એમેઝોનના બૉસ જેફ બેઝોસઃ જૂનાં પુસ્તકો વેચવાથી માંડીને ધનકુબેર બનવા સુધી

એમેઝોનના બોસ જેફ બેઝોસ Image copyright Getty Images

એક ક્લિક કરીને જરૂરિયાતનો નાનો-મોટો તમામ સામાન ખરીદી શકાય તેવા ભવિષ્યની કલ્પના એમેઝોન શરૂ કરતાં પહેલાં જેફ બેઝોસે કરી હશે.

તેમણે એવું પણ વિચાર્યું હશે કે મોલની લોકપ્રિયતા ઘટતી જશે અને દુકાનો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી હશે.

એ વિચાર્યા પછી જ તેમણે એમેઝોનનું સામ્રાજ્ય રચવાનો નિર્ણય કર્યો હશે.

જેફ બેઝોસે એમેઝોનની શરૂઆત 1994માં કરી હતી અને હવે એમેઝોન વિશ્વની પહેલી હજાર કરોડ ડૉલરની કંપની બનવા ભણી આગળ વધી રહી છે.

આ એ કંપની છે જે ક્યારેક જૂનાં પુસ્તકો વેચતી હતી અને હવે લગભગ દરેક પ્રકારના સામાન સુધી તેની પહોંચ છે.

જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર માણસ બની ગયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, તેમનું લક્ષ્યાંક વધુ ઊંચું છે. તેમની કલ્પના માત્ર જમીન અને આકાશ સુધી સીમિત નથી. તેનાથી આગળ અંતરિક્ષ સુધી જાય છે.

તેમણે 2013માં 'વૉશિંગ્ટન પોસ્ટ' અખબાર ખરીદ્યું હતું. એ પહેલાં 2004માં તેમણે બ્લ્યૂ ઑરિજિન નામની એક ઍરોસ્પેસ કંપનીની સ્થાપના કરી હતી.

બ્લ્યૂ ઑરિજિન અંતરિક્ષ યાત્રા માટેની ટિકિટ વેચવાની યોજના ઘડી રહી છે.

એક વર્ષ પહેલાં તેમનાં એક ભૂતપૂર્વ પ્રેમિકાએ જણાવ્યું હતું કે જેફ બેઝોસ પોતાનું તકદીર જાતે લખતા લોકો પૈકીના એક છે.

એ માત્ર પૈસા કમાવા પુરતું મર્યાદિત નથી. એ કમાયેલા નાણાંનો ભવિષ્ય બદલવા માટે કેવી રીતે ઉપયોગ કરવો એ વિશેનું પણ છે.


સ્પેસ કોલોનીની કલ્પના

Image copyright BLUE ORIGIN

જેફ બેઝોસની મહત્વાકાંક્ષા કેટલી વિશાળ હોઈ શકે છે તેનું અનુમાન દાયકાઓ પહેલાંથી કરવામાં આવી રહ્યું છે.

1964ની 12 જાન્યુઆરીએ ન્યૂ મેક્સિકોના અલ્બુકર્કમાં જન્મેલા જેફ બેઝોસનાં માતાનું નામ જેકી જોરગન્સન અને પિતાનું નામ ટેડ જોરગન્સન છે.

જેફનો જન્મ થયો ત્યારે તેમનાં માતાની વય માત્ર 17 વર્ષની હતી. જેકી અને ટેડ વચ્ચેના સંબંધનો એક વર્ષમાં અંત આવ્યો હતો. પછી બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા.

જેફ તેમનાં માતા અને સાવકા પિતા માઇક બેઝોસની દેખરેખ તળે ટેક્સસ તથા ફ્લોરિડામાં ઉછર્યા હતા.

જેફ બેઝોસની બ્રેડ સ્ટોને લખેલી જીવનકથાનું પ્રકાશન 2013માં કરવામાં આવ્યું હતું.

એ જીવનકથામાં જણાવ્યા મુજબ, જેફ ત્રણ વર્ષના હતા ત્યારે વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં પહેલીવાર રસ દેખાડ્યો હતો.

એ વખતે તેમણે સ્ક્રૂડ્રાઇવર વડે પોતાનું પારણું તોડી નાખ્યું હતું.

હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો થયો એ વખતે આપેલા ભાષણમાં પણ જેફ બેઝોસે અંતરિક્ષમાં કોલોની બનાવવાની કલ્પનાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બૅચલર ઑફ સાયન્સની ડિગ્રી 1986માં પ્રાપ્ત કરી હતી.

એ પછી તેમણે ન્યૂ યોર્કમાં ફાઇનાન્સિયલ કંપનીઓમાં કામ કર્યું હતું અને એ દરમિયાન તેમની મુલાકાત તેમનાં ભાવિ પત્ની મેકેન્ઝી સાથે થઈ હતી. મેકેન્ઝી નવલકથાકાર છે.

એન્જિનિયરિંગ તથા વિજ્ઞાન તરફનો જેફનો ઝુકાવ, કલ્પના અને મહત્વાકાંક્ષા જ તેમને એમેઝોનની શરૂઆત તરફ લઈ ગયાં હતાં.


સાહસ માટે નોકરી છોડી

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન જેફ બેઝોસ અને તેમનાં નવલકથાકાર પત્ની મેકેન્ઝી

ઇન્ટરનેટની વધતી પહોંચની ક્ષમતા જાણીને જેફ બેઝોસે 30 વર્ષની વયે નોકરી છોડી દીધી હતી.

2010માં કરેલા એક ભાષણમાં જેફ બેઝોસે એ નિર્ણયને એક અસલામત રસ્તો ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "મેં કંઈક કરવાનો નિર્ણય એક ઝટકામાં લીધો હતો. પ્રયાસ કરીને નિષ્ફળ જઈશ તો અફસોસ કરીશ એ વિચાર્યું ન હતું.

"જો હું એ નહીં કરું તો એકવાર પણ પ્રયાસ નહીં કરવાનો વિચાર મને હેરાન બહુ કરશે."


ઈ-કોમર્સના કિંગ

Image copyright Reuters

જેફ બેઝોસે તેમની ઈ-કોમર્સ કંપનીમાં પોતાના નાણાં અને પરિવારની મદદથી એક લાખ ડોલરનું રોકાણ કર્યું હતું.

એ કંપની તેમની અપેક્ષા અનુસાર આગળ વધવા લાગી હતી.

તેમણે એમેઝોનની શરૂઆત એક ગેરેજમાં જૂનાં પુસ્તકો વેચવાના વિચારથી શરૂ કરી હતી.

બ્રેડ સ્ટોનના પુસ્તક 'ધ એવરીથિંગ સ્ટોરઃ જેફ બેઝોસ ઍન્ડ ધ એજ ઑફ એમેઝોન'માં જણાવ્યા અનુસાર, 1995માં એમેઝોનના લૉન્ચિંગ બાદ કંપનીએ એક મહિનામાં 50 રાજ્યો તથા 45 દેશોમાંથી ઓર્ડર લીધા હતા.

પહેલાં પાંચ વર્ષમાં એમેઝોનના ગ્રાહકોની સંખ્યા 1.80 લાખથી વધીને 1.17 કરોડના આંકડે પહોંચી ગઈ હતી. તેનું વેચાણ 5.11 લાખ ડૉલરથી વધીને 1.6 અબજ ડૉલરનું થઈ ગયું હતું.

કંપની પાસે મોટા રોકાણકારો આવવા લાગ્યા હતા તથા 1997માં કંપની સાર્વજનિક થઈ ગઈ હતી.

જેફ બેઝોસ 53 વર્ષની વયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા.

'ટાઇમ' સામયિકે જેફ બેઝોસને 1999માં 'કિંગ ઑફ સાયબર કૉમર્સ'નું બિરુદ આપ્યું હતું.


નવા પ્રયોગોનો ડર નહીં

Image copyright Reuters

જેફ બેઝોસ નવા પ્રયોગ કરવાથી અને પૈસા કમાવા માટે રોકાણ કરવાથી ડરતા નથી.

કિંમત ઘટાડવા, મફત ડિલિવરી અને કિંડલ ઈ-રીડર જેવી ડિવાઈસ વિકસાવવામાં તેમણે વર્ષો સુધી મહેનત કરી હતી.

શક્ય હોય ત્યાં બચત કરવામાં એમેઝોન ક્યારેય પાછળ હટતી નથી.

એ તેની હેડ ઑફિસમાં રહેતા લોકો પાસેથી પાર્કિંગની ફી લે છે, ઉત્પાદકો સાથે લડે છે.

પોતાના ગોદામોમાં કામદાર સંગઠનની રચનાનો વિરોધ કરે છે અને ઓછામાં ઓછો ટેક્સ ચૂકવવાની રીતો શોધતી રહે છે.

પેટ્સ ડોટ કોમ જેવાં સાહસોમાં રોકાણને કારણે કંપનીને પ્રારંભે થોડું નુકસાન થયું હતું.

તેમ છતાં નવા ઉદ્યમો માટેની તેની ઇચ્છા ક્યારેય સંતોષાતી નથી.

એમેઝોને ગયા વર્ષે 'હોલ ફૂડ્ઝ' કંપની ખરીદી લીધી હતી. આ વર્ષે એક ફાર્મસીને હસ્તગત કરવાની જાહેરાત એમેઝોને કરી છે.

એમેઝોને આ વર્ષના જૂન સુધીના ત્રણ મહિનામાં 53 અબજ ડૉલરનો માલસામાન વેંચ્યો હતો અને 2.5 અબજ ડૉલરની કમાણી કરી હતી.

એમેઝોનમાં પોણા છ લાખ કર્મચારીઓ કામ કરે છે. એમેઝોનના કર્મચારીઓની સંખ્યા લક્ઝમબર્ગની વસતિ જેટલી છે.

એમેઝોન હજ્જારો થર્ડ પાર્ટી વેપારીઓને લૉજિસ્ટિક્સ, સ્ટોરેજ, લોન અને વેચાણ માટેનું પ્લેટફૉર્મ પુરું પાડે છે.


એમેઝોનનો વિરોધ

Image copyright Getty Images

જોકે, માર્કેટમાં એકાધિકારના જોખમ, ટેક્સની ચૂકવણી નહીં કરવા અને શ્રમ કાયદાના પાલન બાબતે એમેઝોને ટીકાનો સામનો કરવો પડ્યો છે.

એમેઝોન યુએસ પોર્ટલ સર્વિસથી શિપિંગના બિનજરૂરી નીચા દરનો ફાયદો લેતી હોવાનો આક્ષેપ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યો હતો.

અલબત, આ બધાના સામના માટે જેફ બેઝોસ હવે ટ્વિટર પર વધારે સક્રીય રહેવા લાગ્યા છે.

તેઓ તેમના માતાપિતાના ફોટોગ્રાફ્સ અને તેમના કૂતરાનો વીડિયો ટ્વિટર પર શેર કરે છે.

OpenSecrets.orgના જણાવ્યા અનુસાર, તેમણે લોબિંગ માટેના તેમના ખર્ચમાં બેથી વધુ ગણો વધારો કર્યો છે. ગયા વર્ષે તેમણે એ માટે 1.30 કરોડ ડૉલર્સ ખર્ચ્યા હતા.

એ પ્રયાસોની કંપની પર શું અસર થાય છે એ હવે જોવાનું રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ