એ આદિજાતિ જે આપણાં કરતાં પણ વધારે સભ્ય છે

માણસ Image copyright FUNAI

ગત મહિને બ્રાઝિલની સરકારી એજન્સી 'ફુનાઈ'એ લગભગ 50 વર્ષની એક વ્યક્તિનો વીડિયો જાહેર કર્યો હતો. આ વ્યક્તિ જંગલમાં લાકડાં કાપી રહી હતી.

આ કોઈ સાધારણ વ્યક્તિ નહીં પણ તેના સમુદાયની બચી ગયેલો એક માત્ર સભ્ય છે.

તે છેલ્લાં 22 વર્ષથી બ્રાઝિલની એમેઝોનની ખીણમાં રહે છે.

વીડિયો સામે આવતાં સમગ્ર વિશ્વનું ધ્યાન ફરી એ દુનિયા તરફ ગયું છે જેઓ આજે પણ આદિમાનવની જેમ જીવન જીવે છે.

એક એવો સમુદાય કે જે આપણી આધુનિકતાથી વાકેફ નથી. તેમનાં ખાન-પાન, રહેણીકરણી બધું જ હજારો વર્ષો પહેલાંના આદિમાનવ જેવું જ છે.

આ લોકો 'અનકૉન્ટેક્ટેડ ટ્રાઇબ્સ' અથવા 'લૉસ્ટ ટ્રાઇબ્સ' છે. તેમાંની મોટા ભાગની જાતિઓ બ્રાઝિલ નજીકના એમેઝોનનાં રેઇન ફૉરેસ્ટ( એવું જંગલ જ્યાં સતત વરસાદ પડતો હોય)માં રહે છે.


અમેઝોનનું વિશાળ રેઇન ફૉરેસ્ટ

Image copyright Getty Images

આ જંગલ 70 લાખ વર્ગ કિલોમીટરમાં પથરાયેલું છે અને બ્રાઝિલ સહિત નવ દેશોની સરહદો સાથે જોડાયેલું છે.

એક દાયકા પહેલાં એમેઝોન નદીના રસ્તેથી રિપોર્ટિંગ માટે છેક અંદર સુધી જઈ આવેલા બીબીસી રેડિયોના સંવાદદાતા રાજેશ જોશી કહે છે કે અહીં એક અલગ જ દુનિયા વસે છે.

રાજેશ જોશી કહે છે, "એમેઝોન ખૂબ જ વિશાળ નદી છે તેનું ઉદગમ સ્થાન અને તે ક્યાં પૂરી થાય તે નથી દેખાતું તથા ખૂબ જ ગાઢ જંગલોની વચ્ચેથી તે પસાર થાય છે."

"2007માં અમે જ્યારે ત્યાં ગયા ત્યારે 4 દિવસ એક બોટમાં જ રહ્યા હતા. દિવસ રાત સફર કરતા અને તેમાં જ ખાતા અને સૂઈ જતા હતા."

"એકાએક ક્યારેક વાદળો ગરજવા લાગતાં અને ભારે વરસાદ પડતો, વળી એકાએક તડકો પણ નીકળી જતો હતો."

"અહીં માત્ર જીવ-જંતુઓમાં જ નહીં પણ મનુષ્યોમાં પણ વૈવિધ્ય છે. એટલું બધું વૈવિધ્ય છે કે કેટલીક ટ્રાઇબ્સ વિશે કોઈ જાણકારી જ નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

બ્રાઝિલમાં રહેતા વરિષ્ઠ પત્રકાર શોભન સક્સેનાએ જણાવ્યું કે આ જનજાતિઓ પર નજર રાખવા માટે બ્રાઝિલમાં ફુનાઈ નામની એક એજન્સી બનાવવામાં આવી છે.

તેઓ કહે છે, "એજન્સીનું અનુમાન છે કે અહીં આવી 113 જનજાતિ છે જેમનો સંપર્ક નથી થયો. તેમાંથી 27 જનજાતિઓના અસ્તિત્વની પુષ્ટિ થઈ ચૂકી છે."

"તેમને ટ્રેક કરવામાં આવે છે, તેમના ઍન્થ્રપૉલજિસ્ટ જંગલોમાં જાય છે અને જનજાતિઓ પર દૂરથી નજર રાખવાની કોશિશ કરે છે."

"તેમના સંપર્કમાં આવ્યા વગર જ તેમના રહેવાની અને તેઓ શું ખાય છે તથા કેવી ટેકનિક વાપરે છે તે જાણવાની કોશિશ કરે છે."


સંપર્ક કેમ કરવામાં નથી આવતો?

Image copyright Reuters

એમેઝોનના જંગલોમાં રહેતી આ જનજાતિઓ વિશે માલૂમ થાય તો પણ તેમનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવતી નથી.

તેમનાથી અંતર જાળવવામાં આવે છે. પણ સવાલ છે કેમ આવું કરવામાં આવે છે?

આના પાછળ આરોગ્યની બાબત સંકળાયેલી છે. કેમ કે કેટલીક બીમારી મામલે આપણામાં રસીકરણથી પ્રતિકારક ક્ષમતા વિકસી ગઈ છે.

જ્યારે આ લોકો આવી બીમારીનો શિકાર બની શકે છે આથી સંપર્ક નથી કરવામાં આવતો.

શોભન સક્સેના જણાવે છે કે આ કારણે જ એમેઝોનની કેટલીક આદિજાતિ વિલુપ્ત થઈ ગઈ હતી.

"ઇતિહાસમાં જઈએ તો અહીં નવમી સદીમાં પોર્ટુગલના લોકો આવ્યા હતા. ત્યારે આ જનજાતિ તેમના સંપર્કમાં આવતાં કેટલીક બીમારીનો શિકાર બનતાં ખતમ થઈ ગઈ."

"યુરોપની બીમારી જેવી કે ચિકન પૉક્સ, મિઝલ્સ અને કોલેરા અહીં નહોતી પણ આ બીમારીઓએ કેટલીય જનજાતિ ખતમ કરી દીધી."


ભારતમાં પણ છે આવી આદિ જનજાતિ

Image copyright Reuters

ભારતના આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં પણ આવી આદિજાતીઓ છે.

સેન્ટીનેલી વ જારવા આમાંની એક છે. આ જનજાતિ સાથે હવે બહારની દુનિયા એટલે કે આપણી દુનિયાના લોકો સાથેનો સંપર્ક વધી ગયો છે.

તેમણે હવે આપણી રીતે રહેવાની કોશિશ શરૂ કરી દીધી છે.

જારવા લોકોની જીવનશૈલીનો નજીકથી અભ્યાસ કરી ચૂકેલા અને તેમની ભાષા વિશે સંશોધન કરી ચૂકેલા ઇન્દિરા ગાંધી નૅશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી અમરકંટકમાં પ્રોફેસર ડૉ. પ્રમોદ કુમાર કહે છે કે આ આદિ જનજાતિઓને તેમના હાલ પર જ છોડી દેવી જોઈએ.

તેમણે કહ્યું, "એક સંશોધન અનુસાર આ જનજાતિઓ અહીં 60 હજાર વર્ષો પહેલાં આવી હતી. તે આટલાં બધાં વર્ષોથી અહીં ટકી રહી છે તો તેમના જીવનમાં હવે દખલગીરી ન કરવી જોઈએ."

"જ્યારે બ્રિટિશ કોલોનિયલના સમયગાળામાં તેમનો આ આંદામાન દ્વીપ સમૂહની જનજાતિ સાથે સંપર્ક થયો હતો."

"આથી આ સમાજ બીમારીના કારણે ખતમ થઈ ગયો હતો. તેઓ તેમની રીતે રહેશે, તો સારી રીતે રહી શકશે. આપણા સંપર્કમાં આવવાથી તેમને બીમારીઓ લાગુ પડી શકે છે."


અન્ય જનજાતિ પર પણ જોખમ

Image copyright AFP

એમેઝોન અને આંદામાન સહિતની જગ્યાઓએ રહેતી આ જનજાતિઓ પર દિનપ્રતિદિન જોખમ વધી રહ્યું છે.

બ્રાઝિલમાં રહેતાં શોભન સક્સેના આ વિશે વધુમાં જણાવે છે કે એમેઝોનના જંગલોમાં રહેતી આદિજાતિઓ ખેડૂતો, પશુપાલકો અને કોર્પોરેટ્સની લાલચનો શિકાર બની રહી છે.

તેઓ કહે છે, "70-80ના દાયકામાં બ્રાઝિલ, પેરુ અને બોલિવિયામાં જંગલોનો નાશ કરી દેવાયો. અહીં મોટા ખેડૂતો હોય છે જેમની પાસે રેન્ચ હોય છે. તેઓ હજારો હેક્ટર જમીનના માલિક હોય છે."

"તેમણે વધુ જમીન પર કબજો કરવા માટે વધુ વૃક્ષો કાપી નાખ્યાં. આ કારણે તેમને આ જનજાતિઓ સાથે સંઘર્ષ થવા લાગ્યો. તેમનો મોટી સંખ્યામાં નરસંહાર થયો."

"આથી ફુનાઈ એજન્સી બનાવવામાં આવી જેથી જનજાતિને બચાવી શકાય અને રેન્ચો સામે કાર્યવાહી કરવામાં આવી."

"પરંતુ આવા સંઘર્ષ આજે પણ થતા રહે છે અને હત્યાના કિસ્સા પણ સામે આવે છે. કેટલાક મહિનાઓ પહેલાં પણ આવું જ થયું હતું."

એટલું જ નહીં ડૅમ્સના કારણે પણ તેમને નુકસાન થઈ રહ્યું છે. શોભન આ વિશે કહે છે, "અહીં મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવ્યાં છે તેના પાછળ મોટી મોટી કંપનીઓનો હાથ છે."

"ડૅમ્સ પણ બનાવવામાં આવ્યા છે. અહીં મોટી મોટી નદીઓ છે. તેના પર ડૅમ્સ બાંધવામાં આવ્યા છે."

"તેના કારણે પણ લોકોને સમસ્યા થઈ છે. તેમના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયાં છે. તેમણે આ વિસ્તારો છોડીને જવું પડ્યું."

"તેમનો સીધો સંપર્ક જાનવરો સાથે પણ થતો રહે છે. કેમ કે એમેઝોન દુનિયાનું સૌથી મોટું જંગલ નહીં પણ ઇકો સીસ્ટમ પણ છે."


એમેઝોનના જંગલો પર નજર

Image copyright Reuters

વરિષ્ઠ પત્રકાર શોભન સક્સેના જણાવે છે કે એમેઝોનના જંગલો પર દુનિયાની નજર છે ખાસ કરીને કંપંનીઓની નજર છે.

તેઓ કહે છે, "જે જનજાતિઓને સૌથી મોટું નુકસાન થયું હતું તે તેમને રબર પ્લાન્ટેશનથી થયું હતું. રબરનો છોડ અહીં 19મી સદીમાં મળી આવ્યો હતો."

"એક બ્રિટિશ વૈજ્ઞાનિક તેને મલેશિયા લઈ ગયા ત્યાર બાદ વિવિધ પ્રકારના લોકો અહીં આવ્યા અને રબર તથા તેના જેવા અન્ય છોડ અને ઔષધી શોધવાની કોશિશ કરી હતી."

"તેનાથી જંગલને ઘણું નુકસાન થયું. લોકોએ પણ નુકસાન કર્યું અને કૉર્પોરેશને પણ તેનાથી આ જનજાતિઓ પર મોટું જોખમ આવ્યું."

દરમિયાન એક સવાલ ઉઠે છે કે આવી જનજાતિઓને આપણા જીવનના મુખ્ય પ્રવાહમાં કેમ ન લાવી શકાય અને આપણી આધુનિક દુનિયામાં કેમ પ્રવેશ ન કરાવી શકાય? એ દુનિયા જેને આપણે સભ્ય માનીએ છીએ.

કેમ મનુષ્યોની આ વસ્તીને જંગલોમાં સંઘર્ષમય જીવન જીવવા માટે તેમના હાલ પર છોડી દેવામાં આવી?

શું આપણે તેમને આપણા જેવા બનાવીને તેમનું ભલું ન કરી શકીએ?

પ્રોફેસર પ્રમોદ કુમાર કહે છે આ વિશે વિચારવું પણ ખતરનાક છે.

તેઓ કહે છે,"આપણા પૂર્વજો પણ હજારો વર્ષો પહેલાં જંગલોમાં અને ગુફાઓમાં રહેતા હતા. આપણને આજની સ્થિતિમાં આવતા ઘણાં વર્ષો લાગ્યાં."

"જો આપણે તેમને પણ આજની સ્થિતિમાં લાવવા ઇચ્છીએ, તો તેમને એક ખીણમાં કૂદકો મારવા કહેવા બરાબર છે."

"ઉદાહરણ તરીકે જ્યારે જારવા લોકો પ્રથમ વાર મનુષ્યોના સંપર્કમાં આવ્યા અને કપડાં પહેરવા લાગ્યાં તો તેમને ચામડીના રોગ થવાના શરૂ થઈ ગયા."


'તેઓ આપણ કરતાં વધુ સભ્ય છે'

ડૉ. પ્રમોદ કુમાર કહે છે, "ખરેખર સભ્યતાનો કૉન્સેપ્ટ(વિચાર) કોલોનિયલના સમયથી આવ્યો છે. ત્યારે એવું સમજવામાં આવતું કે યુરોપના લોકો તેમના સંસ્થાન કરતાં વધુ સભ્ય છે."

"પરંતુ આ આદિ જાતિના લોકો આપણા કરતાં પણ વધુ સભ્ય છે. તેમના સમુદાયમાં એક 20-25 લોકોના સમૂહમાં એક માણસ જંગલી સૂવરનો શિકાર કરે તો તેને તમામ લોકો વચ્ચે વહેંચવામાં આવે છે."

"માછલી પકડવામાં આવે તો પણ આવી જ રીતે વહેંચવામાં આવે છે. શું આવું આપણા સમાજમાં છે? તો આપણે સભ્ય છીએ કે તેઓ? આપણે તો ખાવા માટે પાડોશી સાથે લડાઈ કરી લેતા હોઈએ છીએ."

આ લૉસ્ટ ટ્રાઇબ્સ વિશેની બાબતોના જાણકારો અનુસાર તેમને યથાવત રહેવા દેવી જોઈએ.

તેમના અનુસાર જ્યારે આધુનિક સમાજમાં રહેતા લોકો તેમનો સંપર્ક કરવાની કોશિશ કરે છે ત્યારે તેઓ તીર અને ભાલાથી પ્રતિકાર કરતાં હોય છે. તેમના માટે આવા લોકો સંદિગ્ધ છે.

તેઓ તેમની દુનિયામાં પ્રકૃતિ સાથે અનુકૂળતા સાધીને તેમની જરૂરીયાતો અનુસાર રહે છે. પ્રકૃત્તિ તેમની જરૂરીયાતો પૂરી કરી દે છે.

આપણે આપણી દુનિયાની સરખામણી તેમની દુનિયા સાથે કરીએ તો શું તેમની દુનિયા આપણા કરતાં સારી છે?

જાણકારો અનુસાર આપણે જો તેમનાથી કંઈ શીખી ન શકીએ તો કમ સે કમ તેમને આપણા જેવા બનાવવાની કોશિશ પણ ન કરીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો