ઈરાનના રાષ્ટ્રપતિને મળવા ટ્રમ્પ તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પ અને હસન રુહાની Image copyright AFP
ફોટો લાઈન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મુલાકાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ઈરાન સાથેની પરમાણુ સંધિમાંથી નીકળી ગયા બાદ ગત મે મહિનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધો કડવાશભર્યા થઈ ગયા છે.

હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક મહત્ત્વના નિવેદનમાં જણાવ્યું છે કે એ 'બિનશરતી' અને 'ક્યારેય પણ' ઈરાનના રાષ્ટ્રપતિને મળવા તૈયાર છે.

વાઇટ હાઉસમાં ઇટાલીના વડા પ્રધાન સાથે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હું મુલાકાતમાં વિશ્વાસ રાખું છું. હું કોઈને પણ મળી શકું છું. જો એ ઇચ્છે તો અમે મળીશું."

Image copyright Getty Images
ફોટો લાઈન નતાંજમાં આવેલો ઈરાનનો પરમાણુ પ્લાન્ટ

ટ્રમ્પે કહ્યું કે એ જૂની પરમાણુ સંધિથી વધુ સારો ઉકેલ મેળવવા માટે વાતચીત કરવા ઇચ્છે છે. જોકે, ઈરાની રાષ્ટ્રપતિના સલાહકાર હામિદ અબૂતલેબીએ કહ્યું છે કે કોઈ પણ વાતચીતનો માર્ગ તૈયાર કરતા પહેલાં અમેરિકાએ પરમાણુ સંધિ પર પરત ફરવું જોઈએ.

શું તમે આ વાંચ્યું?

અમેરિકન રાષ્ટ્રપતિના આ પ્રસ્તાવના થોડા કલાક પહેલાં જ ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીતની સંભાવનાથી ઇન્કાર કર્યો હતો.

તેમણે કહ્યું કે અમેરિકા વિશ્વાસપાત્ર નથી.


એકબીજાને આપી હતી ધમકી

આ મહિનાની શરૂઆતમાં જ હસન રુહાનીએ અમેરિકાને ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું, "અમેરિકાને ખબર હોવી જોઈએ કે ઈરાન સાથે શાંતિ રાખશે તો સમગ્ર વિશ્વમાં શાંતિ રહેશે અને જો ઈરાન સાથે યુદ્ધ કર્યું તો એ લડાઈ મોટું સ્વરૂપ લઈ શકે છે."

તેના જવાબમાં ટ્રમ્પે પણ ઈરાનના રાષ્ટ્રપતિને ચેતવણી આપતા લખ્યું હતું કે, અમેરિકાને 'ક્યારેય' ડરાવવાની કોશિશ ન કરે.

તેમણે ઈરાનને એવું પરિણામ ભોગવવાની ધમકી આપી હતી જે આજ સુધી કોઈએ નહીં ભોગવ્યું હોય.

વર્ષ 2015ની સમજૂતીમાં સામેલ બીજા દેશોનાં વાંધા છતાં અમેરિકા ઈરાનના ખનીજ તેલ, વિમાન નિકાસ અને કિંમતી ધાતુઓના વેપાર પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે.

બન્ને દેશો વચ્ચે વિવાદનું બીજું મોટું કારણ અમેરિકાની એ શંકા છે, જેમાં તેમને લાગે છે કે ઈરાન મધ્ય-પૂર્વમાં શંકાસ્પદ કામગીરી કરી રહ્યું છે.

આ જ કારણે અમેરિકાએ ઈરાનનાં શત્રુ રાષ્ટ્રો ઇઝરાયલ અને સાઉદી અરબ સાથે હાથ મિલાવ્યા છે.

જોકે, ઈરાનનો દાવો છે કે તેનો પરમાણુ કાર્યક્રમ એકદમ શાંતિપૂર્ણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ