કીકી ચેલેન્જ જોખમી છે તો પણ શા માટે વાઇરલ થઈ રહી છે?

કીકી ચેલેન્જ લેનારા લોકોએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા વીડિયોના સ્ક્રીન શોટ

ઇમેજ સ્રોત, Instagram/Deepika_Pilli

સોશિયલ મીડિયા પર કોઈ પણ અણધારેલી વિગતોનું વાઇરલ થઈ જવું સામાન્ય બની ગયું છે.

હાલમાં સોશિયલ મીડિયા પર કૅનેડિઅન રૅપરના ગીત 'ઇન માય ફિલિંગ્સ' પરની ડાન્સ ચેલેન્જ વાઇરલ થઈ રહી છે.

જેવી રીતે જોખમી બ્લૂ વહેલ ચેલેન્જ, સામાજિક બદલાવ માટેની સ્વચ્છતા ચેલેન્જ કે પછી ખૂબ જ લોકપ્રિય થયેલી આઇસ બકેટ ચેલેન્જ વાઇરલ થઈ હતી.

તેવી જ રીતે સોશિયલ મીડિયા પર પાછલા એક મહિનાથી કીકી ચેલેન્જ વાઈરલ થઈ રહી છે. કીકી ચેલેન્જ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ બની ત્યાં સુધી કોઈ સમસ્યા ન હતી પરંતુ

આ ચેલેન્જના કારણે અકસ્માતો થઈ રહ્યાં છે અને વિદેશમાં લોકોના જીવ પણ ગયા છે.

કીકી ચેલેન્જ ગુજરાતમાં વાઇરલ થાય તે પહેલા પોલીસે સૂચના આપી છે કે આ ચેલેન્જના કારણે તમે હૉસ્પિટલના બૅડ પર અથવા તો જેલમાં ધકેલાઈ શકો છો.

કીકી ચેલેન્જ દેશમાં વાઇરલ બની રહી છે ત્યારે બીબીસી ગુજરાતીએ જાણ્યું કે આ ચેલેન્જ શું છે? અને શા માટે વાઇરલ થઈ રહી છે આ કીકી ચેલેન્જ.

શું છે કીકી ચેલેન્જ ?

ઇમેજ સ્રોત, Instagram

ઇમેજ કૅપ્શન,

કીકી ચેલેન્જ લેનારા લોકોએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા વીડિયોના સ્ક્રીન શોટ

કીકી ચેલેન્જ એક ડાન્સ ચેલેન્જ છે પરંતુ લોકોએ તેને જોખમી સ્વરૂપ આપી દીધું છે.

આ ચેલેન્જમાં લોકો સોશિયલ મીડિયા પર ચાલતી કારમાંથી ઊતરીને ડાન્સ કરે છે બાદમાં તે ચાલતી કારમાં જ આવીને બેસી જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ચેલેન્જના કારણે થયેલા અકસ્માતોના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

વિદેશમાં કેટલાક જાણીતા લોકો અને કલાકારો દ્વારા આ ચેલેન્જને સ્વીકારાતા તે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

કેવી રીતે વાઇરલ થઈ કીકી ચેલેન્જ

ઇમેજ સ્રોત, facbook/@drake

ઇમેજ કૅપ્શન,

સિંગર ડ્રેક

અમેરીકાના કૉમેડિયન અને ઇનસ્ટાગ્રામ આર્ટિસ્ટ શિગ્ગીએ સિંગર ડ્રેકના આલ્બમ સ્કૉર્પિયઅનના ગીત ‘ઇન માય ફિલિંગ્સ’ પર ડાન્સ કર્યો હતો.

તેમણે આ ડાન્સનો વીડિયો ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર મૂક્યા બાદ તેમના ચાહકો અને મિત્રોને આ પ્રકારે ડાન્સ કરવાની ચેલેન્જ આપી હતી જે આગળ જતા ગંભીર બની ગઈ હતી.

આ ચેલેન્જનો એક પ્રખ્યાત વીડિયો જાણીતા ઍક્ટર વીલ સ્મિથે પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો.

વીલ સ્મિથે હંગેરીના બુડાપેસ્ટના જાણીતા બ્રીજ પર 'ઇન માય ફિલિંગ્સ' ગીત પર ડાન્સ કર્યો હતો.

આ ડાન્સ બાદ કીકી ચેલેન્જ વાઇરલ થવા લાગી હતી.

આ ચેલેન્જ ત્યારે ખતરનાક બની જ્યારે લોકો પોતાની ચાલુ કારમાંથી ઊતરી અને 'ઇન માય ફિલિંગ્સ' ગીત પર ડાન્સ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવા લાગ્યા હતા.

શિગ્ગીએ આપેલી વાઇરલ ચેલેન્જને લોકો અલગ અલગ રીતે પ્રસ્તુત કરવા લાગ્યા જેમાં ચાલતી કારમાંથી ઊતરી અને ડાન્સ કરવાના જોખમી સ્ટેપનો સમાવેશ થતો હતો.

સોશિયલ મીડિયામાં પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે લોકો આવું કરે છે

ઇમેજ સ્રોત, Huw Evans picture agency

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયાના ટ્રેન્ડ અને આ પ્રકારની વિવિધ ચેલેન્જ ખૂબ જ જલ્દી વાઇરલ થઈ જાય છે.

આ ટ્રેન્ડ અને તેની પાછળનું મનોવિજ્ઞાન સમજવા માટે બીબીસી ગુજરાતીએ સાઇકૉલૉજિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું "સોશિયલ મીડિયામાં પોતાના તરફે ધ્યાન ખેંચવા માટે લોકો આ પ્રકારનું વર્તન કરે છે."

"લોકો પોતાની નોંધ લેવાય તેના માટે પણ આ પ્રકારનું વર્તન કરતા હોય છે"

"મિત્રોને બતાવવા કે પછી દેખાદેખીમાં યુવાનો આવું કરતા જોવા મળે છે."

"લઘુતાગ્રંથીથી પીડાતા લોકોમાં આ પ્રકારનું વર્તન જોવા મળે છે. બીજુ કે આ પ્રકારની હરકતો કરતા યુવાનોમાં ઘરનું વાતાવરણ જવાબદાર છે."

ગુજરાત પોલીસે આ ચેલેન્જ ન સ્વીકારવા અપીલ કરી

આ ચેલેન્જના કારણે ગુજરાતમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટી નથી.

ભવિષ્યમાં પણ કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા યુવાનોને કીકી ચેલેન્જ ન સ્વીકારવા માટે અપીલ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસે ટ્વીટ કરીને યુવાનોને આ ચેલેન્જ ન સ્વીકારવા માટે અપીલ કરવામાં આવી છે.

ટ્વીટમાં કહેવાયું છે કે આ ચેલેન્જ તમને જેલમાં ધકેલી શકે છે, અથવા તો હૉસ્પિટલમાં લઈ જઈ શકે છે માટે તેનું અનુસરણ ન કરવું.

સોશિયલ મીડિયા રૉબૉટની જેમ માણસને દોરી રહ્યું છે

સોશિયલ મીડિયાના ટ્રેન્ડને ખૂબ જ જલ્દી અનુસરવામાં આવે છે. લોકો મોટી સંખ્યામાં આ પ્રકારના ટ્રેન્ડને અનુસરતા હોય છે.

આ પ્રકારની ચેલેન્જ અવારનવાર વાઇરલ થઇ જાય છે. આ સ્થિતિ સર્જાવાનું કારણ આપતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. યોગેશ પટેલ જણાવે છે કે સોશિયલ મીડિયા માણસને રોબૉટની જેમ દોરી રહ્યું છે.

આ પ્રકારના ટ્રેન્ડના કારણે માણસ સમાજથી વિખુટો પડતો જાય છે. વ્યક્તિ જેટલો વધુ સમય સ્ક્રિન સામે પસાર કરે તેટલું તેના મગજને નુકશાન થાય છે.

સોશિયલ મીડિયાના ઉપયોગનો અથવા તો કોઈ પણ સ્ક્રિન સામે બેસી રહેવાનો સમય શક્ય હોય તેટલો ઘટાડવો જોઈએ.

દેશભરમાં પોલીસે કીકી ચેલેન્જ ન સ્વીકારવા અપીલ કરી

યૂપી પોલીસે ટ્વિટર પર કીકી ચેલેન્જના અકસ્માતનો વીડિયો પોસ્ટ કરીને લખ્યુ કે પ્રિય વાલીઓ કીકી તમારા બાળકોને પ્રેમ કરે છે કે નહી તેની ખબર નથી પરંતુ તમે ચોક્કસ કરતા હશો.

માટે તમારા બાળકની દરેક ચેલેન્જમાં તેની સાથે ઊભા રહેજો પરંતુ કીકી ચેલેન્જમાં નહીં.

મુંબઈ પોલીસે ટ્વિટર પર અપીલ કરી કે ફક્ત તમને નહીં પરંતુ અન્ય લોકોને પણ આ ચેલેન્જ જોખમમાં મૂકી શકે છે માટે તેનાથી દુર રહેવું જોઈએ.

રાજસ્થાન પોલીસે ટ્વિટર પેજ પર મુખ્ય ટ્વીટ તરીકે આ સંદેશ મુક્યો છે.

તેમાં કહેવાયું છે કે જેવી રીતે દારૂ પીને વાહન ચલાવવું સ્વાસ્થ્ય માટે જોખમી છે તેવી જ રીતે કીકી ચેલેન્જ પણ જોખમી છે. આ પ્રકારનો ડાન્સ રોડ પર કરતા પહેલાં બે વાર વિચારવું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો