ઇમરાન ખાન હવે પાકિસ્તાનને કઈ દિશા તરફ લઈ જશે?

ઉજવણી કરી રહેલા સમર્થક Image copyright EPA
ફોટો લાઈન ચૂંટણી બાદનો વિજયોત્સવ

25મી જુલાઈ 2018ના દિવસે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ. એ રાષ્ટ્રીય સભાની 270 બેઠકો અને પ્રાંતિય સભાની 570 બેઠકો માટેની ચૂંટણી હતી.

ચૂંટણી ખાસી રસાકસી ભરી હતી. એક તરફ સત્તા પક્ષ મુસ્લિમ લીગ-નવાઝ તો બીજી તરફ પાકિસ્તાન તહરીકે ઇન્સાફ હતો.

જોકે, પિપલ્સ પાર્ટી, જમાતે ઇસ્લામી, જમિયતે ઉલેમા, એમ. ક્યૂ. એમ વગેરે પક્ષો પણ મેદાનમાં હતા.

જોકે, મુખ્ય મુકાબલો કરપ્શન કેસમાં ગેરલાયક ઠરેલા અને હાલમાં જેલવાસ ભોગવી રહેલા માજી વડાપ્રધાન નવાઝ શરીફના પક્ષ અને મુસ્લિમ લીગ અને વિખ્યાત ક્રિકેટર ઇમરાન ખાનના પક્ષ તહરીકે ઇન્સાફ વચ્ચે હતો.

તહરીકે ઇન્સાફ મુખ્યત્વે યુવાનો, ગરીબો,વંચિતોનો પક્ષ ગણાય છે.

જ્યારે લીગ શોષણખોરોના પક્ષ તરીકે બદનામ છે. તે ગુંડાઓને પાળે છે અને માફીયારાજ પદ્ધતિ પણ અપનાવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ વેળાની ચૂંટણી અત્યંત મહત્ત્વની હતી. એ તબદીલી એટલે કે પરિવર્તનની ચૂંટણી હતી.

તબદીલીનું સૂત્ર ઇમરાન ખાને આપ્યું હતું અને સમગ્ર પાકિસ્તાને આ સૂત્ર ઝીલ્યું હતું ને એના પડઘા ગજાવ્યા હતા.

આ પડઘા એટલા જોરદાર હતા કે એના પ્રભાવથી મુસ્લિમ લીગ નિષ્ફળ-નાસીપાસ થઈ ગયેલી લાગતી હતી અને ચૂંટણી યોજાઈ તો વાસ્તવામાં થયું પણ એવું જ.

તહરીકે ઇન્સાફ, રાષ્ટ્રીય સભાની 270માંથી સૌથી વધારે બેઠકો જીતી ગયો. જ્યારે મુસ્લિમ લીગ પાછળ રહી ગયો.


Image copyright EPA
ફોટો લાઈન ઈમરાન ખાન

દેખીતું છે કે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન ઇમરાન ખાન હશે.

એ પશ્ચિમી હવામાં વર્ષો ગાળી ચૂકેલો અને પશ્ચિમી લોકશાહીના રંગે રંગાયેલો આદમી છે.

ઉદાર છે, સંસ્કારી છે, તે મૈત્રી અને મહોબતમાં માને છે. લોક કલ્યાણ અને સમાજોન્નતિમાં માને છે.

એક પત્રકાર તરીકે મારો અનુભવ અને મારું નિરીક્ષણ છે ત્યાં સુધી હું કહી શકું છું કે ઇમરાન ખાન લડાઈને પસંદ કરતા નથી.

શાંતિ અને સંપમાં માને છે. વળી પાકિસ્તાનના લોકો પણ શાંતિપ્રિય છે. તેમને લડાઈમાં નહીં તેમના પ્રશ્નોના હલમાં રસ છે.

તેમને રોજગાર જોઈએ છે, સુયોગ્ય રહેઠાણો, તાલીમગારો, દવાખાનાં, રસ્તા, પુલો વગેરે જોઈએ છે.

તેમને આ જરૂરિયાતો મેળવવામાં રસ છે, લડાઈમાં નહીં. તેઓ જાણે છે કે લડાઈ એ પ્રશ્નોનો હલ નથી. બલકે પ્રશ્નોની જન્મદાત્રી છે.

ઇમરાન ખાન વડાપ્રધાન બને એને આપણે આવકારીશું. ખુશ આમદીદ કહીશું પરંતુ આ પદ એમના માટે સહેલું નહીં હોય એ પણ એટલું જ સાચું.

એમની સામે સૌથી મોટો પ્રશ્ન અર્થકારણનો હશે. મુસ્લિમ લીગ સરકારે દેશને અબજોના કરજના ખાડામાં ઉતારી દીધો છે.

આવી દશામાં વિકાસ કાર્યો કેમ હાથ ધરવાં એનો જવાબ સહેલો નથી.

લોકોની આશાઓ અને અપેક્ષાઓ પણ હદ વિનાની હશે.

તેમને કેમ સંતોષવા? આપેલાં વચનો કેમ પૂરા કરવાં અને બીજું ઘણું બધુ હશે.

એ સૌને ઈમરાન કેમ પહોંચી વળશે? વિચારીએ તો તમ્મર આવી જાય એવી પરિસ્થિતિ છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ