આ ગુજરાતી સાંઢ છે બ્રાઝિલની 80 ટકા ગાયોનો 'પિતા'

સાંઢ સાથે ભાવનગરના મહારાજા
ફોટો લાઈન કૃષ્ણા સાંઢને ભાવનગરથી બ્રાઝીલ લઈ જવાયો હતો

ફૂટબૉલ પ્રેમી બ્રાઝિલમાં ગુજરાતની ગીર ગાયોને સન્માનથી જોવામાં આવે છે.

બ્રાઝિલ અને ભારતના સંબંધોના તાર ગુજરાત સાથે અનોખી રીતે જોડાયેલા છે, જેનો પાયો 50ના દાયકામાં નંખાયો હતો.

એ સમયે ભાવનગરના મહારાજાએ બ્રાઝિલના એક ખેડૂતને સાંઢ ભેટમાં આપ્યો હતો.

આ ભેટના કારણે બ્રાઝિલમાં ઉત્તમ નસલની ગાયો વિકસાવવામાં ખૂબ જ મદદ મળી હતી.

આજે બ્રાઝિલમાં ગુજરાતની ગીર નસલની ગાયોને વિશેષ દરજ્જો મળ્યો છે.


બ્રાઝિલમાં ગીર નસલની ગાય

વર્તમાન સમયમાં બ્રાઝિલના એક પ્રાંત પૈરાનાના એક ડેરી ફાર્મમાં ઇલ્હાબેલા નામની ગાયનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

એવું નથી કે તે ગાય મા બનવાની છે તેથી તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

તેની કાળજી એટલા માટે રાખવામાં આવી રહી છે, કારણ કે તે આ ફાર્મની અંતિમ ગાય છે, જેનો ભારત સાથે સંબંધ છે.

ઇલ્હાબેલા એ સાંઢની વંશજ છે, જેનાં કારણે ગુજરાતની ગીર ગાય બ્રાઝિલમાં પ્રખ્યાત થઈ અને જેના કારણે બ્રાઝિલમાં ગાયોની નસલમાં સુધારો આવ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ફાર્મના ખેડૂત ગુઇલહર્મ સેક્ટિમ કહે છે, "જ્યારે મારા દાદાએ કૃષ્ણ નામના આ સાંઢની તસવીર જોઈ, ત્યારે જ તેમને એ પસંદ આવી ગયો હતો.”

“કૃષ્ણ હજી નાનો હતો અને ગુજરાતના ભાવનગરના મહારાજા પાસે હતો. મારા દાદા તેને બ્રાઝિલ લઈ આવ્યા હતા.”


બ્રાઝિલની 80 ટકા ગાયોમાં કૃષ્ણનું લોહી છે

Image copyright DIEGO PADGURSCHI / BBC

હકીકતમાં ગુઇલહર્મ સેક્ટિમના દાદા સેલ્સો ગાર્સિયા સિદ અને ભાવનગરના મહારાજાની દોસ્તીની આ વાત છે.

ભાવનગરના મહારાજાએ સેલ્સો ગાર્સિયાને કૃષ્ણ ભેટમાં આપ્યો હતો. કૃષ્ણના નવા માલિક તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા.

તેમનો પ્રેમ એટલો હતો કે વર્ષ 1961માં જ્યારે કૃષ્ણનું મૃત્યુ થયું, ત્યારે તેમણે કૃષ્ણના શરીરને સાચવવાનો નિર્ણય લીધો.

ગુઇલહર્મનું કહેવું છે કે, બ્રાઝિલની લગભગ 80 ટકા ગાયમાં કૃષ્ણનું જ લોહી વહે છે.

ફક્ત આ ફાર્મમાં જ નહીં આ ફાર્મની બહાર પણ ગીર નસલની ગાયોની બોલબાલા છે.


ગીર ગાયોની બોલબાલા

Image copyright JOHN FELLET / BBC

બ્રાઝિલના મેનાસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેનેટિક રીતે ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે.

ગીરની ગાયો માટે બ્રાઝિલનું હવામાન અનુકૂળ માનવામાં આવે છે.

તેમને અહીંયા બીમારીઓ નથી થતી અને આ નસલને અહીંની લૅબોરેટરીમાં ઉત્તમ બનાવવામાં આવે છે.

વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા વૈજ્ઞાનિક ગીરની ગાયોના આ પ્રકારના ભ્રૂણ વિકસિત કરે છે, જેના દ્વારા જન્મ લેતી ગાય અનેક લિટર વધુ દૂધ આપી શકે છે.

અહીં પાછલા દાયકામાં આ પ્રકારે જન્મેલી ગાયોનું વ્યાપકપણે ખરીદ-વેચાણ થઈ રહ્યું છે.

એમ્બ્રાપા લૅબના રિસર્ચર માર્કોસ ડિસિલ્વા કહે છે, "પાછલાં 20 વર્ષમાં બ્રાઝિલમાં દૂધનું ઉત્પાદન ચાર ગણું થયું છે અને તેમાં 80 ટકા દૂધ ગિરોલૅન્ડો ગાયથી આવે છે જે ગીર ગાયની પેદાશ છે."


આ નસલમાં કંઈક જાદુ છે...

Image copyright DIEGO PADGURSCHI / BBC

ગીર ગાયને કારણે બ્રાઝિલમાં દૂધનો વેપાર વધી રહ્યો છે. મિનાસ ગિરાસના આ ડેરી ફાર્મની લગભગ 1200 ગાય તેનું ઉદાહરણ છે.

આમાંથી કેટલીક ગાયની કિંમત નવ લાખ રૂપિયા સુધી છે જે એક દિવસમાં 60 લિટર દૂધ આપે છે.

આ ગાયોમાંથી કેટલીક ગાય તો 20 વર્ષ સુધી દૂધ આપે છે.

વ્યવસાયે પશુ ચિકિત્સક લુઇઝ ફર્નાન્ડો કહે છે, "ગાયની આ નસલમાં કંઈક તો જાદુ છે. આ સારી ગાય છે.”

“આ ગાય વારંવાર બીમાર પડતી નથી અને તેની ઉંમર લાંબી હોય છે."

વર્ષો પહેલાં ગુજરાતથી લાવવામાં આવેલી ગાયોની દુનિયાના આ ભાગમાં પૂજા થાય છે.

તેનું એક કારણ એ છે કે આ ગાયોની મદદથી આ દેશમાં લોકોનો આર્થિક વિકાસ થયો છે અને લોકોની ભૂખ સંતોષાય છે.


ગીર સાંઢના સિમનની આયાત

આ સુંદર ચિત્રની બીજી પણ એક બાજુ છે. બ્રાઝિલમાં વિકસેલા ગીર નસલના સાંઢના સિમન (વીર્ય) હવે ભારતના હરિયાણા અને તેલંગાણા જેવા રાજ્યોમાં આયાત કરવાની વિચારણા થઈ રહી છે.

જ્યારે ગીર ગાયો સદીઓથી જૂનાગઢ, ભાવનગર, અમરેલી, અને રાજકોટ વિસ્તારમાં લોકોની રોજગારીનું માધ્યમ રહી છે.

ફક્ત આ વિસ્તારોનું ગરમ હવામાન ગીર ગાયની નસલ માટે સાનુકૂળ છે તેવું નથી, પરંતુ એક પ્રજનન સિઝનમાં ત્રણ હજાર લિટરથી વધારે દૂધ આપવાની ક્ષમતા પણ આ ગાયોને દેશ અને દુનિયાની ઉચ્ચ કક્ષાની નસલ બનાવે છે.


સિમન આયાત પર વિરોધના સૂર

60ના દશકમાં પશુધનની આયાત-નિકાસના નિયમો કડક કરી દેવાયા હતા, પરંતુ ગીર ગાયોની શુદ્ધ નસલને બચાવવા માટે કોઈ નિયમ બનાવાયો નહોતો.

શ્વેત ક્રાંતિના યુગમાં ફૅટની વધુ માત્રા વાળી ભેસમાં નફો વધુ હતો, જેનાં કારણે ગીર ગાયોને નજરઅંદાજ કરવામાં આવતી હતી.

હરિયાણાના પશુપાલન મંત્રી ઓ.પી. ધનકર કહે છે, "હરિયાણા સરકારે બ્રાઝિલ સાથે ગીર નસલના સાંઢોના સિમન આયાત કરવા માટે કરાર કર્યો છે."

ગત કેટલાક વર્ષો દરમિયાન ગુજરાતમાં ગીર ગાયોના સિમનના આયાતની વાતો થતી રહી છે.

પરંતુ ગીર બ્રિડર્સ એસોસિયેશનનો મત કઈંક જુદો છે.

સંગઠનના અધ્યક્ષ બી. કે. આહીર કહે છે, "જેમને પૂરતી જાણકારી નથી તેઓ બ્રાઝિલ અંગે ઉત્સુક છે કે અમે બહારથી સિમન લાવીશું.”

“પરંતુ જે લોકો ગીર ગાયોની નસલની શુદ્ધતા સમજે છે, તેઓ બ્રાઝિલના સિમન વિશે ક્યારેય વિચાર નહીં કરે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ