતી સમુદાય મુખ્યત્વે વેપાર સાથે જ સંકળાયેલો હતો.''

''ઇતિહાસ સાક્ષી છે કે વેપારી લોકો જ્યાં પણ ગયા છે ત્યાં શોષણ થયું જ છે."

"યુગાન્ડાનો ગુજરાતી સમુદાય ઉપરથી જાતીવાદી, કોમવાદી અને રંગવાદી વલણ પણ ધરાવતો હતો.''

''તેઓ પોતાના 'વાડા'માં જ રહેતા. સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન દાખવતા હતા."


યુગાન્ડામાં પણ ભારતીયોના ભાગલા

યુગાન્ડાથી હિજરત કરીને બ્રિટન પહોંચેલા ભારતીયોની તસવીર Image copyright Getty Images

'મલ્ટીકલ્ચરિઝમ, પોસ્ટકૉલોનિયાલિટી, ઍન્ડ ટ્રાન્સનેશનલ મીડિયા' નામના પુસ્તકમાં આ અંગે વાત કરતા ઇલા શૉહાત અને રૉબર્ટ સ્ટામ લખે છે,

'યુગાન્ડામાં રહેતા ભારતીયોમાં મોટાભાગના ગુજરાતી હતા. એમાંથી જેટલા પણ હિંદુઓ હતા તેઓ જાતિમાં વહેંચાયેલા હતા. જ્યારે મુસ્લિમો શિયા-સુન્નીના ફિરકામાં ફસાયેલા હતા.''

''આ ભારતીયોને યુગાન્ડામાં સમૃદ્ધ તો થવું હતું પણ તેઓ ભેદભાવ છોડવા તૈયાર નહોતા.''

''લગ્ન પણ તેઓ જાતિના વાડામાં જ કરતા અને સ્થાનિક લોકો સાથે લગ્નનો વિચાર પણ નહોતા કરી શકતા.''

સ્થાનિકો સાથે ના ભળવાને કારણે એમની શોષણકર્તાની છાપ વધુ ઘેરી બની હતી.


એશિયનો પર આરોપ

યુગાન્ડાના લોકો Image copyright Getty Images

સ્થાનિકો સાથે ના ભળી શકતા ભારતીયોને દેશમાંથી હાંકી કાઢી ઈદી યુગાન્ડાનું 'આફ્રિકીકરણ' કરવા માગતા હતા.

એશિયનો પર એ વખતે યુગાન્ડાના લોકો સાથે અયોગ્ય વર્તન કરવાના અને ખોટી રીતે આર્થિક ફાયદો ઉઠાવવાના આરોપ લાગ્યા હતા.

આ અંગે બીબીસીએ ઈદી અમિનની સરકારમાં મંત્રી રહી ચૂકેલા હેન્રી ક્યેમ્બા સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે ''કોઈ એક જૂથની વધુ તરફેણ કરવામાં આવે અને જો અન્ય જૂથને એ ફાયદો ના મળે એ યોગ્ય ના કહેવાય. પછી ભલે એ લોકો એશિયાના હોય કે ચીનના''


એશિયનો સામે યુદ્ધ

યુગાન્ડાથી હિજરત કરીને બ્રિટન પહોંચેલા ગુજરાતીઓની તસવીર Image copyright Getty Images

'યુગાન્ડા : અ નેશન ઇન ટ્રાન્ઝિશન પોસ્ટ-કૉલોનિયલ ઍનાલિસીસ'માં ઈદી અમિનના આ પગલાને એશિયનો સામેનું યુદ્ધ ગણાવાયું છે.

પુસ્તકમાં એશિયનોને દેશ છોડી જતા રહેવાનો આદેશ અપાયો એ પહેલાં ઈદી અમિને કરેલું સંબોધન પ્રકાશિત કરાયું છે.

'યુગાન્ડા ગેજેટ 1972'માં છપાયેલા એ સંબોધનમાં સૈન્ય સરમુખત્યારે ગુજરાતી સમુદાયના વલણની ટીકા કરી હતી.

ઈદીએ કહ્યું હતું, ''ગુજરાતીઓ પોતાની ખાતાવહી ગુજરાતી ભાષામાં લખે છે જે આફ્રિકન ઇન્કમ ટૅક્સ અધિકારીઓ સમજી શકતા નથી. જેને લીધે કર વસુલવામાં ગોટાળા થાય છે.''


નિરાધાર ભારતીયો

ઈદી અમીનની તસવીર Image copyright Getty Images

આખરે 'યુગાન્ડાને યુગાન્ડાના લોકોને હવાલે' કરવાના ઉદ્દેશ સાથે ઈદી અમીને એશિયનોને 90 દિવસમાં દેશ છોડી જવા આદેશ આપી દીધા.

એ વખતે ભારતીયો પાસે ત્રણ વિકલ્પ હતા. એક બ્રિટન જવું. ભારત પરત ફરવું કે અમેરિકા-કેનેડામાં આશ્રય લેવો.

તેમાંથી મોટાભાગના એટલે કે લગભગ 30 હજાર જેટલા એશિયનો બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હતા. એટલે સ્વાભાવિક જ તેમણે યુકે જવાનું જ પસંદ કર્યું.

બ્રિટન આવનારા એશિયનોમાં મોટાભાગના ખાલી હાથે અને પહેરેલાં કપડે યૂકે પહોંચ્યા હતા.

એમના વેપાર-ધંધા બધુ જ યુગાન્ડામાં રહી ગયું હતું. આમાના કેટલાયને તો ઍરપૉર્ટ પર જ યુગાન્ડાના સૈનિકોએ લૂંટી લીધા હતા.

આવી કંગાળ હાલતમાં યુકે આવનારા આ એશિયોનો પ્રત્યે બ્રિટનમાં પણ અણગમો વર્તાયો.

લૅસ્ટર કાઉન્સિલ દ્વારા તો આ એશિયનોને શહેરમાં ના પ્રવેશવા દેવા જાહેરાત પણ છપાવાઈ હતી.


લીલા મહેતાની કહાણી

યુગાન્ડાથી હિજરત કરીને બ્રિટન પહોંચેલા ગુજરાતીઓની તસવીર Image copyright Getty Images

યુગાન્ડા હિજરત કરી યુકે આવેલાં લીલા મહેતાએ પોતાની પુત્રી આશા મહેતા મારફતે વર્ષ 2004માં બીબીસીને પોતાની કહાણી જણાવી હતી.

એ બીનાને યાદ કરતા લીલાએ જણાવ્યું હતું, ''એ વખતે મારી ઉંમર 42 વર્ષ હતી. મને અમીનની ધમકીમાં કોઈ હકીકત નહોતી જણાઈ. કારણ કે એ પહેલાં પણ તેઓ આવી ધમકી આપી ચૂક્યા હતા.''

''પણ, રેડિયોમાં જ્યારે આ વાતની પુષ્ટિ કરી દેવાઈ ત્યારે અમારામાં ભય પેસ્યો.''

મહેતા પરિવારે વાતની ગંભીરતા સમજતા કમ્પાલામાં આવેલા ઘરનું ફર્નિચર વેચી કાઢ્યું.

જોકે, આ ઉતાવળ કોઈ કામે ના આવી. ઈદી અમિને વ્યક્તિદિઠ માત્ર 50 પાઉન્ડની રકમ જ સાથે લઈ જવાની મંજૂરી આપી.

લીલાએ કહ્યું હતું, ''મારા પાડોશી તો તસવીરો પણ સાથે નહોતા લઈ શક્યા અને તેમને યુગાન્ડા છોડી દેવું પડ્યું હતું.''


સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ?

ઈદી અમીનની તસવીર
ફોટો લાઈન ઈદી અમીન

આજે ફરી એક વખત યુગાન્ડા ભારતીયોની પસંદ બન્યું છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ યુગાન્ડા પરત ફર્યા છે.

રાષ્ટ્રપતિ યોવેરી મુસેવની દ્વારા હિજરત કરી ગયેલા એશિયનોને યુગાન્ડા ફરત ફરવા પ્રોત્સાહિત કરાયા બાદ આ શક્ય બન્યું છે.

ત્યારે એશિયનોને હાકી કાઢવાના ઈદી અમિનના પગલા પાછળ જવાબદાર કારણોમાં 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' પણ એક કારણ હોવાનું વિપૂલ કલ્યાણી માને છે.

કલ્યાણી કહે છે, ''સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સત્તાને ટકાવી રાખવા ઈદીનું એક બહાનું હતું.''

''કોઈ પણ સમાજ માટે પાંચ તત્ત્વો અગત્યનાં હોય છે, રોજગારી, ઘર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને કાયદો.''

''જ્યારે કોઈ સરકાર લોકોને આ મૂળભૂત સુવિધાઓ આપવામાં ઊણી ઊતરે ત્યારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવા બહાનાઓને આગળ ધરી દેવાતા હોય છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ