દૃષ્ટિકોણઃ ચીન સાથે ભુતાનની વધતી દોસ્તીથી ભારત કેમ ચિંતાતુર?

ભારત-ચીન સીમા પર તહેનાત લશ્કરી જવાનો Image copyright Getty Images

ચીનના નાયબ વિદેશ પ્રધાન કૌંગ શુઆનયૂએ 22થી 24 જુલાઈ સુધી ભુતાનનો ત્રણ દિવસનો પ્રવાસ કર્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારત અને ચીનનાં સૈન્યો વચ્ચે ડોકલામ મુદ્દે 73 દિવસ સુધી ચાલેલો વિવાદ ખતમ થયા બાદ ચીને પહેલીવાર ભુતાનનો સીધો સંપર્ક કર્યો છે.

ચીન અને ભુતાન વચ્ચે કોઈ ઔપચારિક રાજદ્વારી સંબંધ નથી. એ કારણે જ ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર દર્શાવવામાં આવેલા એશિયન દેશોમાં ભુતાનનું નામ નથી.

જોકે, બન્ને દેશોના અધિકારીઓ એકમેકના દેશોની મુલાકાત સમયાંતરે લેતા રહે છે અને ચીનના નવી દિલ્હીસ્થિત રાજદૂત ભુતાનના રાજદૂત સાથે નિયમિત રીતે સત્તાવાર વાતચીત કરતા રહે છે.

રાજદ્વારી નીતિમાં રેન્ક સંબંધી પ્રોટોકોલ થોડો બદલાઈ ગયો છે અને કૌંગની ઔપચારિક બેઠકને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું એ હકીકત મોટાભાગના રિપોર્ટ્સમાં જોવા મળે છે.

ચીનના નાયબ વિદેશ પ્રધાને ભુતાન નરેશ તથા ભુતાનના ભૂતપૂર્વ નરેશ સાથે બેઠકો યોજી હતી અને તો ભુતાનના વડાપ્રધાન સેરિંગ તોબગે ઉપરાંત વિદેશ પ્રધાન દામચો દોરજીને પણ મળ્યા હતા.

આ સંબંધે સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સીમા વિવાદ ઉકેલવા માટે પારસ્પરિક મંત્રણા માટે બન્ને દેશો સહમત થયા હતા. સીમા મુદ્દે બન્ને દેશો વચ્ચે સહમતી સધાઈ હતી.

જોકે, સહમતીના સ્વરૂપ બાબતે આ નિવેદનમાં કશું જણાવવામાં આવ્યું ન હતું.

શું તમે આ વાંચ્યું?

ચીનના વિદેશ મંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું, "સીમા વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા, સીમા વિવાદના નિરાકરણ માટે હકારાત્મક સ્થિતિના નિર્માણ કરવા બન્ને દેશોએ ભવિષ્યમાં પણ વાતચીત કરતા રહેવું જોઈએ."

ભુતાનનાં અખબારોમાં બન્ને દેશોની મુલાકાતના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, પણ બન્ને વચ્ચે શું વાતચીત થઈ એ જણાવવામાં આવ્યું ન હતું.


ડોકલામ મુદ્દે ભુતાન અને ચીન સાથે

Image copyright Getty Images

ભુતાન અને તિબેટ વચ્ચે ઐતિહાસિક રીતે સાંસ્કૃતિક તથા આર્થિક સંબંધ છે, પણ ભુતાનને અન્ય દેશો સાથેના તેના સંબંધ બાબતે ભારત બ્રિટિશરોના સમયથી હંમેશા માર્ગદર્શન આપતું રહ્યું છે.

વાસ્તવમાં ભુતાન હજુ પણ સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે. અલબત, ડોકલામની ઘટના ઉંઘમાંથી જાગવાનો સંકેત છે.

બન્ને શક્તિશાળી દેશો વચ્ચેના ગોળીબારમાં પોતાને ત્યાં લોહી વહે એ જોવા ભુતાન નથી ઇચ્છતું.

સવાલ એ છે કે ચીન સાથેની પોતાની સીમા બાબતે ભુતાન ક્યાં સુધી નિયંત્રિત થતું રહેશે અને ભારતની વ્યૂહાત્મક જરૂરિયાતોને ચૂપચાપ સ્વીકારતું રહેશે?

ચીન માટે ડોકલામ જરૂરી છે, કારણ કે ચુંબી ખીણને લીધે સર્જાયેલી વ્યૂહાત્મક નબળાઈથી ચીન ત્રણ બાજુથી ઘેરાયેલું છે.

બીજી તરફ ભારત માટે એવી જ સ્થિતિ સિલીગુડી કોરિડોર સ્થિત ચિકન નેક પર છે. એ ભારતને ઈશાનનાં રાજ્યો સાથે જોડતો પ્રદેશ છે અને ત્યાં ચીનનો હાથ ઉપર છે.


ભારતની વ્યૂહાત્મક જરૂરિયાત અને ભુતાન

Image copyright Getty Images

એ યાદ રાખવું જરૂરી છે કે 2017માં ડોકલામ વિવાદ દરમ્યાન ભુતાનમાં ડોકલામ સંબંધે ભારતની વ્યૂહાત્મક જરૂરિયાતને અગ્રતા આપવા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.

એ પછી ચીને ભુતાન સાથેની તેની વાર્ષિક વાતચીતને રદ્દ કરી ત્યારે ઘણા નકારાત્મક પ્રતિભાવ આવ્યા હતા.

ડોકલામના મહત્ત્વના મુદ્દે ભારત અને ભુતાન વચ્ચે સ્પષ્ટ અસહમતી છે એ હવે કોઈથી અજાણ્યું નથી.

ખાસ કરીને ચીન સાથેના સીમા વિવાદના નિરાકરણ માટે ભુતાન પર ઘરઆંગણે દબાણ સતત વધી રહ્યું છે.

યુવા પેઢીના દૃષ્ટિકોણને દર્શાવતા સોશિયલ મીડિયા પર ભુતાનની વ્યૂહાત્મક નીતિની સમજદારી વિશે ઘણા સવાલ કરવામાં આવ્યા હતા.

તેમના મતાનુસાર, એ પરિસ્થિતિને કારણે ત્યાંના લોકો ભારત અને ચીન વચ્ચેના ગોળીબારનો શિકાર થયા હોત.

ભુતાનમાં ઢોર ચરાવવાનું કામ કરતા લોકો તેમના દેશની સીમા પર ચીનના વધતા અતિક્રમણ તથા ચીન દ્વારા સતત કરવામાં આવી રહેલા માળખાકીય નિર્માણ બાબતે ફરિયાદ કરી રહ્યા છે.

ચીનની કામગીરીને કારણે આ ઢોર ચરાવતા લોકોની આવનજાવનમાં મુશ્કેલી સર્જાઈ રહી છે, જે ચીન સાથે આ મામલાના તાત્કાલિક નિરાકરણની અનિવાર્યતા દર્શાવે છે.

હવે ભૂટાનમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ત્યાંના આંતરિક રાજકારણમાં આ બાબત એક મુદ્દો બનવાની શક્યતા છે.


ફરી ડોકલામ પહોંચ્યું ચીન

Image copyright AFP

કૌંગની ભૂટાન મુલાકાત, ખાસ કરીને ડોકલામની ઘટના અને ત્રણેય દેશો પર થયેલી તેની અસરના સંદર્ભમાં, દક્ષિણ એશિયાના રાજકારણમાં આવેલા પરિવર્તનને નિશ્ચિત રીતે દર્શાવે છે.

જોકે, બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતી મુજબ બન્નેના સૈન્ય પાછળ હટશે અને આ ત્રિકોણ પર કોઈ નિર્માણ નહીં કરવામાં આવે.

અલબત, હકીકત એ છે કે ચીની મશીનો અને મજૂરો ત્યાં ફરી આવી ગયા છે. તેનાથી પણ વધારે ખરાબ વાત એ છે કે ચીને અગાઉની સરખામણીએ ડોકલામમાં વધુ મોટા હિસ્સા પર કબજો જમાવ્યો છે.

ચીન સાથે સીમાના મુદ્દે ચર્ચામાં હવે ભૂટાનની સ્થિતિ નબળી પડી છે ત્યારે સવાલ એ છે કે ભૂટાનના અધિકારીઓ અને સીમા વિસ્તારના લોકોને શું સંદેશો મળી રહ્યો છે?

ડોકલામ વિવાદ બાદ એ તો સ્પષ્ટ જ છે કે માર્ગ નિર્માણની ગતિવિધિઓને કારણે ચીન પશ્ચિમી ભૂટાનમાં મામૂલી ફેરફાર સિવાય તેના વર્તમાન વલણમાં કોઈ બાંધછોડ નહીં કરે.


ચીન તરફ વધુ ઢળી રહ્યું છે ભૂટાન

Image copyright AFP

દક્ષિણ એશિયાના એક નાના દેશના એન્જિન સ્વરૂપે ચીન ભારતના પાડોશી દેશોમાં તેની ગતિવિધિ વધારી રહ્યું છે અને ચીન એ કામ ભારતની તુલનાએ અરધી શરતો પર કરી રહ્યું છે તેમાં શંકાને સ્થાન નથી.

કેટલીક હદે તેણે એક રાજદ્વારી સંવાદ સ્થાપિત કર્યો છે અને ચીન સાથે ભારતના પાડોશી દેશોના સંબંધ તથા તેમની દોસ્તીનો નિર્ણય ભારત-ચીન વચ્ચેના વિરોધના આધારે કરવામાં આવી રહ્યો છે.

ચીન જેવાં સંસાધનો ભારતમાં નથી અને એ સંસાધનો ચીનને દક્ષિણ એશિયામાં માળખાકીય ઢાંચાના વિકાસમાં યોગદાન આપવા સમર્થ બનાવી રહ્યાં છે.

ભૂટાન પણ ચીન સાથેના તેના આર્થિક સંબંધને વિસ્તારવા ઇચ્છે છે. ચીન-ભૂટાનની સીમા પર એક સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન બનાવવાની યોજના છે.

તેથી ચીન પાસે જશો નહીં, અમે તમારી જરૂરિયાતોને સંતોષીશું એવું પોતાના પાડોશી દેશોને જણાવવામાં ભારત, જ્યાં સુધી સક્ષમ નહીં થાય ત્યાં સુધી ઉપરોક્ત પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી.

દક્ષિણ એશિયાના આ પ્રદેશમાં છેલ્લા એક દાયકામાં ઘણું પરિવર્તન થયું છે, જેમાં ચીનનું રોકાણ અને તેની ઉપસ્થિતિ ઘણા પ્રમાણમાં વધી ગઈ છે અને ભારતના બધા પાડોશી દેશો ચીનની દરિયાદિલીનો લાભ લેવા તેની પાસે પહોંચી રહ્યા છે.


ભૂટાન સંબંધે ભારતની ભાવિ વ્યૂહરચના

Image copyright Getty Images

ભારત દક્ષિણ એશિયાનો એકમાત્ર દેશ છે, જેણે શી જિનપિંગની મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ યોજનાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.

તેને કારણે ચીન નિશ્ચિત રીતે જ ચિડાયેલું છે અને એ વાત તેણે પ્રભાવશાળી રીતે જણાવી દીધી છે.

ડોકલામમાં જે માર્ગનું નિર્માણ થઈ રહ્યું છે એ પણ ચીનના માળખાકીય ઢાંચાના વિકાસનો હિસ્સો છે અને તેને બેલ્ટ એન્ડ રોડ યોજના સાથે જોડવામાં આવશે.

ચીનના અખબારી નિવેદનમાં જણાવ્યા મુજબ, ચીને વિકાસના ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની કૌંગની મુલાકાત દરમ્યાન ભૂટાને પ્રશંસા કરી હતી અને શી જિનપિંગની 'વન બેલ્ટ, વન રોડ' યોજનાનું સ્વાગત કર્યું હતું.

એ ઉપરાંત વિશ્વશાંતિ, સમૃદ્ધિ અને વિકાસને વેગ આપવામાં ચીનના યોગદાનની પણ ભૂટાને સરાહના કરી હતી.

ભૂટાને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવવા બદલ એ ચીનનું સ્વાગત કરે છે.

આ સમગ્ર મામલામાં આકાર લઈ રહેલી નવી પરિસ્થિતિમાં કોઈ નાટકીય પરિવર્તનની આશા ન રાખવી જોઈએ, પણ સમય નિશ્ચિત રીતે ચીનની તરફેણમાં આગળ વધી રહ્યો છે.

ભૂટાન ચીનના નાયબ વિદેશપ્રધાનની આ યાત્રાને તેના નાગરિકો સમક્ષ આગામી સમયમાં કેવી રીતે પ્રસ્તુત કરશે એ જોવાનું રહેશે.

એ ઉપરાંત ચીન સાથેના સંબંધના સંભવિત ફાયદા આગામી ચૂંટણીના સંદર્ભમાં મહત્ત્વના સાબિત થશે.

આ સમીકરણથી ભારતને તેના પોતાના લાભ છે, પણ વ્યૂહાત્મક તાલમેલમાં પરિવર્તન આવી રહ્યું છે.

ચીન સાથે સીધા અને ઔપચારિક સંબંધ કે જોડાણથી ભૂટાનને અલગ રાખવાનું હવે શક્ય નહીં હોય એ નક્કી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ