જ્યારે પાકિસ્તાની મતદારો પર મધમાખીએ હુમલો કર્યો...

  • બીબીસી
  • મોનિટરીંગ
પાકિસ્તાન મતદાર
ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનની 11મી સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાથે જ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં બંધ થઈ ગયા છે.

પાકિસ્તાનની ચૂંટણીમાં મતદાનના દિવસે ક્વેટામાં બોંબ વિસ્ફોટ એક ગંભીર અને ગમગીન ઘટના બની.

પરંતુ કેટલીક જગ્યાએ તેની ચૂંટણીના એ અલગ સાત રંગ પણ જોવા મળ્યા.

સ્થાનિક મીડિયાએ ઉગ્રવાદી હુમલા અને પ્રખ્યાત રાજકાણીઓના મતદાન તથા અન્ય રિપોર્ટીંગ કર્યું પણ તેની સાથે સાથે હળવી ઘટનાઓને પણ આવરી લીધી.

આ એવી ઘટનાઓ છે જે પાકિસ્તાનની ચૂંટણીના રંગો કહી શકાય. જે મતદાનના દિવસનો માહોલ દર્શાવે છે.

મીડિયાએ આ ઘટનાઓમાં મધમાખીઓના હુમલા, વિવિધ રંગના બૅલેટ પેપર્સ અને કુસ્તીબાજો માટે તૈયાર કરવામાં આવતા ભવ્ય ભોજનને આવરી લીધા હતા.

લીલાં અને સફેદ બૅલેટ

આજે સંસદ અને રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાઈ હતી.

આથી તેમાં કોઈ મૂંઝવણ ઊભી ન થાય તે માટે અલગ અલગ કલરના બૅલેટ પેપર રાખવામાં આવ્યાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

સામાન્ય ચૂંટણી માટે લીલા રંગના બૅલેટ જ્યારે પ્રાદેશિક ચૂંટણી માટે સફેદ રંગના બૅલેટનો ઉપયોગ થયો હતો.

રસપ્રદ વાત એ છે કે લીલો અને સફેદ રંગ પાકિસ્તાનના ધ્વજનો રંગ છે.

મધમાખીનો હુમલો

સ્થાનિક મીડિયા અનુસાર પંજાબ પ્રાંતના બહવાલપુર મતદાન મથકે મધમાખીઓએ હુમલો કર્યો હતો.

આજ ન્યૂઝ, જીયો ન્યૂઝ અને હમ ન્યૂઝ સહિતની ટીવી ચેનલો અનુસાર આ મતદાન મથકમાં મધમાખીઓનો વસવાટ હોવાથી મતદાનની પ્રક્રિયામાં વિક્ષેપ થયો હતો.

મધમાખીઓના કારણે મતદાન મથકના સ્ટાફે ભાગવું પડ્યું હતું.

અહીં એવી ભાગદોડ થઈ કે કેટલાક લોકોને ઈજા પહોંચતા હૉસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

મતદારો માટે બિરયાની પાકિસ્તાનના કલ્ચરમાં ફૂડનું ઘણું મહત્ત્વ છે. મતદાનના દિવસે પણ તેની હાજરી આકર્ષણ જન્માવી ગઈ.

સમા ટીવીના અહેવાલ મુજબ ઘણી ચેનલોમાં ફૂડની સ્ટોરીઝ ચલાવવામાં આવી. વિવિધ ક્ષેત્રોના મતદાન મથકો પાસે મતદારો ફૂડ સ્ટોલ પર ફૂડની લિજ્જત માણતા જોવા મળ્યા.

અવામી મુસ્લિમ લીગના લીડર શેખ રશિદે સમર્થકો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી હતી જ્યારે પીટીઆઈ પાર્ટીના સભ્ય અલીમ ખાને લોકોને બિરયાની ખવડાવી હતી.

કુસ્તીબાજો માટે વિશેષ ભોજન

કરાચીમાં મતદાન મથકોના અધિકારીઓ માટે ખાસ પુલાવ બનાવવામાં આવ્યો હતો.

સમા ટીવીના રિપોર્ટરે જણાવ્યું, "મતદાન મથક પર પુલાવ પહોંચતા જ લોકો તેની સુગંધ લોકોને આવતા તેઓ મતદાન મથક તરફ ખેંચાઈ રહ્યા છે."

પંજાબના ગુજરાનવાલામાં પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમા ટીવીના ઍન્કરે કહ્યું,"ગુજરાનલાવામાં મોટા પ્રમાણમાં જમવાનું તૈયાર થઈ રહ્યું છે કેમ કે અહીં ઘણા કુસ્તીબાજો રહે છે. કુસ્તીબાજોનો ખોરાક વધારે હોય છે."

દાઢી હોવાને કારણે મતદાન ન કરવા દેવાયું

સમા ટીવીના અહેવાલ અનુસાર સિંધ પ્રાંતમાં એક મતદારને મતદાન કરવાની મંજૂરી ન મળી.

મતદાન મથકના અધિકારીઓને તમનો મતદાન કાર્ડનો ફોટો અને વ્યક્તિનો ચહેરો અલગ લાગતા આવું થયું.

વ્યક્તિએ મોટી દાઢી રાખી હતી અને ફોટોમાં દાઢી ન હતી.

બળદ અને બકરીઓનું દાન

ચૂંટણીના દિવસે પ્રાણીઓ પણ કવરેજનો ભાગ રહ્યા. પંજાબ પ્રાંતના સિઆલકોટમાં પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા આસીફનું ઘર આવેલું છે. તેમના ઘરે પાંચ બકરીઓ મોકલવામાં આવી હતી.

સમા ટીવી અનુસાર સવારે મતદાન કરવા જતા પહેલાં તેમણે કહ્યું કે આ પાંચમાંથી ત્રણ બકરીનું તેમણે દાન કર્યું છે.

તેમણે આવું એટલા માટે કર્યું જેથી ચૂંટણી શાંતિમય રીતે પૂર્ણ થાય અને રાક્ષસી શક્તિઓની તેના પર અસર ન થાય.

સારા ભાવિ માટે હાથ ધરવામાં આવતી આ એક કથિત પારંપરિક પ્રથા છે.

ચેનલના પત્રકારે કહ્યું,"બકરીઓ ખૂબ જ સુંદર છે."

વળી આખરમાં અબ તક ચેનલના અહેવાલમાં કહેવાયું કે પંજાબ પ્રાંતના હફીઝાબાદ મતદાન મથકે એક વ્યક્તિ તેમના બળદને લઈને આવ્યો હતો.

જોકે, તેમને તેમના બળદ સાથે અંદર પ્રવેશ ન મળ્યો અને તેમણે એકલા જ અંદર જઈને મતદાન કરવું પડ્યું.

વળી પાકિસ્તાનના ડૉન અખબાર અનુસાર ખેબ પખ્તુખ્વાંમાં કરાક મતદાન મથકે એક પુરુષ બુરખામાં મહિલા બનીને મતદાન કરવા આવ્યો હતો.

પરંતુ તેની ઓખળ છતી થઈ જતાં તે તરત જ ત્યાંથી ભાગી ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો