ઓશો અને મારી વચ્ચે સેક્સ ક્યારેય મુદો ન હતો : મા આનંદ શીલા

આનંદ શીલા

"લોકો મને જાણતા નથી કારણ કે લોકોને મારા પ્રેમનો અનુભવ નથી. મેં જે જીવન વિતાવ્યું છે અને હું કેવી વ્યક્તિ છું તે મારા સિવાય કોઈ કહી નહીં શકે."

આ શબ્દો છે મા આનંદ શીલાના જે વર્ષો સુધી આચાર્ય રજનીશનાં અંગત સેક્રેટરી રહી ચૂક્યાં છે.

હાલમાં જ થોડા સમય પહેલાં નેટફ્લિક્સ પર 'સેક્સ ગુરુ' તરીકે ઓળખાતા આચાર્ય રજનીશના જીવન પર આધારિત વેબ સિરીઝ આવી હતી.

જેમાં તેમના જીવન સાથે જોડાયેલાં ઘણાં પાસાંને ઉજાગર કરવામાં આવ્યાં હતાં.

આ અંગે મા આનંદ શીલાએ બીબીસી સાથે ખાસ વાતચીત કરી અને ઓશો રજનીશ અને આશ્રમની જિંદગી અંગે વાતચીત કરી હતી.

મા આનંદ શીલાએ કહ્યું, "ભગવાન રજનીશ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા અને તેઓ લોકોને ધ્યાન અને જાગૃત થવાનું જ્ઞાન આપતા."

"જ્યારે મારે પૈસાની જરૂર પડતી ત્યારે તેઓ આ જ્ઞાન રૂપી ચાવીનો ઉપયોગ કરતા અને અમૂક લોકોને જાગૃત ઘોષિત કરી દેતા જેથી વધુ પૈસા મળી શકે."

Image copyright HUGH MILNE

પરંતુ શું આવું કરવું એ કપટ અને લોકોને ભ્રમિત કરવા સમાન નહોતું?

સવાલના જવાબમાં શીલાએ કહ્યું, "એક રીતે હા કહી શકાય. પરંતુ આ એ જ હોશિયાર લોકો હતા જેઓ આ કપટ પાછળ દોડતા હતા."

"એટલા માટે માત્ર ભગવાનને જવાબદાર ના ઠેરવી શકાય. એ લોકો પણ એટલા જ જવાબદાર હતા."

ભારત સહિત વિશ્વમાં ઓશોનો પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો હતો. દેશભરમાંથી ઓશોના અનુયાયીઓ ભારતના પુના આશ્રમમાં આવી રહ્યા હતા.

ત્યારબાદ ઓશો રજનીશ પોતાનું ક્ષેત્ર વધારવા માટે 1980માં પુનાથી અમેરિકાના ઓરેગન જતા રહ્યા જેમાં મા આનંદ શીલાનો મોટો ફાળો હતો.

ઓરેગન સ્થિત આશ્રમમાં લગભગ 15 હજાર રહેતા જે ઓશો માટે કંઈ પણ કરી શકતા હતા.

શીલા અને ઓશો વચ્ચે શું સંબંધ હતો એ સવાલના જવાબમાં તેઓ જણાવે છે, "મને ક્યારેય સત્તા કે હોદ્દામાં ક્યારેય રસ નહોતો."

"હું તો માત્ર ભગવાનના પ્રેમને ખાતર ત્યાં હતી પરંતુ મારા અને ભગવાન વચ્ચે સેક્સ ક્યારેય મુદ્દો નથી બન્યો."


મા આનંદ શીલા પર ઝેર આપવાનો આરોપ

Image copyright HUGH MILNE

જેમજેમ સમય વીતતો ગયો તેમતેમ આશ્રમનું વાતાવરણ બગડવા લાગ્યું.

આ સ્થિતિની અસર ઓશો અને મા આનંદ શીલાના સંબંધ પર પડી.

ભગવાન રજનીશે મા આનંદ શીલા પર આશ્રમમાં તેમના અંગત લોકો પર હુમલાઓ અને ઝેર આપવા જેવા ગંભીર આરોપો મૂક્યા હતા.

આ અંગે મા આનંદ શીલાએ જણાવ્યું, "મારે આ અંગે હવે કોઈ ચર્ચા નથી કરવી કારણ કે હું 39 મહિના સુધી જેલમાં રહી છું."

"જે મારા અપરાધ માટે પૂરતું છે. લોકો મને આખી જિંદગી સજા નહીં આપી શકે."

"પરંતુ લોકોની માનસિકતા એવી બની ગઈ છે જેઓને માત્ર કૌભાંડોની વાતોમાં જ રસ છે."

Image copyright HUGH MILNE

સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે ઓરેગન સ્થિત ઓશો આશ્રમમાં જે થઈ રહ્યું હતું તે ખૂબ જ વિચિત્ર હતું.

ત્યાં સુધી કે આશ્રમમાં એક લૅબોરેટરી બનાવવામાં આવી હતી. જેમાં અવનવા પરિક્ષણો કરવામાં આવતાં હતાં.

શું ભગવાન રજનીશ કોઈ કૌભાંડમાં સામેલ હતા કે નહીં

આ સવાલનો જવાબ આપતા મા આનંદ શીલા કહે છે, "હા, ભગવાને પણ ઘણાં કૌભાંડો કર્યાં છે અને આ વાત હું તેમના મોઢા પર કહી શકું છું."

હાલમાં શીલા સ્વિત્ઝર્લેન્ડમાં રહે છે જ્યાં તેઓ બીમાર લોકો માટેનું કૅર હોમ ચલાવે છે અને સાદગીપૂર્ણ સાદું જીવન જીવી રહ્યાં છે.

મા આનંદ શીલા કહે છે, "મને આ લોકો સાથે રહેવું અને તેમની સારવાર કરવી ગમે છે."

"મારી પાસે જિંદગીનો ઘણો જ અનુભવ છે. કુદરતે મારી પર ઘણો ભરોસો મૂક્યો છે એટલે લોકોને જે કહેવું હોય તે કહે મને કોઈ ફરક નથી પડતો અને મને કોઈ પસ્તાવો પણ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો