સગર્ભા મહિલાઓને ખવડાવી વિયાગ્રા, 11 બાળકોનાં મોત

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

નેધરલૅન્ડ્ઝમાં ગર્ભવતી મહિલાઓ પર વાયાગ્રાના પરીક્ષણને 11 નવજાત બાળકોનાં મૃત્યુ પછી તત્કાળ રોકી દેવામાં આવ્યું છે.

આ શોધ પરીક્ષણમાં ભાગ લઈ રહેલી મહિલાઓને યૌનશક્તિવર્ધક વિયાગ્રા આપવામાં આવી રહી હતી.

જે મહિલાઓના ગર્ભમાં ઉછરી રહેલાં શીશુઓની ગર્ભનાળ કમજોર હતી તેમના પર આ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું.

શરીરમાં રક્તનો પ્રવાહ વધારતી આ દવાને કારણે ગર્ભસ્થ શીશુઓનાં ફેફસાંને ગંભીર નુકસાન થયું હોય એવું માનવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાસ્તવમાં શું થયું હતું એ સમજવા માટે વિગતવાર તપાસ જરૂરી છે.

આ અગાઉ બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં આ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું પણ તેમાં કોઈને નુકસાન કે ફાયદો થયાનું બહાર આવ્યું નથી.

બીમાર બાળકોના ઈલાજ માટે પરીક્ષણ

ગર્ભસ્થ બાળકોનો વિકાસ કમજોર ગર્ભનાળને કારણે રોકાઈ જાય એ એક ગંભીર બીમારી છે. તેનો કોઈ ઇલાજ હજુ સુધી મળ્યો નથી.

ગર્ભનાળ કમજોર હોવાને કારણે બાળકોનો જન્મ નિર્ધારિત સમયથી પહેલાં થતો હોય છે.

તેમનો પૂરતો વિકાસ થયો ન હોવાને કારણે તેમના બચવાની શક્યતા બહુ જ ઓછી હોય છે.

આ પરિસ્થિતિમાં ગર્ભસ્થ બાળકોનું વજન વધારી શકે અથવા તેમના જન્મના સમયને આગળ વધારી શકે તેવી દવા મદદગાર સાબિત થઈ શકે છે.

ડમી દવા

પરીક્ષણ દરમિયાન કુલ 93 મહિલાઓને વિયાગ્રા આપવામાં આવી હતી, જ્યારે 90 મહિલાઓને ડમી એટલે કે નકલી દવા આપવામાં આવી હતી.

એ ગર્ભવતી મહિલાઓએ જે બાળકોને જન્મ આપ્યો હતો એ પૈકીનાં 20 બાળકોને ફેફસાં સંબંધી બીમારી થઈ હતી.

એ 20માં ત્રણ બાળકો એવાં હતાં કે જેમની માતાઓને ડમી દવા આપવામાં આવી હતી.

જ્યારે બાકીના 17ની માતાઓને અસલી દવા આપવામાં આવી હતી. એ પૈકીનાં 11 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

બ્રિટનમાં હાથ ધરવામાં આવેલા આવા જ એક પરીક્ષણમાં ભાગ લઈ ચૂકેલા યુનિવર્સિટી ઑફ લીવરપૂલના પ્રોફેસર જાર્કો અલ્ફિરેવિચે જણાવ્યું હતું કે નેધરલૅન્ડ્ઝમાં થયેલાં પરીક્ષણનું પરિણામ અનપેક્ષિત છે.

જાર્કો અલ્ફિરેવિચના જણાવ્યા મુજબ, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણમાં આવી સમસ્યા સર્જાઈ ન હતી. તેથી નેધરલૅન્ડ્ઝની ઘટનાની વિગતવાર તપાસ કરવી જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો