'પાકિસ્તાનની મોસમ બદલવાની છે', ઇમરાનની પાર્ટી સૌથી આગળ

ઇમરાન ખાનની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

પાકિસ્તાનની ચૂંટણીના વલણો જોતા ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સૌથી આગળ છે. ચૂંટણીમાં ભારે વિજય તરફ આગળ વધી રહેલા ઇમરાને પત્રકાર પરિષદ યોજી હતી.

'મોદી અને ઇમરાનમાં સામ્યતા'

વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે બીબીસીની ઉર્દૂ સેવા સાથેના ફેસબુક લાઇવમાં ઇમરાન ખાનના સંબોધનનું વિશ્લેષણ કર્યું હતું.

બરખાએ જણાવ્યું, ''ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદીમાં અમૂક સામ્યતા જોવા મળે છે જેમાંથી એક છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવાની વાત.''

વીડિયો કૅપ્શન,

શુમાઇલા જાફરી પાકિસ્તાનથી

ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બનશે તો ભારત પર શો અસર પડશે એ સવાલ પર બરખાએ કહ્યું, "પાકિસ્તાનની વિદેશ નીતિ હંમેશાં પાકિસ્તાન આર્મી દ્વારા જ નક્કી કરવામાં આવી છે એટલે ઇમરાન ખાનની વિદેશ નીતિમાં જે પણ નિર્ણયો લેવાશે તેમાં પાક આર્મીનો ફાળો મહત્ત્વનો જ રહેશે."

તે 2019ની ચૂંટણી સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન મુદ્દે કોઈ જ વાત નહીં કરે એવું પણ બરખાએ જણાવ્યું.

18: 00 'ભારત સાથે સંબંધ સુધારવા તૈયાર'

ઇમેજ સ્રોત, Getty Images

પત્રકાર પરિષદમાં પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધોને મહત્ત્વ આપતા જણાવતા તેમણે અનુક્રમે ચીન, અફઘાનિસ્તાન, અમેરિકા અને ઇરાનની વાત કરી.

જ્યારે છેલ્લે ભારતનો ઉલ્લેખ કરતા ઇમરાને કહ્યું, ''ભારતીય મીડિયાએ મને બોલીવૂડના વિલન તરીકે રજૂ કર્યો એ વાતનો મને અફસોસ છે.''

તેમણે ઉમેર્યું, ''ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરશે તો દક્ષિણ એશિયામાં શાંતિ સ્થપાશે. કાશ્મીરના લોકોએ છેલ્લા 30 વર્ષમાં ઘણુ સહન કર્યું છે. કાશ્મીર સહિતના વિવાદનો બન્ને દેશોએ વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ.''

ઇમરાને એવું પણ કહ્યું, ''જો ભારતનું નેતૃત્વ સંબંધ સુધારવા તૈયાર હોય તો અમે પણ તૈયાર છીએ. ભારત એક પગલું આગળ વધશે તો અમે બે પગલાં આગળ ચાલીશું.''

17 : 37 '22 વર્ષના સંઘર્ષનું પરિણામ'

ઇમેજ સ્રોત, TV Grab

વિજય બાદ ઇમરાન ખાન પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. પોતાના સંબોધનમાં ઇમરાને કહ્યું, ''આ વિજય 22 વર્ષના સંઘર્ષનું પરિણામ છે. પાકિસ્તાન અંગેનું મારું સપનું પૂરું કરવાની તક છે.

તેમણે એવું પણ ઉમેર્યું, ''આ ચૂંટણીમાં હિંસા થઈ પણ લોકોએ બલિદાન આપ્યું. આ પશુઓની સરાકર છે, જ્યાં અડધી વસ્તી ગરીબી હેઠળ. આ પાકિસ્તાનનું સપનું ના હોઈ શકે.''

17: 00 પીટીઆઈનું ટ્વીટ

પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફે પોતાના અધ્યક્ષ ઇમરાન ખાનની પત્રકાર પરિષદ પહેલાં ટ્વીટ કર્યું. ટ્વીટમાં લખ્યું, ''અહીની મોસમ બદલવાની છે. અહીં કોઈ આવવાનું છે. થોડા સમયમાં જ ઇમરાન ખાન દેશજોગ સંબોધન કરશે.''

કેન્દ્રીય એસેમ્બલીની 41 બેઠકો પરના બિનસત્તાવાર પરિણામો અનુસાર તહેરીક-એ-ઇન્સાફને 24, મુસ્લિમ લીગ નવાઝને 9 અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને પાંચ તેમજ અન્યને ત્રણ બેઠક મળી છે.

15 : 00 પીટીઆઈ આગળ, શાહબાઝ હાર્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇમરાન ખાનના સમર્થકોમાં ઉજવણીનો માહોલ

રાજ્યોની એસેમ્બલીમાંથી આવી રહેલા બિનસરકારી પરિણામો અનુસાર ખૈબર પખ્તૂનખ્વાહમાં પીટીઆઈ 24 બેઠકોથી આગળ ચાલી રહી છે.

બીજી બાજુ, પંજાબમાં પીએમએલએન 17 બેઠકો, સિંધમાં પીપીપી પાંચ બેઠકો અને બલુચિસ્તાનમાં બીએપી બે બેઠકો જીતીને આગળ ચાલી રહી છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ)ના વડા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શહબાઝ શરીફ ખૈબર પખ્તૂનખ્વાહની એક કેન્દ્રીય એસેમ્બલીની બેઠક હાર્યા બાદ પંજાબની બેઠક પણ હારી ગયા છે.

તેઓને 67608 મત મળ્યા જ્યારે પીટીઆઈના ઉમેદવાર સરદાર મોહમ્મદ ખાન લગારીને 80522 મળ્યા.

13:40 પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રીની હાર

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી ચૌધરી નિસાર હારી ગયા છે. તેઓ કેન્દ્રીય એસેમ્બલી માટે એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.

બિનસત્તાવાર આંકડાઓ અનુસાર ચૌધરી નિસારને 66,369 મતો મળ્યા હતા. જ્યારે તેમના મુકાબલે પીટીઆઈના ઉમેદવારને 89,055 મતો મળ્યા હતા.

13:20 ઇમરાન ખાનની પ્રથમ પત્નીએ કર્યું ટ્વીટ

તેમણે કહ્યું, "અપમાન, બાધાઓ, અને બલિદાનના 22 વર્ષો બાદ મારા પુત્રના પિતા પાકિસ્તાનના નવા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. આ મક્ક્મતા, ભરોસો અને હાર ન માનવાનું અવિશ્વસનિય ઉદાહરણ છે. હવે એ પડકારને યાદ રાખવાનો છે કે તેઓ રાજનીતિમાં પ્રથમ શા માટે આવ્યા, મુબારક ઇમરાન ખાન."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇમરાન ખાન તેમની પ્રથમ પત્ની સાથે

12:30 પીટીઆઈના મહિલા નેતાની જીત

પાકિસ્તાનના ફેમસ મહિલા નેતા અને પીટીઆઈના ઉમેદવાર ઝરતાજ ગુલ વિજેતા બન્યા છે. તેઓ NA-191 પરથી વિજેતા બન્યાં છે.

ઇમેજ સ્રોત, facebook/@PTIZartajGul

12:00 ઇમરાન ખાને બોલાવી બેઠક

ઇમેજ સ્રોત, Pti

શરૂઆતી વલણોને જોતાં ઇમરાન ખાનનો પક્ષ આગળ ચાલી રહ્યો છે.

જીઓ ટીવીના અહેવાલ મુજબ ઇમરાન ખાને પાર્ટીઓના નેતાની એક બેઠક બોલાવી છે. જે ઇમરાન ખાનના ઘરે મળશે.

અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે આ બેઠકમાં સરકાર બનાવવા પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાન બપોર બાદ પોતાના પ્લાન વિશે જણાવશે.

11:55 અત્યારસુધીમાં કેન્દ્રીય એસેમ્બલીમાં બિનસત્તાવાર પરિણામો પ્રમાણે તહરીક-એ-ઇન્સાફે 10, મુસ્લિમ લીગ-નવાઝ અને પીપીલ્સ પાર્ટીએ ત્રણ-ત્રણ બેઠકો જીતી લીધી છે.

11:20 હમબાઝ શહબાઝની જીત

ઇમેજ સ્રોત, AFP

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શહબાઝ શરીફના પુત્ર હમબાઝ શહબાઝ શરીફે કેન્દ્રીય એસેમ્બલીની બેઠક 124 પરથી જીત હાંસલ કરી છે.

10:50 અત્યાર સુધી પ્રાંતિય એસેમ્બલીના બિન સરકારી પરિણામોમાં ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં તહરીક-એ-ઇન્સાફને 15 બેઠકો, આવામી નૅશનલ પાર્ટીને 2 બેઠકો મળી છે. જ્યારે એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.

પંજાબમાં મુસ્લિમ લીગ-નવાઝને 9 બેઠકો અને તહરીક-એ-ઇન્સાફને 7 બેઠકો પર જીત મળી છે.

સિંધમાં પીપીલ્સ પાર્ટીની 7 બેઠકો પર જીત થઈ છે.

બલૂચિસ્તાનમાં બલૂચિસ્તાન આવામી પાર્ટીને 2 અને બલૂચિસ્તાન નૅશનલ પાર્ટીને 1 બેઠકો મળી છે.

10:30 ચૂંટણી પંચે સવારે પાકિસ્તાનના સમય મુજબ નવ વાગ્યા સુધી નૅશનલ એસેમ્બલીની સાત બેઠકોનું અનોપચારિક પરિણામ જાહેર થયું છે. જેમાં પાકિસ્તાનની તહરીક-એ-ઇન્સાફને ચાર, જ્યારે મુસ્લિમ લીગ નવાઝ, પીપલ્સ પાર્ટી અને મત્તાહિદા મજલિસ-એ-અમલને એક-એક બેઠક મળી છે.

નીચેના ગ્રાફિક્સમાં જુઓ કયા વિસ્તારમાં કઈ બેઠકો છે

10:00 અત્યારસુધી કોને કેટલી બેઠકો?

Please wait while we fetch the data . . .

LIVE

2018
2013
Use search to find results for your constituencies

હાલ મળતા અહેવાલો મુજબ ઇમરાન ખાનનો પક્ષ 108 બેઠકો સાથે આગળ છે. જે બાદ નવાઝ શરીફનો પક્ષ 68 બેઠકો સાથે બીજા નંબરે છે.

જ્યારે બિલાવલ ભુટ્ટોનો પક્ષ 37 બેઠકો સાથે ત્રીજા નંબર પર છે. અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ 56 બેઠકો પર આગળ છે.

હાલના પરિણામોને જોતાં પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઇમરાન ખાન બને તેવી શક્યતા છે.

9:30ઇમરાન ખાન આગળ

ઇમેજ સ્રોત, Getty Images

શરૂઆતની ગણતરી પ્રમાણે ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફ(PTI) આગળ ચાલી રહી છે.

હાલ જેલમાં સજા કાપી રહેલા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે(PML-N) આ પરિણામોને માનવાનો ઇનકાર કરી દીધો છે.

PML-N સિવાય અન્ય પક્ષોએ પણ પરિણામોમાં છેતરપીંડી અને કાવતરાની વાત કહીને વિરોધ કર્યો છે.

આપને આ પણ વાંચવું ગમશે

જોકે, તેની સામે પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનરે આ આરોપોને ફગાવી દીધા છે.

પાકિસ્તાનના સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે 4 વાગ્યે મુખ્ય ચૂંટણી કમિશનર મોહમ્મદ રઝા ખાને એક પત્રકાર પરિષદમાં કહ્યું કે પરિણામો જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું, "રિઝલ્ટ ટ્રાન્સમિશન સિસ્ટમ(RTS)ના કારણે પરિણામોમાં વિલંબ થઈ રહ્યો છે. અમે પહેલી વખત આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છીએ."

9:15ઇમરાનના સમર્થકોની ઉજવણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇમરાન ખાનના સમર્થકોએ પરિણામ પહેલાં જ ઉજવણીની શરૂઆત કરી દીધી છે

બીજી તરફ પાકિસ્તાનમાં શરૂઆતી ગણતરીમાં ઇમરાન ખાન આગળ ચાલી રહ્યા છે.

દેશભરમાં તેમના સર્મથકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. ખાનના પક્ષના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે દેશને નવા પાકિસ્તાન માટે અભિનંદન. વડા પ્રધાન ઇમરાન ખાન.

જોકે, તેમની પાર્ટી હજી સત્તાવાર પરિણામોની રાહ જોઈ રહી છે.

9:00કાવતરાનો આરોપ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

નવાઝ શરીફની પાર્ટીએ ચૂંટણીમાં ગેરરીતીનો આરોપ લગાવ્યો છે

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે ચૂંટણીમાં કાવતરાનો આરોપ લગાવ્યો છે.

જોકે, આ આરોપને ચૂંટણી પંચના અધિકારીઓએ ફગાવી દીધો છે.

બીજી તરફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા શહબાઝ શરીફે મતદાન બાદ મતોની ગણતરી માટે પાર્ટીના એજન્ટ્સને આપવામાં આવેલા એક ફોર્મને લઈને સવાલો ઉઠાવ્યા છે.

અન્ય પાર્ટીઓએ પણ આ પ્રકારની ફરિયાદો કરી છે.

શહબાઝ શરીફે કહ્યું કે અન્ય પાર્ટીઓ સાથે મળીને તેઓ આ મામલાને આગળ પણ ઉઠાવશે.

8:30 કેટલા ટકા મતદાન થયું?

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાનમાં ઘણા વિસ્તારોમાં મહિલાઓએ પહેલીવાર મતદાન કર્યું હતું

પાકિસ્તાનમાં સંસદની કુલ 270 બેઠકો માટે મતદાન થયું હતું.

જ્યારે 70 બેઠકો મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત રાખવામાં આવી છે.

જેને પાંચ ટકાથી વધારે મતો મેળવનારા પક્ષો વચ્ચે વહેંચવામાં આવે છે.

એએફપીના અહેવાલ પ્રમાણે આશરે 50થી 55 ટકા જેટલું મતદાન થયું હતું.

પાકિસ્તાનમાં 2013માં થયેલી ચૂંટણીમાં નવાઝ શરીફની પાર્ટી જીતી હતી.

8:15હિંસા વચ્ચે બુધવારે થયું મતદાન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

બુધવારે ક્વેટામાં મતદાન મથકની બહાર આત્મઘાતી હુમલો થયો હતો

બુધવારે પાકિસ્તાનની સંસદ અને પ્રાંતિય ધારાસભાઓમાં માટે થઈ રહેલા મતદાન વચ્ચે હિંસાની ઘટના પણ બની.

બલૂચિસ્તાનના ક્વેટામાં થયેલા એક બ્લાસ્ટમાં 31 લોકોનાં મોત થયાં હતાં.

મતદાન મથકની બહાર એક વ્યક્તિએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો