જ્યારે ફાતિમાએ તેમના મરી રહેલા બોયફ્રેન્ડનો વીડિયો ઉતાર્યો

  • જેરમી બ્રિટ્ટોન
  • બીબીસી ન્યૂઝ
હત્યાનાં આરોપી ફાતિમા ખાન

ઇમેજ સ્રોત, CENTRAL NEWS

ઇમેજ કૅપ્શન,

ફાતિમા ખાને તેમના બોયફ્રેન્ડની હત્યામાં મદદ કરી હતી

ફાતિમા ખાન પશ્ચિમ લંડનમાં ડિસેમ્બરની એક રાતે ધારદાર શસ્ત્રના સંખ્યાબંધ ઘા લાગવાને કારણે તરફડી રહેલા પોતાના બોયફ્રેન્ડ પાસે ગયાં હતાં.

જોકે, બોયફ્રેન્ડને મદદ કરવા ઈમરજન્સી સર્વિસને ફોન કરવાને બદલે ફાતિમાએ તેમનો મોબાઈલ ફોન લઈ લીધો અને તેમનો વીડિયો ઉતાર્યો હતો.

અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલા ખાલિદ સફીને મદદનો પ્રયાસ કરી રહેલી એક વ્યક્તિએ ફાતિમાને સવાલ કર્યો હતો કે તમે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનાં છો?

ફાતિમા ખાને બરાબર એવું જ કર્યું. એ વીડિયો એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

મૃત્યુ પામી રહેલા પોતાના બોયફ્રેન્ડના ફોટોગ્રાફને સ્નેપચેટ પર પોસ્ટ કરવાની સાથે ફાતિમા ખાને એવી ચેતવણી પણ લખી હતી કે તેમની સાથે ગેરવર્તન કરનારાઓના શું હાલ થાય છે તે જોઈ લો.

ગેરવર્તન શબ્દના સ્થાને ફાતિમા ખાને અપશબ્દનો ઉપયોગ કર્યો હતો.

ઈલ્ફોર્ડનાં 'સ્નેપચેટ ક્વીન'

ઇમેજ સ્રોત, MET POLICE

ઇમેજ કૅપ્શન,

ખાલિદ સફીની 2016ના ડિેસેમ્બરમાં હત્યા કરવામાં આવી હતી

ખુદને સ્નેપચેટનું વળગણ હોવાનું કબૂલી ચૂકેલાં 21 વર્ષનાં ફાતિમા ખાને ખાલિદની હત્યા કરાવી હતી.

ખાલિદની હત્યા માટે ફાતિમાએ રઝા ખાન નામના એક પુરુષનો સંપર્ક સાધ્યો હોવાનું અદાલતને જણાવવામાં આવ્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં ફાતિમા ખાન ઘટનાસ્થળનો ચૂપચાપ વીડિયો ઉતારતાં અને નાસી રહેલા રઝા સાથે જોડે ફોન પર વાત કરતાં જોવાં મળ્યાં હતાં.

સ્નેપચેટ પરના તમામ વીડિયો સાથે બને છે, તેમ ફોટોગ્રાફ્સ 24 કલાકમાં આપોઆપ ડિલીટ થઈ જાય છે.

જોકે, ફાતિમા ખાનની ઓનલાઈન પોસ્ટ્સને ફોલો કરતા એક દોસ્તે એ મેસેજનો વીડિયો બનાવી લીધો હતો.

એ વીડિયો ફાતિમા ખાન વિરુદ્ધની અદાલતી કાર્યવાહીમાં મહત્ત્વના પુરાવા તરીકે ફરી બહાર આવ્યો હતો.

ફાતિમા ખાનના વકીલે તેમના અસીલના સોશિયલ મીડિયા પરના જીવન બાબતે અદાલતને જણાવ્યું હતું.

કેરિમ ફાઉદ ક્યૂ સીએ કહ્યું હતું, "ફાતિમા ખાન કદાચ ઈલ્ફોર્ડનાં સ્નેપચેટ ક્વીન છે. ફાતિમા સ્નેપચેટ મારફત પોતાનું જીવન જીવતા યુવા લોકોનું વધુ એક ઉદાહરણ છે.”

"આ મોબાઈલ ફોન પ્રેરિત વળગણની પેદાશ છે અને એ ઇચ્છનીય નથી."

2016ની પહેલી ડિસેમ્બરની રાતે 18 વર્ષના ખાલિદની હત્યા કઈ રીતે કરવામાં આવી હતી તે કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

ખાલિદ વર્ષોથી ફાતિમા ખાનનાં બોયફ્રેન્ડ હતા. જોકે, ફાતિમા ખાન એ અગાઉ 19 વર્ષના રઝા ખાન સાથે રિલેશનશીપમાં હતાં.

ફાતિમા ખાન એક ગ્રૂપ ચેટના ભાગરૂપે રઝા ખાન સાથે રોજ સ્નેપચેટ કરતાં હતાં.

ફાતિમાના મુદ્દે રઝા ખાન અને ખાલિદ વચ્ચે અગાઉ લડાઈ થઈ હતી, જેમાં ખાલિદને છરીના ઘા મારવામાં આવ્યા હતા.

બાદમાં ફાતિમાએ તેમનાં દોસ્તોને ફરિયાદ કરી હતી કે ખાલિદ 'વધારે પડતો વફાદાર' છે.

ખાલિદે ફાતિમા ખાનને એક ઘડિયાળ ભેટ આપી હતી, પણ ખાલિદ ફાતિમાના ઘરે ગયો એટલે ફાતિમા ગુસ્સે થયાં હતાં અને તેમણે ઘડિયાળ બારીમાંથી બહાર ફેંકી દીધી હતી.

ડિજિટલ મર્ડર ડાયરી

ઇમેજ સ્રોત, MET POLICE

ઇમેજ કૅપ્શન,

હત્યારા રઝા ખાનને વોન્ટેડ ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે

અદાલતને જણાવવામાં આવ્યું હતું કે ફાતિમા ખાલિદની હત્યા બાબતે રઝા સાથે 'જાણ્યે-અજાણ્યે' સહમત થયાં હતાં.

ખાલિદ ક્યા સમયે, ક્યાં મળશે એ ફાતિમાએ રઝાને જણાવ્યું હતું અને નોર્થ એક્શન વિસ્તારમાંના ઘટનાસ્થળે રઝા મિનિકેબમાં આવી પહોંચે ત્યારે ખાલિદ ત્યાં હોય એ ફાતિમાએ સુનિશ્ચિત કર્યું હતું.

રઝા મોટો છરો લઈને ફાતિમા પાસે આવી રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. તેના અચાનક આગમનથી ફાતિમા જરાય આશ્ચર્યચકિત જણાતાં ન હતાં.

થોડી બોલાચાલી પછી રઝાએ ખાલિદના હૃદયમાં છરાના ઘા માર્યા હતા અને ભાગી છૂટ્યો હતો.

રઝા અત્યારે ક્યાં છે એ કોઈ જાણતું નથી અને તેને વોન્ટેડ ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે.

સરકારી વકીલ કેટ બેક્સ ક્યૂ સીએ અદાલતને જણાવ્યું હતું, "ફાતિમા ખાને ઈમર્જન્સી સર્વિસીસને ફોન કર્યો ન હતો, કોઈને ફોન કરવા કહ્યું ન હતું અને ખાલિદને મદદનો પ્રયાસ પણ કર્યો ન હતો."

સરકારી વકીલે ઉમેર્યું હતું, "રઝા ખાને ખાલિદ પર જીવલેણ હુમલો કર્યો પછી ફાતિમા ખાન ઘટનાસ્થળે આવ્યાં હતાં અને લોહીના ખાબોચિયામાં પડેલા ખાલિદનો વીડિયો ઉતાર્યો હતો."

ખાલિદના મૃત્યુના દિવસે ફાતિમા ખાને પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સ એક વ્યક્તિની હત્યાની ડિજિટલ ડાયરી જેવા છે.

ફાતિમા ખાને પોલીસને જણાવ્યું હતું કે તેમની તેમના બોયફ્રેન્ડ સાથે બોલાચાલી થઈ હતી અને તેમણે ઘટનાનો આંશિક વીડિયો ઉતાર્યો હતો તથા ઓનલાઈન પોસ્ટ કર્યો હતો.

સરકારી વકીલના જણાવ્યા મુજબ, પોતે ભયભીત થઈ ગયાં હોવાનો અને ઘટનાનો વીડિયો "મદદ મેળવવા માટે" પોસ્ટ કર્યાનો દાવો ફાતિમાએ કર્યો હતો.

જોકે, તેઓ ભયભીત હોવાનો કોઈ સંકેત મળ્યો નથી અને તેમણે મદદ માટે કોઈ અપીલ પણ કરી ન હતી.

ફાતિમાએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ ઈમર્જન્સી સર્વિસીસને ફોન કરી શકે તેમ ન હતાં, કારણ કે ફોનનાં કીબોર્ડનો ઉપયોગ તેમની આંગળીઓ કરી શકતી ન હતી.

અલબત, હત્યા પછી ફાતિમાએ સ્નેપચેટ પર સંખ્યાબંધ મેસેજ પોસ્ટ કર્યા હતા. એ પૈકીના એક મેસેજ તેઓ હત્યા પછી ઉબર ટેક્સીમાં બેસીને ઘરે પાછાં જતાં હતાં એ વિશેનો હતો.

એક અન્ય વીડિયોમાં ફાતિમાના ઘરની કાર્પેટ જોવા મળી હતી. એ ફાતિમા ઘરે પાછા આવ્યાં ત્યારનો વીડિયો હતો, જેમાં તેઓ તેમનાં માતાપિતા સાથે વાત કરતાં સાંભળવાં મળ્યાં હતાં.

ફરિયાદ પક્ષે એવી દલીલ કરી હતી કે એ સમયે ફાતિમા એકદમ સ્વસ્થ જણાતાં હતાં.

લાગણીહીન અને મૂર્ખ

ફાતિમાએ ખાલિદના મૃત્યુ બાબતે પોલીસને ક્યારેય જાણ કરી ન હતી. ખાલિદના એક સગાએ દિવસો પછી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને ફાતિમાનું સરનામું આપ્યું હતું.

ફાતિમાએ પોતાના બચાવમાં અદાલતને જણાવ્યું હતું કે બીજું કંઈ પણ થાય એ પહેલાં તેઓ ઘટનાસ્થળેથી ચાલ્યાં જવાં ઇચ્છતાં હતાં.

જોકે, ફરિયાદ પક્ષે તેમની આ વાતને વિરોધાભાસી ગણાવી હતી અને જણાવ્યું હતું કે ખાલિદ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તેનો વીડિયો ઉતારવા ફાતિમા પાછાં ફર્યાં હતાં.

ફરિયાદ પક્ષે અદાલતને કહ્યું હતું, "આ આઘાતજનક ઘટના પછી લાગણીહીન અને મૂર્ખ હોવાનો કોઈ આરોપ હોય તો ફાતિમા એ માટે કસૂરવાર પૂરવાર થવાં જોઈએ."

ફાતિમા પર હત્યાના કાવતરામાં અને હત્યામાં સામેલગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ચાર સપ્તાહની અદાલતી કાર્યવાહી પછી ફાતિમાને હત્યાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં, પણ સદોષ માનવવધના દોષી ઠરાવવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો